કોરોના વાઇરસ : ડાયાબિટીસના દર્દીઓએ કોરોનાથી કેવી રીતે બચવું?

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.

ઝાયડસના સ્થાપક અને ડાયાબિટીઝની સારવારમાં નિષ્ણાત મનાતા ડૉ. વી. એન. શાહનું કહેવું છે કે અનલૉક પછી સતત વધતા સંક્રમણને કારણે આવા દર્દીઓ માટે ખતરો વધ્યો છે અને તેમણે વધારે સાવચેત રહેવાની જરૂર છે.

નિષ્ણાતો મુજબ કોરોના સંક્રમણની સૌથી વધારે અસર જે લોકો પર થઈ તેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડનીની બીમારીના દર્દી તથા અન્ય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ સામેલ છે.

ડૉ. વી. એન. શાહે કહ્યું કે કોરોનાના ચેપગ્રસ્તોમાં ડાયાબિટીસ, બલ્ડપ્રેશરથી પીડિત દરદીઓમાં પણ એ લોકોની પરિસ્થિતિ વધારે ગંભીર થતી હતી, જેમના શરીરમાં સ્થૂળતા હતી.

તેમણે જણાવ્યું કે ભલે અનલૉક થઈ ગયું હોય પરંતુ ડાયાબિટીઝના દર્દીઓ માટે ઘરની બહાર બિનજરૂરી જવું એ ગુના આચરવા જેવું છે, કારણકે તેમના માટે ખતરો વધારે છે.

ડૉ. વી. એન. શાહ સાથે બીબીસી ગુજરાતીની વાતચીતના મુખ્ય અંશ અહીં વાચો:

પ્રશ્ન: સરકાર અને નિષ્ણાતોનું કહેવું છે કે લૉકડાઉનને કારણે કોરોના વાઇરસને ઝડપથી ફેલાતો અટકાવી શકાયોહોત, પરંતુ અનલૉક-1 પછીથી સંક્રમણ ગુજરાત સહિત ભારતનાં અન્ય રાજ્યોમાં સતત વધી જ રહ્યા છે. તો શું આ ચિંતાનો વિષય છે?

ડૉ. શાહ: અનલૉક પછી બેદરકારીપૂર્વક વર્તનને કારણે કોરોના વાઇરસનું સંક્રમણ વધ્યું છે.

અનલૉકને કારણે લોકો માને કે કોરોના વારઇસ જતો રહ્યો છે, તો એ લોકોની ગેરસમજણ થાય છે.

બિનજરૂરી બહાર ફરતા લોકો પોતાના પરિવારને ઘરે આવીને ખતરામાં નાખે છે.

બીજું ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા વધવાથી ચેપને જલદી પકડી પાડવામાં આવે છે, એટલે કોરોનાના કેસ પણ વધ્યા છે અને દર્દીઓને ગંભીર થતા રોકી પણ શકાયા છે.

અનલૉકમાં શું સાવચેતી રાખવી?

પ્રશ્ન: વૃદ્ધો અથવા પાંચ વર્ષથી નાનાં બાળકોને કોરોના સંક્રમણનો ચેપ લાગવાનો સૌથી વધારે ખતરો હોય છે, પરંતુ યુવાનોમાં સંક્રમણ અને મૃત્યુ પણ જોવા મળ્યાં છે.

ગુજરાતમાં યુવાનો અને વૃદ્ધોમાં કેટલા પ્રમાણમાં કોરોના વાઇરસનું સંક્રમણ જોવા મળ્યું છે?

ડૉ. શાહ: એક સંશોધન પ્રમાણે અમદાવાદ કે જ્યાં ગુજરાતમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ જોવા મળ્યા, ત્યાં મુખ્ય કોવિડ હૉસ્પિટલ જેમકે સિવિલ હૉસ્પિટલ અને વી.એસ. હૉસ્પિટલમાં મૃત્યુ પામનારા લોકોમાં 80-83 ટકા જેટલા દર્દીઓમાં ઓબેસિટી, ડાયાબિટીસ, કૅન્સર, કિડનીના રોગ અને બીપીની ફરિયાદ હતી.

આમ યુવા વર્ગમાં કોરોનાને કારણે મૃત્યુ ઓછાં જોવાં મળ્યાં છે અને એમાં પણ મોડેથી દાખલ થવાને કારણે લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે જૂન મહિનામાં આમાં ઘટાડો થયો છે.

પ્રશ્ન: ગુજરાતમાં જ્યાં ડાયાબિટીના દર્દી મોટી સંખ્યામાં છે, તેમના પર કોરોના વાઇરસની અસર કેવી જોવા મળી છે?

ડૉ. શાહ: જે લોકોનું ડાયાબિટીસ નિયંત્રણમાં નહોતું, જેઓ ઓછી દવા લેતા હતા અને જેમનાં બ્લડપ્રેશર નિયંત્રણમાં નહોતાં, એમને કોરોના સંક્રમણની વધારે અસર થઈ હતી.

અમદાવાદની મુખ્ય હૉસ્પિટલોના દર્દીઓના વિશ્લેષણથી જાણવા મળ્યું કે કોમોર્બિડ દર્દીઓમાં ઓબેસિટી એટલે સ્થૂળતા ધરાવતા લોકોમાં પણ કોરોના વાઇરસને કારણે પરિસ્થિત ગંભીર થતી જોવા મળી છે.

એવા દર્દી કે જેમનું શરીર સ્થૂળ હોય, પથારીમાં સૂતા હોવાને કારણે તેમનાં ફેફસાંની ક્ષમતા ઘટી જતી હોય છે. ડાયાબિટીસને કારણે પહેલાંથી શરીરના અંગો પ્રભાવિત હોય જેથી તેમની હાલત ગંભીર થઈ જાય અને એટલેજ મૃત્યુદર વધ્યો હતો.

પ્રશ્ન:અનલૉક થયા પછી જે રીતે કોરોના સંક્રમણ વધ્યું છે, તેનાથી ડાયાબિટીના દર્દીઓ માટે જોખમ વધ્યું છે? તેમણે શું સાવચેતી લેવી જોઈએ?

ડૉ. શાહ: ડાયાબિટીસના દર્દીઓએ શુગરને નિયંત્રણમાં રાખવાની જરૂર છે, જો તમે જાતે ડાયાબિટીસને નિયંત્રણમાં ન કરી શકતાં હોવ તો ટેલિમેડિસિનની સુવિધા પણ છે, એની મદદ લઈ શકાય.

તેમણે ઘરમાં સેલ્ફઆઇસોલેશન અને સેલ્ફલૉકડાઉન કરવાની જરૂર છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઘરની બહાર જવું ગુનો કરવા જેવું છે કારણકે તેમના માટે જોખમ વધારે છે.

બહુ જરૂરી હોય તો જ તેમણે બહાર જવું જોઈએ. પોષણયુક્ત આહાર, સાતથી આઠ કલાકની ઊંઘ અને ઘરમાં રહીને કસરત કરવી તેમના માટે જરૂરી છે.

આ લોકોને 50 મિલિગ્રામ ઝિંક અને વિટામિન સીની દવા લેવાનું પણ સૂચન કરીએ છીએ. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સૅનિટાઇઝેશનના નિયમો પણ પાળવા જોઈએ.

એવી જ રીતે કિડનીના દર્દીઓ પણ સારવારમાં નિયમિત ક્રિયેટિનનું સ્તર જાળવી રાખશે તો સંક્રમણ સામે વધારે તૈયાર હશે.

વૃદ્ધો, ડાયાબિસઝ, કિડનીના રોગના દર્દીઓ અને અન્ય ગંભીર બીમારીવાળા લોકોએ ઘરે જ રહેવું, કારણકે ભારત હજી કોરોના વાઇરસથી મુક્ત નથી થયું.

બે વખત સંક્રમણથા?

પ્રશ્ન: કોરોના વાઇરસનું સંક્રમણ શું ફરીથી થઈ શકે?

ડૉ. શાહ: જુદાં-જુદાં દેશો અને શહેરોમાં થયેલાં સંશોધન પ્રમાણે કોરોનાના 0.9 ટકાથી 8 ટકા જેટલા દર્દીઓમાં ફરીથી સંક્રમણ થયું હોય એવું જોવા મળ્યું છે.

ભારત અને અન્ય દેશોમાં પણ કોરોનાનું સંક્રમણ ફરી થયું હોવાની વાત સામે આવી છે.

એવું જોવા મળ્યું છે કે જે લોકો સાથે રહેતા હોય અને બંનેને કોરોના સંક્રમણ થયું હોય, પછી સાજા પણ થઈ ગયા હોય.

ફરીથી તેઓ ચેપગ્રસ્ત થયા હોય એવા પણ ઉદાહરણો છે, પરંતુ આ ઓછી રોગપ્રતિકારક શક્તિને કારણે થાય છે કે પછી બીજી વખત વાઇરસનો ચેપ લાગવાથી થાય છે એ હજી ચોક્કસ પણ કહી શકાય એમ નથી.

પ્રશ્ન: પ્લાઝમા થૅરેપીનો ગુજરાતમાં કેટલો વપરાશ થઈ રહ્યો છે?

ડૉ. શાહ: પ્લાઝમા થૅરેપીનું પરિણામ અનેક રાજ્યોમાં સારું રહ્યું છે, પરંતુ ગુજરાતમાં બહું ઓછા દર્દીઓને પ્લાઝ્મા થૅરેપી આપી શકાઈ છે.

જે ચાર કે પાંચ દરદીઓને પ્લાઝ્મા થૅરેપી આપવામાં આવી છે, તેમાં ડોનર ડૉક્ટર અને પૅરામૅડિકલ સ્ટાફ જ હતા.

એટલે અમે અન્ય લોકોને વિનંતી કરીએ છીએ કે જો તેઓ કોરોના સંક્રમણમાંથી સાજા થયા હોય તો તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે આગળ આવવું જોઈએ.

પ્રશ્ન: અમદાવાદનો કોટ વિસ્તાર જે પહેલાં કોરોનાનું ઍપિસેન્ટર હતો, ત્યાં જૂન મહિનામાં કોરોનાના દરદીઓની સંખ્યા ઘટી.

તો શું આ વિસ્તારમાં હર્ડ ઇમ્યુનિટી કેળવાઈ છે?

ડૉ. શાહ: અમારી હૉસ્પિટલમાં (જે કોવિડ હૉસ્પિટલ નથી) જ પહેલાં પાંચથી દસ દર્દી કોરોના રિપોર્ટ કરાવતા હતા, પરંતુ જૂનના અંત સુધીમાં અમે 50 થી 60 દરદીઓના રિપોર્ટ કરાવીએ છીએ.

જે વિસ્તારોમાં પહેલાં કોરોનાનું સંક્રમણ આવ્યું, ત્યાં પીક આવીને ગયું એવી જ રીતે હવે સુરત, વડોદરા અને બધા જિલ્લાઓમાં પીક જોઈશું અને પછી ત્યાં કેસ ઘટવાના શરૂ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો