કોરોના વાઇરસ મહામારીમાંથી સામાન્ય બીમારીમાં ક્યારે ફેરવાશે?

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

2020નું અડધું વર્ષ પૂર્ણ થયું ત્યાં સુધી દુનિયામાં કોરોના વાઇરસથી એક કરોડથી વધારે લોકો ચેપગ્રસ્ત થયા અને પાંચ લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં.

ભારતમાં પાંચથી વધુ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે ત્યારે ગુજરાતમાં મંગળવાર સુધી 31,900થી વધારે કન્ફર્મ કેસો હતા. જેમાંથી 6871 ઍક્ટિવ કેસ હતા.

ત્યારે દુનિયા કોરોના વાઇસની વૅક્સિન અને ચોક્કસ દવાની રાહ જોઈ રહી છે. જોકે, રૅમડેસિવિર, ફૅબિફ્લૂ જેવી દવાઓ બજારમાં આવી છે. પરંતુ શું તે કારગત છે?

જાણિતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ પદ્મશ્રી ડૉક્ટર તેજસ પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરીને આ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો.

ગુજરાતમાં કોરોનાસંક્રમણ સામેની વ્યૂહરચના અને તેના અમલીકરણ માટે નિષ્ણાત ડૉક્ટરોની એક ટીમ બનાવવામાં આવી છે. ડૉક્ટર તેજસ પટેલ તેમાં સામેલ રહ્યા છે.

તેમની સાથે વાતચીતના મુખ્ય અંશ અહીં વાચો :

પ્રશ્ન : કોરોના સંક્રમણની સારવારમાં રૅમડેસિવિર, ફૅબીફ્લૂ જેવી દવાઓ આવવાથી શું રાહતનો શ્વાસ લઈ શકાય?

ડૉ. તેજસ પટેલ : કોઈ પણ આવી બીમારી આવે તેની સારવારની સ્ટ્રૅટેજીમાં ફેરફાર આવતા રહે. ઘણા દેશો આમાંથી પસાર થયા છે, કેટલાય દેશો આમાંથી બહાર આવી ગયા છે. હું માનું છું કે ભારતમાં પણ પીક આવી ગયો છે. કોરોનાસંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત શહેર જેમ કે અમદાવાદ પણ ધીરેધીરે આમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા અને હાથ ધોવાની આદત પર સૌથી વધારે ભરોસો રાખવો જોઈએ. શરૂઆતમાં હાઇડ્રૉક્સિક્લોરોક્વિનની વાત હતી, તેનાં પરિણામ બહુ ચોક્કસ રીતે પૉઝિટિવ જ રહ્યા હોય એવું નથી.

ખરેખર કોરોનાના દરદીનાં ફેફસાં પર અસર થાય છે ત્યારે જે દવા પ્રભાવી સાબિત થઈ રહી છે એમાં ટૉસિલિઝૂમૅબ દવા છે અને ભારતમાં તેની ઉપલબ્ધતા ઓછી છે. રૅમડેસિવિરની અસરથી હૉસ્પિટલમાં દાખલ થવાનો ગાળો ઓછો થયો છે પરંતુ મૃત્યુદર ઘટ્યો નથી. આનો પ્રયોગ ગંભીર દરદીઓમાં થયો છે.

ફૅબીફ્લૂ એ નવી દવા છે અને તેનાં પરિણામ જોવાનાં બાકી છે.

પ્રશ્ન : વૅક્સિન ક્યાર સુધી મળી શકે એમ છે અને ભારતમાં સામાન્ય લોકોને ક્યારે ઉપલબ્ધ થઈ શકે એમ છે?

ડૉ. તેજસ પટેલ : ભારત, અમેરિકા, યુરોપ સહિતના અનેક દેશોમાં વૅક્સિન પર ઝડપથી કામ થઈ રહ્યું છે પરંતુ વૅક્સિન આવશે જ એ જરૂરી નથી. કારણ કે આ વાઇરસ ઝડપથી મ્યૂટેટ (બદલાઈ) થઈ રહ્યો છે. જે વાઇરસ ઝડપથી મ્યૂટેટ થતા હોય તેની વૅક્સિન બનાવવી મુશ્કેલ હોય છે કારણકે કોઈ એક સ્ટ્રેઇનને ધ્યાનમાં રાખીને વૅક્સિન તૈયાર કરવામાં આવે અને એ મ્યૂટેટ થઈ જાય તો પછી એ રસી અક્સીર ન રહે. મને લાગે છે કે હર્ડ ઇમ્યુનિટી એ વધારે નજીકનો ઉપાય લાગે છે.

COVAXIN કોરોના વાઇરસ વૅક્સિન : ભારતની રસીનું જુલાઈમાં માનવપરીક્ષણ

પ્રશ્ન : ગુજરાતની વાત કરીએ તો અહીં મૃત્યુદર ભારતનાં અન્ય રાજ્યો કરતાં વધારે રહ્યો છે ત્યારે અહીં હર્ડ ઇમ્યુનિટી કેવી રીતે વિકસાવી શકાય?

ડૉ. તેજસ પટેલ : માની લઈએ કે સો લોકોના સમૂહમાંથી પાંચ-દસ લોકો ચેપગ્રસ્ત થયા. આમાંથી માઇલ્ડ, સિવિયર વાઇરલ લૉડ અને મૉડરેટ વાઇરલ લૉડવાળા લોકો 10-15 લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે. અને આ લોકો આગળ અન્ય 40-45 લોકોને ચેપગ્રસ્ત કરે તો એમાંથી અનેક લોકો સાજા થશે. તેમની અંદર એન્ટબૉડી ડૅવલપ થઈ ગઈ હોય તો મોટા ભાગે તેમને ફરીથી ચેપ ન લાગે. આ રીતે હર્ડ ઇમ્યુનિટી દેશની, રાજ્યની કે શહેરની હોઈ શકે છે.

અમદાવાદનો દાખલો જોઈએ તો જે કોટ વિસ્તારમાં માર્ચના મધ્યથી મે મહિના સુધી ખાડિયા, જમાલપુર, દાણીલિમડામાં સંખ્યાબંધ કેસ આવતા હતા અને મૃત્યુ પણ થતાં હતાં ત્યાં જૂનમાં આ વિસ્તારોમાંથી આટલી મોટી સંખ્યામાં કેસ આવવાનું ઓછું થયું. ઍન્ટીબૉડી ટેસ્ટ અને સૅરોલૉજિકલ ટેસ્ટ કરવામાં આવે તો આમાં વધારે તપાસ થઈ શકે.

મહામારીમાંથી સામાન્ય બીમારી કેવી રીતે બનશે કોરોના વાઇરસ?

પ્રશ્ન : નિષ્ણાતો સતત કહે છે કે કોરોના વાઇરસ ક્યારેય ખતમ નહીં થાય અને આપણા જીવનનો ભાગ બની રહેશે. તો એ તબક્કો ક્યારે આવશે કે જ્યારે કોરોના વાઇરસ એક મહામારીના રૂપમાં નહીં પરંતુ અન્ય સામાન્ય બીમારી ગણાશે?

ડૉ. તેજસ પટેલ : ભારતથી પહેલાં સંક્રમિત દેશો જે કોરોના મહામારીમાંથી બહાર આવી ગયા છે એમને જોતાં એટલું અનુમાન કરી શકાય તે ઑગસ્ટ મહિનાથી સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધી પરિસ્થિત કાબૂમાં આવી જશે. જોકે આ અનુમાન છે, ચોક્કસપણ કહી ન શકાય.

પોલિયો અને સ્મૉલપૉક્સ સિવાય કોઈ વાઇરસ પૂર્ણ રીતે ખતમ નથી થયો. સ્વાઇન ફ્લુ, ચિકનગુનિયા ઉથલો મારે છે એવી જ રીતે આ વાઇરસ ઉથલો મારશે. સ્પેનિશ ફ્લૂ સિવાય કોઈ વાઇરલ સંક્રમણમાં પહેલાં કરતાં બીજો ઍટેક અને ત્રીજો ઍટેક નબળો રહ્યો છે. એવી રીતે કોરોના વાઇરસ પણ ઢીલો પડશે.

પ્રશ્ન : કોરોના સંક્રમણથી બચવું એ તો પડકાર છે જ પરંતુ જે તણાવ તેના કારણે જીવનમાં વધે તેને કેવી રીતે નિયંત્રિત કરવો?

ડૉ. તેજસ પટેલ : કોરોના વાઇરસને કારણે લૉકડાઉન અને અન્ય કારણોસર જીવનમાં ફેરફાર આવતા મુશ્કેલી અનુભવાય એ મનુષ્ય સ્વભાવ છે. મનુષ્યે પૃથ્વીની સાથે છેડછાડ કરી છે, ગ્રીન કવર ઓછું થયું છે, પશુઓ અને મનુષ્યોનું અંતર ઓછું થયું છે. મોટા ભાગના વાઇરસ પશુઓમાંથી મનુષ્યોમાં આવ્યા છે. તો હવે એ સમજવાની જરૂર છે કે મનુષ્યના જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે.

કોરોના વાઇરસ : અમદાવાદની આસપાસનાં 200 ગામોમાં રિવર્સ-ક્વોરૅન્ટીન કેવી રીતે થઈ રહ્યું છે?

ભવિષ્ય માટે શું શીખવાની જરૂર?

પ્રશ્ન : કોરોનાસંક્રમણ સામેની લડતમાં ગુજરાતમાં આયુર્વેદની દવાઓ અને ઉકાળા આપવામાં આવ્યા. આ વિશે શું કહેશો?

ડૉ. તેજસ પટેલ : હું ઑલ્ટરનેટિવ મેડિસિન જેમ કે આયુર્વેદનો વિરોધી નથી. સારવારમાં આયુર્વેદ દવાઓની કોઈ ભૂમિકા સાબિત નથી થઈ એટલે તેના પર કંઈ નહીં કહું. જોકે રોગપ્રતિકારક ક્ષમતામાં આયુર્વેદની સલાહ પ્રમાણે આમળા, હળદર કે અન્ય તુરી વસ્તુઓ લેવી સારી છે. કસરત એક સાબિત થયેલું ઇમ્યુનિટી બૂસ્ટર છે. દરેક વ્યક્તિએ નિયમિત એક કલાક કસરત કરવી જોઈએ.

પ્રશ્ન : આ મહામારીથી સરકારો અને સામાન્ય લોકોએ શું શીખવાની જરૂર છે?

ડૉ. તેજસ પટેલ : વ્યક્તિની અને સમાજની તંદુરસ્તી જવાબદારી માત્ર સરકારની નથી. બધાએ જવાબારી લેવી પડે. મહામારીને કારણે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું તો લોકો પહેરે છે પરંતુ મહામારી પતી ગયા પછી પણ માસ્ક પહેરવો જોઈએ. ઉધરસ થાય તો માસ્ક પહેરવાની જવાબદારી બધાની છે જેથી બીજાને ચેપ ન લાગે. અત્યારે લોકો જેવી ચોખ્ખાઈ રાખે છે એ કાયમ રાખવી જોઈએ.

આ વખતે કુદરતે ચેતવણી આપી છે, જો આપણે હજી નહીં સમજીએ તો આપણાં શહેરો કે દેશ અને સૃષ્ટિને કાયમી નુકસાન કરી બેસીશું.

જ્યારે ડર ઊભો થાય ત્યારે અનુશાસન આવે છે પરંતુ ડર વગર અનુશાસન રાખવું જોઈએ. માસ્ક, પહેરવો, હાથ ધોવા અને ચોખ્ખાઈ તથા અનુશાસનને તમારા લોહીમાં ઉતારવાની જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો