You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્રીમાં ગેઇમ ડાઉનલોડ કરતા હો તો કરોડોની ઠગાઈ સામે ચેતી જજો
- લેેખક, જો ટાઇડી
- પદ, સાઇબર સંવાદદાતા
સમગ્ર વિશ્વના ગેઇમરો હૅકરોને દગાથી પૈસા કમાવામાં મદદ કરી રહ્યા છે. આવું એ ગેઇમ્સને ડાઉનલોડ કરવાના કારણે થઈ રહ્યું છે, જેમાં એક ખાસ પ્રકારનું માલવૅર છુપાયેલું હોય છે.
'ગ્રાન્ડ થૅફ્ટ ઑટો', 'NBA 2K19' અને 'પ્રો ઇવૉલ્યૂશન સૉકર 2018' જેવી ગેઇમો ઘણાં માધ્યમોથી ફીમાં લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
પરંતુ તેની અંદર એક ક્રિપ્ટો માઇનિંગ માલવૅર કોડ છુપાયેલો હોય છે જેને ક્રૅકોનૉશ તરીકે ઓળખવામાં આવે છે. તે ડાઉનલોડ થયા બાદ ગુપ્ત રીતે ડિજિટલ પૈસા બનાવવામાં આવે છે.
સંશોધકો પ્રમાણે ગુનેગારોએ આ દગાખોરીથી બે મિલિયન ડૉલર (લગભગ 14 કરોડ રૂપિયા) કરતાં વધુ કમાઈ લીધા છે.
અવાસ્ટ કંપનીના સંશોધકોનું કહેવું છે કે આવા પ્રકારની 'ક્રેક્ડ ગેઇમ'ના કારણે ક્રેકોનૉશ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
આ સાઇબર સિક્યૉરિટી કંપની સામે દરરોજ લગભગ 800 કેસ સામે આવી રહ્યા છે.
પરંતુ અવાસ્ટ માત્ર એ જ કમ્પ્યુટરો પર તેને પકડી શકે છે, જેમાં તેનું ઍન્ટિ વાઇરસ સોફ્ટવૅર નાખવામાં આવ્યું હોય. તેથી આશંકા વ્યક્ત કરાઈ રહી કે માલવૅર વ્યાપક સ્તરે ફેલાઈ રહ્યું છે.
ઘણા દેશોમાં કેસ સામે આવ્યા
અત્યાર સુધી આ માલવૅર એક ડઝન કરતાં વધુ દેશોમાં મળી આવ્યું છે. ભારતમાં હજુ સુધી તેના 13,779 કેસ સામે આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય નીચે દર્શાવેલા દેશોમાં આ માલવૅર મળી આવ્યું છે :
- ફિલિપાઇન્સ : 18,448 કેસ
- બ્રાઝિલ : 16,584 કેસ
- પોલૅન્ડ : 2,727 કેસ
- અમેરિકા : 11,856 કેસ
- બ્રિટન : 8,946 કેસ
એક વાર ઇન્સ્ટૉલ થયા બાદ ક્રેકોનૉશ પોતાને બચાવવા માટે વિંડોઝ અપડેટ બંધ કરી દે છે અને સુરક્ષા માટે ઇન્સ્ટૉલ કરાયેલું સોફ્ટવૅરને હઠાવી દે છે.
આ ક્રિપ્ટોકરન્સી માઇનિંગ પ્રોગ્રામ બૅકગ્રાઉન્ડમાં ચાલતો રહે છે અને કમ્પ્યુટર પર કામ કરનારાને તેની ખબર પણ નથી પડતી. પરંતુ તે કમ્પ્યુટરની સ્પીડ જરૂર ઘટાડી શકે છે. વધુ ઉપયોગ કરીને કમ્પ્યુટરના પાર્ટ ખરાબ કરી શકે છે અને વીજળીનું બિલ પણ વધારી શકે છે.
અવાસ્ટના ક્રિસ્ટોફર બડ પ્રમાણે, "ક્રેકોનૉશ બતાવે છે કે ફ્રીમાં ગેઇમ મેળવવાની ઇચ્છા તમને એ પણ આપી શકે છે, જે આપ મેળવવા નથી ઇચ્છતા - માલવૅર."
"અને માલવૅર બનાવનારાઓને આનાથી ઘણો લાભ થઈ રહ્યો છે."
ગેઇમરો પર વધી રહેલા સાઇબર હુમલા
માર્ચમાં સિસ્કો ટૈલોસના સંશોધકોને ઘણી ગેઇમોનાં સોફ્ટવૅરમાં માલવૅર મળ્યાં હતાં. આ મહિનાની શરૂઆતમાં જી ડેટા સોફ્ટવૅરની એક ટીમે હૅકિંગ કૅમ્પેનની શોધ કરી હતી, જેના નિશાન ગેઇમરો હતા.
સાઇબર સિક્યૉરિટી કંપની એકામાઇ પ્રમાણે 2019થી ગેઇમિંગ બ્રાન્ડ અને ગેઇમરો પર સાઇબર હુમલા 340 ટકા વધ્યા છે.
તે પૈકી ઘણા સાઇબર હુમલામાં ગેઇમિંગ એકાઉન્ટ ચોરી લેવામાં આવ્યાં, કારણ કે અંદર ઘણી મોંઘી ઇન-ગેઇમ આઇટમ હતી, જે હૅકિંગ કરનારા વેચે છે.
એકામાઇના સંશોધક સ્ટીવ રેગન કહે છે કે, "ગુનેગારોના ગેઇમરો પરના હુમલા સતત વધી રહ્યા છે."
"ગેઇમરો પોતાના શોખ પાછળ પૈસા ખર્ચ કરવા માટે જાણીતા છે અને તેઓ તેની સાથે સતત જોડાયેલા રહે છે, તેથી ગુનેગારો તેમને નિશાન બનાવે છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો