You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીવી નરસિમ્હા રાવે દેશમાં આર્થિક સુધારાઓનો ઇતિહાસ 1991માં કેવી રીતે રચ્યો હતો?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
કૅબિનેટ સચિવ નરેશ ચંદ્રા 20 જૂન, 1991ની સાંજે, નવનિયુક્ત વડા પ્રધાન નરસિમ્હા રાવને મળ્યા હતા અને તેમને આઠ પાનાંની એક અત્યંત ગુપ્ત નોંધ આપી હતી.
કયાં કામો પર વડા પ્રધાને તત્કાળ ધ્યાન આપવું જોઈએ તે નોંધમાં જણાવવામાં આવ્યું હતું. નરસિમ્હા રાવે તે નોંધ વાંચી ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
તેમણે પહેલો સવાલ એ પૂછ્યો હતો કે "ભારતની આર્થિક હાલત આટલી ખરાબ છે?"
તેના જવાબમાં નરેશ ચંદ્રાએ કહ્યું હતું કે "નહીં સર. વાસ્તવમાં આનાથી પણ વધારે."
ભારતની વિદેશી વિનિમય અનામત એટલે કે ફોરેન-ઍક્સ્ચેન્જ રિઝર્વની હાલત એવી હતી કે ઑગસ્ટ, 1990 સુધીમાં તેમાં માત્ર ત્રણ અબજ, 11 કરોડ ડૉલર બાકી રહ્યા હતા. જાન્યુઆરી, 1991માં ભારત પાસે ફોરેન-ઍક્સ્ચેન્જ સ્વરૂપે માત્ર 89 કરોડ ડૉલર હતા. સાદા શબ્દોમાં કહીએ તો ભારત પાસે બે સપ્તાહની આયાત કરી શકાય એટલું જ વિદેશી ચલણ બચ્યું હતું.
તેનું કારણ હતું 1990ના અખાતી યુદ્ધને લીધે ઑઇલના ભાવમાં થયેલો ત્રણ ગણો વધારો.
બીજું કારણ એ હતું કે કુવૈત પર ઇરાકના હુમલાને કારણે ભારતે તેના હજારો કામદારોને સ્વદેશ પાછા લાવવા પડ્યા હતા.
તેનું પરિણામ એ આવ્યું કે વિદેશમાં રહીને કામ કરતા ભારતીયો દ્વારા સ્વદેશ મોકલવામાં આવતું વિદેશી ચલણ સંપૂર્ણપણે અટકી ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આટલું ઓછું હોય તેમ ભારતમાંની રાજકીય અસ્થિરતા અને મંડલ પંચની ભલામણોના વિરોધમાં ફાટી નીકળેલા જનાક્રોશે અર્થતંત્રને ડુબાડવામાં કોઈ કસર રાખી ન હતી.
મનમોહન સિંહને નાણામંત્રી બનવા રાજી કર્યા
એ સમયે બિન-નિવાસી ભારતીયો(એનઆરઆઈ)એ ભારતીય બૅન્કોમાંથી તેમના પૈસા ઉપાડવાનું શરૂ કરી દીધું હતું.
એ સિવાય ભારતે એંસીના દાયકામાં લીધેલી ટૂંકા ગાળાની લૉનના વ્યાજનો દર વધી ગયો હતો.
ઑગસ્ટ, 1991 સુધીમાં ફુગાવાનો દર પણ વધીને 16.7 ટકા થઈ ગયો હતો.
વડા પ્રધાનપદની સ્પર્ધામાં પ્રણવ મુખરજીએ નરસિમ્હા રાવનો સાથ આપ્યો હોવાથી તેમને આશા હતી કે તેમને ફરી એક વખત નાણામંત્રી બનાવવામાં આવશે.
તેમણે જયરામ રમેશ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "જયરામ, કાં તો તમે મારી સાથે નૉર્થ બ્લૉકમાં કામ કરશો અથવા પીવી સાથે સાઉથ બ્લૉકમાં કામ કરશો."
જોકે, નરસિમ્હા રાવનો ઇરાદો અલગ હતો. તેમણે તેમના દોસ્ત અને ઇંદિરા ગાંધીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા પી. સી. અલેકઝાન્ડરને સંકેત આપી દીધો હતો કે તેઓ પોતાના પ્રધાનમંડળમાં એક પ્રૉફેશનલ અર્થશાસ્ત્રીને નાણામંત્રી તરીકે સામેલ કરવા ઇચ્છે છે.
તેમણે રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર આઈ. જી. પટેલ અને મનમોહન સિંહને ધ્યાનમાં રાખ્યા હતા. અલેકઝાન્ડર મનમોહન સિંહની તરફેણમાં હતા તેથી તેમને રાજી કરવાની જવાબદારી પણ અલેકઝાન્ડરને જ સોંપવામાં આવી હતી.
પી. સી. અલેકઝેન્ડરે તેમની આત્મકથા 'થ્રુ ધ કૉરિડૉર્સ ઑફ પાવરઃ એન ઇન્સાઇડર્સ સ્ટોરી'માં લખ્યું છે કે, "મેં 20 જૂને જ મનમોહન સિંહના ઘરે ફોન કર્યો હતો. મનમોહનના નોકરે મને જણાવ્યું હતું કે તેઓ યુરોપ ગયા છે અને આજે મોડી રાતે પાછા ફરવાના છે."
"21 જૂનની સવારે સાડા પાંચે મેં તેમને ફોન કર્યો ત્યારે તેમના નોકરે મને જણાવ્યું હતું કે સાહેબ ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. તેમને જગાડી નહીં શકાય. મેં બહુ આગ્રહ કર્યો ત્યારે નોકરે મનમોહન સિંહને જગાડ્યા હતા. એ પછી ફોન પર આવેલા મનમોહન સિંહને મેં જણાવ્યું હતું કે મારું તમને મળવું બહુ જ જરૂરી છે."
"હું થોડી મિનિટોમાં જ તમારા ઘરે પહોંચીશ. હું તેમના ઘરે પહોંચ્યો ત્યારે મનમોહન સિંહ ફરી ઊંઘી ગયા હતા. મેં તેમને ફરી ઊંઘમાંથી ઉઠાડ્યા. મેં તેમને નરસિમ્હા રાવનો સંદેશો આપ્યો કે તેઓ તેમને નાણામંત્રી બનાવવા ઇચ્છે છે. મનમોહન સિંહે મને પુછ્યું કે તમારો શો મત છે ? મેં તેમને જણાવ્યું હતું કે મને આ દરખાસ્ત સામે વાંધો હોત તો હું આવા અસ્વાભાવિક સમયે તમને મળવા આવ્યો ન હોત."
રૂપિયાનું અવમૂલ્યન
સોગંદ લેતાં પહેલાં નરસિમ્હા રાવે મનમોહન સિંહને કહ્યું હતું કે "હું તમને કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપીશ. આપણી નીતિઓ સફળ થશે તો તેનું શ્રેય આપણે બધા લઈશું, પણ આપણે નિષ્ફળ રહીશું તો તમારે રવાના થવું પડશે."
નરસિમ્હા રાવ સામે પહેલો પડકાર રૂપિયાના અવમૂલ્યન સ્વરૂપે આવ્યો હતો. નરસિમ્હા રાવનો સંબંધ એ પેઢી સાથે હતો, જે માનતી હતી કે 1966માં ઇંદિરા ગાંધીએ કરેલું રૂપિયાનું અવમૂલ્યન ભારત માટે પારાવાર મુશ્કેલીઓ લાવ્યું હતું.
નરસિમ્હા રાવે ક્યારેય કલ્પના કરી ન હતી કે 25 વર્ષ બાદ તેમણે પણ રૂપિયાના અવમૂલ્યનનો નિર્ણય લેવો પડશે.
મનમોહન સિંહે પોતાના હાથે લખેલી એક અત્યંત ગુપ્ત નોંધ નરસિમ્હા રાવને મોકલી હતી. તેમાં રૂપિયાના અવમૂલ્યનની સલાહ આપવામાં આવી હતી. એ કામ બે તબક્કામાં કરવાનું પણ તેમાં જણાવ્યું હતું.
જયરામ રમેશે તેમના પુસ્તક 'ટુ ધ બ્રિન્ક ઍન્ડ બૅન્ક'માં લખ્યું છે કે "રાષ્ટ્રપતિ વેંકટરામન એ નિર્ણયના વિરોધમાં હતા, કારણ કે લઘુમતી સરકારને આટલો મોટો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી એવું તેઓ માનતા હતા. 1991ની પહેલી જુલાઈએ રૂપિયાનું પહેલી વખત અવમૂલ્યન કરવામાં આવ્યું હતું."
"48 કલાક પછી બીજી વખત અવમૂલ્યન કરવામાં આવ્યું હતું. ત્રીજી જુલાઈની સવારે નરસિમ્હા રાવે મનમોહન સિંહને ફોન કરીને રૂપિયાનું બીજું અવમૂલ્યન અટકાવવા જણાવ્યું હતું. મનમોહન સિંહે રિઝર્વ બૅન્કના ડેપ્યૂટી ગવર્નર ડૉ. સી. રંગરાજનને સવારે સાડા નવ વાગ્યે ફોન કર્યો હતો."
"રંગરાજને તેમને જણાવ્યું હતું કે રૂપિયાનું બીજું અવમૂલ્યન અર્ધા કલાક પહેલાંં જ કરી નાખવામાં આવ્યું છે. મનમોહન સિંહ અંદરથી બહુ રાજી થયા હતા, પણ તેમણે નરસિમ્હા રાવને આ સમાચાર આપ્યા ત્યારે તેમણે એવો દેખાડો કર્યો હતો કે તેમને અવમૂલ્યનથી તકલીફ થઈ છે."
નરસિમ્હા રાવ વડા પ્રધાન બન્યા તેનાં બે સપ્તાહ પછી દક્ષિણ મુંબઈમાં આવેલ રિઝર્વ બૅન્કની ઑફિસમાંથી બંધ મોટરકારોનો એક કાફલો રવાના થયો હતો.
ટોચના કોઈ શાસકનો કાફલો જઈ રહ્યો એવી રીતે એ કારના કાફલાની ચારે તરફ સલામતીનો સજ્જડ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
વિનય સીતાપતિએ નરસિમ્હા રાવની જીવનકથા 'હાફ લાયન : હાઉ નરસિમ્હા રાવ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ડિયા'માં લખ્યું છે કે "એ મોટરકારોમાં 21 ટન સોનું લદાયેલું હતું. મોટરકારોનો કાફલો 35 કિલોમિટર દૂર આવેલા સહાર ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર પહોંચ્યો હતો, જ્યાં સોનાના જથ્થાને વિદેશ લઈ જવા માટે હેવી લિફ્ટ કાર્ગો ઍરલાઇન્સનું વિમાન ઊભું હતું."
"એ સોનું લંડન પહોંચાડીને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના ભંડારમાં રાખી દેવામાં આવ્યું હતું. તેના બદલામાં નરસિમ્હા રાવ સરકારને જે ડૉલર મળ્યા તેનાથી ભારતને, તેણે લીધેલી લૉનની વિલંબથી ચૂકવણીની મંજૂરી મળી હતી."
ઔદ્યોગિક નીતિમાં વ્યાપક ફેરફાર
1991ની 24 જુલાઈએ દિલ્હીમાં જોરદાર ગરમી હતી. બપોરે 12.50 વાગ્યે, મનમોહન સિંહ બજેટ રજૂ કરવાના હતા તેના ચાર કલાક પહેલાં, ઉદ્યોગમંત્રી પી. જે. કુરિયને સંસદમાં ઊભા થઈને એક રૂટિન નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે "સર, હું ગૃહની સમક્ષ ઔદ્યોગિક નીતિ વિશેનું એક નિવેદન રજૂ કરી રહ્યો છું."
ઔદ્યોગિક નીતિમાં જે આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું હતું તેને ધ્યાનમાં લેતાં એ મહત્ત્વનું વકતવ્ય કૅબિનેટ પ્રધાને ગૃહમાં રજૂ કરવું જોઈતું હતું, પણ ઉદ્યોગ મંત્રાલયનું કામકાજ પણ સંભાળતા નરસિમ્હા રાવે એ કામથી ખુદને દૂર રાખ્યા હતા.
એ નીતિનું સૌથી મહત્ત્વનું વાક્ય હતું કે "તમામ ઉદ્યોગોમાં લાઇસન્સિંગના નિયમ પર પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. જેનું વિવરણ આ સાથેની નોંધમાં આપવામાં આવ્યું છે એ 18 ઉદ્યોગો માટે જ લાઇસન્સનો નિયમ અમલમાં રહેશે."
બીજો ફેરફાર મોટી કંપનીઓ સંબંધે એન્ટી-મૉનોપૉલી નિયંત્રણો હળવાં બનાવવાનો હતો. ત્રીજું ક્રાંતિકારી પરિવર્તન 34 ઉદ્યોગોમાં વિદેશી રોકાણની મર્યાદા 40 ટકાથી વધારીને 51 ટકા કરવાનું હતું.
સંજય બારુએ તેમના પુસ્તક '1991, હાઉ નરસિમ્હા રાવ મેઇડ હિસ્ટ્રી'માં લખ્યું છે કે "નહેરુ અને ઇંદિરા પ્રત્યે આદર દર્શાવવા અને ભારતના ઔદ્યોગિકીકરણમાં તેમના યોગદાનને યાદ કર્યા પછી નરસિમ્હા રાવે એક જ ઝાટકે સમાજવાદના નામે ઊભેલી ઔદ્યોગિક નીતિને ઇતિહાસનો એક હિસ્સો બનાવી દીધી હતી."
"કોંગ્રેસમાંના પોતાના વિરોધીઓને ચૂપ કરાવવા માટે તેને 'ચેઇન્જ વિથ કન્ટિન્યૂઇટી' એટલે કે સાતત્ય સાથે પરિવર્તન એવું નામ આપવામાં આવ્યું હતું. બજેટની ગરમાગરમીમાં લોકોનું ધ્યાન એ તરફ ગયું જ નહીં. નરસિમ્હા રાવે આયોજનપૂર્વક આવું કર્યું હતું."
નહેરુ અને ઇંદિરાની નીતિઓ પલટી નાખી
આસમાની રંગની પાઘડીમાં સજ્જ મનમોહન સિંહે તેમના જીવનમાં કદાચ પહેલી જ વાર નહેરુ જાકીટ પહેરીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે પ્રારંભે જ કહ્યું હતું કે તેઓ રાજીવ ગાંધીના આકર્ષક અને સ્મિત વેરતા ચહેરાને મિસ કરી રહ્યા છે.
જયરામ રમેશે લખ્યું છે કે "મનમોહન સિંહે તેમના આખા ભાષણમાં એ પરિવારનું નામ વારંવાર લીધું હતું, જેમની નીતિઓ તથા વિચારધારાને તેઓ તેમના બજેટના માધ્યમ વડે જડમૂળથી પલટાવી રહ્યા હતા."
મનમોહન સિંહે તેમના બજેટમાં ખાતર પરની સબસિડીમાં 40 ટકા ઘટાડો કર્યો હતો એટલું જ નહીં, તેમણે ખાંડ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો કર્યો હતો. તેમણે તેમના ભાષણના અંતમાં વિક્ટર હ્યુગોની વિખ્યાત પંક્તિ ટાંકી હતી, જેમાં હ્યુગોએ કહેલું કે "જેનો સમય આવી પહોંચ્યો છે એ વિચારને કોઈ રોકી શકતું નથી."
નરસિમ્હા રાવ અને મનમોહન સિંહે મળીને લાઇસન્સ રાજના ત્રણેય સ્તંભો, જાહેર ક્ષેત્રની મૉનોપૉલી, ખાનગી બિઝનેસની મર્યાદા અને વૈશ્વિક માર્કેટમાં ભારતના અલગતાને એક જ દિવસમાં ધ્વસ્ત કરી નાખ્યા હતા.
વિનય સીતાપતિએ લખ્યું છે કે "નરસિમ્હા રાવ અનુભવે એ શિખ્યા હતા કે કોઈ નવી ચીજ કરવા માટે બહુ ઉત્સાહ દેખાડવો ન જોઈએ અને તેનું શ્રેય પણ હરખભેર ન લેવું જોઈએ. પોતે જ બનાવેલી ઔદ્યોગિક નીતિને સંસદમાં રજૂ કરવાનો નરસિમ્હા રાવે ઇન્કાર કર્યો હતો."
"મનમોહન સિંહના બજેટ ભાષણમાં કશું બોલ્યા વિના તેઓ ચૂપચાપ તેમની બાજુમાં બેઠા રહ્યા હતા. આઝાદી પછી ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટું પરિવર્તન કર્યા બાદ એ જ રાતે તેમણે મોરેશિયસના વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું."
કૉંગ્રેસ પક્ષમાંથી જ થયો વિરોધ
નરસિમ્હા રાવે લીધેલાં ક્રાંતિકારી પગલાંની વિરોધ પક્ષે તો ટીકા કરી હતી, પરંતુ કૉંગ્રેસ પક્ષના સભ્યોએ પણ નરસિમ્હા રાવનો બચાવ કર્યો ન હતો. કૉંગ્રેસ સંસદીય પક્ષમાંથી માત્ર મણિશંકર ઐયર અને નાથુરામ મિર્ધાએ જ નરસિમ્હા રાવને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો.
રૂપિયાના અવમૂલ્યનના એક દિવસ પછી એટલે કે ચોથી જુલાઈએ પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારે ચુકવણીના સંતુલન માટે એક વૈકલ્પિક દૃષ્ટિકોણ નામે એક મુસદ્દો રજૂ કર્યો હતો.
સામ્યવાદી નેતા ઈ. એમ. એસ. નમ્બૂદરીપાદે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ પાસેથી લેવામાં આવેલી લૉનની સરખામણી એક એવી તરસી વ્યક્તિ સાથે કરી હતી, જે એવી દલીલ કરીને ઝેર પી રહ્યો છે કે તેની તરસ આના સિવાયની કોઈ ચીજ છિપાવી શકે તેમ નથી. નરસિમ્હા રાવે સામ્યવાદીઓને આશ્વાસન આપ્યું હતું કે નવી આર્થિક નીતિને કારણે એક પણ મજૂરની નોકરી છીનવાશે નહીં.
ઉદ્યોગપતિઓ સાથે સંવાદ
ઉદ્યોગપતિઓના ડરને દૂર કરવા માટે નરસિમ્હા રાવે તમામ મોટા ઉદ્યોગપતિઓને મુલાકાત માટે સમય આપ્યો હતો.
નરસિમ્હા રાવની ઍપૉઇન્ટમૅન્ટ ડાયરી દર્શાવે છે કે બજેટ રજૂ થયાના બે દિવસ બાદ એટલે કે 26 જુલાઈની સવારે સાત વાગ્યે તેઓ ધીરુભાઈ અંબાણીને મળ્યા હતા. 16 ઑગસ્ટે તેઓ ફરી ધીરુભાઈને મળ્યા હતા.
એ ઉપરાંત તેમણે તેમના મીડિયા સચિવ પી. વી. આર. કે. પ્રસાદ અને પ્રિન્સિપલ સેક્રેટરી અમરનાથ વર્માને અનેક મોટા ઉદ્યોગપતિઓને મળવા માટે મોકલ્યા હતા.
તેમણે વિખ્યાત ઉદ્યોગપતિ જે. આર. ડી. ટાટાને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પણ અપાવ્યું હતું.
કોઈ ઉદ્યોગપતિને આ સન્માન આપવામાં આવ્યું હોય એવો તે પહેલો પ્રસંગ હતો.
1992નો જૂન આવતાં સુધીમાં ભારતનું ફોરેન-ઍક્સચેન્જ રિઝર્વ વધીને સામાન્ય થઈ ગયું હતું. નરસિમ્હા રાવે પરિવર્તનને સાતત્યનો વેશ પહેરાવ્યો હતો અને જવાહરલાલ નહેરુના સમય બાદ દેશમાં કરવામાં આવેલા સૌથી મોટા આર્થિક સુધારાઓ નરસિમ્હા રાવની રાજકીય સમજદારી વિના સફળ થવાની કોઈ શક્યતા જ ન હતી.
દેંગ ઝિયાઓ પિંગ સાથે સરખામણી
જયરામ રમેશે નરસિમ્હા રાવની સરખામણી ચીનના નેતા દેંગ ઝિયાઓ પિંગ સાથે કરી હતી.
જયરામ રમેશે લખ્યું છે કે "બન્ને વયોવૃદ્ધ વડીલો હતા. બન્નેની કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા, (જેમાં ઉતાર વધારે હતા) પરંતુ તક મળી ત્યારે તેમણે તેમની અમીટ છાપ છોડી હતી. નરસિમ્હા રાવે જે કામ જુલાઈ, 1991માં કર્યું એ કામ દેંગે પહેલાં 1978માં અને પછી 1992માં કર્યું હતું.
"દેંગે માઓની કટ્ટરપંથી નીતિઓને જડમૂળથી પલટી નાખી હતી, જ્યારે નરસિમ્હા રાવ ભારતની આર્થિક નીતિના સુધારાનો નકશો તૈયાર કર્યો હતો, જેની કેટલાંક વર્ષો પહેલાં કલ્પના પણ શક્ય ન હતી."
1988માં રાજીવ ગાંધી ચીન ગયા ત્યારે નરસિમ્હા રાવ વિદેશ પ્રધાન તરીકે તેમની સાથે ગયા હતા, પરંતુ દેંગ ઝિયાઓ પિંગ સાથેની મુલાકાતો વખતે રાજીવ ગાંધીએ નરસિમ્હા રાવને દૂર રાખ્યા હતા.
રસપ્રદ વાત તો એ છે કે એ જ રાવને બાદમાં ભારતને દેંગ ઝિયાઓ પિંગ કહેવામાં આવ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો