You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ ઍરફોર્સ સ્ટેશન પર 'આતંકવાદી' હુમલો, એક અન્ય હુમલો નાકામ : ડીજીપી દિલબાગ સિંહ
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જમ્મુ ઍર ર્સ સ્ટેશન પર રવિવારે થયેલા બે વિસ્ફોટને આતંકવાદી હુમલો કહ્યું છે.
ડીજીપી સિંહ મુજબ પોલીસ, વાયુસેના અને અન્ય એજન્સીઓ આની તપાસ કરી રહી છે.
ભારતીય વાયુસેનાએ આ ઘટના વિશે ટ્વિટ કરીને જાણકારી આપી. તેમાં જણાવાયું હતું કે, "રવિવારે સવારે જમ્મુ ઍરફોર્સ સ્ટેશનના ટેકનિકલ ઓછી તીવ્રતાવાળા બે વિસ્ફોટ થયા. એક વિસ્ફોટના કારણે ઇમારતની છતને નુકસાન પહોંચ્યું અને બીજો વિસ્ફોટ ખૂલી જગ્યામાં થયો."
જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે બીબીસીના સહયોગી પત્રકાર રવિંદર સિંહ રૉબિનને જણાવ્યું હતું કે આ 'આતંકવાદી' હુમલા હતા.
તેમણે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે પોલીસની કામગીરીને કારણે વધુ એક હુમલો નાકામ બનાવાયો છે.
તેમણે કહ્યું , "જમ્મુ પોલીસે 5-6 કિલો વજનનો વધુ એક આઈઈડી કબજે કર્યો છે."
તેમણે કહ્યું કે, "કબજે કરાયેલ આઈઈડી લશ્કરના ઑપરેટિવ પાસેથી મળ્યો હતો જે શહેરના અમુક ભીડવાળા વિસ્તારમાં મૂકવાની તેમની યોજના હતી."
ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, "આ કાર્યવાહીના કારણે શહેરમાં વધુ એક મોટી ઉગ્રવાદી હુમલાની ઘટના નાકામ કરાઈ છે. પકડાયેલ સંદિગ્ધ વ્યક્તિની પૂછપરછ ચાલી રહી છે. આઈઈડીથી બ્લાસ્ટના આ નિષ્ફળ પ્રયત્ન સંબંધે વધુ સંદિગ્ધોની ધરપકડ થવાની પણ સંભાવના છે. પોલીસ અન્ય એજન્સીઓ સાથે મળીને જમ્મુ હવાઈમથકમાં થયેલા વિસ્ફોટો પર પણ કામ કરી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જમ્મુ હવાઈમથક પર બે વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલ વિસ્ફોટકોને ડ્રોનથી નીચે પડાવવામાં આવ્યા હશે તેવી શંકા છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે FIR દાખલ કરી લેવાઈ છે, "આ મામલે જમ્મુ-કાશ્મીરી પોલીસે યુએપીએની કલમ 16, 18,23 IPCની કલમ 307 અને 120 બી અને ત્રણ વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે."
જોકે, જમ્મુ હવાઈમથક પર થયેલા વિસ્ફોટોની તપાસ હજી ચાલી રહી છે.
તેમના મત મુજબ પોલીસે એક મોટો હુમલાની યોજના નાકામ બનાવવામાં સફળતા મેળવી છે.
બીજી તરફ ઍરફોર્સ સ્ટેશન પરના વિસ્ફોટમાં કોઈ નુકસાન તો નથી થયું પરંતુ ભારતની વાયુસેના અને સુરક્ષાની રીતે આ વિસ્ફોટને મહત્ત્વનો ગણવામાં આવી રહ્યો છે.
વાયુ સેનાએ કહ્યું કે આ વિસ્ફોટમાં કોઈ નુકસાન નથી થયું અને નાગરિક એજન્સીઓ સાથે આ અંગે તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે જમ્મુ ઍરપૉર્ટના રન-વે અને ઍર ટ્રાફિક કંટ્રોલનું નિયંત્રણ ભારતીય વાયુસેનાના હાથમાં છે જેનો ઉપયોગ નાગરિક ઉડ્ડયન માટે પણ કરવામાં આવે છે.
અહેવાલો મુજબ ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળની તપાસ માટે પહોંચી હતી અને ત્યાંથી અમુક નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યાં આ ઉપરાંત નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પણ તપાસ માટે પહોંચી છે.
આ વિસ્ફોટમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
આ વિસ્ફોટો મામલે પોલીસે યુએપીએ હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જમ્મુમાં વિસ્ફોટમાં ડ્રોનનો ઉપયોગ?
ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકતા દાવો કર્યો છે કે વિસ્ફોટ કરવા માટે બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત અનુસાર આ હુમલા પર ટિપ્પણી કરવું જલદી કહેવાશે પરંતુ ઍરફોર્સે તેના ટ્વિટમાં જણાવ્યું તેમાં ટેકનિકલ વિસ્તારની વાત કહેવાઈ છે, જે ચિંતાની વાત છે.
જુગલ કહે છે કે, "આ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કેમ કે ટેકનિકલ વિસ્તાર ઍરફોર્સનું કેન્દ્ર અથવા સૌથી મહત્ત્વનું ક્ષેત્ર હોય છે કેમ કે ત્યાં જ મોટાભાગના સ્પેરપાર્ટ્સ, ઍરક્રાફ્ટ અને હેલિકૉપ્ટર હોય છે. ત્યાં જ તમામ હાર્ડવેર રાખવામાં આવે છે. એક એરફૉર્સ બેઝના બે મુખ્ય ભાગ હોય છે, જેમાં એક ટેકનિકલ અને બીજો ઍડમિનિસ્ટ્રેટિવ વિસ્તાર હોય છે. આથી આ હુમલો ઘણો ગંભીર છે. તેને માત્ર બે નાના વિસ્ફોટ તરીકે ન ગણી શકાય.
જુગલ પુરોહિત પઠાણકોટ હુમલાનું ઉદાહરણ આપતાં કહે છે કે, "જ્યારે ત્યાં હુમલો થયો હતો ત્યારે ત્યાંના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે અમે ઍરફોર્સ છીએ અને અમારે અમારા વિસ્તારોને હવાઈ હુમલાથી બચાવવાના છે.
તેઓ કહે છે હાલ જે ખબરો આવી રહી છે તેમાં કેટલાકમાં કહેવાયું રહ્યું છે કે આ ડ્રૉન હુમલો છે. જો આ વાત છે તો તે ઘણી ગંભીર છે.
જમ્મુ ઍરફોર્સ સ્ટેશન કેટલું મહત્ત્વપૂર્ણ છે?
જમ્મુમાં બીબીસીના સહયોગી મોહિત કંધારી અનુસાર જમ્મુ હવાઈમથક એક ડૉમેસ્ટિક હવાઈમથક છે. જે ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 14 કિલોમિટર દૂર છે.
આ ક્ષેત્રમાં તે એક ભારતીય વાયુસેનાની વ્યૂહરચનાત્મક સંપત્તિઓમાંથી એક છે કેમ કે અહીંથી જ અન્ય વિસ્તારોનો સંપર્ક-સંબંધ અને પુરવઠો સંચાલિત કરાય છે. માલવાહન માટે વપરાતા મોટાભાગના હેલિકૉપ્ટર અને આપદાની સ્થિતિમાં રાહત પહોંચાડવા માટેનાં ઑપરેશન પણ આ જ બેઝથી સંચાલિત કરવામાં આવે છે.
આ સ્ટેશન ભારતીય વાયુસેનાનાં સૌથી જૂનાં હવાઈમથકોમાંથી એક છે અને 10 માર્ચ, 1948ના રોજ નંબર 1 વિંગની રચના કરાઈ હતી. આ વિંગ ઊનાળા દરમિયાન શ્રીનગરથી શિયાળામાં જમ્મુથી સંચાલિત થતી હતી.
25 જાન્યુઆરી 1963ના વિંગ કમાન્ડર જેની કમાનમાં જમ્મુમાં નંબર 23 વિંગની રચના કરાઈ હતી. ઍંડ્ર્યૂઝ અને નંબર 1 વિંગને સ્થાયીપણે શ્રીનગર શિફ્ટ કરી દેવાઈ હતી.
આઝાદી પૂર્વે સિયાલકોટ-જમ્મુ રેલવે લાઇન જ્યાં પૂરી થતી હતી એ જગ્યા પર આજે જમ્મુ ઍરફોર્સ સ્ટેશન છે.
જમ્મુ ઍરફોર્સ સ્ટેશન હેલિકૉપ્ટર્સ માટે સૌથી મહત્ત્વપૂર્ણ જગ્યા છે.
શરૂઆતમાં અહીં માત્ર ચાર એમઆઈ-4 હેલિકૉપ્ટર હતાં પરંતુ ત્યાર પછી ચેતક અને 130 હેલિકૉપ્ટર યુનિટનાં એમઆઈ-17 હેલિકૉપ્ટરોનો પણ અહીં પડાવ છે.
જમ્મુ-કાશ્મીરની પડકારજનક પરિસ્થિતિમાં આ હેલિકૉપ્ટરની મદદ સૌથી વિશ્વાસપાત્ર માધ્યમ છે.
વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયરની દેખરેખ આ હેલિકૉપ્ટરની મદદથી જ થાય છે. સિયાચિન ગ્લેશિયરની સુરક્ષામાં ઉપયોગી હોવાથી સ્ટેશનને 'ગ્લેશિયરના સંરક્ષક'નું નામ અપાયું છે.
આ ક્ષેત્રમાં જમ્મુ ઍરફોર્સ સ્ટેશન હંમેશાં ભારતીય સેના માટે મદદ પૂરી પાડવાનું માધ્યમ રહ્યું છે. કારગિલ ઑપરેશન દરમિયાન મોરચા પરના સૈનિકોને સહાયતા પૂરી પાડવાની હોય કે ઘાયલ સૈનિકોને પરત લાવવાના હોય તે મદદરૂપ રહ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો