સુરત : મહેશ સવાણી મનીષ સિસોદીયાની હાજરીમાં AAPમાં જોડાયા

સુરતના જાણીતા હીરાઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં (આપમાં) જોડાયા છે.

સુરતની મુલાકાતે આવેલ દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો હતો. આમ આદમી પાર્ટીમાં પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ ગુજરાત સરકાર પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી હતી.

મહેશ સવાણીએ પત્રકારપરિષદમાં કહ્યુ, "મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતની પ્રજા માટે કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. મને પરેશાન કરવામાં આવશે એવું પણ લોકોએ કહ્યું પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે ગોળી મારી દે. ગોળી ખાવાનું પસંદ કરીશ. પણ મને નાના વર્ગની પીડા ખબર છે. સમાજના કામ કરવામાં પણ રાજકારણ આવે છે. કોવિડ સેન્ટરો મુદ્દે પણ આવું રાજકારણ યોગ્ય નથી. આથી હવે આપમાં રહીને પ્રજા માટે કામ કરીશ."

સવાણી મૂળ પાલિતાણા નજીક આવેલા રામપરડા ગામના છે અને સુરતમાં તેઓ રિયલ એસ્ટેટ અને હીરાના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેઓ શૈક્ષણિક સંસ્થાઓ પણ ચલાવે છે.

જરૂરિયાતમંદ હજારો દીકરીઓનાં સમૂહલગ્ન સહિતના સમાજસેવાના કામ માટે તેઓ જાણીતા છે.

મહેશ સવાણી પર ભૂતકાળમાં એક બિલ્ડરના અપહરણની ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે તમામ આરોપો તેમણે નકાર્યાં હતા.

સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરી સહકર્મીને કિસ કરનાર બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હૈનકૉકનું રાજીનામું

બ્રિટનના સ્વાસ્થ્યમંત્રી મેટ હૈનકૉકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના પર આરોપ હતો કે સોશિયલ ડિસ્ન્સિંગનું ઉલ્લંઘન કરતાં સ્વાસ્થ્યમંત્રાલયમાં તેમની સાથે કામ કરતાં સહકર્મીને તેમણે કિસ કર્યું હતું.

વડા પ્રધાનને લખેલા પત્રમાં હૈનકૉકે કહ્યું છે, "આ મહામારીમાં સામાન્ય લોકોએ જેટલી કુરબાનીઓ આપી છે, તેને જોતા આપણે જો તેમની સાથે કંઈક ખોટું કરીએ છીએ તો આપણી જવાબદારી છે કે આપણે તેમની સાથે ઇમાનદારી વર્તીએ."

તેમણે કોરોનાના દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે માફી પણ માગી. હૈનકૉકની જગ્યા હવે સાજિદ જાવેદે લીધી છે.

વૅક્સિનના બંને ડોઝ લેનારને પણ કોરોનાના ડેલ્ટા પ્લસ વૅરિયન્ટનો ચેપ લાગ્યો

દેશમાં કોરોના વાઇરસના 'ડેલ્ટા પ્લસ' વેરિયન્ટને જોખમી ગણવામાં આવી રહ્યો છે. તેનાથી મહારાષ્ટ્રમાં એક મોત પણ થયું.

'એનડીટીવી' ન્યૂઝના એક અહેવાલ મુજબ હવે વૅક્સિન લીધેલી વ્યક્તિને પણ ડેલ્ટા પણ વેરિયન્ટનું સંક્રમણ થયું હોવાનું જોવા મળ્યું છે જેથી ચિંતાઓ વધી ગઈ છે.

રાજસ્થાનમાં બિકાનેરમાં ડેલ્ટા પ્લસનો પ્રથમ કેસ નોંધાયો હતો. એક મહિલાને સંક્રમણ થયું હતું. તેઓ સંકમણથી સાજા થઈ ગયાં હતાં. જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ રહી છે કે તેમણે કૉવૅક્સિનના બંને ડોઝ લીધા હતા છતાં તેમને ડેલ્ટા પ્લસનું સંક્રમણ થયું હતું.

આ મહિલાને કોઈ લક્ષણો નહોતાં. પરંતુ મહિલાનાં નમૂના લેવામાં આવ્યાં તેમાં તેઓ પૉઝિટિવ મળી આવ્યાં હતાં.

નોંધવું કે ગુજરાતના બંને પાડોશી રાજ્યોમાં ડેલ્ટા પ્લસના કેસ નોંધાઈ ચૂક્યા છે.

વર્ષના અંત સુધીમાં 18થી વધુ વયના 94 કરોડ લોકોનું રસીકરણ કરી દઈશું - ભારત સરકાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવ્યું છે કે વર્ષના અંત સુધીમાં 18થી વધુ વયના 94 કરોડ લોકોનું રસીકરણ કરી દેવામાં આવશે અને આ માટે તે 5 રસી ઉત્પાદકો તરફથી 188 કરોડ રસીના ડોઝ મળી જશે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સરકારે કહ્યું છે કે, જુલાઈ 31 સુધીમાં તેમને રસીના 51.6 કરોડ ડોઝ પ્રાપ્ત થઈ જશે તથા ઑગસ્ટથી ડિસેમ્બર 31 સુધીમાં તે 135 કરોડ ડોઝ મેળવી લેવાની પ્રક્રિયામાં છે.

સરકારનો અંદાજ છે કે તેને જુલાઈના અંત સુધીમાં કૂલ 51.6 કરોડ ડોઝ પ્રાપ્ત થઈ જશે.

કૂલ 135 કરોડ ડોઝમાં કોવિશિલ્ડના 50 કરોડ, કોવૅક્સિનના 40 કરોડ ડોઝ, બાયો ઈના સબ-યુનિટ વૅક્સિનના 30 કરોડ ડોઝ, ઝાયડસ કૅડિલાની ડીએનએ વૅક્સિનના 5 કરોડ ડોઝ, સ્પુતનિક-વીના 10 કરોડ ડોઝનો સમાવેશ થાય છે.

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં બસપા એકલી ચૂંટણી લડશે - માયાવતી

બહુજન સમાજવાદી પાર્ટીના વડાં માયાવતીએ જાહેરાત કરી દીધી છે કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એકલી ચૂંટણી લડશે અને કોઈ સાથે ચૂંટણી પહેલાં ગઠબંધન નહીં કરે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ પ્રમાણે માયાવતીએ કહ્યું કે યુપી અને ઉત્તરાખંડમાં તેમની પાર્ટી બીએસપી સિંગલ પાર્ટી તરીકે જ મેદાનમાં ઊતરશે.

તેમણે ઉમેર્યું કે મીડિયામાં અહેવાલો વહેતા થયા છે કે બીએસપી AIMIM સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે પરંતુ આમાં કોઈ તથ્ય નથી. હું આ વાતનું ખંડન કરું છું.

માયાવતીએ માત્ર પંજાબમાં શિરોમણી અકાલી દલ સાથે વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન જાહેર કર્યું છે.

કીર્તિ ચક્ર વિજેતાનાં વિધવાએ બીજા લગ્ન કરતાં પૅન્શન બંધ કરી દેવાયુ્

કીર્તિચક્ર વિજેતા મેજર રમન દાદાનાં વિધવા પત્નીનું પંજાબ સરકારે પૅન્શન બંધ કરી દેતા વિવાદ થયો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ મેજર રમન દાદાનાં વિધવા અંજીની દાદાએ બીજા લગ્ન કરતાં તેમનું માસિક પૅન્શન બંધ કરી દેવાયું છે.

આ મામલે સોશિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચા છેડાઈ હતી. જેથી મુખ્ય મંત્રી અમરિંદર સિંઘે નીતિની સમીક્ષા કરવાની તૈયારી બતાવી છે. અને તેમાં બદલાવ પણ કરવા કહ્યું છે.

મેજર દાદા શીખ રેજિમેન્ટની 11મી બટાલિયનમાં હતા અને આસામમાં ઉગ્રવાદીઓ સામેની અથડામણમાં તેમનું મોત થયું હતું. તેમણે ત્રણ ઉગ્રવાદીને ઠાર માર્યા હતા. 1999માં તેમને કીર્તિચક્ર અપાયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો