You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી પર અમેરકિામાં કેસ કેમ થયો? - પ્રેસ રિવ્યૂ
અમેરિકામાં રહેતા એક ભારતીય મૂળના તબીબે ત્યાંની કોર્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૌતમ અદાણી અને આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડી પર કેસ કર્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, અમેરિકાની કોલંબો સિટી કોર્ટમાં કેસ દાખલ કરનારા ડૉ. લોકેશ વુયુરુએ આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન મોદી, જગનમોહન રેડ્ડી, ગૌતમ અદાણી સહિતના લોકોએ અમેરિકામાં મસમોટી રકમ ટ્રાન્સફર કરી હતી અને રાજકીય વિરોધીઓ સામે પેગાસસ સ્પાયવૅરનો ઉપયોગ કર્યો હતો.
અહેવાલ મુજબ ગૅસ્ટ્રો-ઍન્ટેરોલૉજિસ્ટ ડૉ. લોકેશ વુયુરુની અરજી પર કોર્ટે કેસમાં સામેલ તમામ રાજનેતાઓને સમન્સ પાઠવ્યા છે.
ભારતીય રાજનેતાઓ સિવાય આ ફરિયાદમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમના સ્થાપક અને ચૅરમૅન પ્રોફેસર ક્લાઉસ શ્વાબનો પણ સમાવેશ થાય છે.
ન્યૂ યૉર્કમાં પ્રૅક્ટિસ કરતા ભારતીય મૂળના વકીલ રવિ બત્રાએ આ કેસને પાયાવિહોણો ગણાવ્યો છે.
તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, "લોકેશ વુયુરુ પાસે વધારે પડતો સમય હોય તેમ લાગે છે. તેમણે કોર્ટનો ગેરફાયદો ઉઠાવીને સારા એવા સહયોગીઓ (ભારત-અમેરિકા)ના સંબંધોમાં તિરાડ પાડવાનો પ્રયત્ન કર્યો છે. તેમના દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદ પર કોઈ વકીલ સહી કરવા તૈયાર નહોતો."
સેરેના વિલિયમ્સનો ટેનિસમાંથી સંન્યાસ, છેલ્લી મૅચમાં રડી પડ્યાં
અમેરિકાનાં ટેનિસસ્ટાર સેરેના વિલિયમ્સ પોતાની કારકિર્દીની છેલ્લી મૅચ શુક્રવારે યુએસ ઓપનમાં રમ્યાં હતાં.
ન્યૂ યૉર્કમાં રમાયેલી આ મૅચ સેરેના વિલિયમ્સ ઑસ્ટ્રેલિયાના આયલા ટોમિયાનોવિચ સામે હારી ગયાં, પરંતુ આ તેમનાં જીવનની છેલ્લી મૅચ હતી. તેઓ ત્રીજા રાઉન્ડમાં આયલા ટોમિયાનોવિચ સામે હાર્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅચ પછી તેઓ ભાવુક થઈ ગયાં હતાં. 41 વર્ષનાં વિલિયમ્સે પોતાની 27 વર્ષની શાનદાર કૅરિયરમાં 23 સિંગલ ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીત્યાં છે અને લાંબા સમય સુધી તેઓ દુનિયાનાં નંબર વન ખેલાડી રહ્યાં છે.
જ્યારે કોર્ટની વચ્ચે તેમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં. તેમણે પોતાના પરિવાર, ટીમ, દર્શકો અને સમર્થકોનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું, 'અહીં હાજર તમામ લોકોએ વર્ષોથી મારું સમર્થન કર્યું છે, તેમનો આભાર, મને વિશ્વાસ નથી આવતો કે આટલા દાયકા વીતી ગયા.'
તેમને પૂછવામાં આવ્યું કે આ અઠવાડિયાના પોતાના પ્રદર્શનને જોઈને શું સંન્યાસના નિર્ણય પર ફેરવિચાર કરશે.
આના પર સેરેનાએ કહ્યું, 'હું આમાં મારી રીતે રમી રહી હતી અને સારા થવા માટે પ્રયત્ન કરી રહી હતી. મને નથી લાગતું કે હું ફેરવિચાર કરીશ પરંતુ તમને ખબર નથી હોતી કે કાલે શું થવાનું છે. '
સેરેના વિલિયમ્સે પોતાની પહેલી ટૂર્નામેન્ટ મૅચ 1995માં રમ્યાં હતાં.
અરવિંદ કેજરીવાલે ગુજરાતને આપેલી નવી ગૅરંટીમાં શું છે?
શુક્રવારથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે ગુજરાતના લોકોને વધુ એક ગૅરંટી આપી છે.
ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ પ્રમાણે અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની ગૅરંટી આપી છે. આ સિવાય ખેડૂતોના પાક એમએસપી મુજબ ખરીદવાનો અને પાક નિષ્ફળ જાય તો એકરદીઠ 20 હજાર રૂપિયા સહાય ચૂકવવાનો વાયદો કર્યો છે.
અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા ખાતે એક કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી છે.
આ સાથે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે "જો તમને મફત શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ જોઈતી હોય તો આમ આદમી પાર્ટીને મત આપજો અને જો તમને ભ્રષ્ટાચાર અને ગુંડાતત્ત્વો જોઈતા હોય તો તેમને મત આપજો."
આ ઉપરાંત તેમણે નર્મદા ડૅમનો કમાન્ડ એરિયા વધારવાનો અને તેનો લાભ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવાનો વાયદો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં ઍક્ટિવ થયા છે.
આ અગાઉ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મફત શિક્ષણ, મફત આરોગ્યલક્ષી સુવિધા અને રોજગારીને લગતી વિવિધ ગૅરંટીઓ આપી છે.
અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, વિસ્ફોટમાં તાલિબાન સમર્થક મૌલવીનું મૃત્યુ
અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં આવેલી એક મસ્જિદ બહાર થયેલા વિસ્ફોટમાં તાલિબાનસમર્થક એક મૌલવી સહિત કુલ 18 લોકોનાં મૃત્યુ થયાં છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં મુજિબ રહમાન અંસારી નામના મૌલવી પોતાના ભાઈ સાથે માર્યા ગયા છે. તેઓ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનું સમર્થન કરવા માટે જાણીતા હતા.
આ હુમલાની નિંદા કરતા તાલિબાને તેને ભયાનક અને કાયરતાભર્યો ગણાવ્યો છે. તાલિબાને કહ્યું કે અત્યાર સુધી સ્પષ્ટ થયું નથી કે આ હુમલા પાછળ કોણ છે.
તાલિબાનના એક પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું કે 'દેશના લોકપ્રિય મૌલવી મુજિબ રહમાન અંસારી જુમ્માની નમાઝ દરમિયાન કાયરતાપૂર્વક કરવામાં આવેલા હુમલામાં શહીદ થઈ ગયા. ઇસ્લામિક અમીરાત તેમની શહાદત પર શોક વ્યક્ત કરે છે. ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને તેમના જઘન્ય અપરાધની સજા આપવામાં આવશે.'
પોલીસ પ્રમાણે, મુજિબ રહમાન અંસારી શુક્રવારે બપોરે જુમ્માની નમાઝ પઢવા માટે ગજરગાહ મસ્જિદ જઈ રહ્યા હતા. તે સમયે એક આત્મઘાતી હુમલાખોરે મૌલવીનો હાથ ચૂમ્યો અને એ જ વખતે બ્લાસ્ટ થયો હતો.
સમાચાર એજન્સી એએફપી અનુસાર મૌલવી મુજિબ રહમાને તાલિબાનના સત્તામાં આવ્યા બાદ કહ્યું હતું કે 'તાલિબાની ઝંડો સરળતાથી ફરકાવાયો નથી અને તેને સરળતાથી ઉતારાશે પણ નહીં.'
હાલ આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી, પરંતુ ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) અગાઉ ઘણી વખતે તેમને ધમકીઓ આપતો વીડિયો જાહેર કરી ચૂક્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો