અમેરિકાની ચૂંટણીમાં હિંદુ મતદારો કેમ મહત્ત્વના બની રહેશે?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, અમેરિકાના વૉશિંગ્ટનથી

અમેરીકાની ડેમૉક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડને ભારતીય મૂળના અમેરિકનો માટે વિઝન ડૉક્યુમેન્ટની જાહેરાત કરી છે.

આ ડૉક્યુમેન્ટમાં તેમણે કહ્યું છે કે "કોરોના વાઇરસ સામે લડવાથી લઈને અર્થવ્યવસ્થામાં સુધારો અને પ્રવાસન ક્ષેત્રે સુધારો, આ તમામ મુદ્દાઓમાં ભારતીય અમેરીકનો જો બાઇડન અને કમલા હેરિસ પર ભરોસો કરી શકે છે."

આગામી ચૂંટણીમાં ભારતીય મૂળનાં કમલા હેરિસ ઉપ-રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર છે.

આ અગાઉ જો બાઇડને અમેરિકન મુસલમાનો માટે વિઝન ડૉક્યુમેન્ટની જાહેરાત કરી હતી, જેમાં તેમણે કાશ્મીરનો મુદ્દો અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરનો મુદ્દો સામેલ કર્યો હતો.

બાઇડનના આ વિઝન ડૉક્યુમૅન્ટથી ઘણા ભારતીય મૂળના અમેરિકનો રોષે ભરાયા હતા.

ભારતના સ્વાતંત્ર્યદિન નિમિત્તે બાઇડન અને કમલા હેરિસે ભારતીય અમેરિકનો માટે ખાસ વીડિયો સંદેશ તૈયાર કર્યો હતો, જેમાં અમેરિકન અને ત્યાં વસતા ભારતીયો એકસાથે મળીને દેશને વિકાસના પથ પર લઈ જઈ શકે છે, એવો ઉલ્લેખ કરાયો હતો.

એવું માનવામાં આવે છે કે ભારતીય અમેરિકનોમાં ખાસ કરીને કટ્ટર હિંદુઓનો ઝુકાવ હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફે હોઈ શકે છે કારણ કે તેમને ભારતના સમર્થક તરીકે જોવામાં આવી રહ્યા છે.

કાશ્મીર અને નાગરિકતા સંશોધન કાયદા મામલે ટ્રમ્પ પ્રશાસન મોટા ભાગે મૌન જ રહ્યું છે. પરંતુ પ્રમિલા જયપાલ અને બર્ની સેન્ડર્સ જેવાં ડેમૉક્રેટ નેતાઓ આ મામલે ટિપ્પણી કરી ચૂક્યાં છે.

સપ્ટેમ્બર 2019 માં અમેરિકાના હ્યુસ્ટનમાં ટ્રમ્પ-મોદીનું મળવું અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રમ્પનો ભારતપ્રવાસ બાદ અમેરિકન ભારતીયોમાં ટ્રમ્પ પ્રત્યેનું આકર્ષણ હોઈ શકે છે.

ભારતીય અમેરિકનો માટેના વિઝન ડૉક્યુમેન્ટ શું છે?

  • આ ચૂંટણી દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બાઇડને આતંકવાદના મુદ્દે બન્ને દેશોએ પરસ્પર સહયોગ વધારવવાનું કાર્ય કર્યું છે. બાઇડનનું માનવું છે કે સમગ્ર દક્ષિણ એશિયામાં આતંકવાદને સહન કરવામાં નહીં આવે.
  • ભારત સાથે મળીને બાઇડન પ્રશાસન દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવાના પ્રયાસો કરશે જેથી કરીને ચીન સહિત અન્ય દેશો તેમના પાડોશી દેશોને ધમકાવવાની કોશિશ ના કરે.
  • હિંદુ, મુસલમાન, સીખ, જૈન અને બીજા સંપ્રદાયોના અમેરિકન ભારતીયો વિરુદ્ધ વંશીય હિંસા વધી છે . આજે તેમને એ વિશ્વાસ અપાવવાની જરૂરત છે કે વૉશિંગ્ટનમાં બેસેલા નેતાઓ તેમની સાથે છે.
  • રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડન નફરત પ્રેરિત હુમલાઓ વિરુદ્ધ ઊભા રહેશે અને એ પ્રકારનો કાયદો પણ ઘડશે કે નફરત પ્રેરિત હિંસા કરનારને હથિયાર રાખવા અને ખરીદવા પર પ્રતિબંધ હોય.
  • પ્રવાસ સમયે પરિવારને સાથે રાખવાના નિયમોમાં જો બાઇડન ધ્યાન આપશે અને પેન્ડિંગ વિઝાના મામલાઓ જલદી પતાવવામાં આવશે.
  • આર્થિક સ્થિતિને જોતા તેઓ સ્થાયી અને નોકરીઓ માટેની વિઝાની સંખ્યા વધારશે. સાથે જ વિજ્ઞાન તકનિકી, ઇજનેરી અને ગણિત ક્ષેત્રે કામ કરવા માગતા પીએડી વિદ્યાર્થીઓ પર લાગેલા પ્રતિબંધને હઠાવશે.
  • હાઈ-સ્કિલ્ડ લોકો માટે અસ્થાયી વિઝાના નિયમોમાં સુધારાના પ્રયાસો કરાશે અને દેશોના આધારે સીમિત સંખ્યામાં ગ્રીન કાર્ડની સંખ્યા વધારવામાં આવશે.

અમેરિકન મુસલમાનોના વિઝન ડૉક્યુમનેન્ટથી નારાજગી

હાલમાં જો બાઇડને અમેરિકન મુસુલમાનો જે વિઝન ડૉક્યુમેન્ટ બહાર પાડ્યું હતું તેમાં કાશ્મીર અને એઆરસીનો ઉલ્લેખ હતો જેને લઈને ઘણા લોકો નારાજ છે.

ઘણા લોકો આ દસ્તાવેજને કાશ્મીર મુદ્દે કમલા હેરિસે આપેલાં નિવેદનો સાથે જોડીને જુએ છે. આ મુદ્દે ઘણા યૂટ્યૂબ વીડિયો પણ છે.

આ વિઝન ડૉક્યુમેન્ટમાં બાઇડને કહ્યું છે કે 'ભારત સરકારે એવા દરકે પગલાં ભરવાં જોઈએ જેમાં કાશ્મીરવાસીઓના અધિકારોને પ્રસ્થાપિત કરી શકાય.'

બાઇડન ઉમેરે છે, "શાંતિપૂર્ણ વિરોધ પર પ્રતિબંધ, ઇન્ટરનેટને ધીમું અથવા બંધ કરવા જેવાં પગલાંથી ગણતંત્ર કમજોર બને છે"

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને હઠાવ્યા બાદ લાગેલા પ્રતિબંધો પર કમલા હેરિસનો મત ભારત સરકારવિરોધી છે.

સપ્ટેમ્બર 2019 માં ટેક્સાસના હ્યુસ્ટનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને કાશ્મીરમાં ફોન અને ઇન્ટરનેટ પર લાગેલા પ્રતિબંધ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.

પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું હતું, "અમે લોકોને એ બતાવવા માગીએ છીએ કે તેઓ એકલા નથી. અમારી નજર છે. એક રાષ્ટ્રના નાતે માનવાધિકાર ઉલ્લંઘન મામલે બોલવું એ અમારા મૂલ્યોનો ભાગ છે અને જ્યાં જરૂર પડે ત્યાં દખલગીરી પણ કરીએ છીએ."

વિવાદિત એનઆરસી પર આ ડૉક્યુમેન્ટમાં ઉલ્લેખ કે "આસામમાં એનઆરસી લાગુ કરવા અને નાગરિકતા સંશોધનના પ્રસ્તાવિત ખરડાને કાયદો બનાવવાના ભારત સરકારના નિર્ણયને જો બાઇડન દુર્ભાગ્યપૂર્ણ માને છે."

બાઇડન માટે વધતાં પડકારો

આ દસ્તાવેજ પ્રકાશિત થયા બાદ હિંદુ ધર્મને માનનારા ભારતીય અમેરીકનો માટે પણ આવા ચૂંટણી દસ્તાવેજની માગ થઈ હતી.

બાઇડનના ચૂંટણી અભિયાન અનુસાર અમેરીકામાં લગભગ 13.1 લાખ એવા ભારતીય અમેરીકન મતદારો છે જેઓ આઠ મતક્ષેત્રોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

બાઇડનના ચૂંટણી અભિયાનમાં કાશ્મીર અને એનઆરસીના ઉલ્લેખ બાદ ભારતીય અમેરીકનોને વધારે મહત્ત્વ અપાઈ રહ્યું છે.

14 અને 15 ઑગસ્ટના રોજ બાઇડને ભારતીય અને પાકિસ્તાનીઓ માટે વર્ચ્યૂઅલ કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

બીજી તરફ ટ્રમ્પની પાર્ટી પણ ભારતીય અમેરીકન મતોની આશા સેવીને બેઠું છે.

ટ્રમ્પ વિક્ટ્રી ઇન્ડિયન અમેરીકન ફાઇનાન્સ કમિટીના એક અવલોકન અનુસાર "ભારતીય મતદારોના અડધા મત ટ્રમ્પના પક્ષમાં જઈ શકે છે."

એક વિશ્લેષક અનુસાર "ભારતમાં મુસલમાનો સાથે શું થઈ રહ્યું છે એ સમગ્ર દુનિયા જોઈ રહી છે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી છબી ખરડાઈ છે. લિંચિંગ, લોકોને મારી નાખવા એ આપણી છબિનો ભાગ બની ગયો છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો