અમેરિકાની ચૂંટણી : જો બાઇડને 'બાય અમેરિકન' પ્લાન સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ફેંક્યો આ પડકાર

અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડૅમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને કોરોના વાઇરસથી અસરગ્રસ્ત અમેરિકાના અર્થતંત્રને પાટા પર લાવવાની પોતાની યોજના રજૂ કરી છે.

બાઇડને કહયું કે તેમની યોજના "બાય અમેરિકન"ના મુખ્ય સૂત્ર પર આધારિત હશે. ગુરૂવારે અમેરિકન રાજ્ય પૅન્સિલ્વેનિયામાં તેમના બાળપણના વતન સ્ક્રેન્ટોનમાં કરેલા સંબોધનમાં બાઇડને અમેરિકન અર્થતંત્રને બચાવવાની તેમની યોજનાને રજૂ કરતા કહ્યું કે તેમનો 700 બિલિયન ડૉલરનો પ્લાન બીજા વિશ્વ યુદ્ધ પછીનું અમેરિકન અર્થતંત્રમાં સૌથી મોટું રોકાણ હશે.

યોજનાની "બાય અમેરિકન" થીમ હેઠળ બાઇડને અમેરિકન બનાવટના ઉત્પાદનો પર સરકારી રોકાણ 400 બિલિયન ડૉલર વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત બાઇડનની યોજનામાં ઇલેક્ટ્રિક વાહનો અને 5G નેટવર્ક સહિતની આધુનિક ટેકનૉલૉજીમાં સંશોધન માટે 300 બિલિયન ડૉલરના રોકાણનો પણ સમાવેશ થાય છે.

તેમની યોજનાથી ઉત્પાદન અને સંશોધન ક્ષેત્રે 50 લાખ નોકરીઓનું સર્જન થશે એમ દાવો કરતા બાઇડને કહ્યું, "જ્યારે ફેડરલ સરકાર કરદાતાઓના નાણાં ખર્ચ કરે છે, તો આપણે તેનો ઉપયોગ અમેરિકન બનાવટની વસ્તુઓ ખરીદવામાં અને અમેરિકનોને નોકરીઓ માટે કરવો જોઇએ."

અમેરિકા ફર્સ્ટ વિરુદ્ધ બાય અમેરિકન

હાલના અમેરિકન રાષ્ટ્રપતિ અને નવેમ્બરના અંત થનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું સૂત્ર 'અમેરિકા ફર્સ્ટ' રહ્યું છે ત્યારે ચૂંટણીમાં તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન 'બાય અમેરિકન'નું સૂત્ર લઈને આવ્યા છે.

તેમણે રાષ્ટ્રપતિ ટ્રંપ અને તેમની નીતિઓ પર પ્રહાર કરતા કહ્યું કે ટ્રમ્પ ઉત્પાદન ક્ષેત્રને ફરી પાટા પર લાવવા અને નોકરીઓનું સર્જન કરવાના તેમના વાયદામાં નિષ્ફળ ગયા છે.

તેમણે આરોપ લગાવ્યો કે મહામારી દરમ્યાન ટ્રંપે કામકાજી વર્ગની જરૂરિયાતોને ધ્યાને લેવાને બદલે શ્રીમંતોને ફાયદો પહોંચાડે તેવી નીતિઓ અમલમાં મૂકી છે.

એક તીર અનેક નિશાન

અમેરિકામાં ઓપિનિયન પોલ્સ પ્રમાણે હાલ બાઇડન બે આંકડામાં સરસાઇ સાથે ટ્રમ્પથી આગળ ચાલી રહ્યા છે ત્યારે બરાક ઓબામાના સમયમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ રહેલા જો બાઇડને "બાય અમેરિકન" સૂત્ર સાથે એક તીરથી ટ્રમ્પ અને ચીન એ બંને નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હોય એમ લાગી રહ્યું છે.

પ્રમુખ ટ્રમ્પે તેમના હાલના પ્રમુખ કાળ દરમ્યાન વેપારના મુદ્દે ચીન સાથે સંધર્ષનો રસ્તો અખત્યાર કર્યો હતો અને એને કારણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરની સ્થિતિ ઊભી થઈ છે જે હજી યથાવત છે.

ટ્રમ્પ પ્રશાસને ચીનના 112 બિલિયન ડૉલરની વસ્તુઓ પર લાદેલો 15 % વધારાનો ટૅક્સ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં અમલમાં આવ્યો હતો. અને એ પછી ડિસેમ્બરમાં વધુ 160 બિલિન ડૉલરની અન્ય ચાઇનીઝ આયાતો પર 15 ટકા ટૅક્સના બીજા રાઉન્ડની તૈયારીઓ કરી હતી..

ટ્રમ્પ પ્રશાસનમાં પાછલા પોણા બે વર્ષથી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરની સ્થિતિ છે. ટ્રંપનો આરોપ રહ્યો છે કે ચીન અમેરિકાના 'ટ્રેડ સિક્રેટ્સ' ચોરે છે અને અમેરિકાથી વેપાર અને ટેકનૉલૉજીમાં આગળ થવા પોતાની કંપનીઓને સબ્સિડાઇઝ કરવા જેવા અયોગ્ય વેપારી પગલાં લે છે.

આ ટ્રેડ વૉર દરમિયાન ચીનથી શરૂ થયેલી કોરોના વાઇરસની મહામારીમાં ટ્રમ્પ ચીન સામે વધુ કડક વલણ અપનાવેલું છે. એપ્રિલમાં ટ્રમ્પે ચીન સામે વેપાર મોરચે વધુ કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટના સૂત્ર પર જ ચૂંટણી જીત્યા હતા અને એ જ તર્જ પર ચીન સાથે ટ્રેડ વૉર શરૂ થયું હતું. હવે આ વર્ષના અંતે નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન બાય અમેરિકનનું સૂત્ર લઈને આવ્યા છે જેથી ટ્રમ્પની નીતિઓના વિરોધી અને ચીનની નીતિઓના વિરોધી બંને મતોને પોતાની તરફ ખેંચી શકાય.

નોંધવાની વાત એ પણ છે કે ભારતમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઇરસ મહામારીને કારણે લથડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા 'આત્મનિર્ભર ભારત'નો નારો બુલંદ કરી ચૂક્યાં છે. એવામાં ચીન સાથે LAC પર ગલવાન ઘાટીમાં તણાવની સ્થિતિ બનતા આ નારાને લોકોનાં સમર્થન સાથે વધુ બળ મળ્યું છે.અમેરિકા અને ભારતમાં સ્વદેશીનો નારો બુલંદ થવા પાછળ કારણ પણ સમાન છે - ચીન.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો