You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા, તાલિબાન અને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોને 'મારવાની ડીલ'ની કહાણી
- લેેખક, ઓલ્ગા ઇફ્શિના
- પદ, બીબીસી રશિયન સેવા
એક ભૂતપૂર્વ રશિયન જાસૂસે બીબીસીની રશિયન સેવાને કહ્યું કે રશિયાની જાસૂસી એજન્સી "એક એવું મહાકાય મશીન છે જેનો ઈરાદો યુદ્ધ કરાવવાનો છે."
આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ન્યૂયોર્ક ટાઇમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ અને વૉલ સ્ટ્રીટ જર્નલે રશિયન સૈન્યના જાસૂસી અધિકારીઓના હવાલાથી કહ્યું હતું કે એમની તાલિબાન સાથે પાછલા વર્ષે આ સમજૂતી થઈ હતી કે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકોને મારવા માટે તેઓ નાણાં આપશે.
જોકે અમેરિકા, રશિયા અને તાલિબાન કમાન્ડરોએ આ આરોપો નકાર્યા છે.
ગત અઠવાડિયે બ્રિટનના સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે તેમને જાસૂસી સંબંધિત આ અહેવાલોની માહિતી છે.
બેન વૉલેસે કહ્યું, "મને લાગે છે કે ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં આ મુદ્દા ઉપર અહેવાલ પ્રકાશિત થયો હતો. હું ફક્ત એટલું કહી શકું છું કે હું એનાથી માહિતગાર છું."
એમણે સંસદીય સમિતિને કહ્યું કે એ સાચું હોય કે ન હોય તેઓ આના પર કોઈ ટિપ્પણી નહીં કરે પરંતુ 'અમે આની સામે પગલાં ભરીશું'.
રશિયન GRU જાસૂસી એજન્સી
ત્રણ અમેરિકી અખબારોએ વ્હાઇટ હાઉસના સૂત્રોના હવાલાથી દાવો કર્યો હતો કે રશિયન અધિકારી જનરલ સ્ટાફ ઑફ રશિયા (GRU) ડિરેકટોરેટના વિભાગો સાથે કથિત સમજૂતીમાં સામેલ હતા.
બ્રિટનમાં સંસદીય રક્ષા સમિતિના પ્રમુખ ટોબાયસ એલવૂડે કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં રશિયન સૈન્ય જાસૂસીની સંભવિત કાર્યવાહીના સવાલને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલિબાનને રશિયાના પ્રતિબંધિત ચરમપંથી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
તાલિબાને રશિયા સાથે આવી કોઈપણ સમજૂતીને નકારી કાઢી છે. રશિયાએ સમાચાર પત્રના આ અહેવાલોને 'ખોટા' અને'અતાર્કિક' ગણાવ્યા છે.
વ્હાઇટ કૉલર્ડ એજન્ટ અને એમના ઑપરેશન
રશિયાની વિદેશી જાસૂસી સેવા(SVR)ના ભૂતપૂર્વ એજન્ટ સર્ગેઈ જિરનોફ સાથે મેં વાત કરી.
તેમણે મને જણાવ્યું કે GRUની કાર્યવાહી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલા મોટા ખેલનો ભાગ હોઈ શકે છે.
GRU રશિયાના સૈન્ય જાસૂસી એજન્સી સાથે સોદા કરે છે જ્યારે કે SVR રાજકીય જાસૂસીના મામલાઓ જુએ છે.
એવું માનવામાં આવે છે કે આ બંને એકબીજા સાથે પ્રતિસ્પર્ધામાં છે અને રશિયાના રાષ્ટ્રપતિના કાર્યાલયમાં પોતાની પહોંચ મજબૂત કરવા માગે છે.
જિરનોફ કહે છે, "GRU એક મહાકાય મશીન છે જે યુદ્ધ કરવાની દિશામાં કામ કરે છે તે અલગ અલગ દિશાઓમાં અલગ અલગ રીતે કામ કરે છે."
"GRUમાં એક રણનીતિ માટેનો ગુપ્ત વિભાગ છે જેમાં વ્હાઇટ કૉલર્ડ લોકો છે અને આ લોકોનું કામ હોય છે ગ્રાઉન્ડ પર ઑપરેશનને અંત સુધી લઈ જવાનું. આ ઉપરાંત રાજકીય પાસાઓને પણ અવગણવામાં નથી આવતા. પુતિનને ત્યાં પોતાનો હાથ ફેલાવવામાં વધુ મજા આવે છે જ્યાંથી બદલાની કોઈ અપેક્ષા હોતી નથી."
યુનિટ 29155
ન્યૂ યૉર્ક ટાઇમ્સ પ્રમાણે તાલિબાન સાથે થયેલી આ સમજૂતી પાછળ GRUની યુનિટ 29155 હતી.
પત્રકારોનો દાવો છે કે પાછલા વર્ષો સુધી અમેરિકાની કાઉન્ટર ઇન્ટેલિજન્સને આ ટુકડી વિશે જાણકારી ન હતી.
અખબારના આ લેખમાં દાવો છે કે સૈન્ય જાસૂસી એજન્સીનું આ યુનિટ 'યુરોપને અસ્થિર કરવાના અભિયાન'માટે જવાબદાર રહ્યું છે.
સાથેજ સમગ્ર દુનિયામાં વિશેષ અભિયાનો અને આત્મઘાતી હુમલાઓ પણ આયોજિત કરતું રહ્યું છે.
ટ્રેનિંગ સેન્ટર નંબર 161
સમાચાર પત્રમાં સૈન્ય યુનિટ 29155નો ઉલ્લેખ છે જેને રશિયામાં જાસૂસી સ્પેશિયાલિસ્ટ ટ્રેનિંગ સેન્ટર નંબર 161નાં રૂપમાં ઓળખવામાં આવે છે.
આ સોવિયેત સંઘના સમયથી છે એની શરૂઆત મૉસ્કોમાં 1962માં થઈ હતી.
આનું કામ સેનાની અલગ-અલગ શાખાઓમાં કામ કરી રહેલા અધિકારીઓને જાસૂસી યુનિટમાં ફરીથી પ્રશિક્ષણ આપવાનું હતું.
ઑનલાઇન સૂત્રો અનુસાર આ સેન્ટર પાછળથી ઉપકરણ-હથિયારો, અન્નનાં ગોડાઉનો ખરાબ કરવા અને દુશ્મનોના બુનિયાદી માળખાને નબળું કરવાની ટ્રેનિંગ આપવા લાગ્યું.
1990માં આ કેન્દ્ર આતંક વિરોધી અભિયાનોની ખાસ ટ્રેનિંગ આપવા લાગ્યું.
GRUમાં ભૂતપૂર્વ અધિકારીઓનું કહેવું છે કે નવા સ્ટાફને રાજકીય અથવા રણનીતિની ગુપ્ત જાણકારી માટે તૈયાર કરવામાં નહોતાો આવતા તેમને માત્ર હથિયારો ચલાવવા ઉપરાંત દુશ્મનને નુકસાન પહોંચાડવાની જ ટ્રેનિંગ અપાતી હતી.
સ્પાર્ક-ઇન્ટરફૅક્સ ડેટાબેઝના અનુસાર આ યુનિટના વડા હાલ જનરલ આદ્રેઇ એવેરયાનોફ છે.
સૉલ્સબરી નર્વ એજન્ટ
ન્યૂયૉર્ક ટાઈમ્સના સંવાદદાતાઓ અને બેલિંગકેટ તપાસકર્તાઓને જણાયું છે એવેરયાનોફ GRUના અધિકારી એનાતોલી ચેપીગા અને એલેક્ઝાન્ડર મિશનના કમાન્ડિંગ ઑફિસર રહ્યા છે.
બ્રિટનમાં અલગ-અલગ એજન્સીઓએ શોધ્યું હતું કે આ બંનેએ સૉલ્સબરીમાં GRUના ભૂતપૂર્વ અધિકારી સર્ગેઈ સ્ક્રિપલને ઝેર આપવાની કોશિશ કરી હતી.
એવેરયાનોફથી પહેલા સૈન્ય યુનિટ નંબર 29155નું નેતૃત્વ જનરલ દિમિત્રિ પ્રોન્યાગીન કરી રહ્યા હતા.
જનરલ પ્રોન્યાગીન 2014માં ક્રિમીયા પર રશિયાના કબજાની પ્રક્રિયામાં સામેલ હતા. તેઓ સીરિયામાં સૈન્ય અભિયાનોમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.
1997માં એમને રશિયાનું સર્વોચ્ચ સન્માન 'હીરો ઑફ રશિયા' મળી ચૂક્યું છે. એમને આ સન્માન છુપા આદેશ હેઠળ રશિયા માટે જાસૂસી અભિયાનો ચલાવવા માટે આપવામાં આવ્યું.
રશિયા અને અમેરિકાની પ્રતિક્રિયા
રશિયન વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે GRU અને તાલિબાનો વચ્ચે કોઈપણ ષડયંત્રને લઈને કોઈ સવાલ જ ઊભો નથી થતો.
રશિયન રાષ્ટ્રપતિના પ્રવકતા દિમિત્રિ પેસકોફે કહ્યું, "પહેલી વાત તો એ છે કે આ આરોપ ખોટા છે અને બીજું કે અમેરિકાની સ્પેશિયલ સર્વિસ રાષ્ટ્રપતિને લઈને જવાબદાર છે અને આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાલના નિવેદનો પર ધ્યાન આપવું જોઈએ. તેઓ આ અહેવાલ પર અગાઉ જ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે."
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે "આ પહેલી વાર છે જ્યારે તેઓ સાંભળી રહ્યા છે કે અમેરિકાની જાસૂસી એજન્સી એમને અગાઉથી જ GRU અને તાલિબાનના ષડયંત્ર વિશે જણાવી ચૂકી હતી. "
તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે "એમને આ વિશે પહેલીવાર જાણ થઈ છે અને ન તો ઉપરાષ્ટ્રપતિએ એમને કંઈ જણાવ્યું હતું."
રશિયાનો બદલો કે અભિમાન?
ન્યૂયૉર્ક ટાઇમ્સે વ્હાઇટ હાઉસના એક અજ્ઞાત સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે તાલિબાન સાથે સોદો કરી GRUના અધિકારી અમેરિકા સાથે ફેબ્રુઆરી 2018માં સીરિયામાં થયેલી અથડામણનો બદલો લેવા માગતા હતા.
દેર એઝ-ઝોરમાં થયેલી લડાઇમાં અમેરિકી સેનાએ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદનાં સમર્થક સેંકડો લડવૈયાઓને ઠાર માર્યાં હતાં.
અમેરિકી દસ્તાવેજો અનુસાર આ લડવૈયાઓમા ડઝનબંધ રશિયન નાગરિકો હતા જેઓ સીરિયામાં એક ખાનગી સૈન્ય કંપની 'વેગનર'ના માધ્યમથી લઈ જવાયા હતા.
એસ વી આરના ભૂતપૂર્વ એજન્ટ જિરનોફના અનુસાર અફઘાનિસ્તાનમાં 1979થી 1989 દરમિયાન યુદ્ધ શરૂ થતા પહેલા સોવિયેત અને અમેરિકી જાસૂસી એજન્સીમાં એક છુપો ટકરાવ થતો રહ્યો છે.
તેઓ કહે છે, "અફઘાનિસ્તાનમાં શાંતિ અભિયાન દરમિયાન ત્યાં કોઈ અમેરિકી સૈનિક ન હતો. જ્યારે કે સીઆઈએના લોકો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં હતા અને આ લોકોને GRUએ નિશાન બનાવ્યા. પરંતુ એ સમયે રશિયનોએ આ અમેરિકનોને જાનથી મારવાની કોશિશ ન કરી. તેઓ ફક્ત એમને રંગે હાથ પકડવા માંગતા હતા અને બતાવવા માંગતા હતા તે કેવી રીતે સીઆઈએ જાસૂસોના માધ્યમથી બંને દેશોમાં ઇસ્લામી સમૂહોને ગેરકાનૂની રીતે સમર્થન આપી રહ્યું છે .
અમેરિકાની અફઘાનિસ્તાનમાં હાર
અમેરિકાના રક્ષા વિભાગ પ્રમાણે 2019માં અફઘાનિસ્તાનમાં 22 અમેરિકન સૈનિકોના મોત થયા હતા.
2015માં 'ગાર્ડ ઑફ ફ્રીડમ' અભિયાનની શરૂઆત પછી અમેરિકાનું આ સૌથી મોટું નુકસાન હતું.
2019માં અફઘાનિસ્તાનમાં 4 સૈનિકો સૈન્ય સિવાયની ગતિવિધિઓમાં માર્યા ગયા હતા આમાં ટેકનિકલ ખરાબીને કારણે થયેલી હૅલિકોપ્ટર દુર્ઘટના પણ સામેલ છે. બાકીના 18 જવાનો ગોળીબાર અથવા દેશી બૉમ્બથી થયેલા હુમલાઓમાં માર્યા ગયા હતા.
આ લગભગ તમામ જવાનો અમેરિકન સેનાની એલિટ યુનિટ્સનો હિસ્સો હતા. માર્યા ગયેલા જવાનોમાં 10 અમેરિકી સ્પેશિયલ ઑપરેશન સેનાના સભ્ય, 3 સ્પેશિયલ ઍરફોર્સના અને ત્રણ મરીન સૈનિક સામેલ હતા.
2020ની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં 9 અમેરિકી સૈનિકોના મોત થયા છે. ફેબ્રુઆરીના અંતમાં અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા માટે અમેરિકા અને તાલિબાન વચ્ચે એક સમજૂતી પર સહમતી બની હતી
સમજૂતી પ્રમાણે અમેરિકી સૈનિકોને તબક્કાવાર રીતે અફઘાનિસ્તાનથી જવાનું છે અને તાલિબાન અને અલ-કાયદા સહિત એમના સહયોગીઓ અમેરિકન સૈનિકો પર હુમલા નહીં કરે.
એપ્રિલથી એક પણ અમેરિકી સૈનિક તાલિબાનના હાથે નથી માર્યો ગયો અને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 13000 થી ઘટીને 8600 થઈ ચૂકી છે.
બ્રિટનના સૈનિકો ઉપર જોખમ?
ન્યૂયૉર્ક ટાઈમ્સ સંવાદદાતાઓએ અમેરિકન જાસૂસી એજન્સીઓના હવાલાથી જણાવ્યું હતું કે તાલિબાને નાણાના બદલામાં બ્રિટનના સૈનિકોને મારવાનો વાયદો કર્યો હતો.
ગત અઠવાડિયે બ્રિટનની સંસદીય સમિતિમાં રક્ષા મંત્રી બૅન વૉલેસે કહ્યું, "જાસૂસી મામલા ઉપર હું ટિપ્પણી નહીં કરું અને અમે અમારા સૈનિકોને સુરક્ષિત રાખવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે અને એમને તહેનાતી પછી સુરક્ષિત રાખી રહ્યા છીએ."
ન્યૂ યૉર્ક ટાઇમ્સના દાવાની વિશ્વસનીયતાને પારખવું ઘણું મુશ્કેલ છે. કારણકે 2016માં અફઘાનિસ્તાનમાં સંઘર્ષ પછીથી અત્યાર સુધી બ્રિટનના એક પણ સૈનિકનું મૃત્યુ થયું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો