ચીન દર વર્ષે એક નવું 'શહેર' કેમ બનાવી રહ્યું છે?

વસતીની દૃષ્ટિએ ચીન વિશ્વનો સૌથી મોટો દેશ છે. આર્થિક પ્રગતિમાં પણ તેને વિશ્વને પોતાનો પરચો આપ્યો છે.

વસતીના પ્રમાણમાં મકાનોની પણ જરૂર છે, જેથી લોકો રહી શકે અને આર્થિક પ્રવૃત્તિઓ પણ સરળતાથી ચાલી શકે. ચીન આ ક્ષેત્રમાં વ્યાપકપણે કામ કરી રહ્યું છે.

નિષ્ણાતો કહે છે કે આવનારા દાયકામાં, વિશ્વમાં જેટલી ઇમારતો બનશે તેમાંથી અડધી માત્ર ચીનમાં બનશે. પહેલાંથી જ ચીનમાં દર વર્ષે બે અબજ ચોરસ મીટર ફ્લોર સ્પેસ તૈયાર છે.

જો મકાન એક માળનું હોય તો પણ તેમનો કુલ વિસ્તાર આખા લંડન જેટલો હશે. કાર્બનઉત્સર્જનની દૃષ્ટિએ આ એક બહુ મોટો આંકડો છે.

વધતી આર્થિક પ્રવૃત્તિની સાથે ચીને ઇમારતોના બાંધકામમાં પણ વધારો કર્યો છે. આ ઇમારતોમાં ઊર્જાનો ઉપયોગ પણ વધ્યો છે, જે પર્યાવરણ માટે એક પડકાર છે.

એક અબજ ટન કોલસાથી જેટલી ઊર્જા ઉત્પન્ન થાય તેટલી ઊર્જાનો ઉપયોગ ચીનના બાંધકામ ક્ષેત્રમાં 2001થી 2016ની વચ્ચે થયો છે.

કાચા માલના સપ્લાયથી માંડીને ઇમારતના બાંધકામ સુધી જેટલી ઊર્જાનો ઉપયોગ થાય છે તે ચીનના કુલ કાર્બન ઉત્સર્જનનો પાંચમો ભાગ છે.

આટલા મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન એ મનુષ્ય અને પર્યાવરણ બંને માટે ખતરાની ઘંટી સમાન છે.

ચીનના લોકોએ પણ આ ભયનો અનુભવ કર્યો છે અને તેની કિંમત પણ ચૂકવી છે. આ કારણોસર મકાનો બનાવવા માટે નવી રીતો પર કામ કરવામાં આવી રહ્યું છે જેથી કાર્બનનું ઉત્સર્જન ઓછું થઈ શકે.

આ માટે અત્યાર સુધીની સૌથી સફળ રીત છે ઇમારતોને છોડથી ઢાંકી નાખવું.

ઇટાલીમાં પ્રથમ પ્રયોગ

ઇટાલીના મિલાન શહેરમાં ઇટાલિયન આર્કિટેક્ટ સ્ટેફાનો બોરી દ્વારા સૌપ્રથમ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

હવે બોરીની ટીમ ચીનમાં પણ આ જ પ્રયોગ કરવા જઈ રહી છે. ચીનના નાનજિંગ શહેરમાં બે ગ્રીન ટાવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જે સંપૂર્ણ રીતે છોડથી ઢંકાયેલા હશે.

2020ના અંત સુધીમાં બંને ઇમારત તૈયાર કરી નાખવાની યોજના હતી પણ કોવિડ-19 ના કારણે હવે કામ સમયસર પૂર્ણ થશે નહીં.

બિલ્ડિંગના આગળથી વધેલા ભાગમાં 2500 પ્રકારના નાના છોડ, એક હજારથી વધુ વૃક્ષો અને અન્ય છોડ વાવવામાં આવશે.

બિલ્ડિંગની આગળની દિવાલો પર વાવેતર થઈ શકે તે માટે નર્સરીમાં 600 પ્રકારનાં સ્થાનિક વૃક્ષો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. બિલ્ડિંગમાં વાવેતર થાય ત્યાં સુધીમાં તેમની લંબાઈ 6 થી 9 મીટરની થઈ જશે.

આ વૃક્ષોનું વાવેતર કરતાં પહેલાં, તેમની ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે અને તેમને વિન્ડ-ટનલમાંથી પસાર કરવામાં આવશે.

વિન્ડ-ટનલનાં પરિણામો મુજબ વૃક્ષોને મકાનના જુદા-જુદા માળ પર વાવવામાં આવશે.

ચીનના ઘણા પ્રાંતોમાં નીતિઓ લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત ઊંચી ઇમારતોમાં હરિયાળી ફરજિયાત છે.

દાખલા તરીકે, ઝેજિયાંગ પ્રાંતમાં સ્કાય ગાર્ડન બાલ્કનીઓ બનાવવામાં આવી છે.

આ એક બોનસ

કોઈ પણ મકાનને હરિયાળીથી સજ્જ બનાવવા માટે આયોજન કરવું જરૂરી છે અને વધતાં જતાં કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવાનો એક માત્ર રસ્તો પણ આ જ છે.

જો ઇમારતોની બહાર હરિયાળી રાખવાનું વલણ લોકો અપનાવે તો ચીનના બાંધકામઉદ્યોગમાંથી કાર્બન ઉત્સર્જન ઘણી હદ સુધી ઘટાડી શકાશે.

કેટલાક નિષ્ણાતો માને છે કે મકાન બનાવવા માટે વપરાતી સામગ્રીમાં પણ સુધારો કરવો પડશે.

દાખલા તરીકે, માત્ર સિમેન્ટનો જ વિશ્વના કુલ કાર્બનઉત્સર્જનમાં 8 ટકા ફાળો છે.

જો બાંધકામ સામગ્રીને રિસાઇકલ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં કાર્બનઉત્સર્જન ઘટાડી શકાય.

આ દિશામાં, ચીનની વિન્સન કંપનીએ કામ શરૂ કર્યું છે. આ કાર્ય માટે, આ કંપની 3-ડી તકનીકનો આશરો લઈ રહી છે.

નવી ઇમારત બનાવવા માટે બેકાર થયેલી વસ્તુઓને રિસાઇકલ કરીને વાપરવાને બદલે, જે વસ્તુઓ પહેલાંથી અસ્તિત્વમાં છે તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.

ગ્રીન આર્કિટૅક્ચર ડિઝાઇન ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર લુ હેંગ કંઈક આવું જ કરી રહ્યા છે.

તેમને એક જૂની ફેક્ટરીના જૂના કાંચ અને સિમેન્ટના ટુકડાની મદદથી પોતાના માટે એક નવો કૉરિડોર તૈયાર કર્યો છે.

તેમણે કૉરિડોરની આજુબાજુમાં પડદાની દિવાલો બનાવી છે જે બહારની ગરમ હવાને પ્રવેશવા દેતી નથી અને અંદરનું તાપમાન નિયંત્રિત રાખે છે.

લ્યુ કહે છે કે 3ડી પ્રિન્ટિંગ આ કાર્યમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આનાથી મજૂરી અને સામગ્રી બંનેની બચત થશે.

ચીનમાં એવી પણ બિલ્ડિંગો બનાવવાનું કામ થઈ રહ્યું છે, જેને કોઈ પણ યાંત્રિક માધ્યમ વિના ઠંડી અથવા ગરમ રાખી શકાય.

સૌપ્રથમ તેનો ઉપયોગ 2005માં બેઇજિંગની પેકિંગ યુનિવર્સિટીની બિલ્ડિંગમાં થયો હતો.

આ બિલ્ડિંગના કૉરિડોર એવી રીતે બનાવવામાં આવ્યા છે કે શિયાળામાં તે ગરમ રહે અને ઉનાળામાં ઠંડક અનુભવાય, સાથે-સાથે કુદરતી પ્રકાશ પણ વિપુલ પ્રમાણમાં મળી રહે.

અહીં વીજળીનો વપરાશ નહિવત્ છે. વર્ગખંડમાં વીજળી સિસ્ટમ પણ એવી રીતે વિકસિત કરવામાં આવી છે કે લોકોની હાજરીમાં જ લાઇટો ચાલુ થાય.

આર્કિટૅક્ચરક્ષેત્રના લોકોને આશા છે કે જે રીતે ઇમારતો માટે નવી ડિઝાઇન બનાવવામાં આવી રહી છે તે ખૂબ જ સ્થિર છે અને ચીની સરકાર તેમને આગળ વધવામાં મદદ કરશે.

2018 સુધીમાં, ચીનમાં 10,000થી વધુ ગ્રીન પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. 2017માં, ચીને નિર્ણય લીધો હતો કે 2020 સુધીમાં નિર્માણ થયેલી 50% ઇમારતો 'ગ્રીન ઇમારતો' હશે.

ચીનમાં શહેરી વિકાસનો દર ઝડપી છે. તેથી અહીં પરિવર્તનની ગતિ પણ ઝડપી હશે.

જો આ દાયકામાં વિશ્વમાં કુલ ઇમારતોનો અડધો ભાગ ચીનમાં બાંધવામાં આવે તો આ નવી પદ્ધતિઓ મોટું પરિવર્તન લાવશે.

જો ચીન તેની 50 ટકા ઇમારતોને લીલોતરીથી ભરી નાખે તો વિશ્વના કુલ કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો