You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિકાસ દુબેનું મોત, 'પીઠબળ કોનું હતું? એ ખબર કેવી રીતે પડશે?', મૃતક પોલીસકર્મીનાં પત્નીનો સવાલ
કાનપુર મૂઠભેડના મુખ્ય આરોપી વિકાસ દુબેનું પોલીસ સાથેની મૂઠભેડમાં મોત થયું છે. ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહી હતી.
પોલીસનું કહેવું છે કે વિકાસે ભાગવાની કોશિશ કરી જે પછી પોલીસે ગોડી ચલાવવી પડી, જેમાં આરોપીનું મોત થયું છે.
કાનપુર રેંજના આઈજી મોહિત અગ્રવાલે સમાચાર એજન્સી પીટીઆઈને વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે કાનપુરમાં થયેલી મૂઠભેડમાં જીવ ગુમાવનાર પોલીસ કૉન્સ્ટેબલ સુલતાન સિંઘનાં પત્નીએ કહ્યું, "હું સંતુષ્ટ છું, પરંતુ તેને(વિકાસ દુબે) કોનું પીઠબળ હતું? એ હવે ખબર કેવી રીતે પડશે? તેની પૂછપરછ બાદ આ જાણી શકાયું હોત."
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે વિકાસ દુબેના મોત અંગે એક ટ્વીટ કર્યું છે.
ટ્વીટમાં લખ્યું છે, "આ કાર પલટી નથી, રહસ્ય ખૂલવાથી સરકાર પલટતી રહી ગઈ છે."
શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદી લખે છે, "ના રહેગા બાંસ, ના બજેગી બાસુરી."
'પિસ્તોલ છીનવી ભાગવાની કોશિશ કરી'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે સવારે વિકાસસ દુબેને ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહી હતી.
કાનપુર પહેલાં રસ્તામાં જ કાફલાની એક ગાડી પલટી ગઈ હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગાડી પલટી એનાથી કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને એ ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓની પિસ્તોલ લઈને ભાગવાની કોશિશ તેણે કરી હતી.
તેમનું કહેવું છે કે આ પછી પોલીસે એને ઘેરી લીધો, તેને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું પણ તેણે ગોળીબાર શરૂ કરી દીધો. જેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું.
જોકે વિકાસને કેટલી ગોળી વાગી છે એની કોઈ માહિતી નથી.
આ પછી ઈજાગ્રસ્ત વિકાસ દુબેને સ્ટ્રેચર પર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પોલીસના કહેવા પ્રમાણે ડૉક્ટરોએ આરોપીના મોતની પુષ્ટિ કરી દીધી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે કાનપુર પહોંચે એ પહેલાં જ કાફલાની એક ગાડી પલટી ગઈ હતી.
કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્ય પ્રદેશ પોલીસે ગુરુવારે નવમી જુલાઈના રોજ ઉજ્જૈનથી ધરપકડ કરી હતી, જે પછી તેને કાનપુર લવાઈ રહ્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈ સૂત્રોને ટાંકતાં લખે છે કે ગૅંગસ્ટર વિકાસ દુબેએ કાર પલટ્યા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
એવું પણ નોંધે છે કે ગોળીઓ ચલાવવામાં આવી અને તેને હૉસ્પિટલ લાવવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો