You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉજ્જૈન : વિકાસ દુબેની ધરપકડ કે સરન્ડર? અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધીએ પૂછ્યા સવાલ
કાનપુરમાં આઠ પોલીસમૅનની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્ય પ્રદેશનના ઉજ્જૈનમાંથી ધરપકડ થઈ છે.
ભાજપના નેતાઓ આ ધરપકડને મોટી સિદ્ધિ તરીકે રજૂ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષના નેતા તેના ઉપર સવાલ ઉઠાવ્યા છે.
વિપક્ષ દ્વારા વિકાસ દુબેના કોલ ડિટેઇલ્સની તપાસ કરવાની માગ કરવામાં આવી છે, જેથી કરીને તેના સંપર્ક કોની-કોની સાથે હતા, તે સ્પષ્ટ થઈ શકે.
આ દરમિયાન વિકાસ દુબેની ધરપકડના વીડિયો પર પણ લોકો ચર્ચા કરી રહ્યાં છે. આ વીડિયોમાં તે મેં વિકાસ દુબે હું કાનપુરવાલા એમ કહેતા સંભળાય છે.
ગત સપ્તાહે ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં વિકાસ દુબેના ગામમાં રેડ કરવા પહોંચલી પોલીસ ટુકડી ઉપર હુમલો થયો હતો, જેમાં આઠ પોલીસવાળા મૃત્યુ પામ્યા હતા.
કાનપુર કેસમાં ફરજ દરમિયાન લાપરવાહી દાખવવા બદલ તથા કથિત રીતે વિકાસ દુબેને મદદ કરવા બદલ બે પોલીસમૅનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ધરપકડ કે સરન્ડર?
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તથા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે પૂછ્યું કે 'આ આત્મસમર્પણ છે કે સરન્ડર ? '
યાદવે ટ્વીટ કર્યું, "એવા અહેવાલ છે કે 'કાનપુરકાંડ'ના મુખ્ય આરોપીની પોલીસે કસ્ટડીમાં છે. જો આ વાત ખરી હોય તો સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે તે સરન્ડર છે કે ધરપકડ? આ સિવાય તેના મોબાઇલ CDR (કૉલ ડિટેઇલ રેકર્ડ)ને સાર્વજનિક કરવી જોઈએ, જેથી કરીને કોણ-કોણ તેની સાથે સંડોવાયેલું છે, તેનો ખુલાસો થઈ શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, સમાચાર સંસ્થા એએનઆઈને વિકાસ દુબેનાં માતા સરલા દેવીએ એમ કહ્યું કે તે ભાજપમાં નથી, સમાજવાદી પાર્ટીમાં છે.
બીજી બાજુ, કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને લખ્યું, "કાનપુરના જઘન્ય હત્યાકાંડ મામલે યુ.પી. સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈતી હતી, પરંતુ સરકાર નિષ્ફળ રહી છે. ઍલર્ટ છતાં આરોપીનું ઉજ્જૈન સુધી પહોંચવું એ સુરક્ષાના દાવાની પોલ ખોલે છે અને સાંઠગાંઠ તરફ ઇશારો કરે છે."
મધ્ય પ્રદેશ કૉંગ્રેસના નેતા અને રાજ્યસભામાં સંસદસભ્ય દિગ્વિજયસિંહે આ મુદ્દે અનેક ટ્વીટ કર્યાં. તેમણે લખ્યું, "હું શિવરાજજી સમક્ષ વિકાસ દુબેની ધરપકડ કે સરન્ડર મુદ્દે ન્યાયિક તપાસની માગ કરું છું. આ કુખ્યાત ગૅંગસ્ટર કયા-કયા નેતા તથા પોલીસકર્મીઓ સાથે સંપર્કમાં હતો તેના વિશે તપાસ થવી જોઈએ. વિકાસ દુબેને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખીને તેના માટે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવો જોઈએ, જેથી તમામ રહસ્ય બહાર આવી શકે."
દિગ્વિજયસિંહે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમિયાન નરોત્તમ મિશ્રા કાનપુર ભાજપના ઇન્ચાર્જ પણ હતા, શું અનુસંધાન સધાય છે? મિશ્રા અત્યારે મધ્ય પ્રદેશ સરકારમાં પ્રધાન છે.
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકાસ દુબેની ધરપકડ કરવા બદલ મધ્ય પ્રદેશ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે ટ્વીટ કર્યું છે, "જેમને એવું લાગતું હોય કે મહાકાલની શરણમાં જવાથી તેમના પાપ ધોવાઈ જશે, તેમણે મહાકાલને ઓળખ્યા જ નથી. અમારી સરકાર કોઈ પણ ગુનેગારોને નહીં છોડે."
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું, "આ સૌથી ખૂંખાર તથા વધુ ઇનામ ધરાવતો આરોપી હતો. આઠ પોલીસ અધિકારીઓનો હત્યારો આજે ઉજ્જૈનમાં ઝડપાઈ ગયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે ખૂબ જ મહેનત કરી છે. વિકાસની ગૅંગના અનેક મોટા આરોપી માર્યા ગયા છે. આ યૂ.પી. પોલીસનો ભય જ હતો કે વિકાસ દુબે યૂ.પી.ની બહાર જઈને આત્મસમર્પણ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો. યૂ.પી. અને એમ.પી. પોલીસને અભિનંદન, ધન્યવાદ."
ઉજ્જૈનમાંથી ધરપકડ
ગુરુવારે કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મામલાના મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્ર દ્વારા વિકાસ દુબેની ધરપકડની પુષ્ટિ કરાઈ છે પણ વધારે માહિતી આપવાની ના પાડી છે.
વિકાસ દુબેની ધરપકડને નરોત્તમ મિશ્ર મધ્ય પ્રદેશ પોલીસની મોટી સફળતા ગણાવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વિકાસ દુબે હાલ મધ્ય પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે.
કહેવાય છે કે વિકાસ દુબેને ઉજ્જૈનના મહાકાલ મંદિરના સુરક્ષાકર્મીઓએ પકડીને મધ્ય પ્રદેશ પોલીસને સોંપ્યો છે.
વિકાસ દુબેની તલાશ
ઉત્તર પ્રદેશ પોલીસ મુજબ કાનપુર જિલ્લામાં એક અધિકારી સહિત આઠ પોલીસકર્મીઓની હત્યાના મામલામાં ગત છ દિવસથી પોલીસને વિકાસ દુબેની તલાશ હતી.
પોલીસના પ્રમાણે 2-3 જુલાઈની રાત્રે કાનપુર જિલ્લાના ચૌબેપુર પોલીસસ્ટેશનની હદમાં બિકરુ ગામમાં ગોળીબાર થયો હતો.
યુપી પોલીસનું કહેવું છે કે રાહુલ તિવારી નામક એક શખ્સે વિકાસ દુબે વિરૂધ્ધ કલમ 307 હેઠળ કેસ ફાઇલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ દુબેના ઘરે પૂછપરછ માટે ગઈ હતી.
આ ઘટના બાદ કાનપુર પોલીસ મહાનિરીક્ષક મોહિત અગ્રવાલે બીબીસીને જણાવ્યું હતું કે જે મામલે પોલીસ વિકાસ દુબેના ઘરે ગઈ હતી, તે પણ હત્યાથી જોડાયેલો મામલો હતો અને તેમાં પણ તેમનું નામ આવેલું છે.
વિકાસ દુબે સામે પહેલાં પણ કેટલાક કેસ નોંધાયેલા છે. ચૌબેપુર પોલીસસ્ટેશનમાં નોંધાયેલા કેસના આધારે કહી શકાય કે અંદાજે ત્રણ દાયકાથી અપરાધી દુનિયા સાથે વિકાસ દુબેનું નામ જોડાયેલું છે. કેટલીક વાર ધરપકડ પણ થઈ પણ કોઈ કેસમાં સજા ન મળી શકી.
કાનપુરમાં સ્થાનીક પત્રકાર પ્રવિણ મોહતા જણાવે છે કે "દરેક રાજકીય પક્ષમાં વિકાસ દુબેની ઓળખાણ છે. એજ કારણ છે જેના લીધે આજ સુધી તેને પકડવામાં નથી આવ્યો. ક્યારેક ધરપકડ થાય તો પણ થોડા દિવસમાં જેલથી બહાર આવી જાય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો