You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનામાં શિક્ષણ : પરીક્ષા લેવાની ગુજરાત સરકારની જાહેરાત પણ અનેક છે પડકાર
- લેેખક, બ્રિજલ શાહ
- પદ, બીબીસી ગુજરાતી
યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (UGC)એ મંગળવારે અંતિમ વર્ષના છેલ્લા સત્રની પરીક્ષાની ગાઇડલાઇન્સ જાહેર કરી એ પછી બુધવારે ગુજરાત સરકારે પણ પરીક્ષા લેવાની સૂચના યુનિવર્સિટીઓને તથા કૉલેજોને આપી છે. જોકે, આ પરીક્ષાને લઈને અનેક સવાલ હજી ઊભા છે.
માર્ચના અંતમાં આવેલા એકાએક લૉકડાઉનને લીધે કેટલીક કૉલેજ-યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ સ્થગિત કરવી પડી હતી તો કેટલીક શાખાઓમાં અભ્યાસક્રમનો અમૂક ભાગ પૂર્ણ નહોતો થયો. માનવ સંસાધન મંત્રાલયે અગાઉ પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જોકે કેટલીક ખાનગી યુનિવર્સિટી-કૉલેજમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી.
હવે યુજીસીએ કૉલેજો અને યુનિવર્સિટીઓને ફાઇનલ યરમાં છેલ્લા સત્રની પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંત સુધીમાં લઈ લેવાનું કહ્યું છે અને કૉલેજોને ઑનલાઇન, ઑફલાઇન અથવા હાઇબ્રિડ રીતે પરીક્ષા લેવાની છૂટ આપી. એટલે કે કૉલેજ અને વિદ્યાર્થીઓની અનુકૂળતા મુજબ પરીક્ષા લઈ શકાશે. જો વિદ્યાર્થી આ ફાઇનલ પરીક્ષા આપવા સમર્થ ન હોય તો યોગ્ય પરિસ્થિતિ પ્રમાણે વિશેષ પરીક્ષાનું આયોજન કરવામાં આવે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે.
UGCની ગાઇડલાઇન્સ મુજબ વિદ્યાર્થીઓ તથા કૉલેજો-યુનિવર્સિટીઓએ ઑફલાઇન પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ, સૅનિટાઇઝેશન, માસ્ક વગેરે નિર્દેશોનું પાલન પણ કરવું પડશે .
પરીક્ષા લેવી કેટલું પડકારજનક?
ગુજરાત સરકારની પરીક્ષાની જાહેરાત બાદ પણ વિવાદ થયો હતો. ગુજરાતમાં પરીક્ષાઓ રદ કરવા વિદ્યાર્થી યુનિયને પણ માગ કરી હતી. ગુજરાત ટેકનૉલૉજિકલ યુનિવર્સિટીની પરીક્ષા લેવાની જાહેરાત થઈ હતી અને પછી તે નિર્ણયનો વિરોધ થતા તેને રદ કરવામાં આવ્યો હતો.
દેશના અન્ય ભાગોમાં પણ કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખે પરીક્ષા ઑનલાઇન લેવાનો વિરોધ કર્યો હતો. હવે ગુજરાત સરકારે યુજીસીને પગલે પરીક્ષાની જાહેરાત કરી છે પરંતુ નક્કર રૂપરેખા કે માળખાની વાત સામે આવી નથી.
ગુજરાત યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીના પ્રોફેસર ડૉ. આનંદ વસાવા કહે છે કે "ગાઇડલાઇન્સ તો જાહેર થઈ ગઈ છે પણ પરીક્ષા લેવી કેવી રીતે શકય બનશે તે કહેવું થોડું અઘરું છે કેમ કે ઑનલાઇન હોય કે ઑફલાઇન પડકાર બંનેમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. આનંદ વસાવાનું કહેવું છે કે, ઑનલાઇન સિસ્ટમની વાત કરીએ તો હાલ યુનિવર્સિટી પાસે એવી વ્યવસ્થા નથી કે તે આ રીતે પરીક્ષા લઈ શકે. વળી, અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ નાના ગામોમાંથી આવે છે એટલે એ બધા પાસે સુવિધાજનક મોબાઇલ હોય કે લેપટૉપની વ્યવસ્થા હોય કે તેમના વિસ્તારમાં ઇન્ટરનેટની યોગ્ય વ્યવસ્થા હોય જ એ જરૂરી નથી."
જો ઑફલાઇન પરીક્ષાનો વિચાર કરવામાં આવે તો કોરોના વાઇરસના માહોલમાં નિર્દેશોનું પાલન કરવા સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર પણ એક મોટી જરૂરિયાત છે.
પ્રોફેસર ડૉ.આનંદ વસાવા વધુ ઉમેરતા કહે છે કે "જો કૅમ્પસમાં જ પરીક્ષા લેવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બધા વિદ્યાર્થીઓને સમાવવા શકય નથી. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીની એક હૉસ્ટેલને કોવિડ હૉસ્પિટલમાં ફેરવવામાં આવી છે તેથી જો વિદ્યાર્થીઓ આવે તો રોકાશે કયાં?"
એમનું કહેવું છે કે લૉકડાઉન થયું ત્યારે તાત્કાલિક ધોરણે હૉસ્ટેલ ખાલી કરાવવામાં આવી એટલે ઘણાં વિદ્યાર્થીઓ એમ જ પોતાને ગામ જતા રહ્યા હતા. ત્યારે કોઈ અંદેશો નહોતો કે આટલો સમય લૉકડાઉન રહેશે. અનેક વિદ્યાર્થીઓના તો પુસ્તકો પણ અહીં જ હૉસ્ટેલમાં જ છે જયાં હવે કોવિડ હૉસ્પિટલ બનાવવામાં આવી છે."
અલગ અલગ શાખાનો અલગ પ્રશ્ન
પરીક્ષા લેવાની વાત તો નક્કી થઈ છે પરંતુ કેવી રીતે લેવાશે તે અંગે હજુ દરેક યુનિવર્સિટી-કૉલેજ અનિશ્ચિત છે.
પરીક્ષા માટે નવી સુવિધા, સંસાધનો વસાવવા પડે તો તેનો ખર્ચ કયાંથી આવશે? એવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે. આ ખર્ચ યુનિવર્સિટી-કૉલેજઓએ પોતે ભોગવવો પડશે કે રાજય સરકાર કે પછી UGC ભોગવશે? એ સવાલ પણ અનેક કૉલેજો પૂછી રહી છે. વળી, ઑનલાઇન પરીક્ષા લેવા, જરૂરી ઍપ્લિકેશન કે સૉફટવેર, સાયબર સિક્યૉરિટી અને પરીક્ષાનું મૉડલ તથા ગોઠવણ વિદ્યાર્થીઓને સમજાવવી એ પણ એક પડકારજનક કામ છે. આર્ટસ ઉપરાંત કોમર્સ, સાયન્સ, એન્જિનિઅરિંગ, મેડિકલ, લૉ વગેરે શાખાઓમાં અલગ અલગ સ્થિતિ જોવા મળી રહી છે.
વિજ્ઞાનશાખામાં થિયરીની સાથે પ્રેક્ટિલ પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીના જ કૅમિસ્ટ્રી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દિલીપ વસાવાનું માનવું છે કે "સરકાર દ્વારા આપવામાં આવેલા ટૅબ્લેટના સહયોગથી સમજો કે કદાચ ઑનલાઇન પરીક્ષા શકય બને તો પણ પ્રેક્ટિલ પરીક્ષાનું શું? "
એમનું કહેવું છે કે હાલ લૅબોરેટરીની ક્ષમતા મુજબ જો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે પરીક્ષા લેવાય તો એકસમયે માત્ર 15 વિદ્યાર્થીઓ ઊભા રહી શકે અને અહીં સમ્રગ વિજ્ઞાનશાખામાં અંદાજે 1500થી 2000 જેટલા વિદ્યાર્થીઓ છે.
ડૉ. દિલીપ વસાવા કહે છે કે "ઑનલાઇન પરીક્ષા લેવાય તો એમસીક્યૂને પ્રાધાન્ય આપવું પડે જયારે હાલ અહીંની થિયરીની પરીક્ષાનું ફોર્મેટ ડિસ્ક્રિપ્ટીવ છે. આ બાબત પ્રોફેસરો માટે પણ નવી છે અને વિદ્યાર્થીઓ માટે પણ નવી રહેશે."
વિદ્યાર્થીઓની મૂંઝવણ
પહેલાં પરીક્ષા લેવાની ના પાડવામાં આવે ત્યાર બાદ જાહેરાતથી એકદમ જ ટૂંકાગાળામાં પરીક્ષાની તૈયારી કરવાની ચિંતા પણ અનેક વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી.
વળી, મહામારીનો માનસિક તણાવ પોતે પણ એક અલગ સમસ્યા છે. ઑનલાઇન સ્ટડીઝ જેમના માટે સાવ નવું જ છે એમાં કુશળ વિદ્યાર્થીઓ ઍડજસ્ટ ન થઈ શકે એમ બની શકે છે.
વિદ્યાલંકાર ઇન્સ્ટિટ્યુટ ઑફ ટૅકનોલોજીના CAO ડૉ.સૌરભ મહેતા જણાવે છે કે "ઇન્ફ્રાસ્ટકચર અને અન્ય ભૌતિક બાબતો સિવાય વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા માનસિક રીતે ઘણી પડકારજનક બાબત હશે. સામાન્ય રીતે સેમિસ્ટરનો અભ્યાસ પતે અને પરીક્ષા હોય, આ વખતે અઢી-ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે. પછી હવે પરીક્ષાની જાહેરાત થઈ છે અને તેમાં પણ ઘણી બધી અનિશ્ચતતાઓ છે. જેનાથી વિદ્યાર્થીઓ વધુ મૂંઝાશે."
એમનું કહેવું છે કે "પારદર્શક અને ચોક્કસ રૂપરેખા હોવી જરૂરી છે. મુંબઇમાં લૉજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રકચરને જોતા ઑફલાઇન પરીક્ષા ચિંતાનો વિષય છે. એ સિવાય ફાઇનલ યરની પરીક્ષા સામાન્યપણે કૉલેજ નથી લેતી હોતી, તે યુનિવર્સિટી કે બોર્ડ દ્વારા લેવાતી હોય એટલે અન્ય કૉલેજમાં સેન્ટરની ગોઠવણ વ્યવસ્થા કેટલી શક્ય બનશે? એ વિચારવાની બાબત છે."
વિદ્યાર્થીઓનાં ભવિષ્યનો વિચાર
વિદ્યાલંકાર ઇન્સ્ટિટ્યુટ ઑફ ટૅકનોલોજીના સીઓઓ ડૉ.અમિત ઑકનું કહેવું છે કે "પરીક્ષા લેવી, ન લેવી, કેવી રીતે લેવી આ બધા કરતા સૌથી વધુ ચિંતાજનક બાબત છે કે કોઈ નક્કર રૂપરેખા તૈયાર નથી કરવામાં આવી. મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આવી અસમંજસની સ્થિતિ યોગ્ય નથી."
તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો પણ ઉઠાવે છે અને કહે છે કે, "ધારો કે તમે પાંચ વર્ષ પછી કોઈ સારી કંપનીમાં નોકરી માટે અપ્લાય કરો છો અને તમારા 2020ના માર્ક પર તમારો ગ્રેડ ઘટી જાય તો? બીજા ઍન્ગલથી જોઇએ તો શું કોઈ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપની એ વાત ધ્યાનમાં લેશે કે 2020નાં માર્કસ ઓછાં-વત્તા હશે તો ચાલશે? મહામારીનું વર્ષ હતું તો ચલાવી લઈએ એવું કોઈ કહેશે?
ડૉ. અમિત ઑક કહે છે કે "આવા માહોલમાં વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર કેન્દ્રસ્થાને હોવો જોઈએ જેથી વિદ્યાર્થીઓનું સમ્રગ વર્ષ ન બગડે અને એમનો ઍકેડેમિક રૅકર્ડ ન ડહોળાય. વિદ્યાર્થીઓએ ત્રણ સેમિસ્ટરની પરીક્ષા તો પહેલેથી જ આપી છે.જો આ પરીક્ષા લઈએ તો એની સાથે અથવા ચારે સેમિસ્ટરના ભાગનો સારાંશ કાઢીને મૂલ્યાંકન કરવામાં આવે તો તે વિદ્યાર્થીઓ, શિક્ષણક્ષેત્ર અને વ્યવસાયિક જગત માટે વાજબી ગણાય"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો