You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GTUની પરીક્ષા એક દિવસ પહેલાં સરકારે કેમ રદ કરી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત ટેક્નિલક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વધુ એક વખત અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો છે. પરીક્ષાના માત્ર એક દિવસ પહેલાં રાજ્ય સરકારે ઍક્ઝામિનેશન નહીં લેવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના કહેવા પ્રમાણે, સમગ્ર દેશમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટેના ભારત સરકારના સૂચનના આધારે GTU તથા અન્ય યુનિવર્સિટી પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
કૉંગ્રેસે પરીક્ષાના આયોજનને 'વિદ્યાર્થીઓના આરોગ્ય તથા ભવિષ્ય સાથે ચેડા ગણાવ્યા.'
આ પહેલાં ગતસપ્તાહે#Save_GTU_Students દ્વારા ટ્વિટર ઉપર પોતાની વ્યથા ઠાલવી હતી અને પરીક્ષા નહીં યોજવાની માગ કરી હતી.
જી.ટી.યુ.એ ગુજરાતમાં એન્જિનિયરિંગ, ફાર્મલી અને મૅનેજમૅન્ટ ક્ષેત્રની અનુસ્નાતક ડિગ્રીઓની પરીક્ષા આયોજિત કરતી મધ્યસ્થ શૈક્ષણિક સંસ્થા છે.
સરકાર, વિપક્ષ અને તકરાર
રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું, "કેન્દ્ર સરકારના શિક્ષણ સચિવે વર્તમાન સ્થિતિમાં રાજ્યોની યુનિવર્સિટીઓની પરીક્ષામાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે હાલ પૂરતી પરીક્ષાઓને મોકૂફ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા."
"જેથી હાલમાં GTU તથા અન્ય યુનિવર્સિટી પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કર્યો છે."
ચુડાસમાના કહેવા પ્રમાણે, પરીક્ષાઓની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા)એ પરીક્ષાની સામે ચળવળ ચલાવી હતી. આ વિશે કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.
પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું, "યુનિવર્સિટીના સત્તાધીશો પરીક્ષા યોજવા અંગે કોઈ નિર્ણય ન કરી શક્યા, જેના કારણે વિદ્યાર્થીઓ માટે અસમંજસની સ્થિતિ ઊભી થઈ. યુ.જી.સી.,(યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) AICTE (ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ ટેકનિકલ ઍજ્યુકેશન) તથા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાથી વિપરીત જઈને પરીક્ષા યોજવા આગળ વધી હતી."
"સરકાર વિદ્યાર્થીઓની આરોગ્ય તથા કૅરિયર સાથે ચેડાં કરી રહ્યા હતા."
દોશીએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને થયેલા માનસિક પરિતાપ બદલ સરકાર તથા શિક્ષણવિભાગ પાસે માફીની માગ કરી હતી.
GTUની પૂર્વ યોજના
આ પહેલાં GTUએ પહેલી કે બીજી જુલાઈથી ફાઇનલ યરની ઑફલાઇન પરીક્ષાને તેના નિર્ધારિત સમયે જ લેવાની જાહેરાત કરી હતી.
GTUએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બીજો વિકલ્પ પણ આપ્યો હતો, જેના અનુસાર જે વિદ્યાર્થીઓ જુલાઈમાં પરીક્ષા આપવા ન માગતા હોય તો તેઓ સ્થિતિ સામાન્ય થયા બાદ પણ પરીક્ષા આપી શકે.
જો વિદ્યાર્થી બીજો વિકલ્પ પસંદ કરે, તો પણ તેમને રૅગ્યુલર વિદ્યાર્થી જ ગણવાનો નિર્ણય લેવાયો હતો.
જો વિદ્યાર્થી કોઈ પણ એક વિકલ્પ પસંદ ન કરે, તો તેમને 2 જુલાઈથી શરૂ થનારી ઍક્ઝામિનેશનના જ પરીક્ષાર્થી તરીકે ગણવાનો નિર્ણય લેવાયો હતો.
જે વિદ્યાર્થીઓએ ઑનલાઇન પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું, તેમની પરીક્ષા તા. 21મી જુલાઈથી શરૂ કરવાનું નક્કી કરાયું હતું.
વિદ્યાર્થીઓએ #Save_GTU_Students દ્વારા ટ્વિટર ઉપર પોતાની વ્યથા ઠાલવી હતી અને પરીક્ષા નહીં યોજવાની માગ કરી હતી.
એક વિદ્યાર્થીએ લખ્યું, 'અમને ડિગ્રી સર્ટિફિકેટ જોઇએ છે, મૃત્યુનું સર્ટિફિકેટ નહીં.' અન્ય એક વિદ્યાર્થીએ લખ્યું, 'આદરણીય રુપાણીજી, મહેરબાની કરીને UGCની ગાઇડલાઇનનું અનુસરણ કરો અને ગુજરાતના વિદ્યાર્થીઓને જનરલ પ્રમોશન આપો.'
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો