You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પરીક્ષા માટે અમારા જીવ જોખમમાં ન મૂકો', GTUના વિદ્યાર્થીઓ - સોશિયલ
- લેેખક, મહેઝબીન સૈયદ
- પદ, બીબીસી ગુજરાતી
દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના પગલે UGCએ ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા સૂચવ્યું, એ સાથે વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ ગઈ હતી, પણ GTUના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને કોઈ રાહત મળી નથી.
ગુજરાત ટેકનૉલૉજિકલ યુનિવર્સિટી એટલે કે GTUએ ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા નિર્ધારિત સમયે જ લેવાનો નિર્ણય લીધો છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ છે.
જેના પગલે શુક્રવાર સવારથી જ ટ્વિટર પર #Save_GTU_Students ટ્રૅન્ડ થવા લાગ્યું હતું.
વિદ્યાર્થીઓનો સવાલ છે કે જો દેશના બાકી વિદ્યાર્થીઓની પરીક્ષા રદ થઈ શકતી હોય, તો GTUની કેમ નહીં?
વિદ્યાર્થીઓ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પરીક્ષા રદ કરી તેમને માસ પ્રમોશન આપવાની માગ કરાઈ રહી છે.
ટ્વિટર પર વિદ્યાર્થીઓનો રોષ
ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે, અમદાવાદમાં સૌથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.
એવામાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે, જે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહે છે. આવા વિસ્તારોમાંથી તેઓ પરીક્ષા આપવા કેવી રીતે પહોંચી શકે, એવી પણ એક લાગણી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ તેમનો રોષ ટ્વિટર પર ઠાલવ્યો હતો.
મીત નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, “GTU અને ગુજરાત ભાજપે શરમ કરવી જોઈએ કે તેઓ ગુજરાતને ખતરામાં મૂકી રહ્યા છે. જો કોઈ વિદ્યાર્થીને ચેપ લાગી જશે તો શું તમે જવાબદારી લેશો?"
"હું તમને ચૅલેન્જ આપું છું કે તમે વિદ્યાર્થીઓની ભીડ સાથે ઊભા રહો અને પછી ફાઇનલ યરની પરીક્ષા લો. રાજકારણ કરીને પૈસા કમાવવાનું છોડી દો.”
રઘુ બારોટ નામના એક વિદ્યાર્થી લખે છે, “મને લાગતું હતું કે IIT મૂર્ખ છે, જેણે પરીક્ષા રદ કરી. તેમણે જીટીયુના વાઇસ ચાન્સેલર પાસેથી કંઈક શીખવું જોઈએ કે વિદ્યાર્થીઓના માધ્યમથી કોરોના વાઇરસ કેવી રીતે ફેલાવવો જોઈએ.”
ધ્રુમિલ ભાવસાર નામના એક ટ્વિટર યૂઝર કહે છે કે અમારે ડિગ્રી સર્ટીફિકેટ જોઈએ છે, મૃત્યુનું પ્રમાણપત્ર નહીં.
સ્ટુડન્ટ નામના એક ટ્વિટર ઍકાઉન્ટ પરથી લખવામાં આવ્યું છે, “આદરણીય વિજય રૂપાણીજી, મહેરબાની કરીને UGC ગાઇડલાઇન્સનું અનુકરણ કરો અને ગુજરાતના વિદ્યાર્થીઓને જનરલ પ્રમોશન આપો."
"વિદ્યાર્થીઓના જીવ ખતરામાં ન મૂકો. AIIMSના ડિરેક્ટરે પણ કહ્યું છે કે જૂન-જુલાઈમાં કેસોની સંખ્યા વધશે.”
પરીક્ષા અંગે GTUએ શું કહ્યું છે?
GTUએ પહેલી કે બીજી જુલાઈથી શરૂ થનારી ઑફલાઇન પરીક્ષા તેના નિર્ધારિત સમયે જ લેવામાં આવશે, એવું કહ્યું છે.
GTUએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બીજો વિકલ્પ પણ આપ્યો છે, જેમાં વિદ્યાર્થી હાલ પરીક્ષા આપવા ન માગતા હોય તો તેઓ સ્થિતિ સામાન્ય થયા બાદ પણ પરીક્ષા આપી શકે.
જો વિદ્યાર્થી બીજો વિકલ્પ પસંદ કરશે તો પણ તેમને રેગ્યુલર વિદ્યાર્થી જ ગણવામાં આવશે.
જો વિદ્યાર્થી કોઈ પણ એક વિકલ્પ પસંદ ન કરે, તો તેને 2 જુલાઈથી શરૂ થનારી પરીક્ષાના જ પરીક્ષાર્થી તરીકે ગણવામાં આવશે.
તો આ તરફ જે વિદ્યાર્થીઓએ ઑનલાઇન પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે, તેમની પરીક્ષા 21 જૂલાઈથી શરૂ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો