ICSE-CBSE ધો. 10ની પરીક્ષા રદ, ધો. 12 માટે વિદ્યાર્થીઓ પાસે રહેશે વિકલ્પ

તા. પહેલી જુલાઈથી 15મી જુલાઈ વચ્ચે લેવાનારી સી.બી.એસ.ઈ.ની ધો. 10 અને 12ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં આ માહિતી આપી છે.

બી.બી.સી. ગુજરાતીના સહયોગી સુચિત્રા મોહંતીએ સર્વોચ્ચ અદાલતની કાર્યવાહી વિશે જણાવ્યું છે કે કોવિડ-19ના ફેલાવાની વચ્ચે ધો. 12ની પરીક્ષા લેવા મુદ્દે સી.બી.એસ.ઈ. (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન) તથા ICSE (ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડર ઍજ્યુકેશન)ની સામે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે દિલ્હી, મહારાષ્ટ્ર તથા તામિલનાડુ સરકારોએ પરીક્ષા યોજવા માટે અસમર્થતા વ્યક્ત કરી છે.

ધો. 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને તેમાં ફરી પરીક્ષા નહીં લેવાય. વિદ્યાર્થીઓને તેમની ગત ત્રણ પરીક્ષાના આધારે માર્ક્સ આપવામાં આવશે.

જ્યારે ધો. 12ના વિદ્યાર્થીઓને ગત પરીક્ષાઓના આધારે માર્ક્સ આપવાની ફૉર્મ્યુલા નક્કી કરી લેવામાં આવી છે. અથવા તો તેમની પાસે પાછળથી યોગ્ય વાતાવરણ થયે પરીક્ષામાં બેસવાનો વિકલ્પ રહેશે.

ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ આઈ.સી.એસ.ઈ.એ તેની પરીક્ષા રદ કરી છે અને તે ફરી પરીક્ષાનો વિકલ્પ નહીં આપે.

જસ્ટિસ એ. એમ. ખાનવીલકરે ત્રણ જજોની બેન્ચની અધ્યક્ષતા કરી હતી. બેન્ચે ધો. 10 અને ધો. 12ની પરીક્ષા મુદ્દે વિગતવાર સ્પષ્ટતા કરતું નૉટિફિકેશન કાઢવા સી.બી.એસ.ઈ.ને આદેશ કર્યો છે.

ગલવાનમાં ચીની સૈનિક પરત ફર્યા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ચીનના સૈનિકો ગલવાન ખીણમાં ભારતીય હદમાં પરત ફર્યા છે અને મોટો કૅમ્પ પણ ઊભો કર્યો છે. કૉમર્શિયલ સેટેલાઇટ દ્વારા લેવાયેલી તાજી તસવીરો અને ઘટનાસ્થળેથી મળી રહેલી માહિતીના આધારે અખબારે આ અહેવાલ છાપ્યો છે.

બુધવારે જાહેર કરાયેલી સેટેલાઇટ તસવીરોમાં દાવો કરાયો છે કે ચીનના સૈનિકો 15 જૂને જ્યાં હિંસક ઘટના ઘટી હતી તે 'પેટ્રોલિંગ પોઇન્ટ-14'(પીપી-14) પર મોટી સંખ્યા પરત ફર્યા છે.

ભારતીય સૈન્યએ 15 જૂને થયેલી હિંસક અથડામણમાં આ કૅમ્પને તોડી પાડ્યો હતો. પરતુ હવે પહેલાં કરતા મોટો કૅમ્પ બનાવવામાં આવ્યો છે જેમાં ઑબ્ઝર્વેશન પોસ્ટની જગ્યાએ ગન પોઝિશન છે.

પૂર્વ લદ્દાખમાં સ્થિતિ વધારે ગંભીર જોવા મળી રહી છે. ચીન દેપ્સાંગ વિસ્તારમાં સૈન્યની પોઝિશનને રિઇન્ફૉર્સ કરી રહ્યું છે. જ્યારે તેણે પૅંગોંગ સો વિસ્તારમાં ભારતીય સરહદ પર કબજો કરવાનું ચાલુ રાખ્યું હોવાનું અખબાર નોંધે છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય સૈન્યના ચીફ જનરલ એમ.એમ. નરવણેએ બુધવારે પૂર્વ લદ્દાખની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.

'મજૂરો ભોગ બન્યા છે, અલબત્ત ગુનેગાર નથી'

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આઈઆઈએમ અમદાવાદ ખાતે મજૂરો અને પોલીસની વચ્ચે ઘટેલી હિંસાની ઘટનામાં પકડાયેલા મજૂરોને જામીન આપતાં હાઈકોર્ટે કહ્યું હતું કે તેઓ 'ભોગ બન્યા છે, અલબત્ત ગુનેગાર નથી'.

ગત મે મહિનાની 18 તારીખે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર ખાતે આવેલી ભારતની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા આઈઆઈએમ-અમદાવાદમાં નવી ઇમારત બનાવવાનું કામ કરી રહેલાં મજૂરોએ લૉકડાઉનમાં કામ, રૂપિયા અને ખાવાનું ન મળવાની ફરિયાદ સાથે ઘરે જવા દેવાની માગ સાથે વિરોધ કર્યો હતો.

જેમાં પોલીસ અને મજૂર વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના બાદ ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કુલ 33 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમના જામીન બુધવારે ગુજરાત હાઈકોર્ટે મંજૂર રાખ્યા હતા.

કોર્ટે કહ્યું, "ફરિયાદ કરનાર મોટા પ્રમાણમાં ભોગ બન્યા છે, અલબત્ત ગુનેગાર તો નથી. તેમને વધારે જેલમાં રાખી શકાય તેમ નથી. તેમને તરત જ જામીન આપી દેવા જોઈએ."

એચ1બી વિઝા પર પ્રતિબંધ 'ચીનને આપેલી ગિફ્ટ' છે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અમેરિકાના 'વૉલ સ્ટ્રીટ જનરલ'ને ટાંકીને અખબાર નોંધે છે કે એચ1બી વિઝા પર પ્રતિબંધ મૂકવાથી તેનો માત્રને માત્ર ફાયદો ચીનને થવાનો છે. જ્યારે કેટલાક નિષ્ણાતો કૅનેડાને ફાયદો થવાનું પણ કહી રહ્યા છે.

વૉલ સ્ટ્રીટ જનરલના સંપાદક મંડળે કહ્યું, "બહાર નીકળી રહેલો હાઈ-સ્કિલ વિદેશી સ્ટાફ અમેરિકાની ઇનોવેશની દુનિયાનો મહત્ત્વનો ભાગ છે. ચીન જે પ્રકારે કૃત્રિમ બુદ્ધિ, સેમિકન્ડક્ટર અને બાયૉટેક પર પોતાનો પ્રભાવ સ્થાપવા પ્રયત્ન કરી રહ્યું છે તેમાં તેને મદદ મળશે. "

આ ઉપરાંત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આજ પ્રકારની સ્થિતિ મૅનેજરીયલ પોઝિશન માટેના એલ1 વિઝા માટે ઊભી થશે. એલ1 વિઝા ધરાવનાર ખાસ પ્રકારની ક્ષમતા ધરાવતા હોય છે.

તેઓ આંતરરાષ્ટ્રીય કાર્યભાર સંભાળતા હોય છે અને અમેરિકન કંપનીઓને મદદ કરે છે ઉપરાંત મલ્ટિનેશનલ કંપનીઓને રાહત આપે છે.

જો અમેરિકન કંપનીઓ આંતરરાષ્ટ્રીય મૅનેજરને પોતાના દેશમાં લઈ જઈ નહીં શકે તો તે તેમને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર આપશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો