You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉક્ટર્સ ડે : એ મહિલા ડૉક્ટર જેમણે ગુજરાતનાં પ્રથમ કોરોના દર્દીની સારવાર કરી
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
સામાન્ય રીતે કોઈ દરદીને પોતાના આરોગ્યનો ભય લાગે તો એ તરત ડૉક્ટર પાસે દોડે, પણ કોરોના વાઇરસનું સંક્રમણ એ એક એવી બીમારી છે કે જેમાં ડૉક્ટર પોતે પણ દર્દીથી ડરે છે.
આજે પહેલી જુલાઈ એટલે કે નેશનલ ડૉક્ટર્સ ડે. કોરોના વાઇરસે વિશ્વભરમાં ભરડો લીધો છે, ત્યારે નેશનલ ડૉક્ટર્સ ડેનું મહત્ત્વ વિશેષ છે.
ડૉક્ટર્સ ડે નિમિત્તે અમે વાત કરી અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ(એસવીપી) હૉસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલાં ડૉ. મીમાંસા બૂચ સાથે.
એવા પણ દિવસો હતા જ્યારે મીમાંસા બૂચે રોજના સરેરાશ 100થી 200 કોરોના સંક્રમિત દરદીઓની સારવાર કરી હોય.
અમદાવાદમાં કોરોના સંક્રમણની સારવાર બાદ સાજા થઈને હૉસ્પિટલમાંથી બહાર આવેલો સૌ પ્રથમ કેસ સુમિતિ સિંહનો હતો.
સુમિતિ સિંહને થયેલા કોરોના વાઇરસના સંક્રમણનાં નિદાન અને સારવારમાં ડૉ. મીમાંસા બૂચે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સુમિતિ સિંહે સોશિયલ મીડિયા પર કોરોના વાઇરસ વિશેની પોસ્ટ લખી હતી, એમાં પણ ડૉ. મીમાંસા બૂચનો ઉલ્લેખ કર્યો હતો.
અભિનેતા કાર્તિક આર્યને પણ ડૉ. મીમાંસા બૂચ સાથે સોશિયલ મીડિયા પર વાર્તાલાપ કર્યો હતો, જે વીડિયો વાઇરલ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોના વાઇરસ જેવા ચેપી સંક્રમણનો ગુજરાતમાં જ્યારે પગપેસારો થયો ત્યારે તમારા મનમાં શું વિચારો ચાલતા હતા?
આ સવાલના જવાબમાં બીબીસીને મીમાંસા બૂચ કહે છે કે "ચીનમાં જ્યારે કોરોના વાઇરસ દેખાયો અને ચર્ચા શરૂ થઈ ત્યારે લોકોની જેમ અમને પણ એવું જ હતું કે આપણે ત્યાં નહીં આવે."
"માનવામાં જ નહોતું આવતું કે આપણે ત્યાં કોરોના વાઇરસ આવશે. જ્યારે કોરોના સંક્રમણના કેસ આવ્યા, ત્યાર પછી અમે સતત ખડેપગે જ કામ કરી રહ્યાં છીએ."
"શરૂઆતમાં ડૉક્ટર તરીકે અમારાં માટે પણ મૅનેજ કરવું થોડું મુશ્કેલ હતું, કારણકે આ પરિસ્થિતિ જ નવી હતી. અમે પણ અમારી જાતને એની સામે તૈયાર કરી રહ્યાં હતાં."
એ વખતે તો ખૂબ ડર લાગતો હશે?
જવાબમાં મીમાંસા બૂચ જણાવે છે કે "ના, ડર નહોતો લાગતો પણ ચિંતા અને મૂંઝવણ રહેતી હતી. દર્દીને સારવાર આપવાની હતી અને સાથે-સાથે ડૉક્ટરે સતત સજ્જ રહેવાનું હતું, જે હજી પણ રહેવાનું જ છે."
ઈરાન હોય કે ઇટાલી, મુંબઈ હોય કે મથુરા, દેશ-વિદેશમાં ડૉક્ટર્સ તેમજ પૅરામેડિકલ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.
આ સંદર્ભે ડૉ. મીમાંસા બૂચને પૂછવામાં આવ્યું કે તમને પણ ડર તો લાગતો હશેને?
આ સવાલના જવાબમાં ડૉ. બૂચ કહે છે કે "મેં કહ્યું એમ શરૂઆતમાં થોડી ચિંતા હતી, ડર નહોતો. ડર તો ક્યારેય લાગ્યો નથી."
"મેડિકલ સ્ટાફથી માંડીને અમે બધાં જ ડૉક્ટર્સ સાગમટે કામ કરી રહ્યાં છીએ. બધાં એકસરખાં જુસ્સાથી કામ કરીએ છીએ એટલે ડરને અવકાશ રહેતો નથી."
"મારાં માટે થોડી રાહત એ છે કે મારો પરિવાર અમદાવાદમાં નથી, હું એકલી જ રહું છું."
અમદાવાદમાં કોરોનાનો પહેલો કેસ એસવીપી હૉસ્પિટલમાં નોંધાયો એ પછી શું સ્થિતિ હતી?
ડૉ. બૂચ જણાવે છે કે "એપ્રિલ-મે મહિનામાં દર્દીઓની સંખ્યા ધીમે-ધીમે વધતી હતી. એ વખતે રોજના સરેરાશ 100થી 200 દર્દીઓને હું રોજ સારવાર આપતી હતી."
"મારી જેમ જ અન્ય ડૉક્ટર્સ પણ કામ કરતાં હતા. હાલ, ઓપીડી(આઉટ પેશન્ટ્સ ડિપાર્ટમેન્ટ) હેઠળ રોજનાં 30થી 40 દરદી જોવાના હોય છે."
કોરોના વાઇરસના સંક્રમણની વચ્ચે કામ કરી રહેલા ડૉક્ટર્સ અને મેડિકલસ્ટાફ માટે દર્દીઓનાં મૃત્યુ નિહાળવા એ રોજનો ઘટનાક્રમ બની ગયો હોય છે.
મીમાંસા બૂચને પૂછવામાં આવ્યું કે તમે કોઈ દર્દીને કેટલાક દિવસથી સારવાર આપતાં હોવ અને અચાનક તમારી સામે જ દર્દી દુનિયા છોડીને જતો રહે તો તમારી મનોસ્થિતિ શું હોય છે?
એ વિશે તેઓ કહે છે, "બીમારી વધી ગઈ હોય એવો કોઈ નાજુક પરિસ્થિતિવાળો દર્દી આવે તો અમે માનસિક રીતે થોડા તૈયાર પણ હોઈએ કે આ દર્દી કદાચ ન પણ બચે."
"પૉઝિટિવ હોવા છતાં જેનામાં કોરોનાનાં વધારે લક્ષણો ન હોય અને પ્રમાણમાં સ્વસ્થ હોય, એવો દર્દી અચાનક વિદાય લઈ લે તો ધક્કો લાગે."
"શરૂઆતના દિવસોમાં એવું થતું હતું કે કોરોના વાઇરસના કોઈ દર્દીનું મૃત્યુ થાય તો મન ખિન્ન થઈ જતું. જમવાનું ન ભાવે."
"આવું શરૂના દિવસોમાં થતું હતું. હવે આટલા દિવસો વીત્યા પછી કહું તો અમારી લાગણીઓ થોડી પરિપક્વ થઈ છે. કોઈ પણ દર્દીનું મૃત્યુ થાય તો દુખ થાય જ, પરંતુ ડૉક્ટર તરીકે એ ઇમોશન્સમાં તણાઈ જઈએ તો અમારી ફરજ પર અસર થાય."
"લાગણી અને દુખ તો હોય જ પણ હું એનાથી થોડી ઉપર ઊઠી ગઈ છું."
ડૉક્ટર્સ અને સમાજ માટે કોરોના વાઇરસનું સંક્રમણ એ બિલકુલ નવી જ પરિસ્થિતિ છે.
ડૉક્ટર તરીકે નહીં પણ માણસ તરીકે કોરોનાથી તમારામાં કોઈ બદલાવ આવ્યો છે? માનવીય દૃષ્ટિકોણથી તમને જુદી જ રીતે વિચારવા પ્રેર્યા હોય, એવું કંઈક થયું છે?
ડૉ. બૂચ કહે છે કે "કોરોનાના દર્દીઓની સારવાર કરતાં-કરતાં હું વધુ ધીરજવાન બની છું. કોવિડના દર્દી અને તેમના પરિવારમાં એક ઉચાટ સતત રહેતો હોય છે, જે સ્વાભાવિક છે."
"દર્દીની સારવારની સાથે-સાથે સધિયારો આપવો ખૂબ જરૂરી હોય છે. એ માટે ધીરજ જોઈએ. તેથી હું થોડી વધારે ધૈર્યવાન બની છું એવું મને લાગે છે."
ડૉ. બૂચ કહે છે કે "સાથે હિંમત પણ આવી છે કે કોરોનાના આ આપાધાપીભર્યા દિવસો જોઈ લીધા છે તો હવે ભવિષ્યમાં કોરોના સિવાય પણ કોઈ ગંભીર દિવસો જોવાના આવે તો એના માટેની માનસિક પરિપક્વતા કેળવાઈ ગઈ છે."
કોરોનાનો કંટાળાજનક અને કાંટાળો સમયગાળો હજી કેટલા દિવસો ચાલશે એ નક્કી નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ હાલમાં જ કહ્યું છે કે કોરોનાના હજી પડકારભર્યા દિવસો આવવાના છે.
ડૉક્ટર્સ અને મેડિકલસ્ટાફ ત્રણેક મહિનાથી દિવસરાત કામ કરે છે.
ડૉ. બૂચને પૂછ્યું કે તમને ક્યારેય એવું થયું છે કે બસ, હવે તો બહુ થયું?
તેમણે જવાબ આપ્યો કે "એવું તો રોજ થાય છે. એવું થાય ત્યારે મારા એક સિનિયરનાં શબ્દો યાદ કરી લઉં છું. તેમણે મને કહ્યું હતું કે બેટા, તું જ્યારે ઇચ્છીશ ત્યારે કોરોના સમાપ્ત નહીં થાય."
"એ જશે, જરૂર જશે પણ એની પોતાની નિયતિ હશે. સતત દોડધામની વચ્ચે ક્યારેક મન નાસીપાસ થઈ જાય કે ઉદાસ થઈ જાય ત્યારે આવા શબ્દો મનને ટેકો આપે છે."
"અમારા મનમાં ઘમસાણ ચાલતું હોય તો પણ અમારે તો દર્દીને ધીરજથી જ સંભાળવા પડે, કારણકે એ અમારી ફરજ છે."
નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે સંદેશ આપતાં મીમાંસા બૂચે કહે છે કે "કોરોનાના દર્દીઓને કહીશ કે ડરો નહીં, ચિંતા ન કરો, ડૉક્ટર્સ તમારી માટે ખડેપગે જ છે."
"લોકોએ એ સમજવાની જરૂર છે કે સરકારે જે અનલૉક અંતર્ગત જે રાહતો આપી છે તે લોકોની સુખાકારી માટે જ છે તેથી એનો દુરુપયોગ ન થવો જોઈએ."
"અમદાવાદ જેવા શહેમાં ટ્રાફિક વધવા માંડ્યો છે. લોકો કોરોનાને જો હળવાશથી લેવા માંડ્યા હોય તો એ જોખમી છે."
"ડૉક્ટર્સ ડે નિમિત્તે ડૉક્ટર્સ તેમજ મેડિકલસ્ટાફને હું કહીશ કે આપણે એક ઉમદા વ્યવસાયમાં છીએ. આપણે કરુણા રાખવી જરૂરી છે. એક દિવસ આ અડચણભરી સ્થિતિ પણ જતી રહેશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો