You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : "પાપા, મારો ઓક્સિજન બંધ કરી દીધો છે. હું મરી રહ્યો છું, અલવિદા"
- લેેખક, હરિકૃષ્ણ પુલુગુ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"તમે કહ્યું હતું કે સરકારી હૉસ્પિટલમાં કોઈ જોખમ નથી અને મેં ના પાડી હતી. છતાં તમે મને હૉસ્પિટલમાં દાખલ કર્યો. તમે મારી વાત સાંભળી નહીં કે ડૉક્ટર મારી નાખશે. અહીં કોઈ નહીં બચે. હું હવે શ્વાસ લઈ શકતો નથી. મારી વારંવારની વિનંતી પછી પણ એમણે મારો ઓક્સિજન બંધ કરી દીધો છે."
હૈદરાબાદની એક સરકારી હૉસ્પિટલમાં મૃત્યુ પામનારી વ્યક્તિ આ છેલ્લા શબ્દો છે.
મરતી વખતે રૅકર્ડ કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
34 વર્ષના રવિકુમારના પિતા ઈરગડ્ડા હૉસ્પિટલમાં કામ કરતા લોકો પર આરોપ લગાવી રહ્યા છે કે તેમણે ઓક્સિજન બંધ કરીને રવિની હત્યા કરી નાખી છે.
હૉસ્પિટલના આધિકારીઓ આ આરોપોને નકારે છે. તેમનું કહેવું છે કે કોરોના વાઇરસે રવિના હૃદય પર સીધો હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
રવિકુમારના વીડિયો પહેલાં શું બન્યું?
24 જૂન રવિવારે રવિને તાવ હતો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેમને ઇરાગડ્ડા જનરલ ઍન્ડ ચૅસ્ટ હૉસ્પિટલમાં (સરકારી) દાખલ કરવામાં આવ્યા, પરંતુ બે દિવસમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું.
રવિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો કે નહીં એ સ્પષ્ટ થઈ શક્યું નથી. 23 જૂને તાવ વધવાથી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી પિતા વેંકટસ્વારલુ પુત્ર રવિને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા.
રવિને તાવ હોવાથી હૉસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ સ્પષ્ટ કહ્યું કે આ કોરોનાનો કેસ હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે ડૉક્ટરોએ કોરોના વાઇરસના ટેસ્ટ રિપોર્ટ દેખાડ્યા પહેલાં રવિને દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો. એ બાદ વેંકટસ્વારલુ જુદીજુદી દસ હૉસ્પિટલમાં ગયા પણ બધાએ રવિની સારવાર કરવાનો ઇન્કાર કરી દીધો.
બીબીસી સાથે વાત કરતાં વેંકટસ્વારલુ કહે છે કે હૉસ્પિટલોવાળાઓએ તેમને દરવાજાની અંદર પણ પગ મુકવા નહોતો દીધો.
નીચે રજૂ કરાયેલા શબ્દો કાળજીપૂર્વક વાંચો કારણ કે કેટલીક વાતો તમને વિચલિત કરી શકે છે.
રવિકુમારનું છેલ્લું નિવેદન અને...
રવિ કહે છે, "પાપા, મને ઓક્સિજન નથી મળી રહ્યું. હું મરી રહ્યો છું. અલવિદા પાપા."
(આ વિડિઓ મૃતક દ્વારા તેમના જીવનની અંતિમ ક્ષણોમાં બનાવીને પિતાને મોકલવામાં આવ્યો હતો, જે હવે વાઇરલ થઈ રહ્યો છે. રવિકુમાર નામના આ દર્દીનું હૈદરાબાદની જનરલ ઍન્ડ ચૅસ્ટ હૉસ્પિટલમાં મૃત્યુ થયું છે. રવિના મૃત્યુ માટે તેમના પિતા વેંકટસ્વારલુ હૉસ્પિટલમાં સ્ટાફને દોષ આપી રહ્યા છે. તેમના કહેવા મુજબ હૉસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે રવિનું મૃત્યુ થયું છે. હૉસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ મહેબૂબ ખાન મુજબ રવિકુમાર ઓક્સિજન પર હતા અને તેમના મૃત્યુનું કારણ કોરોના વાઇરસનું હૃદય સુધી પહોંચવું હતું.)
બીબીસી સાથે વાત કરતાં રવિના પિતા કહે છે, "તેમણે રવિના શરીરનું તાપમાન માપ્યું અને ત્યાર બાદ હૉસ્પિટલના દરવાજા બંધ કરી નાંખ્યા. નાની હૉસ્પિટલથી લઈને મોટી કૉર્પોરેટ હૉસ્પિટલ સુધી કોઈએ મારા દીકરાને દાખલ ન કર્યો."
"કારણ કે હૉસ્પિટલવાળા કોવિડનો ટેસ્ટ-રિપોર્ટ માંગતા હતા. તેથી મેં કોરોના-પરીક્ષણ કરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ પણ છેતરામણું હતું. દરેક પરીક્ષણકેન્દ્રની બહાર મોટી સંખ્યામાં કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીઓ ઊભા હતા. મને સમજ નહોતી પડી રહી હું મારા પુત્રનો ટેસ્ટ કરાવી શકીશ કે નહીં. કોઈએ મને કહ્યું કે હું પ્રાઇવેટ ટેસ્ટ કરાવી શકું છું. મેં તે પણ કર્યું, પરંતુ તેનો રિપોર્ટ મારા પુત્રના મૃત્યુ પછી આવ્યો. "
વેંકટસ્વારલુએ કોવિડ 19નો સૅમ્પલ આપ્યા બાદ રવિને સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યો.
વેંકટસ્વલ્લુ કહે છે કે રવિને ત્યારે પણ શ્વાસ લેવામાં તકલીફ હતી.
તેમણે કહ્યું કે રવિએ જે રાતે વૉટ્સઍપ પર સંદેશ મોકલ્યો ત્યારે તેઓ હૉસ્પિટલની નજીક જ હતા. રવિએ 12 : 45 વાગ્યે સંદેશ મોકલ્યો હતો.
વેંકટસ્વારલુ કહે છે, "હું સવારે બે વાગ્યે જાગ્યો ત્યારે હું હૉસ્પિટલના પરિસરમાં સૂતો હતો અને મેં મારા ફોન તરફ જોયું અને મને મારા પુત્રનો એક વીડિયો મળ્યો. જેમાં તે કહેતો હતો - પાપા, હું મરી રહ્યો છું. અલવિદા..."
"આ વીડિયો જોઈને હું તેના વૉર્ડ તરફ ભાગ્યો."
હૉસ્પિટલની બેદરકારી?
વેંકટસ્વારલુ કહે છે, "તે સમયે હૉસ્પિટલના લોકો પાસે કંઈ કહેવાનો સમય નહોતો. તેમણે બને એટલું જલદી રવિના મૃતદેહને હૉસ્પિટલથી લઈ જવા કહ્યું."
"તેમણે એમ પણ કહ્યું હતું કે ઍમ્બ્યુલન્સવાળા કર્મચારીઓ હાલમાં ઉપલબ્ધ નથી. તેઓ અમારી સાથે ગાંડાની જેમ વર્તન કરી રહ્યા હતા."
"જ્યારે મેં થોડો ગુસ્સે થઈને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે હું ઇચ્છું તેમની પાસે ફરિયાદ કરી શકું છું."
વેંકટસ્વારલુ એ વાતથી આશ્ચર્ય થાય છે કે રવિની આજુ-બાજુ કોઈ દર્દી ન હોવા છતાં પણ તેમના પુત્રનો ઓક્સિજન કેમ દૂર કરી દેવાયો.
બીબીસીએ હૉસ્પિટલના સુપરિટેન્ડેન્ટ સાથે વાત કરી ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયાસ કર્યો.
સુપરિટેન્ડેન્ટ મહેબૂબ ખાન કહે છે, "અમે ઓક્સિજન કે વૅન્ટિલેટરને નહોતાં હઠાવ્યાં. તમે જાતે જ જોઈ શકો કે તેણે તેના નાક નીચેથી ઓક્સિજન પાઇપ કાઢી નાખ્યો હતો."
ખાન એમ પણ કહે છે કે દાખલ થવાના બે દિવસની અંદર રવિકુમારનું મૃત્યુ થવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
તેઓ જણાવે છે, "હાલના સમયમાં કોરોના સીધા હૃદયને નુકસાન પહોંચાડે છે. ગમે તેટલો પણ ઓક્સિજન આપીએ કોઈ ફાયદો નથી થતો કારણ કે વાઇરસની અસર દરેક અવયવ પર અલગ-અલગ હોય છે."
ખાને હૉસ્પિટલ ઉપરના આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે તેમના સ્ટાફે ઓક્સિજન કાઢ્યો નથી.
તેઓ કહે છે, "અમે રવિને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપ્યો હતો. અમારા કર્મચારીઓ હૉસ્પિટલમાં દાખલ કરાયાના વખતથી જ તેની સંભાળ લેતા હતા."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો