You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : અમદાવાદની આસપાસનાં 200 ગામોમાં રિવર્સ-ક્વોરૅન્ટીન કેવી રીતે થઈ રહ્યું છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોના વાઇરસની મહામારીમાં જે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય કે જે લોકોમાં કોરોના વાઇરસના લક્ષણ જેવા કે શરદી, ઉધરસ કે તાવ વગેરે હોય તેમને અન્ય લોકોથી અલગ રાખવામાં આવે છે. આવી વ્યક્તિ જે એકાંતવાસ પાળે છે એને અંગ્રેજીમાં ક્વોરૅન્ટીન કહેવાય છે. જોકે, અમદાવાદને અડીને આવેલા 200 જેટલા ગામોમાં રિવર્સ ક્વોરૅન્ટીન પ્રોસેસ ચાલી રહી છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે "રિવર્સ-ક્વોરૅન્ટીન વિપરીત છે. જે લોકોમાં કોરોનાનો ચેપ નથી, પણ ચેપ લાગવાની શક્યતા વધારે છે એવા લોકોને ક્વોરૅન્ટીન કરવાની જે પ્રક્રિયા છે તે રિવર્સ-ક્વોરૅન્ટીન છે.
અરૂણ મહેશબાબુ કહે છે કે, એક મહિનાથી અમદાવાદ ગ્રામીણના પાંચ તાલુકામાં અમે રિવર્સ-ક્વોરૅન્ટીનનો અમલ કરી રહ્યા છીએ. જેમાં વિરમગામ, દેત્રોજ, માંડલ, ધોલેરા અને ધંધુકા તાલુકાના ૨૦૦ કરતાં વધુ ગામોનો સમાવેશ થાય છે.
અમદાવાદ જિલ્લા પંચાયતે રિવર્સ-ક્વોરૅન્ટીન માટે ત્રણ પ્રકારના લોકોની એક શ્રેણી બનાવી છે. આ શ્રેણીમાં પાંચ વર્ષથી નીચેનાં બાળકો, સગર્ભા મહિલાઓ, ૬૦ વર્ષથી મોટી ઊંમરના વડીલો કે જેઓ કૉ-મોર્બીડ હોય એટલે કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લિવર વગેરેની કોઈ સમસ્યા હોય તેવા લોકો.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુના જણાવ્યા મુજબ અમદાવાદ ગ્રામીણ વિસ્તારમાં 1,27,000 લોકોને રિવર્સ-ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.
આનાથી શું ફરક પડી રહ્યો છે એ વિશે વાત કરતા અરૂણ મહેશબાબુએ બીબીસી ગુજરાતીને કહ્યું કે "અમે જે પાંચ તાલુકાઓમાં રીવર્સ-ક્વોરૅન્ટીનનો પ્રયોગ કર્યો છે એમાં ચેપનો દર અન્ય તાલુકા કરતાં ઘટ્યો છે. રિવર્સ-ક્વોરૅન્ટીન કરેલા પાંચ પૈકી ચાર તાલુકા દેત્રોજ, માંડલ, ધોલેરા અને ધંધુકા તાલુકામાં તો અમદાવાદ ગ્રામીણનાં અન્ય તાલુકા જેવા કે ધોળકા અને સાણંદ કરતાં કોરોના વાઇરસના ચેપનો દર એક ચતુર્થાંશ જેટલો ઓછો છે."
અમદાવાદ જિલ્લા પંચાયત તરફથી માહિતી મળી રહી છે કે તે અન્ય તાલુકામાં રિવર્સ-ક્વોરૅન્ટીનનો વિસ્તાર કરવા જઈ રહી છે.
અમદાવાદ ગ્રામીણનાં 9 તાલુકામાં 27/06/2020 સુધી કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યા અને રિવર્સ-ક્વોરૅન્ટીનની સ્થિતિ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સર્વેમાં પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ
મોટી ઊંમરના લોકો આપણે ત્યાં પરિવાર સાથે જ રહે છે, તેથી રિવર્સ-ક્વોરૅન્ટીન એ વ્યવહારક્ષમ ઉપાય નથી એવું પણ અનેક નિષ્ણાતો માને છે.
આ વિશે અરૂણ મહેશબાબુએ કહ્યું કે "દરેક પરિવારમાં તો આ શક્ય નહીં બને એ સ્વાભાવિક છે. ગામડામાં કેટલાક પરિવારો મોટાં મકાનમાં નથી રહેતા. ગામડામાં કેટલાક ગરીબ પરિવારો નાના મકાનોમાં સાથે રહેતા હોય તો તેમના માટે પણ આ શક્ય નથી. અમે એવી રીતે આયોજન કર્યું છે કે ઘરમાં કમસેકમ બે રૂમ હોય તો એક પેઢી એક રૂમમાં રહે અને બીજી પેઢી બીજા રૂમમાં રહે."
અમદાવાદ જિલ્લા પંચાયત લોકોનો જે સર્વે કરે છે તેમાં પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કરે છે એવી માહિતી પણ અરૂણ મહેશાબાબુ આપે છે.
પલ્સ ઓક્સિમીટર લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ દર્શાવતું એક સાધન છે.
અરૂણ મહેશબાબુનું કહેવું છે કે, જેમનાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ 93 કરતાં ઓછું હોય એવી વ્યક્તિ કોરોનાની ઝપટમાં આવી શકે છે. રિવર્સ-ક્વોરૅન્ટીનમાં જે લોકો છે તેમની ચકાસણીમાં અમે પલ્સ ઓક્સિમીટર મશીનનો ઉપયોગ આવી વ્યક્તિની પરખ કરીએ છીએ અને તેમની વધુ કાળજી લેવા માટે પરિવારજનોને તાકીદ કરીએ છીએ. જેમના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ 93થી 73 સુધીનું હોય તો તેમને ડૉક્ટરી સારવાર અપાય છે અને જરૂર પડ્યે હૉસ્પિટલ મોકલવામાં આવે છે."
રિવર્સ-ક્વોરૅન્ટીનની કામગીરી કઈ રીતે થાય છે?
વિરમગામ તાલુકાના ગોરૈયા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર ડૉ. સંગીતા પટ્ટણીએ રિવર્સ-ક્વોરૅન્ટીનની કામગીરી વિશે બીબીસીને જણાવ્યું હતું કે "આ કામમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્ર તેમજ પંચાયતના સરપંચ-ઉપસરપંચ પણ સંકળાયેલા છે. જેટલા પરિવારોમાં ઘરે સગર્ભા મહિલા કે 60 વર્ષથી મોટી ઉંમરના વડીલ છે તેમને અમે ઘરે ઘરે જઈને સમજાવીએ છીએ કે તેમને ચેપ ન લાગે એ રીતે એક અલગ રૂમમાં રાખો અને તેમની તમામ કાળજી ઘરના અન્ય સભ્યો લે. અમે રિવર્સ-ક્વોરૅન્ટીન અંતર્ગત આવા જે ઘર નક્કી કરીએ છીએ ત્યાં 14 દિવસ સુધી સતત ફોલો અપ લઈએ છીએ.
સંગીતાબહેનનું કહેવું છે કે સતત ફોલોઅપને લીધે ગામના લોકોને કોરોનાની ગંભીરતા સારી રીતે સમજાય છે અને જે પરિવારમાં લોકોને રિવર્સ-ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે તેઓ પણ સહકાર આપે છે. કોઈ જો સહયોગ ન આપે કે વાંધો ઉઠાવે તો અમે સરપંચનો સહયોગ લઈએ છીએ. રિવર્સ-ક્વોરૅન્ટીન કાર્યક્રમ માટે અમે એક વૉટ્સૅપ ગ્રૂપ બનાવ્યું છે જેમાં સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો વગેરેને જોડાલા છે."
વધુ વિગત આપતા અરૂણ મહેશબાબુ કહે છે કે "તાલુકાઓમાં ગ્રામયોદ્ધા કમિટી પહેલેથી જ સક્રિય છે. જેમાં સરપંચ, તલાટી, હૅલ્થ વર્કર, શિક્ષક, પોલીસકર્મી, આગેવાનો વગેરે છે. આ સમિતિ રિવર્સ ક્વોરૅન્ટીનના અમલમાં સંકળાય છે. તેઓ ગામમાં જઈને ઢંઢેરો પીટીને કે હૅલ્થ ટીમ સાથે ઘરેઘરે જઈને લોકોને વાકેફ કરે છે. એ રીતે લોકો કોરોનાના ભયને સમજે છે અને રિવર્સ ક્વોરૅન્ટીનનું પાલન કરે છે."
ઘરમાં વડીલ કે સગર્ભા મહિલા છે એ તમે કઈ રીતે તમે નક્કી કરો છો? આ સવાલના જવાબમાં ડૉ.સંગીતા પટ્ટણી બીબીસીને કહે છે કે "પ્રાથમિક આરોગ્યકેન્દ્ર દ્વારા સમયાંતરે સર્વે થતાં હોય છે. હમણાં માર્ચમાં જ અમારો એક સર્વે થયો હતો. તેથી એ સર્વેમાં અમારી પાસે વિગત હોય છે કે ક્યા પરિવારમાં 60 વર્ષથી વધુ વયની વ્યક્તિ છે. ઉપરાંત, દર મહિને અમારા હૅલ્થ વર્કર્સ સગર્ભા મહિલાઓનાં રજીસ્ટ્રેશન માટે જતાં હોય છે તો એને આધારે ગામમાં ક્યા ઘરમાં સગર્ભા બહેનો છે તો એની પણ વિગત અમારી પાસે હોય છે. આ વિગતોને આધારે અમે તરત એવા લોકોનો સંપર્ક કરી લઈએ છીએ જેમને રીવર્સ ક્વોરૅન્ટીન કરવાના હોય.
રીવર્સ ક્વોરૅન્ટીનના અમલીકરણમાં મહિલા આરોગ્યકર્મી, મલ્ટી પર્પઝ હૅલ્થ વર્કર, આશા વર્કર, આંગણવાડી બહેનો વગેરે જોડાયેલાં હોય છે.
કેરળમાં રીવર્સ ક્વોરૅન્ટીનનો અમલ
અરૂણ મહેશબાબુ જણાવે છે કે "રિવર્સ ક્વોરૅન્ટીનનો પ્રયોગ નવો નથી, પ્રચલિત છે. વિશ્વના કેટલાંય દેશમાં એ લાગુ કરવામાં આવ્યો હતો, કેરળમાં પણ તેનું આયોજન થયું છે. વયસ્ક લોકો માટે રિવર્સ ક્વોરૅન્ટીન જાપાનમાં અવારનવાર અમલમાં મૂકાય છે. સ્વિત્ઝરલૅન્ડમાં પણ એનો અમલ થયો હતો. અમે એ બધાનો અભ્યાસ કરીને પછી અમદાવાદ ગ્રામીણના પાંચ તાલુકામાં તેનો અમલ કરી રહ્યાં છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો