કોરોના વાઇરસ : છ મહિનાની જાસૂસી તપાસ બાદ વિજ્ઞાનીઓને શું પુરાવા મળ્યા?

    • લેેખક, ક્લેયર પ્રેસ / બુજાયાંગ જોંગ
    • પદ, બીબીસી ન્યૂઝ

કોઈ પણ મહામારી કેવી રીતે ફેલાઈ તેનું પગેરું દાબવાનું કામ જાસૂસી તપાસ જેવું હોય છે.

કોઈ જાસૂસી તપાસમાં પુરાવા નાબૂદ થઈ જાય તે પહેલાં ગુનાના સ્થળ સુધી પહોંચવાનું હોય છે અને પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરવાની હોય છે.

ત્યારબાદ તપાસ શરૂ થાય છે અને પુરાવાને આવરી લઈને બીજી ઘટના ઘટે તે પહેલાં હત્યારાને પકડી લેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પ્રકારના પ્રયાસ કરવા છતાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આ મહામારી દરરોજ હજારો લોકોનો ભોગ લઈ રહી છે.

છ મહિના પહેલાં મહામારીનો આતંક શરૂ થયો હતો ત્યારે વૈજ્ઞાનિકો હજુ સુધી આ વાઇરસ અંગે કેટલું જાણી શક્યા છે?

પહેલી ચેતવણી

કોઈ પણ વાઇરસની આપણા આરોગ્ય ઉપર શું અસર થશે અને તે કેટલી ઝડપે ફેલાશે તેને સમજવા માટે વાઇરસની શરૂઆત વિશે જાણવું જરૂરી હોય છે, પરંતુ કોરોના વાઇરસ શરૂઆતથી જ તપાસકર્તાઓને અચરજ થાય તે રીતે વર્તી રહ્યો છે.

દુનિયા વર્ષ 2020ના આગમનની તૈયારીઓમાં વળગેલી હતી, ત્યારે સાત દરદી ચીનના વુહાનની સૅન્ટ્રલ હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગના ડૉ. લી વેનલિયાંગ પાસે પહોંચ્યા. તેઓ ફેફસાંની બીમારી ન્યુમોનિયાથી પીડિત હતા. એ તમામને ક્વોરૅન્ટીન કરી દેવામાં આવ્યા.

તા. 30મી ડિસેમ્બરે ડૉ. વેનલિયાંગે પોતાના સહકર્મચારીઓ સાથે વીચેટ મૅસેજિંગ ઍપ્લિકેશન ઉપરની પ્રાઇવેટ ચેટમાં એવી આશંકા વ્યક્ત કરી કે ફરી એક વખત SARS (સિવિયર ઍક્યૂટ રૅસ્પિરેટરી સિન્ડ્રોમ)નો ફેલાવો શરૂ થયો છે.

સાર્સ એ કોરોના વાઇરસનું જ એક સ્વરૂપ છે, જેણે સૌ પહેલી વખત વર્ષ 2003માં ચીનમાં દેખા દીધી હતી. ત્યારબાદ તે 26 દેશમાં ફેલાઈ ગયો અને લગભગ આઠ હજારથી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા.

જોકે ડૉ. લીએ જે બીમારીને ઓળખી હતી, તે સાર્સનો બીજો તબક્કો ન હતો, પરંતુ કોવિડ-19 (સાર્સ-કોવ-2) વાઇરસનો પહેલો તબક્કો હતો.

ચીની મીડિયાના રિપોર્ટ મુજબ સહકર્મચારીઓમાં આ બીમારી ફેલાવાની ચેતવણી આપ્યાના ત્રણ દિવસ બાદ પોલીસે ડૉ. લી ઉપરાંત આઠ અન્ય શખ્સોની અફવા ફેલાવાના આરોપસર ધરપકડ કરી.

કામ ઉપર પરત ફર્યા બાદ ડૉ. લી પણ કોવિડ-19થી સંક્રમિત થઈ ગયા. માત્ર 34 વર્ષની ઉંમરે તા. સાતમી ફેબ્રુઆરીના તેમનું અવસાન થઈ ગયું. ડૉ. લીના પરિવારમાં તેમનાં પત્ની અને એક પુત્ર છે.

સંક્રમણની શરૂઆત

વુહાન શહેરમાં હુઆનાન સીફૂડ માર્કેટ આવેલી છે. નાના-નાના દુકાનદારોથી ભરાયેલું આ બજાર એક રીતે માંસ-મચ્છીના વેપાર માટેનું હબ છે.

ડિસેમ્બર-2019ના છેલ્લા અઠવાડિયામાં તબીબો અને નર્સોએ આ બીમારી ફેલાવા વિશેની ચેતવણી આપવાની શરૂ કરી, ત્યારે આરોગ્યકર્મચારીઓને કોરોના મહામારીનું સીફૂડ માર્કેટ સાથેનું કનેક્શન જોવા મળ્યું.

મોટા ભાગના દરદી હુઆનાન સીફૂડ માર્કેટમાં કામ કરનાર હતા. તા. 31મી ડિસેમ્બરે વુહાનના આરોગ્યપંચે પોતાનો પહેલો રિપોર્ટ બિજિંગ વહીવટીતંત્રને સોંપ્યો. બીજા દિવસે આ બજારને ક્વોરૅન્ટીન કરી દેવાયું.

વૈજ્ઞાનિકો એકમતે એવું માને છે કે ચીનના સીફૂડ માર્કેટમાંથી કોરોનાનો પ્રસાર ઝડપભેર થયો, પરંતુ આ બજારમાં જ પહેલો કેસ નોંધાયો એવું કોઈ ખાતરીપૂર્વક નથી કહી શકતું. જ્યારે બાજરના જીવિત જાનવર તથા અહીં કામ કરનારાઓના નમૂના લેવામાં આવ્યા, તો તેઓ કોવિડ-19થી પીડિત હોવાનું માલૂમ પડ્યું હતું.

વુહાનમાં થયેલા મેડિકલ રિસર્ચ મુજબ, મનુષ્યોમાં કોરોનાની બીમારીનો કેસ, સીફૂડ માર્કેટનાં ચાર અઠવાડિયાં પહેલાં જ નોંધાઈ ગયો હતો.

તા. પહેલી ડિસેમ્બર 2019 ના દિવસે વુહાનના એક વૃદ્ધમાં કોરોના વાઇરસનાં ચિહ્ન જોવાં મળ્યાં હતાં, પરંતુ તેનું સીફૂડ માર્કેટ સાથે કોઈ કનેક્શન ન હતું.

જાન્યુઆરી મહિનામાં વુહાન શહેરની હૉસ્પિટલોમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો. આ વાઇરસ આટલો ઝડપભેર ફેલાશે તેવો અંદાજે કોઈએ પણ નહોતો મૂક્યો, પરંતુ આ બીમારી માત્ર ચીન જ નહી, એશિયાઈ દેશોમાં પણ વ્યાપકપણે ફેલાવા લાગી.

વુહાનમાં કોવિડ-19થી મૃત્યુનો પહેલો કિસ્સો તા. 11મી જાન્યુઆરી 2020ના દિવસે નોંધાયો. તેના માત્ર નવ દિવસ બાદ તે ચીનથી નીકળીને દક્ષિણ કોરિયા, જાપાન અને થાઇલૅન્ડ સુધી પહોંચી ગયો.

કોરોના વાઇરસની સામે દુનિયાભરનો તબીબી તથા ટેકનૉલૉજિકલ વિકાસ ઊણો ઊતર્યો.

શું છે કોરોના વાઇરસ?

ઇમ્યુનૉલૉજીના પ્રોફેસર ક્રિસ્ટિયાન ઍન્ડરસન કહે છે કે આપણો પહેલો સવાલ હંમેશાં એવો હોય છે કે 'આ શું છે?'

ઍન્ડરસનની લૅબોરેટરી ચેપી રોગોના જિનૉમિક્સના અભ્યાસમાં પારંગત છે. વાઇરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં અને બાદમાં આટલા મોટા પાયે કેવી રીતે ફેલાયો, તેને શોધવા માટે તેઓ પ્રયાસરત્ છે.

બીજી બાજુ, ડિસેમ્બર મહિનામાં કોરોના વાઇસનો પહેલો દરદી દાખલ થયો, તેની ગણતરીની કલાકોમાં વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજીના વિજ્ઞાનીએ સ્વેબનું વિશ્લેષણ શરૂ કરી દીધું હતું.

જો જીનૉમને અક્ષરથી બનેલા તાર સ્વરૂપ તરી જોઇએ તો માણસના જીનૉમ લગભગ ત્રણ અબજ જિનેટિક અક્ષરના સંયોજનથી બનેલું છે. સામાન્ય ફ્લૂનો વાઇરસ 15 હજાર જિનેટિક અક્ષરનો બનેલો હોય છે.

આ ચેઇન દ્વારા એ પણ માલૂમ પડે છે કે કોઈ વાઇરસ કેટલી વખત બેવડાય ત્યારે તે બીમારી કે ચેપનું સ્વરૂપ ધારણ કરે છે.

કોઈ વાઇરસનું જીનૉમ નક્કી કરવામાં ઘણી વખત મહિનાઓ કે વર્ષોનો સમય લાગી જાય છે. જોકે, પ્રોફેસર યંગ જેન જૈંગના નેતૃત્વમાં તેમની ટીમે બહુ થોડા સમયમાં જ તા. 10મી જાન્યુઆરીએ કોવિડ-19ની પહેલી જિનૉમિક સિક્વન્સ પ્રકાશિત કરી દીધી. વાઇરસને સમજવા માટેનો આ પહેલો મહત્ત્વપૂર્ણ પ્રયાસ હતો.

પ્રોફેસર ઍન્ડરસનના કહેવા પ્રમાણે, "અમે પહેલી સિક્વન્સ જોઈ, ત્યારે જ અંદાજ આવી ગયો હતો કે આ કોરોના વાઈરસનું જ એક સ્વરૂપ છે અને તે સાર્સ સાથે 80 ટકા જેટલી સામ્યતા ધરાવે છે."

વાસ્તવમાં કોરોના વાઇરસ એ વાઇરસોનો મોટો પરિવાર છે, જેમાંથી સેંકડોની ઓળખ થઈ ચૂકી છે. તે ડુક્કર, ઊંટ, ચામાચિડિયાં તથા બિલાડીઓમાં જોવા મળે છે. કોવિડ-19એ કોરોના વાઇરસ સમૂહનું સાતમું સ્વરૂપ છે, જે પ્રાણીઓમાંથી માણસો સુધી પહોંચ્યું છે.

પ્રો. ઍન્ડરસનના કહેવા પ્રમાણે, "અમારો બીજો સવાલ એ છે કે તેની સારવાર કઈ રીતે કરી શકાય છે. આ માટે પરીક્ષણની પદ્ધતિ તથા વાઇરસના પ્રસારની રીતને સમજવી જરૂરી છે."

ઍન્ડરસનના કહેવા પ્રમાણે, "અમારી સામે ત્રીજો સવાલ એ છે કે આને માટે વૅક્સિન કેવી રીતે તૈયાર કરી શકાય? આ તમામનો જવાબ વાઇરસના જિનેટિક બ્લૂપ્રિન્ટમાંથી જ મળે છે."

પ્રોફેસર ઍન્ડરસનના કહેવા પ્રમાણે, એવા અનેક પુરાવા મળ્યા છે, જેનાથી એવું કહી શકાય કે કોરોના વાઇરસની ઉત્પત્તિ ચામાચીડિયાંમાં થઈ હતી.

તેમણે કહ્યું, "આની શરૂઆત ચામાચિડિયાંમાંથી થઈ. આ સંપૂર્ણપણે કુદરતી વાઇરસ છે, કારણ કે ચામાચિડિયાંમાં અનેક પ્રકારના વાઇરસ જોવા મળે છે, પરંતુ તે માણસો સુધી કેવી રીતે પહોંચ્યો, તેના વિશે આપણે કશું નથી જાણતા."

ઍન્ડરસનની ટીમે ચામાચિડિયાંમાં જોવા મળતાં અન્ય પ્રકારના કોરોના વાઇરસનો અભ્યાસ કર્યો, જે કોવિડ-19 સાથે 96 ટકા સામ્યતા ધરાવે છે. વૈજ્ઞાનિકોને પૅંગોલિન (કીડીખાઉં)માં જોવા મળતાં કોરોના વાઇરસ સાથે પણ કોવિડ-19 સમાનતા ધરાવે છે. પૅંગોલિનની એશિયામાં ભારે તસ્કરી થયા છે.

તો શું કોવિડ-19 વાઇરસ ચામાચિડિયાંમાંથી કીડિખાઉં સુધી પહોંચ્યો? પૅંગોલિનમાં વધુ પ્રોટિન હાંસલ કરીને તે માનવજાતિમાં પહોંચ્યો કે કેમ તેના વિશે વૈજ્ઞાનિકોએ તપાસ હાથ ધરી છે.

એકમાત્ર કોરોના વાઇરસ

પ્રો. જૈંગે દુનિયાના વૈજ્ઞાનિકો સાથે કોરોના વાઇરસની જિનેટિક સિક્વન્સ શૅર કરી, તેના બે દિવસની અંદર જ સ્થાનિક અધિકારીઓએ તેમની લૅબોરેટરીને બંધ કરાવી દીધી અને તેમનું રિસર્ચ લાઇસન્સ રદ કરી દેવાયું.

ચીની મીડિયાના જણાવ્યા પ્રમાણે, આની પાછળ કોઈ ઔપચારિક કારણ જણાવાયું ન હતું, પરંતુ પ્રોફેસર જૈગ તથા તેમની ટીમે દુનિયાભરના વિજ્ઞાનીઓ માટે અભ્યાસનો રસ્તો ખોલી નાખ્યો.

પ્રો. ઍન્ડરસનના કહેવા પ્રમાણે, "કોવિડ-19ના પહેલા જિનૉમ સિકવન્સ વગર અમે અભ્યાસ શરૂ ન કરી શક્યા હોત. તેના માટે અકલ્પનીય ઝડપભેર દુનિયાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડનાર વિજ્ઞાનીઓનો આભાર માનવો ઘટે."

કૉન્ટેક્ટ ટ્રેસિંગ

કોવિડ-19ના પ્રસારને અટકાવવાની બાબતમાં સૌથી સફળ દેશ દક્ષિણ કોરિયા સાબિત થયો. પાંચ કરોડ 10 લાખની વસતિ ધરાવતા આ દેશે ચેપગ્રસ્તોના સંપર્કમાં આવનારાઓની જાણકારી મેળવવા માટે એક નાનકડી સેના તૈયાર કરી, જે તેની સફળતાનું મુખ્ય કારણ છે.

કૉન્ટેક્સ ટ્રેસિંગના કામમાં લાગેલાં લોકો કોવિડ-19 પીડિતના તાજેતરમાં સંપર્કમાં આવનારાઓ વિશે માહિતી મેળવતા. ત્યારબાદ ચેપગ્રસ્તના સંપર્કમાં આવનારને સેલ્ફ-આઇસોલેશનમાં મોકલતા અથવા તો સમગ્ર ઇમારત, કે સંસ્થાને ક્વોરૅન્ટીન કરવાની જરૂર છે કે કેમ, તે વિશેનો નિર્ણય લેતા. હૉસ્પિટલો, કૅર હોમ તથા કાર્યાલયો માટે આ પદ્ધતિ લાગુ કરવામાં આવી.

જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના દરમિયાન દક્ષિણ કોરિયામાં કોરોનાના અમુક કેસ નોંધાયા અને સંક્રમણના ફેલાવાને ટાળવામાં આ દેશ સફળ રહ્યો. પરંતુ ફેબ્રુઆરી મહિનાનો અંત થયો, તેના અમુક દિવસની અંદર જ દક્ષિણ કોરિયાના એક શેહેરમાં કોરોનાના પ્રસારના સેંકડો કેસ બહાર આવ્યા.

પેશન્ટ નંબર 131

ડાયેગો શહેરમાં માત્ર એક દરદીની હિલચાલને કારણે ચેપ ફેલાયો. 'દરદી નંબર 31' તરીકે વિખ્યાત આ મહિલાને દક્ષિણ કોરિયામાં 'સુપર સ્પ્રેડર' તરીકે ઓળખવામાં આવે છે.

તેમને તા. 17મી ફેબ્રુઆરીએ ચેપ લાગ્યો, પરંતુ કૉન્ટેક્ટ ટ્રેસરોએ મહિલાના સંપર્કમાં આવેલાં બધા લોકો વિશે માહિતી મેળવી લીધી. 10 દિવસની અંદર જ આ મહિલા એક હજાર કરતાં વધુ લોકોનાં સંપર્કમાં આવ્યાં હતાં.

સંપર્કમાં આવનાર દરેક શખ્સને સેલ્ફ-આઇસોલેશનમાં રાખવામાં આવ્યા, જેના કારણે જોખમે વિકરાળ સ્વરૂપ ધારણ ન કર્યું.

ડાયેગો શહેરમાં મહામારીનો સામનો કરતી ટીમના વડા ડેપ્યુટી પ્રોફેસર કિમ જોંગ યૂન શહેરમાં કૉન્ટેક્ટ ટ્રેસ કરતી સેનાના સર્વેસર્વા છે. તેમના કહેવા પ્રમાણે, આ કામમાં જુનિયર ડૉક્ટર તથા પૂર્વ સરકારી કર્મચારીઓ સામેલ છે.

તેઓ કહે છે કે 'પેશન્ટ નંબર 31'ની જેમ માહિતી આપવામાં ગલ્લાંતલ્લાં કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં ક્રૅડિટકાર્ડની લેણદેણની તપાસ, ફોનની જી.પી.એસ. (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) હિસ્ટ્રીની તપાસ, વગેરે મુદ્દા સામેલ છે.

પ્રો. કિમના કહેવા પ્રમાણે, "શરૂઆતમાં 'દરદી નંબર 31'એ અમને નહોતું જણાવ્યું કે તેઓ શિનચેઓનજી ચર્ચ સાથે જોડાયેલાં છે. એ વિશે અમારી ટીમને પાછળથી માહિતી મળી."

શિનચેઓનજી ચર્ચનો દાવો છે કે દક્ષિણ કોરિયામાં તેના લગભગ સાડા ત્રણ લાખ સભ્ય છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ચર્ચના સંસ્થાપક લી મૈન હી, ઈસુ ખ્રિસ્તનો બીજો અવતાર હતા.

દક્ષિણ કોરિયામાં મુખ્ય પ્રવાહના અનેક ચર્ચ આ સમૂહને 'પંથ' માને છે અને યુવાવસ્થામાં ભરતી કરવાને કારણે લાંબા સમયથી આ સમૂહની ટીકા પણ કરી રહ્યા છે.

માત્ર શિનચેઓનજી ચર્ચ સાથેના સંબંધ છુપાવવાને કારણે જ 'દરદી નંબર 31' કુખ્યાત ન બન્યાં. કૉન્ટેક્ટ ટ્રેસરને માલૂમ પડ્યું કે તેમણે કોવિડ-19નું પરીક્ષણ કરાવ્યું, તેના 10 દિવસ પહેલાં સુધી કોરોના વાઇરસનાં લક્ષણ હોવાં છતાં તેઓ ડાયેગો શહેરમાં હરતાંફરતાં રહ્યાં અને એક હજાર કરતાં વધુ લોકો આ સમયગાળા દરમિયાન તેમનાં સંપર્કમાં આવ્યાં.

છઠ્ઠી ફેબ્રુઆરીએ કાર અકસ્માત થયા બાદ 'પેશન્ટ નંબર 31'ને તા. સાતમી ફેબ્રુઆરીના દિવસે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. જ્યાં તેઓ કમસે કમ 128 લોકોના સંપર્કમાં આવ્યાં.

આ દરમિયાન તેમણે ઘરેથી સામાન લાવવાના બહાને હૉસ્પિટલમાંથી થોડો સમય માટે રજા લીધી અને અઢી કલાકે પરત ફર્યાં.

ત્યારબાદ વારંવાર થોડો-થોડો સમય માટે તેઓ હૉસ્પિટલમાંથી રજા લીધી. એક વખત મિત્ર સાથે લંચ માટે બહાર ગયાં અને બે વખત ચર્ચમાં ગયાં. જ્યાં બે કલાક માટે એક હજાર કરતાં વધુ લોકો એકઠાં થયાં હતાં.

પ્રોફેસર કિમના કહેવા પ્રમાણે, શિનચેઓનજી ચર્ચની ગુપ્ત નીતિને કારણે ત્યાં એ અઠવાડિયાં દરમિયાન કેટલા લોકો આવ્યા હતા, તે વિશેની માહિતી મેળવવી મુશ્કેલ બની રહી.

પ્રોફેસર કિમના કહેવા પ્રમાણે, "છેવટે ચર્ચના નવ હજાર સભ્યોની યાદી મેળવવામાં અમને સફળતા મળી. પહેલાં તો અમે તે બધાને ફોન કર્યો અને પૂછ્યું કે શું તેમનામાં કોરોનાનાં લક્ષણ છે?"

"લગભગ 1200 સભ્યોએ સ્વીકાર્યું કે તેઓ કોરોનાનાં લક્ષણ ધરાવે છે, પરંતુ કેટલાકે ટેસ્ટ કરાવવાનો તથા સેલ્ફ કવોરૅન્ટીન થવાનો ઇન્કાર કરી દીધો."

સેંકડો લોકો ચર્ચ સાથેનો સંબંધ છતો થવા દેવા માગતા ન હતા. આથી પ્રોફેસર કિમ પાસે અન્ય કોઈ વિકલ્પ વધ્યો ન હતો. તેમણે જણાવ્યું :

"અમે વહેલામાં વહેલી તકે આ લોકોને ડાયેગો શહેરની સામાન્ય જનતાથી અલગ તારવવા માગતા હતા. એટલે સરકારે તત્કાળ એક્ઝિક્યુટિવ ઑર્ડર કાઢ્યો કે ચર્ચના તમામ સભ્યોએ સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડશે."

કોરોનાના દરેક નવા કેસની સઘન તપાસ તથા વ્યાપક ટેસ્ટિંગને કારણે શહેરમાં કોરોનાના પ્રસાર ઉપર કાબૂ મેળવી શકાયો, એપ્રિલ મહિનાના અંત ભાગ સુધીમાં ડાયેગો શહેરમાં કોવિડ-19ના નવા કેસની સંખ્યા ઝીરો ઉપર પહોંચી ગઈ.

દુનિયાના અન્ય ભાગોમાં પણ વાઇરસનો પ્રસાર સતત વધી રહ્યો હતો, વૈજ્ઞાનિકો તેને દેશના આધારે નહીં, પરંતુ ખંડના સ્તર ઉપર ટ્રૅક કરી રહ્યા હતા. વાઇરસની સમસ્યાનો જવાબ તેના જિનૉમમાં છૂપાયેલો છે.

પરંતુ તેના જિનેટિક કોડ દ્વારા કોવિડ-19 વાઇરસ કેટલા સમયમાં બેવડાય છે અને આટલો ઝડપથી કઈ રીતે ફેલાયો, તે વિશે કોઈ જવાબ નથી મળતો.

પુરાવા અને નિશાન

નીચેની તસવીરમાં વુહાનને રિંગણી રંગના બિંદુ સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે અહીં પહેલી વખત કોવિડ-19ના સંક્રમિતના નાકમાંથી સ્વેબનું વિશ્લેષણ થયું હતું, વૈજ્ઞાનિકોએ આ વાઇરસના જીનૉમનું વિશ્લેષણ કર્યું હતું.

જેમાં કોવિડ-19 વાઇરસના 30 હજાર જિનેટિક અક્ષરોની શૃંખલા હતી અને ફેલાવા માટે વાઇરસે ખુદને બેડાવવાની જરૂર હતી.

પ્રોફેસર યોંગ જેન જાંગની ટીમે જાન્યુઆરી મહિનામાં જ જીનૉમની શોધ કરી લીધી હતી, ત્યારબાદ દુનિયાભરના વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના 10 હજારથી વધુ ચેપગ્રસ્તોના સ્વેબનું વિશ્લેષણ કરીને તેના તારણોને ઑપનસૉર્સ ડેટાબેઝ જી.આઈ.એસ.એ.આઈ.ડી. ઉપર અપલોડ કર્યા.

હજારો વખત કોવિડ-19 જિનૉમનું સિક્વન્સિંગ કરવાને કારણે તેના જિનેટિક કોડમાં થઈ રહેલાં પરિવર્તનને પકડવામાં વિજ્ઞાનીઓને સફળતા મળી. આ ફેરફારોને આપ અક્ષરોમાં ટાઇપિંગ ભૂલ સાથે સરખાવી શકો છો.

વાઇરસે મૂકેલા પુરાવાની જેમ જ તેમાં થઈ રહેલાં પરિવર્તનના ક્રમિક અભ્યાસથી જ અલગ-અલગ દેશમાં તેના ફેલાવાનું કારણ સમજી શકાય છે.

દાખલા તરીકે, ન્યૂયૉર્કમાં ચેપગ્રસ્તોના નમૂનાના અભ્યાસ ઉપરથી માલૂમ પડ્યું છે કે વાઇરસમાં ત્રણ વખત ફેરફાર થયો હતો. આવી જ રીતે વુહાનનાં મોટાં ભાગનાં સૅમ્પલના વાઇરસ જિનૉમમાં ત્રણ વખત ફેરફાર થયો હોવાનું માલૂમ પડે છે, આથી બંનેના ચેપનો સ્રોત એક જ હોય એવી શક્યતા છે.

આવી રીતે ઘટનાઓની સમયશ્રેણીના આધારે નિષ્ણાતોને એ સમજવામાં મદદ મળી કે વાઇરસ વુહાનથી ક્યારે અને કઈ રીતે ન્યૂયૉર્ક પહોંચ્યો.

જૂન મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં દુનિયાનાં 37 હજારથી વધુ સૅમ્પલનું જીનૉમ સિક્વન્સિંગ કરી લેવાયું છે અને એ પછી કોવિડ-19ની ખતરનાક અને વિનાશક પ્રકૃતિ વિશે ઘણી માહિતી મળી છે.

મહામારીના વિશેષજ્ઞ ડૉ. એમા હુડક્રૉફ્ટ 'નેકસ્ટસ્ટ્રેન' સાથે કામ કરે છે. નેકસ્ટસ્ટ્રેનએ વૈજ્ઞાનિકો તથા જીનૉમના રહસ્ય ઉકેલતાં નિષ્ણાતોનો સમૂહ છે, જેમણે જી.આઈ. એસ.એ.આઈ.ડી. ઉપર અપલોડ કરવામાં આવેલી હજારો જીનૉમ સિક્વન્સમાંથી મહત્ત્વપૂર્ણ માહિતી મેળવીને ઑપનસૉર્સ મૅપ તૈયાર કર્યો છે.

જે એક રીતે વિશ્વભરમાં ફેલાયેલા કોવિડ-19 વાઇરસના બદલાતા જીનૉમની રિયલ-ટાઇમ તસવીર રજૂ કરે છે.

ડૉ. એમાના કહેવા પ્રમાણે, "લોકો સાથે વાત કરવા કરતાં સારો વિકલ્પ જીનૉમને ટ્રૅક કરવાનો છે. લોકો કદાચ એ ન જણાવી શકે કે ક્યારે અને ક્યાંથી ચેપ લાગ્યો."

"આ સંજોગોમાં જીનૉમ ડેટા વધુ વિશ્વનસનીય છે. વિશેષ કરીને ઈરાન જેવા દેશમાં, જ્યાંથી કોરોના વાઇરસ સંબંધે બહુ થોડી માહિતી મળે છે."

રહસ્યમય કડીઓ

જાન્યુઆરી મહિનાના અંત ભાગમાં ડૉ. એમા તથા 'નેકસ્ટસ્ટ્રેન'ની ટીમનું ધ્યાન અમુક સૅમ્પલ ઉપર પડ્યું, તેના જીનૉમ મહદંશે સમાન હતા, એટલું જ નહીં, જીનૉમમાં થનારું પરિવર્તન પણ સમાન પ્રકારનું હતું.

પરંતુ આ સૅમ્પલ દુનિયાના આઠ અલગ-અલગ દેશ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, બ્રિટન, જર્મની, અમેરિકા, ચીન અને નૅધરલૅન્ડ જેવા દેશોમાંથી લેવાયાં હતાં.

પ્રથમ નજરે ટીમને માલૂમ ન પડ્યું કે લાલ રંગવાળા સૅમ્પલ ક્યાંથી આવ્યા હતા.

ડૉ. એમાના કહેવા પ્રમાણે, "આ સૅમ્પલ એક જ વૃક્ષની ડાળીઓ જેવા જણાતા હતા. આ બાબત અચરજ પમાડનારી હતી, કારણ કે જે લોકોના સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં, તેમની વચ્ચે કોઈ સમાનતા ન હતી."

"ત્યારબાદ અમને માલૂમ પડ્યું કે જે ઑસ્ટ્રેલિયન નાગરિકોનાં સૅમ્પલ લેવામાં આવ્યા હતા, તેમણે ઈરાનની મુલાકાત લીધી હતી."

"આ એક મહત્ત્વપૂર્ણ પુરાવો હતો, કારણ કે અત્યાર સુધી અમારી પાસે ઈરાનનાં કોઈ સૅમ્પલ ન હતાં, પરંતુ આ વિશે માલૂમ થયા બાદ અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે તમામ લોકોને કાં તો ઈરાનમાં ચેપ લાગ્યો અથવા તો તાજેતરમાં ઈરાનથી પરત ફરેલાઓ સાથે સંપર્કમાં આવવાથી લાગ્યો હતો."

કોવિડ-19ના જીનૉમ ઉપર નજર રાખવીએ મહત્ત્વપૂર્ણ બાબત સાબિત થઈ, કારણ કે વાઇરસ અપેક્ષા કરતાં વધુ ઝડપભેર બદલાઈ રહ્યો હતો.

જીનૉમને ટ્રૅક કરીને જ વિજ્ઞાનીઓ માટે અમુક સૅમ્પલની મદદથી સમગ્ર વિસ્તારમાં સંક્રમણ ફેલાવાના કારણોને સમજવું સરળ બન્યું.

ઈરાનનાં સૅમ્પલ, એક જ વૃક્ષની શાખા સમાન જણાતાં હતાં. આ સૅમ્પલ દ્વારા 'નેક્સ્ટસ્ટ્રેન'ની ટીમને માલૂમ પડ્યું કે આ બધાં ચેપનો એકમાત્ર સ્રોત ઈરાન છે, એટલું જ નહીં ઈરાનમાં પણ કોઈ એક જ સ્રોતમાંથી ફેલાયો હોવાની જાણ થઈ.

ઈરાનમાં કૉન્ટેક્ટ ટ્રૅસિંગ કરનારાઓને માલૂમ પડ્યું કે આ ચેપ પવિત્ર શહેર ક્યૂમમાંથી ફેલાયો હતો. ક્યૂમમાં દરરોજ હજારો ધાર્મિક શ્રદ્ધાળુ આવતા અને બે અઠવાડિયાંની અંદર જ કોરોના વાઇરસ ક્યૂમમાંથી ઈરાનના દરે પ્રાંત સુધી પહોંચી ગયો.

કૉન્ટેક્ટ તથા જૂનૉમ ટ્રૅસિંગ દ્વારા વિજ્ઞાનીઓને દુનિયાભરમાં કોવિડ-19 ફેલાવાની ગતિ તથા તેના માધ્યમો વિશે માહિતી મળી.

છ મહિનાની સઘન શોધખોળ છતાં કોરોનાના નિષ્ણાતો એક ડગલું પાછળ જ છે - તેઓ હજુ સુધી એ જણાવી શકવા માટે સક્ષમ નથી કે કોરોના વાઇરસનો આગામી હુમલો ક્યારે અને ક્યાં થશે.

કોવિડ-19ની હજુ એક મોટી સમસ્યા એ છે કે એકબીજાના સંપર્કમાં આવવાથી આ બીમારી ફેલાય છે અને જોતજોતામાં આ ચેપ ઘાતક બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે, પરંતુ ઘણી વખત ચેપગ્રસ્તોમાં સામાન્ય કે નહીં જેવા લક્ષણ હોય છે.

લક્ષણ વગરના (અસિમ્પ્ટોમૅટિક) ચેપગ્રસ્તો દ્વારા કોવિડ-19નો ચેલ લાગવાની તપાસ ખૂબ જ મુશ્કેલ છે. જે, ઇટાલીના એક નાનકડા ગામમાંથી આ વિશે મહત્ત્વપૂર્ણ માહિતી મળી છે.

અદૃશ્ય જોખમ કેટલું મોટું?

ઇટાલીમાં કોવિડ-19ને કારણે થયેલું પહેલું મૃત્યુ કોઈ ગીચ કે ધમધમતાં શહેરમાં નહોતું નોંધાયું, પરંતુ વેનેટોના છેવાડાના ગામ 'વો'માં નોંધાયું હતું.

લગભગ ત્રણ હજાર લોકોની વસતી ધરાવતું આ ગામડું નેશનલ ઇયૂગેનિયન હિલ્સની તળેટીમાં આવેલું છે, જે વેનિસથી માત્ર એક કલાકના અંતરે આવેલું છે.

તા. 21મી ફેબ્રુઆરીએ કોવિડ-19ને કારણે અહીં પહેલું મૃત્યુ થયું, તે પછી સ્થાનિક અધિકારીઓએ સમગ્ર ગામને સીલ કરી દીધું. ત્યારબાદ ગામડાના તમામ નાગરિકોના સ્વેબ લઈને તેની અનેક વખત તપાસ કરવામાં આવી.

સ્થાનિકમાં કોરોનાનું કોઈ લક્ષણ ન દેખાતું હોય તો પણ અનેક વખત તેના સ્વેબ લેવામાં આવ્યા. વિજ્ઞાનીઓ માટે આ એક ઉત્તમ તક હતી, કારણ કે લૉકડાઉનને કારણે બહાર નહીં નીકળી શકનારા હજારો લોકોના વારંવાર ટેસ્ટ કરવામાં આવ્યા.

આ ટેસ્ટ દ્વારા સ્થાનિક માઇક્રૉબાયૉલૉજિસ્ટ ઍસોસિયેટ પ્રોફેસર એનરિકો લાવેજ્જો મહત્ત્વપૂર્ણ તારણ ઉપર પહોંચ્યા.

તેઓ પોતાના અભ્યાસના સૌથી મહત્ત્વપૂર્ણ અંશને કોવિડ-19નું 'સાઇલન્ટ સ્પ્રેડિંગ' કહે છે. આ અભ્યાસના નિષ્કર્ષ મુજબ, જે લોકોમાં કોરોના વાઇરસ હોવાનું માલૂમ પડ્યું, તેમાંથી અનેક એવા હતા કે એવા હતા કે જેમનામાં કોઈ સામાન્ય લક્ષણ હતાં કે બિલકુલ લક્ષણ ન હતાં.

લાવેજ્જોના કહેવા પ્રમાણે, "ચેપગ્રસ્તોમાંથી 40 ટકા લોકોને એ વાતનો અંદાજ ન હતો કે તેઓ અન્યોને પણ ચેપ લગાડી શકે છે. મહામારી વિશે આ બહુ મોટી સમસ્યા છે."

તેઓ ઉમેરે છે, "લક્ષણવાળા લોકો પોતાના ઘરે આઇસોલેશનમાં રહી શકે છે, પરંતુ લક્ષણ વગરના લોકો સામાન્ય અવરજવર ચાલુ રાખશે. બહાર નીકળશે, લોકોને મળશે અને નજીકના સંપર્કમાં પણ આવશે."

"તેમને એ વાતની આશંકા નથી હોતી કે તેઓ અન્યોને પણ ચેપ લગાડી શકે છે."

અસિમ્પ્ટોમૅટિકની સમસ્યા

લાવેજ્જોના સમૂહે સૌપ્રથમ વખત લક્ષણ વગરના કેસોની મોટી સમસ્યાને સ્થાપિત કરી, ત્યારબાદ અનેક અભ્યાસ થયા. જેમાં લગભગ 70 ટકા ચેપગ્રસ્તોમાં કોઈ પણ જાતનાં લક્ષણ દેખાતાં ન હોવાની વાત પ્રતિપાદિત થઈ.

ઇટાલીના નાનકડા ગામડા 'વો'માં થયેલા અભ્યાસ દરમિયાન 10 વર્ષથી નાની ઉંમરના કોઈ બાળકને કોવિડ-19નો ચેપ નહોતો લાગ્યો.

પ્રોફેસર લાવેજ્જોના કહેવા પ્રમાણે, "અમે એવું નથી કહેતા કે બાળકોને કોરોનાનો ચેપ ન લાગી શકે. અન્ય અભ્યાસ દરમિયાન બાળકોને પણ ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે."

"પરંતુ એક તથ્ય એ પણ છે કે એ ગામનાં ડઝનબંધ બાળકો કોરોનાના ચેપગ્રસ્તો સાથે રહેતાં હતાં, પરંતુ તેમનામાંથી કોઈને ચેપ નહોતો લાગ્યો. આ વિચિત્ર બાબત છે અને તે દિશામાં તપાસ કરવાની જરૂર છે."

કોરોના વાઇરસ સમૂહના અન્ય વાઇરસની સરખામણીમાં કોવિડ-19 વાઇરસ એકસાથે અનેક લોકોને પોતાની ઝપેટમાં લે છે, તેનું ઝડપભેર ફેલાવાનું કારણ પણ એ જ છે.

પરંતુ કોવિડ-19 વાઇરસ આટલો અલગ કેમ છે? તેનાં લક્ષણોમાં આટલી ભિન્નતા કેમ છે? સામાન્ય ખાંસીથી લઈને શ્વાસ લેવામાં તકલીફ સુધી.

પ્રોફેસર લાવેજ્જોના નિષ્કર્ષ પ્રમાણે, બાળકોને ઓછી અસર કેમ થાય છે?

વિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે, કોવિડ-19 વાઇરસ સામાન્ય ઢબે માનવશરીરમાં પ્રવેશે છે. તે માનવીય કોષના ઉપર ભાગમાં રહેલા વિશેષ રિસેપ્ટર એ.સી.ઈ.-2 સાથે સંપર્ક સ્થાપીને તેની સાથે જોડાઈ જાય છે.

પ્રોફેસર માઇક ફરઝાનની લૅબોરેટરીએ વર્ષ 2003માં સાર્સના ફેલાવા દરમિયાન સૌપ્રથમ વખત રિસેપ્ટર એ.સી.ઈ.-2 વિશે માહિતી મેળવી હતી.

માઇકના કહેવા પ્રમાણે, નાક, ફેફસાં, હૃદય, કિડની, મગજ એમ બધી જગ્યાએ એ.સી.ઈ.-2 રિસેપ્ટર હોય છે.

આટલી બધી જગ્યાએ હાજરીને કારણે કોવિડ-19ના ચેપ તથા તેનાં લક્ષણમાં આટલી બધી ભિન્નતા જોવા મળે છે.

તેઓ કહે છે કે જો નાકમાં ચેપ લાગ્યો હોય તો સૂંઘવાની ક્ષમતા ઉપર અસર પડે છે અને જો ફેફસાંમાં ચેપ લાગ્યો હોય તો ખાંસી થશે.

સામાન્ય રીતે કોઈ વાઇરસ ઝડપભેર ફેલાય છે અથવા તો ગંભીર બીમારી માટે કારણભૂત બને છે. કોવિડ-19માં આ બંને ખાસિયત છે એટલે તે વધુ ખતરનાક છે.

નાક અને ફેફસાંના ઉપરના ભાગમાં ચેપ લાગવાને કારણે ઉધરસ થાય છે, જ્યારે સતત છીંકવાને કારણે આ ચેપ ઝડપભેર ફેલાય છે. આવી જ રીતે ફેફસાંના નીચેના ભાગમાં ચેપ લાગે તો શ્વાસ લેવામાં જીવલેણ સમસ્યા થઈ શકે છે.

પુખ્તોની સરખામણીમાં બાળકોને વધુ કે ઓછો ચેપ લાગે છે, તેના વિશે હજુ સુધી નક્કરપણે કંઈ પણ કહી શકાય તેમ નથી.

બ્રિટિશ સરકારની ઇમર્જન્સી સાયન્સિટિફક ઍડવાઇઝરી કમિટીના કહેવા પ્રમાણે, બાળકોમાં ચેપ ઓછો લાગતો હોય તેના પુરાવા છે. જો બાળકોને કોરોનાનો ચેપ લાગે તો તેમના થકી અન્યોને ચેપ લાગવાની શક્યતા પણ ઓછી હોય છે.

જોકે, આ સમૂહ પણ ઉમેરે છે કે આ પુરાવાના આધારે કોઈ નક્કર તારણ ઉપર પહોંચી શકાય તેમ નથી.

પ્રો. ફરઝાનના કહેવા પ્રમાણે, વિજ્ઞાનીઓને એ વાતના પુરાવા મળ્યા છે કે પુખ્તોની સરખામણીએ બાળકોનાં ફેફસાંનાં નીચેના ભાગમાં રિસેપ્ટર ઓછા હોય છે.

તેઓ કહે છે, "સ્વાભાવિક છે કે બાળકો તેની ઝપેટમાં આવે તેની આશંકા ઓછી હોય છે. કમસે કમ પુખ્તોને થનાર ગંભીર ન્યુમોનિયાથી તેઓ બચી શકે છે."

જોકે, પ્રોફેસર ફરઝાનના કહેવા પ્રમાણે, બાળકોનાં ફેફસાંના ઉપરના ભાગમાં રિસેપ્ટર્સની સંખ્યા વધુ હોય છે. જેના કારણે બાળકો મારફત કોવિડ-19નો ચેપ ફેલાઈ શકે છે, કારણ કે સંક્રમણના પ્રસારમાં ફેફસાંના ઉપરના ભાગની મોટી ભૂમિકા હોય છે.

હાલ તો કોવિડ-19 વાઇરસ જે રીતે ફેલાઈ રહ્યો છે, તેનાથી તેની મારક ક્ષમતા વધી ગઈ છે, છ મહિનાના સંશોધન માટે વિજ્ઞાનીઓ એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છે કે આ બીમારીને નાબૂદ કરવાનો એક જ ઉપાય છે - રોગપ્રતિરોધક રસી વિકસાવવી.

વૅક્સિન તૈયાર કરવાની સ્પર્ધા

હાલમાં કોવિડ-19ની રસી શોધવામાં અલગ-અલગ 124 જૂથ લાગેલાં છે. બ્રાઝિલમાં આવા પ્રયાસોનું નેતૃત્વ માઓ પાઓલો યુનિવર્સિટીના મેડિકલ ડાયરેક્ટર જ્યોર્જ કલિલ કરી રહ્યા છે.

બ્રાઝિલમાં કોરોના વાઇરસનો પંજો વ્યાપક રીતે ફેલાયેલો છે. પ્રાંતીય સરકારોએ દેશનાં મુખ્ય શહેરોમાં લૉકડાઉન લાદી દીધું છે, બીજી બાજુ, રાષ્ટ્રપતિ ઝૈયર બોલસોનારો તેનો વિરોધ કરતી રેલીઓમાં સામેલ થઈ રહ્યા છે.

બ્રાઝિલનાં કેટલાંક જૂથોનો દાવો છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આ વૅક્સિન તૈયાર થઈ જશે. તેના ઉત્પાદન અને વિતરણમાં વધુ 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે.

કલિલના કહેવા પ્રમાણે, આ સ્પર્ધા પ્રથમ આવવા માટેની નહીં, પરંતુ લક્ષ્ય પ્રત્યે અવિચળ રહેવા માટે માટેની છે.

પ્રો. કલિલના કહેવા પ્રમાણે, "આપણે થાય એટલી ઝડપે રસી તૈયાર કરવી પડશે. મને નથી લાગતું જે સૌ પહેલાં વૅક્સિન તૈયાર કરી લેશે, તે વિનર હશે, કારણ કે આ કોઈ કાર રેસ નથી."

"સૌથી સારી અને વિનર રસી મોટા ભાગના લોકોને- આદર્શ સ્થિતિમાં 90 ટકા લોકોને કોરોનાના ચેપમાં આવતા અટકાવશે."

કલિલના કહેવા પ્રમાણે, આ મહામારીને સમાપ્ત કરવા માટે વૃદ્ધો તથા પ્રમાણમાં સ્વસ્થ ન હોય તેવા લોકો માટે અસરકારક રસી તૈયાર કરવાની જરૂર છે. આવા લોકોમાં ઍન્ટિબૉડી પેદા થવામાં મુશ્કેલી થતી હોય છે.

આથી, કોરોનાનો ભોગ બનનારા ઉપરાંત નબળું આરોગ્ય ધરાવનારા લોકો માટે કારગત રસી તૈયાર નહીં થાય, ત્યાર સુધી કોવિડ-19 ફેલાતો રહેશે. આ સિવાય કોવિડ-19ના આગામી ઉછાળને અટકાવવા માટે તમામ દેશોમાં એક સાથે જ રસી પ્રાપ્ય બને, તે સુનિશ્ચિત કરવું પડશે.

કલિલ કહે છે, "પૈસા અને રાજકારણ મોટી સમસ્યા છે. સાઓ પઆઓલોમાં ધનવાન લોકો તમને સુંદર ઘરમાં આઇસોલેશનમાં મળશે, પરંતુ એવા પરિવાર પણ છે, જેઓ એક જ રૂમમાં આઠથી 10 લોકો રહે છે, તેઓ ખુદને કેવી રીતે આઇસોલેશનમાં રાખે?"

કલિલના મતે, "દરેક સમસ્યાના નિરાકરણ માટે ઉત્તમ વૅક્સિનની જરૂર છે, બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો