You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ભારત સામે છે આ પાંચ મોટાં પડકાર
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં લૉકાડાઉન ખૂલ્યાનાં અઠવાડિયાં પછી અને કોવિડ-19નો પહેલો કેસ સામે આવ્યા પછી ચાર મહિના બાદ પણ કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.
આ સંકટ સાથે જોડાયેલી પાંચ મહત્ત્વની વાતો ધ્યાને લેવા જેવી છે, જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.
શું ભારતે ડરવું જોઈએ?
એવું કહી શકાય કે ભારતમાં સ્થિતિને ઠીકઠાક સંભાળી શકાઈ છે. અહીં કોરોના વાઇરસના ત્રણ લાખ 20 હજાર કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારત સંક્રમણમાં રશિયા, બ્રાઝિલ અને અમેરિકા બાદ ચોથા નંબરે આવી ગયું છે. જોકે કૉર્નેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર કૌશિક બસુ અનુસાર ભારત પ્રતિવ્યક્તિએ સંક્રમણના હિસાબે 143મા સ્થાને છે.
વાઇરસની પ્રભાવક પ્રજનન સંખ્યા ઘટી છે. આ એક બીમારી ફેલાવવાની ક્ષમતાને માપવાની રીત છે. તેમજ નોંધાયેલા સંક્રમણનો કેસ બમણા થવાનો સમય પણ વધી ગયો છે.
તેમજ દેશમાં કોરોના વાઇરસના કેસ હજુ પણ વધી રહ્યા છે. મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવાં હૉટસ્પૉટ શહેરોમાં લોકોને હૉસ્પિટલ મળતી નથી અને મૃત્યુ થઈ રહ્યાં છે.
કોવિડ-19ના દર્દીઓના ઇલાજ કરતાં ડૉક્ટરે મને કહ્યું કે "જો આ સ્થળોએ સંક્રમણ આ જ રીતે વધતું રહેશે તો ન્યૂયૉર્ક જેવી સ્થિતિ થઈ જશે."
આ શહેરોમાંથી હૃદય દ્રવી ઊઠે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. દર્દીઓને હૉસ્પિટલમાં ભરતી ન કરાતાં તેમનાં મૃત્યુ થઈ રહ્યાં છે.
એક આવા જ દુખદ કિસ્સામાં એક શખ્સ શૌચાલયમાં મૃત મળી આવ્યો હતો. લોકો ટેસ્ટ કરાવી શકતા નથી, કેમ કે લૅબમાં પહેલેથી જ મોટી સંખ્યામાં તપાસ માટે સૅમ્પલ પડ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મહામારી શરૂ થતાં પહેલાં જ ભારતીય અર્થવ્યવસ્થા ડગમગવા લાગી હતી. આથી દેશ વધુ એક ચુસ્ત લૉકડાઉન સહન ન કરી શકે, કેમ કે તેનાથી વેપાર-ધંધા ઠપ થઈ જશે અને લોકોની નોકરીઓ ચાલી જશે. આવી સ્થિતિમાં ભારતે સંક્રમણને રોકવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે.
હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર આશિષ ઝા કહે છે, "હું વધતાં કેસને લઈને ચિંતિત છું. એવું નથી કે કેસ પહેલાં વધશે અને પછી આપોઆપ ઘટવા શરૂ થઈ જશે. આવું થવા માટે તમારે પ્રયત્નો કરવા પડશે."
બીજા શબ્દોમાં કહીએ તો ભારત હર્ડ ઇમ્યુનિટી મેળવવા અને વાઇરસને રોકવા માટે પોતાના 60 ટકા લોકોને સંક્રમિત થવાની રાહ ન જોઈ શકે.
આશિષ ઝા કહે છે, "તેનો મતલબ હશે લાખો લોકોનાં મૃત્યુ, જેનો સ્વીકાર ન કરી શકાય."
યુનિવર્સિટી ઑફ મિશિગનમાં બાયૉસ્ટેટસ્ટિક્સનાં પ્રોફેસર ભ્રામર મુખરજી કહે છે કે ભારતમાં હજુ સંક્રમણના કેસ પર કાબૂ મેળવી શકાયો નથી. તેમાં સતત અને સ્થિર ઘટાડો જોવા મળતો નથી. આથી આપણે ચિંતા કરવી જોઈએ, ભય નહીં.
શું ભારતમાં ઓછાં મૃત્યુનો આંકડો ભ્રામક છે?
હાં અને નહીં. ભારતમાં મૃત્યુદર (સીએફઆર) કે કોવિડ-19થી મૃતક પામનારા લોકોનો રેશિયો લગભગ 2.8 ટકા છે. જોકે આ મામલા વિવાદાસ્પદ છે, કેમ કે તેને લઈને અનેક વાતો સામે આવી રહી છે.
લંડન સ્કૂલ ઑફ હાઇજીન ઍન્ડ ટ્રૉપિકલમાં ગણિતશાસ્ત્રી એડમ ખુખારસ્કીનું કહેવું છે, "સંક્રમણના કુલ કેસમાંથી મૃત્યુના આંકડાને વિભાજિત કરવામાં સમસ્યા એ છે કે તેમાં એ કેસનો સમાવેશ નથી થતો જે નોંધાય નથી કે જેમનું સમયસર સારવાર ન મળવાથી મૃત્યુ થયું."
વિશેષજ્ઞોનું કહેવું છે કે મહામારીના આ તબક્કામાં કુલ મળીને સીએફઆરને જોઈને સરકારને આત્મસંતોષ જ મળી શકે છે.
ડૉક્ટર મુખરજી અનુસાર સીએફઆર એક ભ્રમ છે. જો તમે બંધ થયેલા કેસને (જ્યાં આપણને દર્દીનું શું થયું એ ખબર છે) મૃત્યુની સંખ્યાથી ભાગી દો તો વાઇરસથી થયેલાં મૃત્યુનો દર મોટો મળશે. એટલે સુધી કે પ્રતિવ્યક્તિનો મૃત્યુદર પણ બીમારીના પ્રસારની સમજને સીમિત કરે છે. પણ ચિંતાની વાત એ છે કે કોવિડ-19થી થયેલાં કુલ 9000 મૃત્યુમાંથી એક તૃતીયાંશ મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીથી છે.
કેટલીક ભૂલોને કારણે કેસ ઓછા નોંધવામાં આવે છે. જેમ કે ચેન્નાઈમાં સત્તાવાર આંકડાથી અસલમાં આંકડા બમણા હતા. આ ગરબડ એટલા માટે થઈ કે જે બે રજિસ્ટરમાં મૃત્યુની નોંધ થતી હતી તેને જોડવામાં આવ્યાં નહોતાં.
સાથે જ દુનિયાના ઘણા દેશોની જેમ અહીં પણ મુશ્કેલી છે કે કોવિડ-19થી થયેલાં મૃત્યુને કેવી રીતે પરિભાષિત કરે.
અર્થશાસ્ત્રી પાર્થ મુખોપાધ્યાયની નવી શોધ દર્શાવે છે કે ઉંમર અનુસાર મૃત્યુનો આંક જોવાથી ખબર પડે છે કે ભારતમાં યુવાઓની મૃત્યુની સંખ્યા અનુમાનથી ઘણી વધારે છે.
30 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં 40થી 49 વર્ષના લોકોનો મૃત્યુદર 4 ટકા હતો. તો ઇટાલીમાં આ વર્ષ-વર્ગમાં મૃત્યની સંખ્યા તેનાથી દસમા ભાગ બરાબર હતી.
પ્રોફેસર મુખોપાધ્યાયનું કહેવું છે, "આપણે તપાસ કરવાની જરૂર છે કે આટલા બધા નવયુવાન કેવી રીતે મૃત્યુ પામ્યાં. શું જીવનશૈલી સંબંધિત બીમારીઓ જેવી કે ડાયાબિટીસ અને પ્રદૂષણને કારણે શ્વાસ સંબંધી સમસ્યાને કારણે મૃત્યુ થઈ રહ્યાં છે? શું વિશ્વની તુલનામાં આપણી પાસે એક અસ્વસ્થ યુવાવસતી છે?
જોકે જાણકારો કહે છે કે તેમ છતાં ભારતમાં મૃત્યુદર ઓછો રહેશે અને મૃતકોમાં સૌથી વધુ સંખ્યા વૃદ્ધોની હશે.
પ્રોફેસર મુખોપાધ્યાય કહે છે, "આપણે અહીં મોટી સંખ્યામાં સંક્રમણ છે, પણ બહુ ઓછા લોકો બીમાર છે. આથી આપણને જાતને બહુ ખરાબ સ્થિતિમાંથી બચાવી લીધી છે."
ભારતે ચિંતા કેમ કરવી જોઈએ?
ભારતે કોરોના વાઇરસના કેસને આ રીતે સંભાળવા જોઈએ, જેવી રીતે એક વિજ્ઞાન લેખક એડ યોંગે એટલાન્ટિક પત્રિકામાં કહ્યું હતું, "પૈચવર્ક પેન્ડેમિક".
તેનો મતલબ છે કે જ્યારે કોઈ સંક્રમણ એક દેશમાંથી ફેલાય અને અન્ય ભાગમાં અલગઅલગ રીતે પ્રભાવિત કરે.
યોંગે જોયું કે મહામારી સોશિયલ ડિસ્ટન્સિંગ, ટેસ્ટિંગની ક્ષમતા, જનસંખ્યા ઘનત્વ, આયુ સંરચના, સામાજિક સામૂહિકતા અને નસીબ જેવાં કારણોથી પ્રભાવિત થાય છે.
ભારતમાં લાખો મજૂરો શહેર છોડીને પોતાના ઘરે પરત ફરવાને લીધે સંક્રમણ ફેલાયું. આ મજૂરો અચાનક થયેલા લૉકડાઉનથી નોકરી ગુમાવી ચૂક્યા હતા અને તેમની પાસે પૈસા નહોતા.
તેઓ પગપાળા, ખીચોખીચ ટ્રેનો અને બસોમાં પોતાના ગામ પહોંચ્યા. ઉદાહરણ તરીકે, ઓડિશામાં 80 ટકા કેસ આ મજૂરોના જ છે.
દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં વૈસક્યુલર સર્જન અંબરીશ સાત્ત્વિક કહે છે, "આથી તેને ભારતમાં ફેલાયેલી મહામારી તરીકે ન જોવી જોઈએ. આ દિલ્હીની મહામારી, મુંબઈની મહામારી અને અમદાવાદની મહામારી છે."
આ શહેરોમાં 100 સૅમ્પલ પર પૉઝિટિવ કેસનો દર રાષ્ટ્રીય સરેરાશથી ચારથી પાંચ ગણો વધુ છે.
જેમજેમ દેશભરમાં કેસ વધશે તેમ સ્વાસ્થ્યસેવાઓ પર દબાણ વધશે. ડૉક્ટર મુખરજી કહે છે કે ભારતમાં સ્વાસ્થ્યસેવાઓનીક ક્ષમતા વધારવાની ખરેખર જરૂર છે.
બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં સંસાધનો, જેમ કે ડૉક્ટર, સ્વાસ્થ્યકર્મી, ઉપકરણ, દવાઓ, વૅન્ટિલેટરને ઓછા કેસવાળી જગ્યાએથી એવી જગ્યાએ સ્થળાંતરિત કરવા જોઈએ, જ્યાં કેસ ચરમ પર પહોંચવાના છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે સેનાની ચિકિત્સા સેવાઓને (જેમાં ઉત્તમ ડૉક્ટર અને પ્રોફેશનલ સ્વાસ્થ્ય સેવાઓ છે) ઝડપથી ઊભરતા હૉટસ્પૉટમાં મોકલીને મદદ કરી શકાય.
શું ભારતને લાંબા લૉકડાઉનથી મદદ મળી?
જાણકારો કહે છે કે ભારતે સમજદારીથી વહેલા લૉકડાઉન શરૂ કરી દીધું, જેથી વાઇરસના પ્રસારને ધીમો કરી શકાય.
ડૉક્ટર ઝાનું કહેવું છે, "કોઈ પણ દેશે આટલું જલદી લૉકડાઉન નથી કર્યું. તેનાથી સરકારને તૈયારી કરવાનો સમય મળ્યો. તેનાથી ઘણાં મૃત્યુ થતાં બચી ગયાં."
પરંતુ આ લૉકડાઉન ચાર કલાકની નોટિસ પર થયું અને મજૂરોએ શહેર છોડતાં ખરાબ રીતે તૂટી ગયું.
હવે સવાલ એ છે કે સરકારે લૉકડાઉનના સમયનો ઉપયોગ ટેસ્ટિંગ વધારવા અને સ્વાસ્થ્યસેવાને મજબૂત કરવા કર્યો કે નહીં.
કેટલાંક રાજ્યો, જેમ કે કેરળ, કર્ણાટકે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી કરતાં સારું પ્રદર્શન કર્યું છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે જો ભારતે સારી રીતે તૈયારી કરી હોત તો મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં સંક્રમણને રોકવામાં નિષ્ફળતા ન મળી હોત.
ડૉક્ટરો, સ્વાસ્થ્યકર્મીઓ, તૈયાર પથારીની ઘટ અને સરકારી હૉસ્પિટલો પર વિશ્વાસ ન હોવાને કારણે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. આથી તેઓ ખાનગી હૉસ્પિટલ તરફ વળતા હતા, જે આફતની સ્થિતિ માટે હજુ પૂરી રીતે તૈયાર નહોતી.
આગળ શું થશે?
ભારતમાં ટેસ્ટિંગ હજુ પણ એક સમસ્યા છે. અહીં એક દિવસમાં 150,000 ટેસ્ટ થઈ રહ્યા છે, જ્યારે લૉકડાઉન શરૂ થયું ત્યારે અંદાજે એક હજાર ટેસ્ટ થતા હતા. તેમ છતાં અહીં પ્રતિવ્યક્તિએ ટેસ્ટનો દર સૌથી ઓછો છે.
ઘણા લોકોનું કહેવું છે કે ભારતમાં 30 જાન્યુઆરીએ પહેલો કેસ આવ્યો ત્યારથી ટેસ્ટિંગ વધારવું જોઈતું હતું.
પ્રોફેસર મુખોપાધ્યાય કહે છે, "આપણી પાસે સંસાધનો હતાં. આપણે એક શક્તિશાળી દેશ છીએ, જેમાં પહેલાંથી તૈયારી ન કરી અને આપણે લૉકાડાઉનનો શરૂઆતનો ફાયદો પણ ઓછો કરી દીધો."
રાજધાની દિલ્હીમાં વધતા સંક્રમણના કેસ, હૉસ્પિટલમાં ભરતી થતા દર્દીઓ અને મૃત્યુની વધતી સંખ્યા મોડેથી કરાયેલી ખોટી તૈયારીનું ઉદાહરણ છે.
આવનારા દિવસોમાં કેસ ઝડપથી વધવાની આશંકાએ સ્થાનિક સરકારે ખાનગી હૉસ્પિટલોને કોવિડ-19ના દર્દીઓ માટે વધુ બેડ રાખવાના નિર્દેશ આપ્યા છે.
તેમજ લગ્નના હૉલ, સ્ટેડિયમ અને હોટલોમાં પણ બેડ ગોઠવાઈ રહ્યા છે. જોકે નિષ્ણાતોને આમાં શંકા છે.
તમે આટલા ઓછા સમયમાં લગ્નના હૉલ અને સ્ટેડિયમમાં કેવી રીતે ઓક્સિજન પાઇપ લગાવી શકશો?
અહીં સારવાર માટે ડૉક્ટર અને નર્સ ક્યાંથી આવશે? જો શહેરની બધી આઈસીયુ પથારી ભરેલી છે તો ક્રિટિકલ કૅરના દર્દીઓનો ઇલાજ બૈંક્વેટ હૉલમાં કેવી રીતે થશે?
ડૉક્ટર સાત્ત્વિક કહે છે, "માત્ર દર્દીઓને કાઢવા અને કોવિડ-19 બૉર્ડ બનાવાની નહીં, પણ નવા આધારભૂત ઢાંચા અને ક્ષમતાને વધારવાની જરૂર છે."
અંતમાં વિશેષજ્ઞોનું કહેવું છે કે નોકરશાહોના આદર્શો અને તાત્કાલિક યોજનાથી કોઈ મદદ મળવાની નથી. જો સરકાર પ્રભાવક રીતે એ નહીં બતાવી શકે કે સંક્રમણનો ખતરો હજુ પણ છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા રાખવાનો સામૂહિક ઉત્સાહ પણ મંદ પડી જશે.
ડૉક્ટર ઝા કહે છે, "આ એક બહુ કઠિન સ્થિતિ છે. આપણે હજુ પણ મહામારીના શરૂઆતના તબક્કામાં છીએ અને આપણી પાસે આ વર્ષનો એટલો સમય બાકી છે કે આપણે કેસ પર કાબૂ મેળવી લઈએ. સવાલ એ છે કે આગામી 12થી 16 મહિનામાં ભારતને શું હાંસલ થવાનું છે?"
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો