કોરોના વાઇરસ : શું અનલૉક-1ને કારણે ભારતમાં કોરોના બેકાબૂ બન્યો?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના વાઇરસના સંક્રમણમાં ભારત વિશ્વમાં ચોથા સ્થાને છે. અમેરિકા, બ્રાઝિલ અને રશિયા જ માત્ર ભારતથી આગળ છે.

દરમિયાન 16 અને 17 જૂને વડા પ્રધાન મોદી ફરી એક વાર રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરવાના છે.

1 જૂનથી દેશભરમાં અલગઅલગ રીતે અનલૉક-1 લાગુ કરાયું છે. અનલૉક-1માં ધાર્મિક સ્થળો, રેસ્ટોરાં અને મૉલ્સને ખોલવાની મંજૂરી અપાઈ છે.

તે બાદની સ્થિતિનો અંદાજ મેળવવા માટે વડા પ્રધાન અને મુખ્ય મંત્રીઓ વચ્ચેની આ પ્રથમ બેઠક હશે.

કોરોનાના વધતાં કેસ અને દરરોજ મૃત્યુનો આંક વધતાં આ બેઠક મહત્ત્વની માનવામાં આવે છે.

ખાસ કરીને દિલ્હી માટે કેન્દ્ર સરકારે 12 નિષ્ણાતોની ટીમ બનાવી છે.

ફરી ચર્ચા થઈ રહી છે કે શું લૉકડાઉનમાં જે હાંસલ થયું એ અનલૉક-1માં ગુમાવી દીધું છે.

ભારતમાં કોરોનાના કેસ

31 મેના રોજ ભારતમાં કોરોનાના કુલ 1 લાખ 82 હજાર કેસ હતા. જ્યારે 15 જૂને 3 લાખ 32 હજાર કેસ છે, એટલે કે બમણાથી થોડા ઓછા.

દિલ્હી અને મુંબઈમાં અનલૉક-1ની સૌથી વધુ અસર થઈ છે.

31 મેના રોજ દિલ્હીમાં 18549 કેસ હતા, જે 15 જૂને 41 હજાર પર પહોંચ્યા છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો 31 મેના રોજ અહીં 65159 કેસ હતા, જે 15 જૂને વધીને 1 લાખ 8 હજાર પર પહોંચી ગયા છે.

સ્પષ્ટ છે કે અનલૉક-1 બાદ દેશમાં કોરોનાની ગતિમાં વધારો થયો છે.

અહીં એ જાણવું જરૂરી છે કે ભારતમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ આવ્યો હતો.

24 માર્ચે જ્યારે વડા પ્રધાન મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી ત્યારે ભારતમાં માત્ર 550 પૉઝિટિવ કેસ હતા.

જે રીતે રોજ ઝડપથી કેસ વધી રહ્યા છે, તેનાથી લોકોની ચિંતા પણ વધી રહી છે.

મૃત્યુના આંકડા

એવી જ સ્થિતિ મૃત્યુના આંકડાઓની પણ છે. ભારતમાં 15 જૂન સુધી કોરોના વાઇરસથી મરનારની સંખ્યા 9520 છે, જે 31 મેના રોજ 5164 હતી.

એટલે કે ત્રણ મહિનામાં દેશમાં જેટલા લોકોનાં મૃત્યુ ન થયાં અંદાજે એટલાં મૃત્યુ 15 જૂન પહેલાં 15 દિવસમાં થયાં.

દિલ્હીની વાત કરીએ તો 31 મે સુધી મૃતકોની સંખ્યા 416 હતી, જે હવે 1327 થઈ ગઈ છે. એટલે કે અંદાજે ત્રણ ગણી.

મહારાષ્ટ્રમાં 31 મે સુધી 2197 મૃત્યુ થયાં હતા, જે 15 જૂન સુધીમાં 3950 છે. એટલે મૃત્યુનો આંકડો અંદાજે બમણો થઈ ગયો છે.

જોકે ભારત માટે એ સારી વાત છે કે વિશ્વમાં મૃત્યુના આંકડાઓમાં ભારત ટૉપ પાંચ દેશમાં નથી. એ પાંચ દેશો જ્યાં કોરોનાને કારણે સૌથી વધુ મૃત્યુ થયાં છે એ છે- અમેરિકા, બ્રાઝિલ, બ્રિટન, ઇટાલી અને ફ્રાન્સ.

કોરોના ટેસ્ટના આંકડા

31 મેના રોજ દેશમાં અંદાજે 1 લાખ 25 હજાર લોકોના ટેસ્ટ થયા હતા, જ્યારે 14 જૂને ભારતમાં કુલ 1 લાખ 15 હજાર લોકોના કોરોના ટેસ્ટ થયા.

જોકે પ્રતિદિનના હિસાબે આ આંકડા બદલાતા રહે છે. પણ એવું નથી કે છેલ્લા 15 દિવસમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં બહુ વધારો થયો છે. આજે પણ ભારતમાં એક દિવસમાં સવા લાખથી દોઢ લાખ લોકોના જ ટેસ્ટ કરાય છે.

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં સંખ્યા થોડી ઓછી થઈ છે. દિલ્હી સરકારે જૂનના શરૂઆતના અઠવાડિયામાં કેટલીક ટેસ્ટિંગ લૅબ્સ પર કાર્યવાહી કરી હતી. જેને કારણે ટેસ્ટ ઓછા થયા હતા.

તેમ છતાં દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ કોરોનાના 2000થી વધુ કેસ આવી રહ્યા છે. મહારાષ્ટ્રની સ્થિતિ પણ તેનાથી અલગ નથી.

અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે 31 મે સુધી ભારતમાં 37 લાખ 37 હજાર ટેસ્ટ થયા હતા. તો 14 જૂન સુધી દેશમાં 57 લાખ 74 હજાર ટેસ્ટ થયા છે. અહીં 15 દિવસમાં અંદાજે 20 લાખ ટેસ્ટ થયા છે.

રિકવરી રેટ

મેના અંત સુધીમાં દેશમાં રિકવરી રેટ 47.76 ટકા દર્શાવાઈ રહ્યો છે. આજે રિકવરી રેટ, એટલે કે કોરોના સંક્રમિત દર્દીઓનો સાજા થવાનો દર 51 ટકા થઈ ગયો છે.

અનલૉક-1માં સરકાર તેને એક પૉઝિટિવ સાઇન એટલે કે સકારાત્મક સંકેત રૂપે જોઈ રહી છે.

પરંતુ દિલ્હી અને મુંબઈમાં આ રાષ્ટ્રીય સરેરાશ ઓછી છે. દિલ્હીમાં આ સમયે રિકવરી રેટ 38 ટકા આસપાસ છે અને મુંબઈમાં રિકવરી રેટ 45 ટકાને પાર છે.

જોકે વિશ્વસ્તરે ભારત રિકવરી રેટમાં સૌથી આગળ નથી. જર્મનીનો રિકવરી રેટ અંદાજે 90 ટકાથી ઉપર છે, જે વિશ્વમાં સૌથી સારો છે.

બાદમાં ઇટાલી અને ઈરાનનો નંબર આવે છે. આ બંને દેશોમાં રિકવરી રેટ 70 ટકાથી ઉપર છે.

ભારતની આ સમયે રિકવરી રેટમાં રશિયા સાથે ટક્કર છે, જ્યાં રિકવરી રેટ 50 ટકા આસપાસ છે.

દેશના જાણીતા ડૉક્ટર મોહસિન વલી માને છે કે આ આંકડાઓને આધારે એ કહેવાઈ રહ્યું છે કે દેશે લૉકડાઉન કરીને જે મેળવ્યું હતું એના પર પાણી ફરી વળ્યું છે.

તેમના અનુસાર આંકડા દર્શાવે છે કે લોકોએ અનલૉકની છૂટનો ઘણો ફાયદો ઉઠાવ્યો અને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો અને હાથ ધોવાનું ભૂલી ગયા.

બાકી રહેલી કસર પ્રવાસી મજૂરોની અવરજવરે પૂરી કરી નાખી.

પ્રવાસી મજૂરો તો મે મહિનામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે, એમ પૂછતાં ડૉક્ટર વલીનું કહેવું છે કે તેની અસર દેશના કોરોના ગ્રાફ પર જૂનમાં જ જોવા મળી રહી છે.

જોકે ડૉક્ટર વલી હજુ પણ નથી માનતા કે અનલૉક-1ને હઠાવીને ફરીથી લૉકડાઉન લાગુ કરવું જોઈએ.

તેમના અનુસાર, કોરોના સાથે જીવવાનું છે તો ઘરમાં જ બેસવું એ ઉપાય નથી. આપણે સાવધાની સાથે બધું કામ ચાલુ રાખવાનું છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિદં કેજરીવાલે પણ કહ્યું છે કે દિલ્હીમાં ફરીથી લૉકડાઉનની કોઈ યોજના નથી.

આ જ વાત દિલ્હીના વેપારી સંઘના લોકો પણ કહી રહ્યા છે. દિલ્હીના વેપારીઓએ નિર્ણય લીધો છે કે દિલ્હીની બજારો હાલ ખૂલી રહેશે.

બજારો બંધ કરવી, ખૂલી રાખવી કે ઑડ-ઇવન વ્યવસ્થા કે એક દિવસ છોડીને એક દિવસ દુકાન ખૂલી રાખવાનો નિર્ણય દિલ્હીનાં વેપારી સંગઠનો સ્થિતિનું આકલન કરીને જાતે લેશે.

છેલ્લા દિવસોમાં દેશનાં તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી છતાં દિલ્હીની જામા મસ્જિદને 30 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે.

હવે 16-17 જૂને વડા પ્રધાન અને મુખ્ય મંત્રીઓ વચ્ચેની બેઠક પર નજર મંડાયેલી છે. દેશમાં કોરોનાનો ગ્રાફ વધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું નિર્ણય કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો