કોરોના વાઇરસ : મહામારી બાદ શું ધર્મ પણ બદલાઈ જશે?

જ્યારે ભારતમાં કોરોના વાઇરસની મહામારી ફાટી નીકળી ત્યારે એક તરફ જ્યાં મંદિર અને મસ્જિદો સહિત તમામ ધર્મસ્થાનો બંધ કરી દેવાયાં ત્યાં જ બીજી તરફ લૉકડાઉન દરમિયાન રામાયણ સૌથી વધારે જોવાતી સીરિયલ બની ગઈ.

તો આ વલણને આપણે શું સમજવું? શું લોકો તેમના ઈશ્વરથી નારાજ હતા કે પછી વધુ ને વધુ લોકો આસ્થા અને શ્રદ્ધાને માર્ગે વળવા લાગ્યા હતા?

રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચીખલીયા ટોપીવાળા આ સંદર્ભે માને છે કે કોરોના વાઇરસ પછીના સમયમાં ભવિષ્યમાં લોકોમાં આસ્થા વધુ પ્રબળ બનશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 'મને લાગે છે કે હવે પાર્કમાં ધ્યાન કરતા લોકોની સંખ્યા વધશે.'

અજમેર ખાતે આવેલી સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની સંભાળ લેનાર સૈયદ ગૌહર કોરોના વાઇરસને 'અલ્લાહનો ક્રોધ' ગણાવે છે. તેમના સમાજના કેટલાક લોકો અને ધર્મગુરુઓનો માને છે કે દેવદૂતો કોરોના વાઇરસને મસ્જિદમાં પ્રવેશતાં રોકશે.

તેમજ ઘણાં ગૌમૂત્રને આ વાઇરસનો ઇલાજ ગણાવી રહ્યા છે. તો બીજી તરફ કોરોના વાઇરસને અટકાવવા માટે ધાર્મિક ચિહ્નો અને ધાર્મિક રીતરિવાજોનો ઉપયોગ કરવાની અધિકારીક મંજૂરી અપાઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે.

ધર્મ માટે ન્યૂ નૉર્મલ

અનિશ્ચિતતા ચિંતા જન્માવે એવી છે. પરંતુ જ્યાં સુધી આ વાઇરસના ખાતમા માટેની રસી ન શોધી લેવાય ત્યાં સુધી લોકો પાસે ન્યૂ 'નૉર્મલ'વાળા વાતવરણમાં જીવન જીવવાની શરૂઆત કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. જોકે, આ રસીની શોધ માટે હજુ પણ કેટલાક મહિના કે વર્ષો લાગે તેવું અનુમાન છે.

આ દરમિયાન આ વાઇરસના કારણે આપણો ભારતીય સમાજ વધુ શ્રદ્ધાળુ બની જશે કે એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતો સમાજ બનશે એ વાતનું અનુમાન કરવું મુશ્કેલ છે. જોકે હાલની કેટલીક ઘટનાઓ કેટલીક ચોક્કસ બાબતો તરફ ઇશારો જરૂર કરી રહી છે.

દિલ્હીના સામાજિક કાર્યકર ગીતા શર્મા એક ચપળ અને આપકર્મી મહિલા છે. તેમણે લૉકડાઉન દરમિયાન પોતાનો સમય ખૂબ જ સહજતાથી પસાર કરી લીધો. તમને ખ્યાલ છે તેઓ આવું કેમ કરી શક્યા? તેનો જવાબ છે 'ધ્યાન'.

ગીતા હવે વધુ આસ્થાવાન હોય એવું અનુભવે છે. તેઓ જણાવે છે કે, 'જો અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરું, તો મને લાગે છે કે ભગવાને આપણને આસ્થાવાન બનવાની તક આપી છે.'

પત્રકાર રહી ચૂકેલાં ગીતાએ, આ આપત્તિ દરમિયાન સ્વઆધારિત રહેવાનું જ પસંદ કર્યું હતું. તેઓ આ મહામારીના સમયમાં વધુ સહનશીલ બન્યાં છે. તેઓ કહે છે, 'કોરોના એ એક પાઠ છે, શાપ નહીં. અને તેનો એક જ જવાબ છે, ધ્યાન.'

બૅંગ્લુરુ ખાતે મોટું આશ્રમ ચલાવનાર યોગગુરુ શ્રી શ્રી રવિશંકર, જેમના વિશ્વભરમાં લાખો અનુયાયીઓ છે, તેમણે એક વીડિયો મૅસેજ જારી કર્યો છે, જેમાં તેમણે મહામારી વખતે ધ્યાનના મહત્ત્વ પર ભાર આપ્યો છે.

આ મુદ્દે સૈયદ ગૌહર દાવો કરે છે કે, 'લોકો વધુ આસ્થાવાન બનશે અને ઈશ્વરની વધુ નજીક આવશે.'

ઑનલાઇન પ્રાર્થનામાં વધારો

લૉકડાઉન દરમિયાન દેશનાં લગભગ તમામ મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચો બે મહિના સુધી બંધ રહ્યાં હતાં.

8 જૂનથી અનેક જગ્યાઓએ દેવસ્થાનો ખોલવામાં આવ્યાં, પરંતુ અનેક નિયંત્રણો અને માર્ગદર્શનો સાથે.

ધાર્મિક સ્થળોએ પણ સામાજિક અંતરની જાળવણી એ નિયમ બની જાય એ અપેક્ષિત છે, જ્યાં પહેલાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા.

જોકે, મહારાષ્ટ્ર જેવાં કેટલાંક સ્થળોએ હજુ સુધી ધર્મસ્થાનો જાહેર જનતા માટે ખૂલ્લાં મુકાયાં નથી, પરંતુ માત્ર આ બાબત શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા અટકાવી શકતી નથી.

રાજસ્થાનના કોટાના એક દુકાનદાર ખુર્શીદ આલમ, ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના શ્રદ્ધાળુ છે, અજમેર ખાતે આવેલી તેમની દરગાહની મુલાકાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે.

ખુર્શીદ જણાવે છે કે, 'હું દરગાહ પર નથી જઈ શકતો એટલે હું સમયાંતરે ઇબાદત કરવા માટે વીડિયો કૉલ કરું છું.' તેમની જેમ જ અનેકોનેક શ્રદ્ધાળુઓ વીડિયો સેવા વડે પોતાની આસ્થાને લગતી જરૂરિયાત સંતોષી રહ્યા છે.

દરગાહમાં ઑનલાઇન નજરાણાં માટે અરજ કરતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં લૉકડાઉનને કારણે ઘણો વધારો નોંધાયો છે. સૈયદ ગૌહરનું અનુમાન છે કે શ્રદ્ધાળુઓ દ્વારા આ પ્રકારની માગણીઓ વધી શકે છે.

તેઓ જણાવે છે કે, 'અમે ઑનલાઇન સેવા પૂરી પાડીએ છીએ, પરંતુ મને લાગે છે કે કોરોના વાઇરસ બાદની દુનિયામાં એટલે કે આવનારા કેટલાંક અઠવાડિયાં અને મહિનાઓમાં આ માગણીઓમાં વધારો થઈ શકે છે.'

SGPCના ચીફ સેક્રેટરી રૂપ સિંઘ જણાવે છે કે, શીખ શ્રદ્ધાળુઓ સ્વર્ણ મંદિર પાછા ફરી શકે તે માટે રાહ જોઈ રહ્યા છે.

'હું જાણું છું કે શ્રી હરમિંદર સાહેબના શ્રદ્ધાળુઓ તે ફરી જાહેર જનતા માટે ક્યારે ખુલ્લું મૂકાશે એ વાતને લઈને અધીરા બની રહ્યા છે.'

'નિ:શંકપણે સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવવા માગે છે, પરંતુ મને લાગે છે કે બધું સામાન્ય બની જશે તો પણ લૉકડાઉનના કેટલાક નિયંત્રણો તો ચાલુ જ રહેશે.'

વેટિકનથી પોપ ફ્રાન્સિસનાં અઠવાડિક જાહેર પ્રવચનોનું જીવંત પ્રસારણ કરાઈ રહ્યું છે. અમેરિકાની ચર્ચો અને ઇઝરાયલના સિનેગોગમાં પણ ધાર્મિક સેવા-પ્રાર્થનાનું જીવંત પ્રસારણ કરાઈ રહ્યું છે.

ઇસ્લામનું સૌથી મોટું તીર્થસ્થળ મક્કા છે અને ત્યાં મસ્જિદ બંધ છે. જોકે, દિવસમાં પાંચ વખતની 'અઝાન'નું જીવંત પ્રસાર જરૂર કરાઈ રહ્યું છે.

ધર્મનું અર્થશાસ્ત્ર

ધર્મસ્થાનો અચાનક બંધ થવાને કારણે ઘણાં ધર્મસ્થાનોની આવક અને દાનની રકમ પર અવળી અસર પડી છે.

દિલ્હી શીખ ગુરુદ્વારા મૅનેજમૅન્ટ કમિટીના પ્રમુખ મંજિંદરસિંઘ સિરસા જણાવે છે કે, 'પહેલાં ગુરુદ્વારામાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા અને દાનપાત્રમાં અમુક રકમ દાન કરતા. પરંતુ હવે દાનની એ આવક સદંતર બંધ થઈ ગઈ છે.'

તેઓ વધુમાં જણાવે છે કે, 'આ સમિતિ માટે એક પડકારરૂપ સમય છે.' તેઓ ઑનલાઇન અને ટીવી મારફતે દાન આપવા માટે દરરોજ અપીલ કરે છે.

દિલ્હીના સૌથી મોટા બંગલા સાહિબ ગુરુદ્વારામાં લૉકડાઉન પહેલાં સ્વયંસેવકો અને સ્ટાફના માણસો દ્વારા દરરોજ 25 હજાર લોકો માટે રસોડામાં ભોજન તૈયાર કરાતું. અઠવાડિયાંના અંતિમ દિવસોમાં તો આ સંખ્યા લાખને પાર પહોંચી જતી.

પરંતુ હવે જ્યારે દેશ લૉકડાઉનનો સામનો કરી રહ્યો છે ત્યારે અને જ્યારે હજારો લોકોની નોકરી છૂટી જવાને કારણે તેઓ નિરાધાર બની ગયા છે ત્યારે ગુરુદ્વારામાં ખાસ સ્ટાફ દ્વારા દરરોજ 2 લાખ માણસોની રસોઈ બનાવવામાં આવે છે.

સિરસા જણાવે છે કે, 'લૉકડાઉન ખતમ થતાં જ આ સંખ્યા વધીને બે કે ત્રણ ગણી થાય તેવું અનુમાન છે.'

તેઓ આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે, 'કોરોના મહામારી બાદ જો ધાર્મિક સ્થળો સંપૂર્ણપણે ખોલી દેવાશે તો પણ ત્યાં ગણતરીના શ્રદ્ધાળુઓ જ આવશે, તેનો અર્થ એ થયો કે ગુરુદ્વારા મહામારી પહેલાં જેટલું ભંડોળ ભેગું કરી લેતા તે ભેગું કરવામાં તો વર્ષો લાગી જશે.'

જોકે, ગુરુદ્વારાના નિભાવ માટેના ખર્ચ પણ ઘટ્યા છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી ઑનલાઇન દાન આવવાને કારણે તેઓ પોતાનું કાર્ય ચાલુ રાખી શક્યા છે.

સિરસા આ અંગે જણાવે છે કે, 'ધર્મસ્થાનો બંધ પડ્યાં હોવા છતાં માનવતાની સેવા કરવા માટે લોકોની તત્પરતા જોઈ ખૂબ જ આનંદ થાય છે.'

સ્ટોરી - ઝુબૈર અહમદ

ઇલસ્ટ્રેશન - પુનિત કુમાર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો