પાકિસ્તાનનું લઘુમતીપંચ હિંદુઓનું ધર્મપરિવર્તન અટકાવી શકશે?

    • લેેખક, રિયાઝ સુહૈલ
    • પદ, બીબીસી ઉર્દૂ, કરાચી

પાકિસ્તાનમાં કેન્દ્ર સરકારની કૅબિનેટે 5 મે, 2020ના રોજ વડા પ્રધાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લઘુમતીપંચની સ્થાપ્ના કરી હતી.

આ પ્રકારના વિભાગની સ્થાપ્ના કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે 2014માં પોતાના એક નિર્ણયમાં આપ્યો હતો. આમ તો પંચની રચના સુપ્રીમ કોર્ટના નિર્ણયનાં છ વર્ષ પછી કરવામાં આવી છે પરંતુ શરૂઆતથી જ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હાલની સ્થિતિમાં આ પંચ ધાર્મિક લઘુમતીઓને ન્યાય અપાવવા માટે સક્ષમ નથી.

આ પંચ બનાવવાના મુખ્ય ઉદ્દેશ હતા લઘુમતીઓને ધાર્મિક આઝાદી અપાવવી અને એવાં પગલાં લેવાં કે જેનાથી તેઓ મુખ્ય પ્રવાહનો ભાગ બની શકે અને મુખ્ય પ્રવાહમાં તેમની સંપૂર્ણ ભાગીદારી શક્ય બને.

પરંતુ હાલમાં બનેલી કેટલીક ઘટનાઓને જોઈને લાગી રહ્યું છે કે આ અંગે લોકોની ચિંતા ખોટી ન હતી.

આનું તાજું ઉદાહરણ સિંધમાં શ્રીમતિ મેઘવારનો કેસ છે જે 18 મહિના પહેલાં ગુમ થયાં હતાં. તેમના અપહરણનો આરોપ એક દરગાહના ગાદીપતિ પર લાગ્યો હતો.

જબરજસ્તી ધર્મપરિવર્તનની વાતને ટેકો આપે છે સંગઠન

અપહરણ બાદ મળી આવેલાં શ્રીમતી મેઘવારે ઈદ બાદ ઉમરકોટની એક સ્થાનિક અદાલતમાં નિવેદન આપ્યું. જેમાં તેમણે આરોપ મૂક્યો કે 18 મહિના પહેલાં તેમનું અપહરણ કરીને બળજબરીથી તેમનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું. આ પછી કાગળ પર સહી કરાવવામાં આવી અને આટલા લાંબા સમય સુધી તેમને દેહેવેપાર કરવા મજબૂર કરાયાં.

કોર્ટે આ સોગંદનામા પછી તેમને તેમનાં માતા-પિતાને સોંપી દીધાં.

ઢરકી દરગાહના ગાદીપતિના ભાઈ મિયાં મિટ્ઠુ પછી ઉમરકોટના પીર અય્યૂબ સરહિંદી બીજા ગાદીપતિ છે જેમના પર હિંદુ છોકરીઓનું ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ છે પરંતુ બંનેનું કહેવું છે કે તેઓ ધર્મપરિવર્તન અથવા નિકાહ છોકરીઓની મરજીથી કરાવે છે.

સિંધમાં હિંદુ, પંજાબમાં ખ્રિસ્તી અને ખૈબર પખ્તૂનખ્વાહનો કૈલાશ સમુદાય છેલ્લાં કેટલાંય વર્ષોથી બળજબરી ધર્મપરિવર્તનની ફરિયાદ કરતો રહ્યો છે. માનવાધિકારપંચ સહિત અનેક માનવઅધિકાર સંગઠનો પણ આ ફરિયાદોની પુષ્ટિ કરે છે.

'હ્યૂમન રાઇટ્સ કમિશન'એ ધર્મ અને માન્યતાઓની આઝાદી અંગે વર્ષ 2018માં તૈયાર કરેલા એક સમીક્ષારિપોર્ટ મુજબ દરેક વર્ષે લઘુમતી સમુદાય સાથે સંબંધ ધરાવતી લગભગ એક હજાર છોકરીઓનાં બળજબરી ધર્માંતરની ઘટનાઓ સામે આવે છે, જેમાં મોટા ભાગની છોકરીઓની ઉંમર 18 વર્ષથી ઓછી હોય છે.

‘જબરજસ્તી ધર્મ પરિવર્તન પડોશી દેશનો પ્રૉપેગૅન્ડા

પાકિસ્તાનમાં ધાર્મિક રીતે લઘુમતીમાં રહેલા સમુદાયો ધર્મપરિવર્તનની સમસ્યાને પોતાની સૌથી મોટી સમસ્યા ગણાવે છે.

સત્તાધારી પક્ષ 'તહરીક એ ઇન્સાફ'ના નેશનલ ઍસેમ્બલીના સભ્ય લાલચંદ માલ્હી અને મુસ્લિમ લીગ(નવાઝ)માંથી 'તહરીક એ ઇન્સાફ'માં સામેલ થનારા ઍસેમ્બલી મેમ્બર રમેશ વાંકવાણી પોતાનાં ભાષણોમાં આ વાત કરતા રહ્યા છે.

પરંતુ હાલમાં જ સ્થપાયેલા 'રાષ્ટ્રીય લઘુમતીપંચ'ના પ્રમુખ ચેલા રામ કેવલાણી બળજબરી ધર્મપરિવર્તનના કેસોને આંતરરાષ્ટ્રીય મીડિયા અને પડોશી દેશનો પ્રૉપેગૅન્ડા કહે છે.

ચેલા રામ પાકિસ્તાનના જાણીતા વેપારી છે જે ચોખાની નિકાસ કરે છે અને વર્તમાન જે પદે છે તે પહેલાં સિંધ પ્રાંતમાં 'તહરીક એ ઇન્સાફ પાર્ટી'ના ઉપાધ્યક્ષના હતા, જેના પરથી હવે તેમણે રાજીનામું આપી દીધું છે.

લઘુમતીપંચમાં મુસ્લિમ પણ

કૅબિનેટના એક વહીવટી આદેશ પછી લઘુમતીપંચ બનાવવામાં આવ્યું છે, જેમાં હિંદુ સમુદાય સિવાય ખ્રિસ્તી, શીખ અને કૈલાશ સમુદાયને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

આ સિવાય 'કાઉન્સિલ ઑફ ઇસ્લામિક આઇડિયોલૉજી'ના અધ્યક્ષ સહિત બે મુસ્લિમ સભ્યો પણ આનો ભાગ છે.

ચેલા રામ કહે છે, " મારું માનવું છે કે તેમના વગર લઘુમતી સમુદાયની સમસ્યાઓનું પરિણામ આવી શકે એમ નથી કારણ કે લઘુમતીઓની સમસ્યા તેમની પણ સમસ્યા છે."

લઘુમતીપંચના પ્રમુખ ચેલા રામ સહિત ડૉક્ટર જયપાલ છાબડા અને રાજા કવિને સભ્ય બનાવવામાં આવ્યા છે. ડૉક્ટર જયપાલ 'તહરીક એ ઇન્સાફ'ના છે જ્યારે રાજા કવિ એફબીઆરના ઉચ્ચ પદ પરથી નિવૃત થયા છે.

દલિતોને નથી આપવામાં આવી જગ્યા

પંચમાં શિડ્યુઅલ કાસ્ટ અથવા દલિતોને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી.

ચૂંટણીપંચના આંકડા પ્રમાણે હિંદુ મતદારોની સંખ્યા 17 લાખથી પણ વધારે છે જેમાં મોટા ભાગના સિંધ પ્રાંતમાં રહે છે અને તેમાંથી થાર અને અમરકોટ જિલ્લામાં 40-40 ટકા વસતી હિંદુઓની છે.

યાદ રાખવાની વાત એ છે કે દલિત લોકોની મોટી સંખ્યા આ જિલ્લામાં જ છે

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના દલિત ઍસેમ્બલી મેમ્બર સુરેન્દ્ર વલાસાઈનું કહેવું છે 'દલિત-લઘુમતી વસતિનો અડધો ભાગ છે અને તેમને પંચમાંથી નજરઅંદાજ કરવા પક્ષપાત છે. સરકારે આ પંચને તહરીક એ ઇન્સાફ પાર્ટીનો વિભાગ બનાવવાને બદલે આમાં લઘુમતી બુદ્ધિજીવીઓને પણ સામેલ કરવા જોઈતા હતા.'

લઘુમતીપંચના અધ્યક્ષ ચેલા રામ કેવલાનીનું કહેવું છે કે 'કોઈ પોતાની જાતને શિડ્યુઅલ કાસ્ટ ન સમજે, તમામ સભ્યોનો ઉદ્દેશ સમસ્યાઓનું સમાધાન શોધવાનો છે.'

'પાકિસ્તાનની પીપલ્સ પાર્ટી'ની ગત સરકારે બળજબરી ધર્મપરિવર્તનની સામે સિંઘસંસદમાં એક કાયદો પણ પસાર કર્યો હતો. પછી ગવર્નરે આમાં કેટલાક સુધારા સૂચવ્યા હતા પરંતુ હાલ સુધી સુધારાયેલા કાયદાને ઍસેમ્બલી ફ્લોર લાવવામાં આવ્યો નથી.

આ બિલ 'મુસ્લિમ લીગ ફંક્શનલ'ના સભ્ય નંદ કુમારે તૈયાર કર્યું હતું, જેમનું કહેવું છે કે પીપલ્સ પાર્ટી દબાણમાં આવીને કાયદો પસાર કરી રહી નથી. 'જમિયત ઉલેમા એ ઇસ્લામ'ની સાથે સાથે મિયા મિટ્ઠુ, પીર અય્યૂબજાન સરહિંદી સહિત અનેક ધાર્મિક સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો.

રાષ્ટ્રીય લઘુમતીપંચના અધ્યક્ષ ચેલા રામ કહે છે કે જો આવી ઘટના ઘટી તો તેઓ તેના માટે નિયમ બનાવશે.

તેમનું કહેવું હતું, "સિંધમાં બળજબરી ધર્મપરિવર્તનની ઘટના ઘટે છે એ વાતનો ઇનકાર નથી. પરંતુ આવી ઘટનાઓ તો મુસ્લિમ સમયુદાયમાં પણ થાય છે. મહિલાને અપરાધી જાહેર કરીને મારી નાખવામાં આવે છે. જો હિંદુનું અપહરણ કરવામાં આવે તો મુસ્લિમનું પણ અપહરણ થાય છે. ખરેખરમાં આપણે ત્યાં આવી કોઈ ઘટના ઘટે છે તો પડોશી દેશ અને વૈશ્વિક મીડિયા આને વધારે પડતું દેખાડે છે"

રાષ્ટ્રીય લઘુમતી પંચની પ્રાથમિક્તા શું હશે?

આ અંગે વાત કરતાં ચેલા રામ કેવલાની કહે છે કે તેઓ પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોને લઈને નીતિ બનાવાશે. જે પૂજાસ્થળો પર ભૂમાફિયાઓઓએ કરેલા કબજા અંગે પણ નીતિ બનાવાશે.

"આ સિવાય નોકરીઓમાં પાંચ ટકા અનામત છે, જે અનેક વિભાગોમાં લાગુ નથી કરાઈ તેને સુનિશ્ચિત કરાવવામાં આવશે કે તેનો અમલ થાય. હોળી અને દિવાળી પર રજા હોવી જોઈએ એના પર નીતિ બનાવીશું."

પેશાવરમાં ખ્રિસ્તી સમુદાયના ચર્ચ પર 22 ડિસેમ્બર 2013એ થયેલા હુમલામાં 100થી વધારે નાગરિકોનાં મૃત્યુ પામ્યાં હતાં. સુરક્ષાની વ્યવસ્થામાં રહેલી ચૂકને ધ્યાનમાં લઈને જસ્ટિસ શેખ અઝમત સઈદ અને જસ્ટિસ મુશીલ આલમની સાથે ત્રણ જજોની બેન્ચનું ગઠન કરવામાં આવ્યું હતું."

આ બેન્ચે લઘુમતીનાં જાન-માલ, અધિકાર અને આઝાદીના સંદર્ભમાં સંવિધાનના આર્ટિકલ 20 હેઠળ કડક કાયદો બનાવવાનો આધાર તૈયાર કરવાનો હતો અને સરકારને વ્યવહારિક પગલાં લેવા માટે મજબૂર કરવાની હતી.

આ ત્રણ જજોની બેન્ચે 19 જૂન 2014એ 'રાષ્ટ્રીય લઘુમતીઅધિકાર પરિષદ' બનાવવાનો આદેશ આપ્યો જેના માટે પૂર્વ આઈજી શુએબ સુડલની અધ્યક્ષતામાં વચગાળાના પંચનું ગઠન કરવામાં આવ્યું. પંચના સભ્ય મુસ્લિમ લીગ (નવાઝ)ના પૂર્વ અને હાલના તહરીક એ ઇન્સાફ પાર્ટીના સભ્ય રમેશ વાંકવાની અને જસ્ટિસ તસદ્દુક હુસૈન જીલાનીના દીકરા હતા.

આયોગને કોર્ટમાં પડકાર

ડૉક્ટર શુએબ સુડલે સરકારે હાલમાં બનાવેલા પંચના ગઠનને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો.

તેમણે અરજીમાં કહ્યું છે કે રાષ્ટ્રીય પંચના ગઠન માટે તેમણે ચાર પ્રાતીંય સરકારો,લઘુમતીઓ, સિવિલ સોસાયટી સાથે ચર્ચાવિચારણા કરી અને પંચના ગઠન માટે કાયદાકીય મુસદ્દો તૈયાર કર્યો.

તેમને આશા હતી કે ધાર્મિક બાબતોનું મંત્રાલય આના પર પોતાનો પક્ષ રાખશે પરંતુ એવું થઈ નહીં શકે.

તેમણે પોતાની અરજીમાં કહ્યું, "પંચના ગઠન માટે ધાર્મિક બાબતોના મંત્રાલયે તેમની પાસેથી કોઈ સલાહ પણ ન લીધી, જ્યારે એક પંચ પહેલાંથી હાજર છે તો બીજું પંચ કેમ બનાવવામાં આવ્યું?"

ધાર્મિક બાબતોના મંત્રાલયે અદાલતમાં કરેલા વાયદાને તોડી નાખ્યો છે. આ પંચ ધાર્મિક મામલામાં મંત્રાલયના રહેમકરમ પર છે તેની બંધારણીય હેસિયત નથી, જ્યારે તેમના તરફથી પણ લઘુમતી પંચને પણ રાષ્ટ્રીય માનવાધિકારપંચ, રાષ્ટ્રીય બાળપંચ અને મહિલાપંચની જેમ બંધારણીય અને કાયદાકીય સંસ્થા બનાવવાની ભલામણ કરવામાં આવી હતી."

નેશનલ ઍસેમ્બલીમાં લઘુમતીપંચની સ્થાપ્ના માટે બે સભ્યોએ એક બિલ રજૂ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે અધ્યક્ષની ચૂંટણી માટે છાપામાં જાહેરાત આપવામાં આવશે.

આ પછી જે નામ આવશે તે વડા પ્રધાન, વિપક્ષના નેતાની સલાહથી નૉમિનેટ કરાશે અને તમામ ધાર્મિક લઘુમતી પ્રતિનિધીઓને પ્રતિનિધિત્વ આપવામાં આવશે.

સરકારે આ બિલને ઍસેમ્બલીમાં પાસ કરાવવાની જગ્યાએ કૅબિનેટના એક નિર્ણય હેઠળ આ પંચના બિલને મંજૂર કરી લીધુ, જે પછી અધ્યક્ષના રૂપમાં ચેલા રામ કેવલાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો