Corona Technology : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાતને કોરોના મહામારીમાંથી ઉગારી શકશે?

    • લેેખક, ઝુબેર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના વાઇરસ સામે વૅક્સિન શોધવા માટે દુનિયામાં દોડ લાગી છે, તેમાં ભારત પણ સામેલ છે.

કોવિડ-19 મહામારીએ જ્યારે આખી દુનિયાના ભરડામાં લીધી છે ત્યારે વૈજ્ઞાનિકો અને સંશોધકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એલગોરિધમ અને મશીન લર્નિંગના નિષ્ણાતો સાથે મળીને આ બીમારી માટે વૅક્સિન અને દવા શોધવા માટે કામ કરી રહ્યા છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શોધ થઈ ત્યાર પહેલાં વૅક્સિન અને દવા પર કામ કરતા વર્ષો નીકળી જતા.

ન્યૂ યૉર્કના યોગેશ શર્મા, આરોગ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ અને મશીન લર્નિંગના સીનિયર પ્રૉડક્ટ મૅનેજર છે. તેઓ કહે છે કે "આ દવાઓ પશુઓ પર ટ્રાયલ સ્ટેજ પર પહોંચે ત્યાર પહેલા રસાયણોના અલગઅલગ કૉમ્બિનેશન અને પર્મ્યુટેશન અને તેના મૉલિક્યુલર ડિઝાઇન તૈયાર કરવામાં વર્ષોનો સમય લાગી જતો હોય છે."

તેમનું કહેવું છે કે "આ વર્ષોનો જે સમય હતો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગને કારણે થોડા દિવસોનો થઈ ગયો છે."

મશીન લર્નિંગ પ્લૅટફૉર્મ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને આમાં જોડવાથી આ સમયને વર્ષોથી ઘટાડીને થોડાક અઠવાડિયા સુધી લાવી શકાય છે.

યુકે આધારિત સ્ટાર્ટ અપ પોસ્ટ એરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મારફતે ડ્રગ ડિસકવર રૂટનું મૅપિંગ કરી રહી છે.

દવા ઉદ્યોગને લગતા મૅગેઝિન કૅમિસ્ટ્રીવર્લ્ડ.કૉમ મુજબ, " પોસ્ટ એરા પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નોવેલ કોરોના વાઇરસ સામે લડતમાં વિશ્વના વૈજ્ઞાનિકો માટે એક સમજણ પૂરી પાડવાનું કામ કરી રહ્યું છે."

વાઇરસ સામે એઆઈથી લડત

વાઇરસ સામે લડતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે.

ભારતમાં કોવિડ-19 મહામારીના પ્રથમ બે મહિનામાં કોરોના વાઇરસ માટે સ્વૅબ ટેસ્ટ કરવામાં આવતો હતો જેનું પરિણામ આવવામાં બેથી પાંચ દિવસનો સમય લાગી જતો હતો.

ભારતમાં માત્ર સ્વૅબ ટેસ્ટને કારણે કોરોના વાઇરસ વધારે ફેલાયો જ્યારે એક્સ-રે અને સીટી સ્કૅનથી માત્ર પાંચ મિનિટમાં જાણી શકાતું હતું.

ઈએસડીએસ સૉફ્ટવેર સોલ્યુશન્સના સીઈઓ પીયુષ સોમાણી કહે છે, "એએ+ કોવિડ-19 ટેસ્ટિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સૉફ્ટવેર મારફતે પરિણામ શોધે છે. આનાથી માત્ર પાંચ મિનિટમાં જાણી શકાય છે કે દરદીને કોવિડ-19 છે કે નહીં. આ અનોખું, પોસાય એવું અને ઝડપી તપાસનું સમાધાન છે જે સરકારી હૉસ્પિટલોમાં પણ અપનાવાયું છે, આ ટેસ્ટની સફળતાનો દર 98 ટકા છે જે ચોકસાઈથી માત્ર કોવિડ-19ના દરદીઓ અને અસિમ્પટોમૅટિક કૅરિયર્સને શોધી શકે છે. આમાં કોવિડ-19 સિવાય ફેફસાની અન્ય બીમારીઓ ધરાવતા દરદીઓના ટેસ્ટની સફળતાનો દર એ 87 ટકા છે."

પરંતુ પહેલા બે મહિના માટે સરકારે માત્ર સ્વૅબ ટેસ્ટ પર જ આધાર રાખ્યો હતો. આઈસીએમઆરે એક્સરેને કોવિડ-19ના દરદીઓ માટે અસુરક્ષિત ગણાવી તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. પીયુષ સોમાણી કહે છે કે માત્ર સ્વૅબ ટેસ્ટ પર આધાર રાખવાને કારણે કોરોના વાઇરસનું સંક્રમણ રોકવામાં મોડું થઈ શકે છે.

હવે જ્યારે એક્સ-રે અને સીટી સ્કૅન ટેસ્ટની પરવાનગી મળી ગઈ છે ત્યારે વધારે દરદીઓ શોધી શકાયા છે કારણકે ટેસ્ટની સંખ્યા પણ વધી છે.

એકલા પીયુષ સોમાણીની કંપની દરરોજ 10 હજાર કોરોના ટેસ્ટ કરે છે.

તેઓ કહે છે, "અમને લાગ્યું કે, ભારતમાં સ્વૅબ ટેસ્ટના પરિણામ આવવામાં બે દિવસનો સમય લાગી જાય છે. અમે ટેક્નોલૉજી મારફતે ડૉક્ટરોની મદદ કરવા માગતા હતા જેથી ટેસ્ટિંગમાં માનવીય હસ્તક્ષેપનું જોખમ ખતમ કરી શકાય અને પરિણામ આવવામાં વધારે સમય ન લાગે."

મેડિકલ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ભારતીય આરોગ્ય નિષ્ણાતો મુશ્કેલ સર્જરી અને ગૂંચવણ ભરેલા નિદાનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગથી અજાણ નથી.

ગત વર્ષે ઉઝ્બેકિસ્તાનની એક વ્યક્તિ દિલ્હીના એક ખાનગી હૉસ્પિટલમાં પોતાની કિડનીની સારવાર માટે આવી હતી. સૌભાગ્યવશ, તેમનો ભાણેજ તેમની સાથે આવ્યો હતો જે તેમને કિડની દાન આપવા માટે તૈયાર હતો.

તેમનાં પત્ની મમૂરા અખમદોહોજીવા ઇન્ટરનેટ દ્વારા આ સર્જરીના સાક્ષી બન્યાં. આ સર્જરીમાં એક રોબોટને કામે લગાવાયો જેને તેમણે તેમના ભાણેજની કિડની કાઢીને તેમનાં પતિના શરીરમાં ટ્રાંસપ્લાન્ટ કરતા જોયો હતો. આ એક મોટી સર્જરી હતી પરંતુ ડૉક્ટરો આશ્વસ્ત જણાતા હતા.

મમૂરા હજી એ સર્જરીની તસવીર યાદ કરે છે. તેઓ કહે છે કે તેઓ પોતાની આંખે સર્જરી જોઈને આશ્ચર્યચકિત હતાં પરંતુ તેમને ચીતરી પણ ચડી રહી હતી.

તેઓ યાદ કરે છે, "રોબોટના હાથમાં મારા ભાણેજની કિડની હતી. મને એટલી ચિંતા થઈ રહી હતી કે રોબોટના હાથમાંથી તે નીચે તો નહીં પડી જાય, અને જો કિડની નીચે પડી જાય તો બીજો ડોનર ક્યાંથી લાવીશું? પણ અલ્લાહનો શુક્રિયા કે રોબોટે સરસ રીતે સર્જરી કરી હતી."

હાલ તેઓ તાશકંદમાં છે. ટેક્નોલૉજીની મદદથી થયેલી સારવારને કારણે તેમની મદદ મળી છે. કિડની દાન આપવા વાળા ભાણેજ અને કિડની મેળવનાર દરદી બંને સ્વસ્થ છે.

રોબોટિક્સ અસિસ્ટેડ સર્જરી

આ પ્રકારની સર્જરીને રોબોટિક્સ અસિસ્ટેડ સર્જરી કહેવાય છે અને તેના મૂળમાં હોય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.

પરંપરાગત રીતે થતી સર્જરીમાં સમય પણ વધારે લાગે છે અને ત્યાર બાદ દરદીને સાજા થવામાં પણ વાર લાગે છે. દરદીને હૉસ્પિટલમાં વધારે સમય રહેવું પડે તે સિવાય સર્જરી કેટલી ચોક્કસ થશે તેની કોઈ ગૅરંટી પણ ન મળે.

આરએએસને કારણે તેઓ પૈસા અને સમય બંને બચાવી શક્યા હતા. હવે આ પ્રકારની સર્જરી ભારતના 500 હૉસ્પિટલો અને ક્લિનિકમાં વપરાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ

આરએએસ ટૂલ્સ અને સૉફ્ટવેર ભારતમાં વપરાઈ તો રહ્યા છે પરંતુ તેનું ઉત્પાદન ભારતમાં નથી થઈ રહ્યું. ભારતમાં આરોગ્ય ક્ષેત્રના કેટલાક સ્ટાર્ટઅપ શરૂ થયા છે પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં ડિઝાઇન, નવીનીકરણ અને સંશોધન અમેરિકા અને ચીનમાં થઈ રહ્યા છે. માઇક્રોસૉફ્ટ , અલીબાબા અને બાઇડુ કંપનીઓએ દુનિયામાં એઆઈ અને એમએલમાં સૌથી મોટું રોકાણ કર્યું છે.

ચીનમાં આ ક્ષેત્રમાં 16 અબજ ડૉલરનો ઉદ્યોગ વિકસ્યો છે અને દર વર્ષે 40 ટકાના દરથી વધી રહ્યો છે. કૅલિફોર્નિયામાં સિલિકન વૅલી અને ચીનના પશ્ચિમી વિસ્તાર (જ્યાં મોટી એઆઈ કંપનીઓ છે) એઆઈ ક્ષેત્રે અગત્યના પગલા લેવાઈ રહ્યાં છે જેનાથી આપણું જીવન અને આરોગ્યની કાળજી લેવાની આપણી રીત હંમેશા માટે બદલાઈ શકે છે.

એઆઈની મદદથી એવા રોબોટ તૈયાર કરાયા છે જે માણસ જેવી ઇમોશન રાખે છે, જે હસી અને રડી શકે છે. એઆઈ મારફતે એક એક વિજ્ઞાનીએ તો પોતાનું જ ક્લોન તૈયાર કર્યું જેની રીતભાત બિલ્કુલ તેમના જેવી હતી.

ગૂગલે ગત વર્ષે એઆઈ, ડેટા માઇનિંગ અને મશીન લર્નિંગમાં વિકાસ અંગેની ડૉક્યુમેન્ટરીની શ્રેણી ચલાવી હતી. જેની શરૂઆત આ શબ્દોથી થતી હતી, "હવે એવું લાગે છે કે આપણે એક નવા યુગની શરૂઆત પર પહોંચી ગયા છીએ. આ યુગ છે એઆઈનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ."

પરંતુ અહીં નીતિગત પ્રશ્ન છે કે આ કેટલી હદ સુધી યોગ્ય છે?

રોબોટ બનાવ્યા પછી હવે વૈજ્ઞાનિકોનું ધ્યાન તેને માનવ જેવી સૂઝ, દૃષ્ટિ અને ભાવનાઓ આપવા પર છે. શું આપણે એ દિશામાં આગળ વધવાનું પસંદ કરશું?

પ્રખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિન્સે કહ્યું હતું, એઆઈ અત્યાર સુધી આપણને મદદરૂપ બની છે પરંતુ આપણે રોબોટ્સને બહુ વધારે શીખવાડી દઈશું તો તે માનવ કરતાં હોશિયાર બનશે અને મુશ્કેલી ઊભી કરશે.

જાન્યુઆરી 2015માં દુનિયાના અનેક દેશોના તકનિકી નિષ્ણાતો અને વિજ્ઞાનીઓએ એક ખુલ્લો પત્ર લખી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમો વિશે લોકોને જાગૃત કર્યા હતા.

આ પત્રને સ્ટિફ્ન હૉકિંગ્સ, ઇલોન મસ્ક, નિક બોસ્ટ્રમ અને એરિક હૉવિટ્ઝ જેવા 8000થી વધારે લોકોએ સમર્થન આપ્યું હતું. પોતાનું જ ક્લોન બનાવનાર વૈ5ાનિકે કહ્યું હતું કે, "હું તો મરી જઈશ પરતું મારું ડિજિટલ સ્પરૂપ જીવિત રહેશે અને મને તે નહીં ગમે, હું આની વિરોધમાં છું."

ભય અને પ્રશ્નો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને કેટલાક પ્રશ્નો હોવા છતાં તે ઝડપથી વિકસી રહ્યું છે.

આવનારા સમયમાં સ્માર્ટફોન ધરાવતી દરેક વ્યક્તિ પોતાની ડૉક્ટર બની શકે છે. તેને અવારનવાર ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. કોઈ ડૉક્ટર કરતાં એક સ્માર્ટફોન તેને તેના આરોગ્ય વિશે વધારે ચોક્કસ માહિતી આપી શકશે.

ભારતમાં 2022 સુધી 44 કરોડ જેટલા સ્માર્ટફોનધારકો થશે અને આરોગ્ય ક્ષેત્રમાં એઆઈ એક મોટો ઉદ્યોગ બની શકે છે. જો નીતિગત રીતે તેનું નિયમન અને સંચાલન કરવામાં આવે તો ભારતમાં લોકોનાં જીવનની 66 વર્ષની સરેરાશ આયુમાં કેટલાક વર્ષોનો વધારો થઈ શકે છે. આમાંથી કેટલુંક કામ અત્યારે થઈ રહ્યું છે.

હાલ આપણી પાસે હાર્ટ રેટ અને બ્લડ ગ્લૂકૉઝ માપવા માટે ઍપ છે. બ્લડ પ્રેશર માપવા માટે પણ ઍપ તૈયાર થવા પર છે.

ઍપલ અને ફિટબિટ રિસ્ટ વૉચ જેવા અન્ય ઉપાયો પણ છે જે હાર્ટ રેટ અને ડાયટ ઍનાલિસિસ કરી શકે છે, ઊંઘના સમયનો રૅકર્ડ સાચવી શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે?

નિષ્ણાતોનું કહેવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કમ્પ્યુટરને માનવની જેમ વિચારવામાં મદદ કરે છે. પોતાની આસપાસથી માહિતી એકઠી કરીને તેમાંથી તે શું શીખ્યું તેના આધારે કેવો પ્રતિભાવ આપે છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભાગ છે. આને ચોક્કસ અને સચોટ હોવા માટે ક્વૉલિટી ડેટાની જરૂર હોય છે. તેમાં થતી ભૂલોને મશીન લર્નિંગ અને એલગોરિધમ મારફતે સુધારવામાં આવે છે. આનાથી આજના સમયમાં ડેટાના મહત્ત્વને સમજી શકાય છે.

સંસદમાં સરકારે રજૂ કરેલા આંકડા મુજબ ભારતમાં જ્યાં પ્રતિ એક હજાર લોકો પર એક કરતાં પણ ઓછા ડૉક્ટર છે ત્યાં આરોગ્ય ક્ષેત્રને સુધારવા માટે એઆઈ અગત્યનું સાબિત થઈ શકે છે.

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રણનીતિ છે?

નીતિ આયોગ તરફથી એઆઈ માટે એક ડિસ્કશન પેપર બહાર પાડવામાં આવ્યું હતું અને બે વર્ષ પહેલા મશીન લર્નિંગ રણનીતિ પણ હતી. તેનું સ્લોગન હતું 'એઆઈ ફૉર ઑલ.' આરોગ્ય ક્ષેત્ર, ખેતી, શિક્ષા, સ્માર્ટ સિટી અને શહેરી પરિવહનમાં એઆઈ અને એમએલની મદદ લઈ શકાય છે.

નેશનલ ઈ-હૅલ્થ ઑથોરિટી બનાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય ક્ષેત્રમાં આઈટી સેક્ટરનું સુવાહીકરણ, તેનું સંચાલન અને આગળ વધારવાની વાત કરવામાં આવી હતી.

પરંતુ હવે આપણી પાસે આયુષ્માન ભારતને લાગુ કરવવા માટે નેશનલ હૅલ્થ ઑથોરિટી છે. કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત દુનિયાની સૌથી મોટી હૅલ્થ કૅર સિસ્ટમ હોવાનો દાવો કરે છે.

જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે હકીકત એ છે કે ભારત માટે અત્યારે એઆઈમાં એક મહત્ત્વપૂર્ણ દેશ બનવું દૂરની વાત છે. ભારતમાં એઆઈનો વિકાસ તો થઈ રહ્યો છે પરંતુ કોઈ ઠોસ રાષ્ટ્રીય નીતિ અને કાયદો ન હોવાને કારણે તે દિશાહીન છે.

નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ભારત એઆઈના ક્ષેત્રમાં ચીનનો મુકાબલો કરી શકે તેમ નથી. આ રિપોર્ટ પ્રમાણે પશ્ચિમી અને ચીની માર્કેટથી અલગ અન્ય માર્કેટ માટે ભારત એક મોટું કેન્દ્ર બની શકે છે પરંતુ તેના માટે કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવ્યા.

પીયુષ સોમાણી કહે છે કે ભારત અત્યારે આરોગ્ય ક્ષેત્રમાં એઆઈને લાગુ કરવાના પ્રાથમિક તબક્કામાં છે. તેઓ કહે છે કે, "આરોગ્ય ક્ષેત્રમાં એઆઈને લાગુ કરતી બહુ ઓછી કંપનીઓ છે. વૈશ્વિક સ્તર પર આરોગ્ય કંપનીઓમાં એઆઈનો સ્વીકાર ભારત કરતાં ઘણો વધારે છે. મોટાં ઑપરેશન અને બ્લડ ટ્રાંસફ્યૂઝન પ્રક્રિયામાં એઆઈનો સમાવેશ કરવામાં આવે છે."

હવે કેટલાક નિષ્ણાતો માને છે કે દુનિયામાં મહામારી સામે લડવામાં એઆઈ અને એમએલનો વપરાશ કરી શકાય છે. ભારતમાં જ્યાં મોટી સંખ્યામાં લોકોનું ટેસ્ટિંગ અને સ્કિનિંગ કરવાની જરૂર પડતી હોય છે. જોકે એઆઈએ પુરવાર કર્યું છે કે તે માનવ કરતાં વધારે ઝડપથી કામ કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો