કોરોના વાઇરસ : નર્સોની એ સમસ્યાઓ જેનાં કારણે હડતાલ સુધી વાત પહોંચી

    • લેેખક, કમલેશ
    • પદ, બી. બી. સી. સંવાદદાતા

"પીરિયડ્સમાં પૅડને બદલી શકાય તેમ ન હોવાથી તેનો ઉપયોગ નથી કરી શકતા, એટલે ઍડલ્ટ ડાયપર પહેરવા પડે છે. યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન તથા સ્કિન ઇન્ફેક્શન થાય છે."

"પીપીઈ કિટ પહેરીને કામ કરવું એટલે એક પૉલિથિનમાં પેક થઈને કામ કરવા જેવું છે. તમે કશું ખાઈ ન શકો તથા બાથરૂમ પણ ન તઈ શકો, ઇન્ફૅક્શનનું જોખમ સતત તોળાતું રહે છે."

દિલ્હીના ઑલ ઇન્ડિયા ઑફ મેડિકલ સાયન્સિઝ (ઍઇમ્સ)માં ફરજ બજાવતાં મહિલા અને પુરુષ નર્સ આવી અનેક સમસ્યાઓ વેઠી રહ્યાં છે.

આ અંગે ઍઇમ્સના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો ન હતો એટલે ઍઇમ્સ નર્સિઝ યુનિયને પહેલી જૂનથી વિરોધપ્રદર્શન શરૂ કર્યાં છે.

યુનિયનનું કહેવું છે કે પી.પી.ઈ. (પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમૅન્ટ) પહેરીને કામ કરવાના કલાકોને ચાર કલાક માટે મર્યાદિત કરવામાં આવે.

સંગઠનના અધ્યક્ષ હરીશ કાજલાના કહેવા પ્રમાણે, તા. 29મી મેના દિવસે ઍઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાને પત્ર લખીને નર્સોને પડતી હાલાકીથી વાકેફ કરવામાં આવ્યા હતા. વિરોધપ્રદર્શનના ચાર દિવસ બાદ પણ તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

યુનિયનનું કહેવું છે કે સારવારમાં અવરોધ ન આવે એ માટે કર્મચારીગણ ફરજ બજાવીને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની સાથે વિરોધપ્રદર્શન ચાલુ રાખશે.

મહિલા નર્સોની સમસ્યાઓ

પી.પી.ઈ. કિટ પહેર્યાં બાદ વૉશરૂમ ન જઈ શકાય, જેનાં કારણે મહિલા નર્સોની સમસ્યા બેવડાઈ ગઈ છે.

કોવિડ આઈ.સી.યુ. (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં ઇન્ચાર્જ રંજનાના કહેવા પ્રમાણે : "યુરિનને અટકાવવા માટે કિટની સાથે ઍડલ્ટ ડાયપર પહેરવા પડે છે. જે યુરિન રોકી શકે તેમ હોય, તેઓ ડાયપર નથી પહેરતા."

"મહિલાઓ યુરિન તો રોકી પણ લે, પીરિયડ્સ દરમિયાન રક્તસ્રાવ અટકાવી ન શકે. હેવી ફ્લૉમાં વારંવાર બદલવાની જરૂર પડતી હોવાથી તે સૅનિટરી પૅડ પણ ન પહેરી શકે."

"અમારે યુરિન તથા પીરિયડ એમ બંને સાથે છ-સાત કલાક સુધી રહેવું પડે છે. જે અનેક બીમારીઓને આમંત્રણ આપવા જેવું છે."

યુનિયનમાં સામેલ મહિલા નર્સોના કહેવા પ્રમાણે, બે મહિનાથી આ કામ કરી રહ્યાં હોવાથી તેમને યુ.ટી.આઈ. રૅશિઝ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થવા લાગી છે. અનેક નર્સોનું વજન પણ ઘટવા લાગ્યું છે.

સતત માસ્ક પહેરી રાખવાને કારણે નાક તથા કાનની પાછળ લાલ નિશાન પડી ગયા છે અને જો તે ઊંડા થશે તો કાયમ માટે રહી જવાની આશંકા છે.

નર્સોની શારીરિક સમસ્યા ઉપરાંત માનસિક તણાવમાં પણ વધારો થયો છે.

રંજના કહે છે કે જો આઠ વાગ્યાની શિફ્ટ હોય તો સાડા સાત વાગ્યે આવવાનું હોય છે. આ સિવાય શિફ્ટ પૂરી થયા બાદ પણ એકાદ કલાક રોકાવું પડે છે. ઘરે જઈને પણ પરિવારજનોથી અંતર જાળવવાનું હોય છે.

જરા પણ ઉધરસ આવે તો ડર લાગવા માંડે છે. ઘરે જઈને થોડા પરવારીએ કે તરત જ બીજા દિવસની શિફ્ટનો ટાઇમ થઈ જાય છે.

કામના કલાકો

ઍઇમ્સમાં લગભગ પાંચ હજાર મહિલા-પુરુષ નર્સ તરીકે કામ કરે છે. કોવિડ-19ની સારવાર દરમિયાન પી.પી.ઈ. કિટ પહેરવી અનિવાર્ય છે અને એ જ સમસ્યાનું કારણ બને છે. યુનિયનના વડા કાજલા કહે છે : "પી.પી.ઈ કિટ પહેરવામાં અને કાઢવામાં સમય જાય છે."

"કિટ પહેરવી તો પણ સહેલી છે, 15-20 મિનિટ જ લાગે, પરંતુ તેને ઉતારતી વખતે વધુ સાવચેતી રાખવી પડે છે, કારણ કે ચેપ લાગવાની આશંકા હોય છે."

"કોઇકની મદદથી જ પી.પી.ઈ. કિટ ઉતારી શકાય છે અને તેમાં લાંબી લાઇન હોય છે, ઘણી વખત તેમાંજ 30-45 મિનિટ નીકળી જાય છે."

"આમ નર્સોની છ કલાકની શિફ્ટ હોય છે, જેને પૂરી કરતાં-કરતાં સાત-આઠ કલાક નીકળી જાય છે."

હરીશ ઉમેરે છે કે કિટમાં વ્યક્તિ પરસેવે રેબઝેબ થઈ જાય છે. અમુક કલાક બાદ ચશ્માની ઉપર ભેજ બાઝી જાય છે, જેનાં કારણે દેખાવાનું ધૂંધળું થઈ જાય છે.

ગૂંગળામણને કારણે કોઈને ઉલ્ટી થઈ જાય તો પણ તે જાતે કિટ કાઢી ન શકે અને આવી જ સ્થિતિમાં રહેવું પડે છે.

બીમાર સ્વાસ્થ્ય કર્મચારીઓ

કોવિડ-19થી પીડિત દરદીઓની સારવાર કરનાર આરોગ્ય કર્મચારીઓ પણ આ રોગથી ગ્રસ્ત થઈ રહ્યાં છે.

ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ મુજબ ઍઇમ્સના 47 નર્સ સહિત 329થી વધુ કર્મચારીઓને કોરોના થયો હોવાનું બહાર આવ્યું છે.

હરીશ કાજલા કહે છે કે સતત કામ અને શારીરિક તથા માનસિક તણાવને કારણે સ્વાસ્થ્ય કર્મચારીઓ અશક્ત થઈ રહ્યા છે, જેથી તેમને રોગ લાગવાની શક્યતા વધી જાય છે. જો આરોગ્યકર્મચારી જ બીમાર થઈ જશે, તો દરદીઓની સારવાર કોણ કરશે?

તેઓ કહે છે કે આ બીમારી નજીકના ભવિષ્યમાં જાય તેવું નથી લાગતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરોગ્ય કર્મચારીઓને સન્માન આપવાની વાત કહે છે, પરંતુ તેમની સમસ્યાઓ કોઈ નથી સાંભળતું.

યુનિયનના જનરલ સેક્રેટરી કહે છે, "અગાઉની વ્યવસ્થામાં અમારે સાત દિવસ કામ કરવાનું થતું અને પછીના સાત દિવસ રજા મળતી હતી. કામના સાત દિવસ દરમિયાન પાંચ દિવસ કોવિડ-19નું કામ કરવાનું થતું અને બાકીના બે દિવસ કોઈ સામાન્ય ફરજ સોંપાતી."

"અન્ય કામો દરમિયાન પી.પી.ઈ. પહેરવાની ન હોવાથી તેને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓને ઠીક થવાનો સમય મળી રહેતો. પરંતુ હવે અમારે દરરોજ કોવિડ-19ની સારવાર સંબંધિત કામગીરી કરવાની હોય છે."

"અમે ઇચ્છીએ છીએ કે પી.પી.ઈ. કિટ પહેરીને કરવાની કામગીરીના કલાક ઘટાડીને ચાર કલાક કરી દેવામાં આવે, ચાહે બે કલાક અન્ય કોઈ કામગીરી જ ભલે સોંપવામાં આવે. અમે કામના કલાકો નહીં, પરંતી કિટ પહેરીને કરવાના કામના કલાકો ઘટાડવા રજૂઆત કરી રહ્યાં છીએ."

યુનિયનનું કહેવું છે કે જો તેમની સમસ્યાઓનો નિકાલ ન આવ્યો તો તેઓ તા. 10મી જૂને એક દિવસની પ્રતીક હડતાલ પાડશે અને જો તેમ છતાં સમસ્યા ન ઉકેલાઈ તો તેઓ તા. 15મી જૂનથી અનિશ્ચિતકાલીન હડતાલ ઉપર ઉતરી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો