બાસુ ચેટરજી : મિડલક્લાસના 'ખટ્ટા મીઠ્ઠા', 'ચિત્તચોર' ડાયરેક્ટરને અલવિદા

    • લેેખક, અજય બ્રહ્યાત્મજ
    • પદ, વરિષ્ઠ ફિલ્મ સમીક્ષક, બી.બી.સી. ગુજરાતી માટે

ફણીશ્વરનાથ રેણુએ સામયિક 'ધર્મયુગ'માં ફિલ્મ 'તીસરી કસમ'ના શૂટિંગ અંગે રિપોર્ટ લખ્યો હતો, 'તીસરી કસમના સેટ ઉપર ત્રણ દિવસ.'

આ રિપોર્ટમાં એક જગ્યાએ તેમણે લખ્યું હતું, 'દરમિયાન આસિસ્ટન્ટ ડાયરેક્ટર બાસુ ચેટરજીએ મારી પાસે આવીને ધીમેથી કહ્યું, સર, આવો, જરા કૅમેરાના વ્યૂ-ફાઇન્ડરમાંથી જુઓ તો ગાડીમાં 'ચંદાના ફૂલ' વિશે તમને અંદાજ આવશે.'

બાસુ ચેટરજી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉપરાંત મુંબઈના વિખ્યાત કાર્ટૂનિસ્ટ પણ છે, જે દર અઠવાડિયે તેની 'બાંકી નિગાહ' દ્વારા દુનિયાને જુએ છે અને દેખાડે છે. આથી તેમની કોઈ પણ વાત ઉપર પહેલી જ વખતમાં હું ગંભીરતાથી ધ્યાન નથી આપતો.

મેં કહ્યું, 'ના ચેટરજી મોશાય...મેં જે ચશ્માથી હીરાબાઈને જોયા છે, (તેનાથી જ) જોઈ રહ્યો છું.'

ત્યારે ચેટરજી મોશાયે કહેવું પડ્યું, 'ચલૂન ના, એક બાર દેખૂન તો?' (આવોને, એક નજર જુઓ તો.)

રેણુની આ અમુક લાઇનોમાં ચેટરજીના વ્યક્તિત્વની તસવીર ઊભી થાય છે, જે તેમની વાતચીત, સમજદારી અને પાછળથી ફિલ્મોમાં જોવા મળે છે.

આ 'બાંકી નિગાહ'નું પોતાની મધ્યમવર્ગીય પૃષ્ઠભૂમિ સાથે ફિલ્મોમાં આગમન થયું અને હિંદી ફિલ્મજગતને એવો ફિલ્મકાર મળ્યો, જે મધ્યમવર્ગીય પરિવાર તથા પરિવારજનોથી વિંટળાયેલો રહ્યો.

ચેટરજીએ પોતાના સમયના લોકપ્રિય સ્ટાર્સ અમિતાભ બચ્ચન તથા જિતેન્દ્રને ક્યારેય ફિલ્મના પડદા ઉપર 'લાર્જર ધેન લાઇફ' બનવા ન દીધા. અમિતાભ બચ્ચનની 'મંજિલ' તથા જિતેન્દ્રની 'પ્રિયતમા' તેનાં ઉદાહરણ છે.

અજમેરમાં જન્મ

બાસુ ચેટરજીનો જન્મ રાજસ્થાનના અજમેર શહેરમાં થયો હતો, તેમના પિતા રેલવેમાં કર્મચારી હતા.

બાદમાં પિતા સાથે મથુરા જવાનું થયું. મથુરા તથા આગ્રામાં બાસુ ચેટરજીનું ભણતર-ગણતર થયું. અહીં તેમની મુલાકાત લેખક રાજેન્દ્ર યાદવ તથા કવિ શૈલેન્દ્ર સાથે થઈ, જે દીર્ઘકાલીન મૈત્રીમાં પરિણામી.

બંને ચેટરજીની પ્રારંભિક ફિલ્મી સફરના સાથી બન્યા. ફિલ્મો જોવાનો ચસ્કો તેમને મથુરામાં લાગ્યો હતો અને જ્વલ્લે જ કોઈ ફિલ્મ ચૂકતા હતા.

મનના કોઈ ખૂણે ફિલ્મના બીજ રોપાઈ ચૂક્યા હતા, જેને અંકુરિત થવામાં 15 વર્ષનો સમય લાગ્યો.

મથુરામાં ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યા બાદ બાસુ આજીવિકાની શોધમાં મુંબઈ આવ્યા. અહીં તેમને એક મિલિટરી સ્કૂલમાં લાઇબ્રૅરિયન તરીકેની નોકરી મળી.

મુંબઈ જેવા શહેરમાં પગ મૂકવાની જગ્યા મળતાની સાથે જ તેમના અરમાનોને નવી પાંખો ફૂટી.

બાસુ ચેટરજીની મુલાકાત 'બ્લિટ્ઝ' સામયિકના સંપાદક સાથે થઈ અને તેઓ પૉલિટિકલ કાર્ટૂનિસ્ટ બની ગયા. કાર્ટૂનિસ્ટની એ 'બાંકી નિગાહ'નો ઉલ્લેખ રેણુએ પોતાના શૂટિંગ રિપોર્ટમાં કર્યો હતો.

ચેટરજી 1948માં મુંબઈ (અલબત હાલનું) આવ્યા અને થોડા સમય માટે જ લાઇબ્રેરિયન તરીકે કામ કર્યું. 'બ્લિટ્ઝ'માં જોડાયા બાદ, તેમણે એ બોરિંગ નોકરી છોડી દીધી.

'બ્લિટ્ઝ'માં કાર્ટૂન બનાવવાનો ક્રમ લગભગ 15 વર્ષ સુધી ચાલ્યો. આગ્રામાં મિત્ર બનેલા શૈલેન્દ્ર સાથેનો સંપર્ક મુંબઈ આવ્યા બાદ પણ જળવાઈ રહેલો.

તીસરી કસમ અને ફિલ્મની સફર

1963માં શૈલેન્દ્રે રેણુની કહાણી 'મારે ગયે ગુલફામ ઉર્ફ તીસરી કસમ'નાં નિર્માણનું કામ શરૂ કર્યું, ત્યારે બાસુએ ફિલ્મ સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી.

બાસુને લાગ્યું કે મિત્રની ફિલ્મના સેટ ઉપર ફિલ્મનિર્માણનું કૌશલ્ય શીખવા મળશે.

મિત્રતા અને નિર્માતા હોવા છતાં શૈલેન્દ્રે ફિલ્મના ડાયરેક્ટર બાસુ ભટ્ટાચાર્યને મળવા માટે કહ્યું. સાથે જ ઉમેર્યું કે જો તેઓ હા પાડે તો આવી શકે છે.

બાસુ ચેટરજી અને બાસુ ભટ્ટાચાર્યની મુલાકાત થઈ. ચેટરજીની કાર્ટૂનિસ્ટ તરીકેની સમજુ તથા જાગૃક પૃષ્ઠભૂમિને કારણે ભટ્ટાચાર્ય સહજ રીતે તૈયાર થઈ ગયા.

'તીસરી કસમ' બાદ બાજુ ચેટરજીએ ગોવિંદ સરૈયાની સાથે 'સરસ્વતીચંદ્ર'માં સહાયક તરીકે કામ કર્યું.

પહેલી ફિલ્મને સમજુ દર્શકો તથા વિવેચકોએ આવકારી, જ્યારે બીજી ફિલ્મ વ્યવસાયિક દૃષ્ટિએ સફળ રહી.

બે ફિલ્મોમાં સહાયક તરીકે કામ કર્યા બાદ ચેટરજીએ નક્કી કર્યું કે હવે તેઓ જાતે જ ફિલ્મ નિર્દેશન કરશે.

ચાહ અને રાહ

એ સમયે એફ. એફ. સી. (ફિલ્મ ફાયનાન્સ કૉર્પોરેશન), જે હાલમાં એન.એફ.ડી.સી. (નેશનલ ફિલ્મ ડેવલ્પમેન્ટ કૉર્પોરેશન)એ નવા, યુવાન તથા પ્રયોગશીલ ફિલ્મકારોને ધિરાણ આપવાનું નક્કી કર્યું હતું.

બાસુ ચેટરજીએ ફિલ્મનું નિર્માણ કરવા માટે મિત્ર રાજેન્દ્ર યાદવની નવલકથા 'સારા આકાશ' ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો. તેમણે સ્ક્રિપ્ટ લખીને જમા કરાવી દીધી. ફિલ્મને મંજૂરી મળી ગઈ.

રાકેશ પાંડે, મધુ ચક્રવર્તી તથા એ. કે. હંગલની મુખ્ય ભૂમિકા સાથે રૂ. અઢી લાખમાં ફિલ્મ બની અને રિલીઝ થઈ.

સાહિત્ય પર આધારિત આ ફિલ્મ એ વર્ષે રજૂ થયેલી અને સફળ બનેલી ફિલ્મને 'આરાધના', 'દો રાસ્તે', 'એક ફૂલ દો માલી' તથા 'પ્યાર કા મોસમ' જેવી લોકપ્રિયતા ન મળી.

જોકે, એ વરસે રજૂ થયેલી અન્ય એક ફિલ્મ 'સાત હિંદુસ્તાની'ની જેમ જ 'સારા આકાશ'ની પણ હિંદી ફિલ્મજગતના ઇતિહાસમાં દૂરોગામી અસર પડી.

ફિલ્મ 'સાત હિંદુસ્તાની'એ ફિલ્મોના મુખ્યપ્રવાહના સ્ટાર અમિતાભ બચ્ચનને જન્મ આપ્યો, જ્યારે 'સારા આકાશ'એ ફિલ્મ જગતમાં 'ન્યૂ વૅવ સિનેમા'નો પાયો નાખ્યો. જે ન્યૂ વૅવ, પૅરેલલ સિનેમા અને આર્ટ સિનેમાના ત્રણ પાયા ઉપર ટકી અને આગળ વધી.

આ યાદીમાં મૃણાલ સેનની 'ભુવન શોમ', મણિ કૌલની 'ઉસકી રોટી' તથા બાસુ ચેટરજીની 'સારા આકાશ'નો સમાવેશ થાય છે.

'સારા આકાશ'એ મુખ્યપ્રવાહની ચીલાચાલુ, લાર્જર ધૅન લાઇફ તથા ફૉર્મ્યુલા ફિલ્મોથી અલગ માર્ગ કંડાર્યો.

આ દૃષ્ટિએ ચેટરજી પાયૉનિયર ડાયરેક્ટર છે, જેમણે આગળ જતાં 'રજનીગંધા', 'ચિત્તચોર', 'છોટી સી બાત', 'બાતો બાતો મેં' 'ખટ્ટા મીઠ્ઠા' તથા 'સ્વામી' જેવી ફિલ્મો દ્વારા મધ્યમમાર્ગીય ફિલ્મોને માટે વર્ગ ઊભો કર્યો.

બાસુ ચેટરજીની ફિલ્મોમમાં મૃણાલ સેન તથા મણિ કૌલની આગામી ફિલ્મોની જેમ 'કલા'નો આગ્રહ નથી જોવા મળતો.

મધ્યમમાર્ગ, મધ્યમવર્ગ

ચેટરજીએ મધ્યમવર્ગની આકાંક્ષાઓ, દુવિધાઓ તથા સપનાંની કહાણીઓને ફિલ્મો દ્વારા રજૂ કરી.

મધ્યમવર્ગીય ઉછેર, વિચારસરણી તથા તેની વૈશ્વિકદૃષ્ટિ જ બાસુ ચેટરજીને આગળ ધપાવતી રહી.

પોતાની ફિલ્મો વિશે વાત કરતી વખતે ચેટરજી હંમેશાં કહેતા હતા કે 'હું લૉઅર મિડલ ક્લાસનો માણસ છું. એ પરિવારોના પાત્રોની આશા-નિરાશાને સારી રીતે જાણું છું, એટલે જ સ્વાભાવિક રીતે મારી ફિલ્મોમાં મધ્યમવર્ગીય પાત્રો હોય છે.'

ચેટરજી એવું પણ કહેતા કે 'પૉપ્યુલર હીરોની અવિશ્વસનીય મર્દાનગી મને સમજાતી નથી.'

બાસુ ચેટરજીની ફિલ્મોના હીરો-હિરોઇન તમને આજે પણ મધ્યમવર્ગના સમાજ કે પરિવારમાં જોવા મળી રહેશે. એવું લાગશે કે તેઓ વાસ્તવિક જીવનમાંથી સીધા જ રૂપેરી પરદે ઉતરી આવ્યા છે.

ફિલ્મ 'સારા આકાશ'માં હીરો સમર (રાકેશ પાંડે) તથા હીરોઇન પ્રભા (મધુ ચક્રવર્તી) વચ્ચે લાંબા સમય સુધી અબોલા રહે છે.

સમરને લાગે છે કે પરિવારની જરૂરિયાતોને કારણે તેને એક અનિચ્છિત સંબંધમાં બાંધી દેવાયો છે, જે તેની જિંદગની વાડ બની ગઈ છે.

તે પોતાના મિત્રોને કહે પણ છે, 'આપણે આવી વાડોને કચડીને જ આગળ વધવું પડશે.'

ફિલ્મ 'પિયા કા ઘર'માં નાના ઘરમાં જિંદગી પસાર કરી રહેલા રામ શર્મા (અનિલ ધવન) તથા માલતી શંકર (જયા ભાદુડી)ના દામ્પત્યજીવનની અડચણો તથા અંતરંગતાને સુંદર રીતે નિરુપવામાં આવ્યા છે.

ફિલ્મ 'પિયા કા ઘર'એ રાજા ઠાકુરની મરાઠી ફિલ્મ 'મુંબઈચા જવાઈ'ની રિમેક હતી.

મન્નુ ભંડારીની ફિલ્મ 'યહી સચ હૈ' ઉપર આધારિત ફિલ્મ 'રજનીગંધા' મધ્યમવર્ગીય સંદર્ભ સાથે પ્રણયત્રિકોણને રજૂ કરે છે.

ફિલ્મમાં વિદ્યા સિંહાએ નાયિકા દીપાની ભૂમિકામાં હિંદી ફિલ્મોની પ્રચલિત હિરોઇનો કરતાં અલગ છાપ ઊભી કરી હતી.

દીપા (વિદ્યા સિંહા), નવીન (દિનેશ ઠાકુર) તથા સંજય (અમોલ પાલેકર)ની વચ્ચેનો પ્રણય ત્રિકોણ મધ્યમવર્ગીય રૉમાન્સ, આશાઓ તથા સ્મતૃતિડંખને બારીકાઈથી રજૂ કરે છે.

આ ફિલ્મમાં યોગેશના ગીતોએ મધ્યમવર્ગીય યથાર્તની ભાવભીની તરલતા તથા ઊંડાઈ આપી હતી. તેમની ફિલ્મ 'ચિત્તચોર', 'છોટી સી બાત', 'ખટ્ટા મીઠ્ટા' તથા 'સ્વામી' જેવી ફિલ્મોના વિષય તથા પાત્રોની ચર્ચા વિસ્તારપૂર્વક થઈ શકે તેમ છે.

આ તમામ ફિલ્મો દ્વારા બાસુ ચેટરજીએ હિંદી ફિલ્મોના બાલ્કનીમાં (શિક્ષિત અને મધ્યમવર્ગ) બેઠેલા પ્રેક્ષકોને નજીકનો અનુભવ તથા મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો.

બાસુ ચેટરજી, હૃષિકેશ મુખરજી અને ગુલઝાર

બાસુ ચેટરજી, હૃષિકેશ મુખરજી તથા ગુલઝાર હિંદી ફિલ્મોમાં 'મિડલ સિનેમા' દ્વારા દર્શકોને પોતાની ફિલમો પ્રત્યે આકર્ષિત કરતા રહ્યા. તેમણે મુખ્યપ્રવાહની કૉમર્શિલ ફિલ્મો તથા આર્ટ સિનેમાની વચ્ચે દર્શકોને રોચક મનોરંજન પીરસ્યું.

પ્રલોભનો તથા તકો હોવા છતાં આ ત્રણેય ડાયરેક્ટર ધરાતલ ઉપર નવી-નવી ફિલ્મો સર્જતા રહ્યા.

તેમણે પૉપ્યુલર સ્ટાર્સને કંઈક નવું તથા સાર્થક કરવાની તક આપી. તુલનાત્મક અભ્યાસ કરવાના શોખીનો હંમેશા હૃષિ દા તથા બાસુ ચેટરજી વચ્ચે સ્પર્ધાની વાત કરે છે, પરંતુ બાસુ ચેટરજીએ હંમેશાં આવી તુલનાઓને ટાળી અને હૃષિદાને વરિષ્ઠ ફિલ્મકાર તરીકે સન્માન આપ્યું.

બાસુ ચેટરજીની મોટાભાગની ફિલ્મો સાહિત્યિક કૃતિઓ ઉપર આધારિત છે. તેઓ ફિલ્મની કહાણી સાહિત્યમાંથી લેતા અને તેની પટકથા પોતાની રીતે લખતા.

તેમની પહેલી ફિલ્મ 'સારા આકાશ' મૂળ નવલકથાની અડધી કથા ઉપરથી જ બની હતી. ફેરફારનો આ ક્રમ આગળ જતાં તેમની અનેક ફિલ્મોમાં પણ જોવા મળે છે, પરંતુ ક્યારેય કોઈ લેખક સાથે તેમને મતભેદ નહોતા થયા.

બાસુ ચેટરજી હિંદી ફિલ્મોના એવા સર્જક હતા, જેમનો સાહિત્ય તથા સાહિત્યકારો સાથે સદાય જીવંત સંબંધ રહ્યો.

ચેટરજીની ફિલ્મો ઉપરાંત તેના ગીત-સંગીતનો પણ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઇએ.

ચેટરજીએ પાત્રોનાં મનોભાવોને વ્યક્ત કરતા ગીત પસંદ કર્યા. તેમની ફિલ્મ 'ખટ્ટા મીઠ્ઠા'ની ગીત 'થોડા હૈ, થોડે કી જરુરત હૈ...'એ મિડલ ક્લાસના ઍન્થમ જેવું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો