CBSE-JEE-NEET પરીક્ષાઓ અને સ્કૂલો-કૉલેજોનું કોરોનામાં શું થશે? - કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો

    • લેેખક, સારિકા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં કોરોના વાઇરસની મહામારીનો પ્રસાર અટકાવવા માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું, જેનાં કારણે વેપારી તથા વ્યવસાયિક ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ કરી દેવામાં આવી, જેનાં કારણે પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુધી લગભગ 33 કરોડ વિદ્યાર્થીઓએ ઘરે બેસવું પડ્યું.

ભારત સહિત વિશ્વભરમાં 70 ટકા વિદ્યાર્થીઓ ઉપર મહામારી અને લૉકડાઉનની નકારાત્મક અસર પડી છે. ધીમે-ધીમે લૉકડાઉન હળવું કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઑગસ્ટ મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે.

માનવ સંસાધન મંત્રાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા આરોગ્ય મંત્રાલય મળીને આ અંગેની ગાઇડલાઇન્સ તૈયાર કરી રહ્યાં છે.

નવા શૈક્ષણિક પરિવેશમાં સ્કૂલો ખુલશે ત્યારે ભણવાની અને ભણાવવાની પદ્ધતિ જડમૂળથી બદલાઈ જશે. ભણવાની સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

બદલાઈ જશે અભ્યાસનો અંદાજ

બીબીસી સાથેની વાતચીતમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે દાવો કર્યો હતો કે જ્યારે બાળકો શાળાએ જઈ શકે તેમ ન હતા, ત્યારે ઑનલાઇન ક્લાસરૂમના માધ્યમથી શાળા બાળકોનાં ઘરે પહોંચી છે.

'શું ઈ-લર્નિંગ એ ક્લાસરૂમનો વિકલ્પ છે?' તેવા સવાલના જવાબમાં પોખરિયાલે કહ્યું કે હાલ તો તેના સિવાય કોઈ વિકલ્પ નથી. બાળકોનો અભ્યાસ સદંતર અટકી જાય, તેને બદલે તેમને ઘેરબેઠાં અભ્યાસ કરવાની તક મળી રહી છે.

તેમણે કહ્યું, "શિક્ષણ મંત્રાલયે બાળકોને ઘરેબેઠાં ઑનલાઇન શિક્ષણ મળે તે માટે પ્રયાસ કર્યાં છે. અમે બાળકોને નિરાશ તથા વાલીઓને હેરાન નથી થવા દીધા. શિક્ષકો તથા વાલીઓ મળીને બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે પ્રયાસરત છે."

ભારત જેવા દેશમાં સરેરાશ 23-24 ટકા પરિવારો પાસે જ ઇન્ટરનેટ છે. શહેરી વિસ્તારમાં ડેસ્કટોપ કે લૅપટોપ જેવી સવલતો મળી રહે છે, જ્યારે ગ્રામીણ બાળકો પાસે ઇન્ટરનેટને નામે માત્ર મોબાઇલ ફોન જ હોય છે, ત્યારે શું નાનકડાં ફોનમાં બાળકોનો આટલો મોટો પાઠ્યક્રમ સમાઈ શકશે? શું શહેરી અને ગ્રામીણ વિસ્તારના બાળકોને સમાન પ્રકારનું શિક્ષણ મળી શકશે?

ડૉ. પોખરિયાલના કહેવા પ્રમાણે, સ્કૂલસ્તરના શિક્ષણ માટે દેશમાં 'દીક્ષા' અને 'ઈ-પાઠશાલા' જેવા ઑનલાઇન શૈક્ષણિક પ્લૅટફૉર્મ છે, પરંતુ જો કોઈ બાળક પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય, તો 'સ્વયંપ્રભા'ની 32 ચેનલો મારફ તેમના સુધી શિક્ષણ પહોંચાડવામાં આવી રહ્યું છે અને જરૂર પડ્યે આગામી સમયમાં રેડિયોનો પણ ઉપયોગ કરાશે.

ડૉ. પોખરિયાલે કહ્યું, "અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોએ મૂંઝાવાની જરૂર નથી. જેમની પાસે ઇન્ટરનેટ કે સ્માર્ટફોન નથી, તેમના સુધી પહોંચવા માટે રેડિયોનો ઉપયોગ કરાશે અને તે રીતે પાઠ્યક્રમ ઘડાશે."

ઑનલાઇન શિક્ષણ આપવા માટે શું ભારતનું શિક્ષણતંત્ર સજ્જ હતું? તેના જવાબમાં ડૉ. પોખરિયાલે કહ્યું :

"આવું થશે, તેનો કોઈને પણ અંદાજ ન હતો કે કોઈ તૈયાર પણ ન હતું, પરંતુ અમે ભવિષ્યની તૈયારીમાં વળગેલાં હતાં, જે મુજબ ઑનલાઇન શિક્ષણને શક્ય બનાવવાનું હતું."

"છેવાડાના વિસ્તારમાં વસતા બાળકને પણ શહેરી વિસ્તારના બાળકો જેવી જ સવલત મળે. સમય આવ્યે અમે અમારી સજ્જતાની ગતિ વધારી અને તમામ સુધી ઑનલાઇન શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો."

"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'આત્મનિર્ભર' ભારત બનાવવાનું સૂત્ર આપ્યું છે, શિક્ષણના ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનવાની તક છે."

કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાનને આ સવાલ પૂછ્યો, તેના બીજા જ દિવસે કેરળમાં ધૉ. 10માં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી, કારણ કે તેને ઑનલાઇન અભ્યાસ કરવાની તક સાંપડી નહોતી રહી.

વિદ્યાર્થિનીનાં પિતા રોજમદાર તરીકે કામ કરતા હતા, જેનાં કારણે તેમની આર્થિક સ્થિતિ સંપન્ન ન હતી. તેમના ઘરમાં ટીવી ન હતું તથા તેઓ સ્માર્ટફોનની વ્યવસ્થા કરી શક્યા ન હતા. કેરળમાં લગભગ અઢી લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પાસે ટીવી કે કમ્પ્યુટર નથી.

દલિત ઍક્ટિવિસ્ટ સની કપિકડનું માનવું છે કે ગરીબ તબક્કા સુધી શિક્ષણ પહોંચી નથી શકતું, તો તેનું કારણ લૅપટોપ કે સ્માર્ટર્ફોનનો અભાવ નથી. સરકારે હાંસિયામાં ધકેલાઈ ગયેલાં લોકોની નજરથી શિક્ષણને જોવાની જરૂર છે.

ગરીબોને ઘર તથા ઇન્ટરનેટ જેવી પાયાની સુવિધાઓ આપવી પડશે.

જુલાઈમાં પરીક્ષાની તૈયારી

પરીક્ષા ક્યારે યોજાશે તથા મેરિટમાં કેટલામો ક્રમ હશે, તેની ઉપર હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ટકેલું છે. તેના આધાર તેઓ વિષયની પસંદગી કરશે. JEE અને NEETના પરીક્ષાર્થીનાં ભાવિ પણ અધ્ધરતાલ છે.

લૉકડાઉન પૂર્વે સી.બી.એસ.ઈ. (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન)ના ધો. 10 અને ધો.12ની અમુક વિષયની પરીક્ષા યોજાઈ ગઈ હતી, પરંતુ કોરોના વાઇરસનો પ્રસાર વકરતાં દેશમાં તમામ પરીક્ષાઓ રદ કરી દેવાઈ હતી.

સી.બી.એસ.ઈ.ની લગભગ 71 વિષયની પરીક્ષા લેવાઈ ગઈ હતી, બાકી રહેલા 29 વિષયની પરીક્ષા તા. 1થી 15 જુલાઈની વચ્ચે યોજાશે.

ડૉ. પોખરિયાલના કહેવા પ્રમાણે, વિદ્યાર્થીઓની પરીક્ષા અલગ કેન્દ્ર ઉપર નહીં, પરંતુ તેની સ્કૂલમાં જ લેવાશે. જે બાળકો લૉકડાઉનને કારણે તેમના ઘરે જતાં રહ્યાં છે, તેની પરીક્ષા તેમના ગૃહજિલ્લાની પાસેની શાળામાં જ લેવાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાના પ્રસારના ભયની વચ્ચે પરીક્ષાનું આયોજન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવું તથા પરીક્ષામાં સોરો દેખાવ કરવો, આ બધી બાબતોને કારણે વિદ્યાર્થીઓ ઉપર માનસિક દબાણ વધશે.

આ અંગે પૂછતા ડૉ.પોખરિયાલે કહ્યું, "બાળકોને તમામ પ્રકારની સવલત આપવામાં આવી રહી છે. મને લાગે છે કે બાળકો તણાવગ્રસ્ત નથી. તેઓ આનંદભેર પરીક્ષા આપશે, તેમને તૈયારી કરવા માટે ઘણો સમય મળ્યો છે."

જુલાઈ મહિનામાં JEE-NEETની પરીક્ષા લેવાની તૈયારી ચાલી રહી છે. NEETમાં ભારતભરના વિદ્યાર્થી ભાગ લે છે. JEEની પરીક્ષા અનેક શિફ્ટમાં યોજાય છે. ગત વર્ષે લગભગ ત્રણ હજાર કેન્દ્રો ઉપર પરીક્ષા આયોજિત થઈ હતી.

પરંતુ આ વખતે અલગ સ્થિતિ હશે. સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા લગભગ બે-ત્રણ ગણી સંખ્યામાં પરીક્ષાકેન્દ્રોની જરૂર પડશે અને તેના માટે તૈયારી પણ કરવાની રહેશે.

ડૉ. પોખરિયાલના કહેવા પ્રમાણે JEE-NEETની પરીક્ષાની તારીખો નક્કી કરી દેવાઈ છે.

પરિવર્તન માટે શિક્ષણજગત સજ્જ?

ભારતમાંથી દર વર્ષે લગભગ સાડા સાત લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે, પરંતુ હવે તેમને ભારતમાં જ વૈશ્વિકસ્તરની શૈક્ષણિક સુવિધા આપવાની વાત કહેવાય રહી છે. પરંતુ શું તેના માટે ભારતમાં માળખું ઉપલબ્ધ છે?

માનવ સંસાધન વિકાસપ્રધાને કહ્યું, "હું વાલીઓ તથા વિદ્યાર્થીઓને અપીલ કરીશ કે તેમણે ભારતની બહાર જવાની જરૂર નથી."

"દુનિયાની અનેક ટોચની કંપનીના સી.ઈ.ઓ. ભારતમાંથી ભણ્યા છે. તે દેશનું શિક્ષણનું સ્તર છે. જો વિદેશમાં સારું શિક્ષણ મળતું હોત, તો આ શ્રેષ્ઠ કંપનીના સી.ઈ.ઓ. પણ ત્યાંના વિદ્યાર્થી જ હોત."

"આઈ.આઈ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી), આઈ.આઈ. એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ) તથા એન.આઈ.ટી. (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી)માંથી પાસ થનાર વિદ્યાર્થી દુનિયારમાં છવાયેલાં છે."

તેમણે આગામી દિવસોમાં ટોચની શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વધારવાની વાત પણ કહી.

નવી શિક્ષા-શિક્ષણનીતિ આત્મનિર્ભર હશે

એક તરફ ગ્લોબલ ઇન્ડિયન વિશ્વમાં પોતાની આગવી છાપ ઊભી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ નવી શિક્ષણનીતિમાં ભારતીયકરણ ઉપર ભાર મૂકવામાં આવશે. શિક્ષણમાં ભારતીય મૂલ્યો તથા ભારતની 22 સ્થાનિક ભાષામાં શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

રમેશ પોખરિયાલના કહેવા પ્રમાણે, કોરોનાના કાળમાં દુનિયાની સાથે શિક્ષણ પણ બદલાશે.

તેમણે કહ્યું, " હવે શિક્ષણવ્યવસ્થા પણ આત્મનિર્ભર હશે. કોરોનાના વાઇરસના સંકટના સમયમાં વિદ્યાર્થીઓએ વિદેશમાં જઈને અભ્યાસ કરવાની જરૂર નથી, તેમને દેશમાં જ શિક્ષણ મળશે."

તેમણે ઉમેર્યું, "નવી શિક્ષણનીતિ ભારતીય મૂલ્યો ઉપર આધારિત હશે. ભારતીય વિઝન, સંસ્કાર તથા જીવનમૂલ્ય વિશ્વમાં છવાઈ જશે, આજે દુનિયાને તેની જરૂર છે."

કોરોના વાઇરસના સંકટને કારણે હજુ સુધી 12 કરોડ લોકોની નોકરીઓ ગઈ છે, આવા બાળકોનાં ભણતરનું શું, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું, 'સર્વ શિક્ષા અભિયાન' હેઠળ સરકારી શાળાઓમાં તેમને શિક્ષણ મળી શકે છે.

અમેરિકાની કુલ જેટલી વસતી છે, તેટલી સંખ્યામાં ભારતમાં વિદ્યાર્થી છે. દેશની કુલ વસતીના લગભગ 65 ટકા લોકો યુવાન છે. તેમનું શિક્ષણ કોઈ પણ સરકારની પ્રાથમિક્તામાં નથી રહ્યું કે ન તો તેમના માટે નોંધપાત્ર હિસ્સો બજેટમાં ફળવાય છે.

આ સંજોગોમાં કોરોનાનો પડકાર વિદ્યાર્થીઓને માટે અવસર બનશે કે ભવિષ્યમાં મળનારી તકોની સંખ્યા ઘટાડશે, તે હજુસુધી સ્પષ્ટ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો