કોરોના વાઇરસ : ગુજરાતમાં કેસોની સંખ્યા 20 હજારને પાર, ભારતમાં અઢી લાખ કેસો

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા અઢી લાખને પાર કરી ગઈ છે અને ગુજરાતમાં કેસોની સંખ્યા 20 હજારને પાર કરી ગઈ છે.

રવિવારે સાંજે, 7 જૂનના રોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં 480 પૉઝિટિવ કેસ નોંધાયા છે અને 319 લોકો સાજા થયા છે.

ઉલ્લેખનીય છે કે શનિવાર સાંજના આંકડા મુજબ 24 કલાકમાં 498 પૉઝિટિવ કેસ આવ્યા હતા અને 313 લોકો સાજા થયા હતા. આમ, તફાવતની રીતે જોઈએ તો રવિવારે 18 કેસ ઓછા છે અને સાજા થનારની સંખ્યા પણ 7 ઓછી છે.

રવિવાર, 7 જૂનના આંકડા મુજબ રાજ્યમાં 24 કલાકમાં 30 કોરોના દરદીઓનાં મૃત્યુ થયા છે. સૌથી વધારે મૃત્યુ અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં 21 અને સુરતમાં 2 લોકોનાં મૃત્યુ થયા છે.

આ ઉપરાંત બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટમાં એક-એક મૃત્યુ થયું છે.

આમ, કોરોના વાઇરસના સંક્રમણને લીધે ગુજરાતમાં અત્યાર સુધીમાં 1249 લોકોનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં જે નવા 480 કેસ સામે આવ્યા છે તે પૈકી સૌથી વધારે 318 કેસ અમદાવાદમાં છે જે ગઈકાલ કરતા વધારે છે. શનિવારે અમદાવાદમાં 289 કેસ હતા.

સુરતમાં 64 કેસ છે જે શનિવારથી ઓછા છે. શનિવારે સુરતમાં 92 કેસ હતા. વડોદરામાં રવિવારે 35 નવા કેસ છે જે શનિવારથી વધારે છે. શનિવારે વડોદરામાં 20 કેસ હતા.

રાજ્યમાં હાલ કુલ ઍક્ટિવ કેસોની સંખ્યા 5,205 છે જે પૈકી 67 દરદીઓ વૅન્ટિલેટર પર છે અને 5138 દરદીઓની હાલત સ્થિર બતાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે જૂનના પ્રથમ અઠવાડિયામાં સતત દરરોજ 400થી વધારે કેસો રાજ્યમાં સામે આવ્યા છે અને રવિવારે પહેલી વાર આંકડો 400થી સહેજ ઓછો છે.

ભારતની સ્થિતિ

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા અઢી લાખને પાર કરી ગઈ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3007 કેસો સામે આવ્યા છે અને કુલ સંક્રમિતોની સંખ્યા 85975 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા 3060 સુધી પહોંચી છે.

રાજસ્થાનમાં રવિવારે 262 નવા કેસો સામે આવ્યા છે અને 9 લોકોનાં મોત થયા છે. આ સાથે રાજસ્થાનમાં કુલ મરણાંક 240 થઈ ગયો છે તો સંક્રમણનો આંકડો 10599 થઈ ગયો છે.

પંજાબમાં 93 નવા કેસ આવ્યા છે અને એક મૃત્યુ થયું છે તો પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં 449 નવા કેસ સામે આવ્યા છે અને 13 લોકોનાં મોત થયા છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા 324 થઈ ગઈ છે.

તમિલનાડુમાં રવિવારે 1515 નવા કેસ સામે આવ્યા છે અને 18 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 31667 થઈ ગઈ છે જેમાં 14396 હજી પણ સંક્રમિત છે.

ઉત્તર પ્રદેશમાં 433 નવા કેસ સામે આવ્યા છે અને 7 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીના કેસોનો આંકડો 10536 થઈ ગયો છે અને અત્યાર સુધી 275 લોકોનાં મૃત્યુ થયા છે.

હરિયાણામાં 496 નવા કેસો સામે આવ્યા છે જે પૈકી સૌથી વધારે કેસો ગુરુગ્રામમાં (230) છે. આ સાથે રાજ્યમાં કેસોની સંખ્યા 4448 થઈ ગઈ છે અને અત્યાર સુધી 28 લોકોનાં મૃત્યુ થયા છે.

14 નવા કેસ સાથે ઉત્તરાખંડમાં કોરોનાનો આંકડો 1355 પર પહોંચ્યો છે અને 13 લોકોનાં મૃત્યુ થયા છે.

જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસના સૌથી વધારે કેસો સામે આવ્યા છે. રાજ્યમાં 620 નવા કેસ નોંધાયા છે. આ પૈકી 37 જમ્મુ ડિવિઝનમાં અને 583 કાશ્મીર ડિવિઝનમાં છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 4087 થઈ છે અને 41 લોકોનાં મૃત્યુ થયા છે.

અમદાવાદમાં કોરોનાનું કૉમ્યુનિટી ટ્રાન્સમિશન, ડરવાની જરૂર નથી -ડૉક્ટરોની પેનલ

રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ રાજ્યના 9 ડૉક્ટરોને સાથે રાખી મીડિયા સાથે સંવાદ કર્યો હતો અને કોરોનાવાઇરસની મહામારીમાં રાજ્યની અને સૌથી વધુ પ્રભાવિત શહેર અમદાવાદની સ્થિતિને લઈને ચર્ચા કરી અને જરૂરી સૂચનો અને માહિતી આપ્યાં.

ચર્ચામાં અગ્રણી હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ.તેજસ પટેલ, ડૉ. વી. એન. શાહ, ડૉ. દિલીપ માવળંકર, ડૉ.તુષાર પટેલ વગેરે ડૉક્ટરોએ ભાગ લીધો.

ચર્ચામાં ડૉક્ટરોએ કહ્યું કે કોરોના વાઇરસથી ગભરાવાની જરૂર નથી પણ તેની સાથે તમામ સાચચેતી રાખી જીવતા શીખી જવાની જરુર છે.

ડૉક્ટરોનો મત છે કે જેટલાં વધારે સ્વસ્થ અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ડરવાની જગ્યાએ બહાર નીકળી કામ કરતા થશે તેમ તેમ વાઇરસ સામે હર્ડ ઇમ્યુનિટી એટલે કે સામુદાયિક રોગપ્રતિકારક શક્તિ વધતી જશે અને એ રીતે વાઇરસનો પ્રભાવ ખતમ થતો જશે.

સરકારના વલણથી વિપરિત ડૉક્ટરોનો સ્પષ્ટ મત હતો કે અમદાવાદ હાલ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં આવી ગયું છે.

ડૉકટરોએ એવો પણ મત વ્યક્ત કર્યો કે દેશ સહિત રાજ્યમાં પણ હાલ વાઇરસનું સંક્રમણ પીક પર હોઈ શકે છે.

અમદાવાદની સ્થિતિ વિશે વધુ વિસ્તારથી સમજાવતા ડૉક્ટરોની પેનલે કહ્યું કે અમદાવાદમાં પહેલા સેન્ટ્ર્લ ઝોનમાં સતત વધુ કેસો આવતા હતા પણ ત્યાં હવે કેસો એટલા નથી આવી રહ્યાં. શક્ય છે કે ત્યાં સંક્રમણ પીક પર પહોંચી ગયું હોય અને લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ ગઈ હોય.

ભારતમાં હાલ 11 પ્રકારના કોરોના વાઇરસના સ્ટ્રેઇન હોવાની માહિતી ડૉકટરોએ પૂણેની વાયરોલૉજી ઇન્સ્ટિટ્યૂટના ડેટાને આધારે જણાવી છે. ડૉકટર્સે કહ્યું કે હાલ રાજ્યમાં રિકવરી રેટ 67 ટકા છે.

ડૉકટરોનો એમ પણ મત હતો કે, મીડિયાએ હવે કોરોના વાઇરસના આંકડા રોજેરોજ આપવાનું બંધ કરવું જોઈએ કારણકે તેનાંથી લોકોમાં ગભરાટ ફેલાય છે અને લોકો બહાર નીકળતા ડરે છે જે મદદરૂપ સાબિત નહીં થાય.

ડૉકટરો કહ્યુ કે, ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે કોરોના વાઇરસનો ફેલાવો ઘટશે અને સંક્રમણ વધવાનું જોખમ નથી.

ડૉકટરોએ સલાહ આપી કે વારંવાર હાથ ધુઓ, 20 સેકન્ડ્સ સુધી હાથ ધુઓ, બહાર જાઓ ત્યારે માસ્ક પહેરીને જ નીકળો, ભીડવાળી જગ્યા પર ન જાવ અને કામ કરતા ડરો નહીં.

અમદાવાદમાં હજી પણ 1 લાખથી વધુ લોકો ક્વોરૅન્ટીનમાં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ડેટા પ્રમાણે રાજ્યમાં 2 લાખ 16 હજાર 130 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

સૌથી વધુ લોકો રાજ્યના સૌથી મોટા અને કોરોના વાઇરસ સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેર અમદાવાદમાં ક્વોરૅન્ટીનમાં છે. અમદાવાદમાં 1 લાખ 12 હજાર 300 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

એટલે કે રાજ્યમાં ક્વોરૅન્ટીનમાં મૂકાયેલા કુલ લોકોમાંથી 50 ટકાથી પણ વધારે લોકો માત્ર અમદાવાદમાં ક્વોરૅન્ટીનમાં છે.

અમદાવાદ બાદ કચ્છમાં સૌથી વધુ 12,033 લોકો ક્વોરૅન્ટીનમાં છે અને ત્રીજા નંબરે પાટનગર ગાંધીનગર છે જ્યાં 10,228 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

રાજ્યના બીજા નંબરના સૌથી વધુ વસ્તીવાળા શહેર સુરતમાં 8963 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અમરેલીમાં 9845 લોકો ક્વોરૅન્ટીનમાં છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં 1933 લોકો ક્વોરૅન્ટીનમાં હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના ડેટા જણાવી રહ્યા છે.

કોરોના વાઇરસનો વૈશ્વિક મૃત્યુઆંક 4 લાખને પાર

કોરોના વાઇરસનું સંક્રમણ વૈશ્વિક મહામારીમાં પરિવર્તિત થવાના લગભગ પાંચ મહિના બાદ વિશ્વભરમાં મૃત્યુનો આંક હવે 4 લાખને પાર થઇ ગયો છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના કોરોના વાઇરસ રિસોર્સ સેન્ટરના 7 જૂને ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગ્યાના આંકડા પ્રમાણે વિશ્વમાં કોરોના વાઇરસના કુલ નિશ્ચિત કેસોની સંખ્યા 69 લાખ 13 હજાર 608 થઈ ગઈ છે.

કુલ કેસોની યાદીમાં અમેરિકા 19 લાખ 20 હજાર 61 કેસ સાથે ટોચ પર છે. બીજા નંબર પર 6 લાખ 72 હજાર 846 કેસો સાથે બ્રાઝિલ છે તો રશિયા આ યાદીમાં 4 લાખ 58 હજાર 102 કેસ સાથે ત્રીજા નંબરે અને યુકે 2 લાખ 86 હજાર 294 કેસ સાથે ચોથા નંબર પર છે.

ભારત હવે 2 લાખ 47 હજાર 40 કુલ કેસો સાથે આ યાદીમાં પાંચમા ક્રમે આવી ગયું છે. ભારતે હવે શરૂઆતના દિવસોમાં સૌથી વધુ પ્રભાવિત દેશો એવા ઇટાલી અને સ્પેનને પણ પાછળ છોડી દીધા છે.

જોકે, મૃત્યુના આંકડા જોઇએ તો અમેરિકા પછી સૌથી વધારે મૃત્યુ યુકેમાં નોંધાયા છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે આ યાદીમાં બ્રાઝિલનું સ્થાન હાલ ત્રીજું છે.

અમેરિકામાં કોવિડ-19થી મૃત્યુનો આંક 1 લાખ 9 હજાર 802, યુકેમાં 40,548 અને બ્રાઝિલમાં 35,930 છે. મહામારીમાં મૃ્ત્યુની દૃષ્ટિએ ભારત વિશ્વમાં 12મો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

ઍક્ટિવ કેસોની યાદીમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે

કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડા જણાવી રહ્યા છે કે ગુજરાતમાં હાલ 5057 ઍક્ટિવ કેસો છે, ઍક્ટિવ કેસો સંદર્ભે દેશમાં ગુજરાતમાં ચોથા ક્રમે છે.

દેશમાં હાલ સૌથી વધુ સક્રિય કેસો મહારાષ્ટ્રમાં 42,609 છે. ત્યાર પછીના ક્રમે દિલ્હી છે જ્યાં સક્રિય કેસોની સંખ્યા 16229 છે.

13506 કેસ સાથે તામિલનાડુ ત્રીજા ક્રમે છે અને એ પછી ગુજરાતનો ક્રમ ચોથો આવે છે. જો કે ગુજરાત માટે ચિંતાની વાત એ છે કે કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધી થયેલાં કુલ મૃત્યુના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમનું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે.

દેશમાં કોવિડ-19ની મહામારીથી સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં 2969 છે અને તે પછી 1219 મરણાંક સાથે ગુજરાત બીજા નંબરે છે.

એક દિવસમાં રેકર્ડ કેસ

ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 9,971 નવા કેસ મળ્યા છે.

આ સાથે કોરોના વાઇરસને કારણે 287 લોકોનાં મોત થયાં છે.

તો ગુજરાત હજી પણ કોરોના વાઇરસને કારણે દેશનાં સૌથી વધુ પ્રભાવિત ચાર રાજ્યોમાં છે. ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 19,592 છે, જેમાંથી 5057 સક્રિય કેસ છે અને મુત્યુનો આંક 1,219 છે

કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત છે.

સ્વાસ્થ્યમંત્રાલયના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા બે લાખ 46 હજારથી વધુ થઈ ગઈ છે અને મૃત્યુનો આંક 6,929 થઈ ગયો છે.

આ ઉપરાંત દેશમાં કોરોના વાઇરસના સંક્રમણથી એક લાખ 19 હજાર લોકો સાજા થયા છે.

તો ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR) તરફથી જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 46 લાખ 66 હજાર 386 નમૂનાઓનું પરીક્ષણ થયું છે.

ગુજરાતમાં મરણાંક 1200ને પાર

શનિવારે સાંજે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં 498 પૉઝિટિવ કેસ નોંધાયા છે અને 313 લોકો સાજા થયા છે.

રાજ્યમાં 24 કલાકમાં 29 કોરોના દરદીઓનાં મૃત્યુ થયા છે. સૌથી વધારે મૃત્યુ અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આમ, કોરોના વાઇરસના સંક્રમણને લીધે ગુજરાતમાં અત્યાર સુધીમાં 1219 લોકોનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં જે નવા 498 કેસ સામે આવ્યા છે તે પૈકી સૌથી વધારે 289 કેસ અમદાવાદમાં, 92 કેસ સુરતમાં, 34 કેસ વડોદરામાં તથા 20 કેસ ગાંધીનગરમાં નોંધાયા હતા.

રાજ્યમાં હાલ કુલ ઍક્ટિવ કેસોની સંખ્યા 5,074 છે જે પૈકી 61 દરદીઓ વૅન્ટિલેટર પર છે અને 2013 દરદીઓની હાલત સ્થિર બતાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયામાં સતત દરરોજ 400થી વધારે કેસો રાજ્યમાં સામે આવ્યા છે.

5 જૂના હેલ્થ બુલેટિનમાં રાજ્યમાં 510 કેસ સામે આવ્યા હતા. જૂનના પહેલા અઠવાડિયામાં જ રાજ્યમાં 2800થી વધારે કેસ સામે આવ્યા છે.

દેશની સ્થિતિ

ભારત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 લાખ 36 હજાર 657 થઈ ગઈ છે જેમાંથી 6642 લોકોનાં મૃત્યુ થયા છે.

દેશમાં હાલ 1 લાખ 15 હજાર 942 ઍક્ટિવ દરદીઓ છે અને 1 લાખ 14 હજાર 72 દરદીઓ ઠીક થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં શનિવારે સૌથી વધારે 2739 નવા કેસ સામે આવ્યા છે અને 120 લોકોનાં મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની કુલ સંખ્યા 82, 968 થઈ ગઈ છે અને કુલ 2969 લોકોનાં મૃત્યુ થયા છે.

પશ્ચિમ બંગાળમાં શનિવારે 435 નવા કેસ સમે આવ્યા છે અને 17 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે 7738 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા કુલ 311 થઈ ગઈ છે.

ગોવામાં 71 નવા કેસ શનિવારે સામે આવ્યા છે અને કુલ સંક્રમિતોની સંખ્યા 267 થઈ ગઈ છે.

પંજાબમાં 54 નવા કેસોની સાથે કુલ 2515 કેસ થઈ ગયા છે અને 50 લોકોનાં મૃત્યુ થયા છે.

આસામમાં કોરોના દરદીઓની સંખ્યા કુલ 2397 થઈ ગઈ છે જે પૈકી 73 કેસો છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું આ નોટબંધી-2.0 છે, સરકારે અર્થવ્યવસ્થાને બરબાદ કરી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક સમાચાર ટ્વીટ કરતા લખ્યું છે કે. લોકોને અને મધ્યમ, લઘુ તથા સુક્ષ્મ ઉદ્યોગોને રોકડ સહયોગ આપવાનો ઇન્કાર કરીને સરકાર જાણીજોઈને અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહી છે અને આ નોટબંધી-2 છે.

ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ ઘણા સમયથી લોકોને રોકડ સહયોગની માગ કરે છે. એમણે કેન્દ્ર સરકારને નબળા વર્ગના દરેક પરિવારના ખાતામાં 6 માસ માટે 7500 રૂપિયા આપવાની માગ કરી છે અને ઉપરાંત લઘુ, મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગોને પણ રોકડ સહાયની માગ કરી છે.

અગાઉ રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકારના દેશવ્યાપી લૉકડાઉનના નિર્ણયની અમલવારીને નિષ્ફળ ગણાવી છે.

આ વખતે મોદી સરકારી નિષ્ફળતા બતાવવા રાહુલ ગાંધીએ કેટલાક ગ્રાફનો ઉપયોગ કર્યો છે અને સાથે લખ્યું છે કે નિષ્ફળ ગયેલું લૉકડાઉન કંઈક આવું દેખાય છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ ગ્રાફ ટ્વીટ કર્યા છે.

ટ્વીટમાં રાહુલ ગાંધીએ યુરોપના દેશો સ્પેન, જર્મની , ઇટાલી, યુકે સાથે ભારતના લૉકડાઉનની અને એ દરમિયાન સામે આવેલા કેસોની સરખામણી કરી.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે મોદી સરકારે દેશવ્યાપી લૉકડાઉનનો જે રીતે અમલ કર્યો તેની સતત ટીકા કરતા આવ્યા છે. પ્રવાસી શ્રમિકોના મુદ્દે, વેપાર ધંધાને નુકસાનના મુદ્દે અને દેશની સમગ્ર અર્થવ્યવસ્થા જેવા મુદ્દાઓ પર રાહુલ ગાંધીએ મોદી સરકારની સતત ટીકા કરી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, દિલ્હીની હૉસ્પિટલોમાં થઈ રહી છે પથારીઓની કાળાબજારી

દિલ્હીમાં કેટલીક હૉસ્પિટલો કોવિડ-19ના દરદીઓને દાખલ કરવામાં આનાકાની કરતી હોવાનો આરોપ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૂક્યો છે.

દિલ્હીની જનતાને તેમના લાઇવ સંદેશમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ હૉસ્પિટલો સામે ચેતવણી આપતા કહ્યું કે આવી હૉસ્પિટલોને બક્ષવામાં નહીં આવે.

કેજરીવાલે વધુ આરોપ લગાવતા કહ્યું કે કેટલાક રાજકીય પક્ષોના સમર્થન સાથે આવી હૉસ્પિટલો પથારીઓની કાળાબજારી કરે છે અને જો તેઓ એમ સમજતા હોય કે તેઓ છટકી જશે તો તેઓને જણાવવા માંગું છું કે તેમને બક્ષવામાં નહીં આવે.

કેજરીવાલે દાવો કર્યો કે હૉસ્પિટલો પથારીઓની કાળાબજારી ન કરી શકે અને લોકોને હૉસ્પિટલમાં ઉપલબ્ધ પથારીઓની પારદર્શક માહિતી મળી રહે તે માટે તેમની સરકારે મોબાઇલ ઍપ શરુ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કે હજુ બે દિવસ પહેલા જ દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દર જૈને દિલ્હીની ડૉ.રામ મનોહર લોહિયા (RML) હૉસ્પિટલ પર કોવિડ-19ના દરદીઓના પરીક્ષણ મામલે બેદરકારી રાખવાનો આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે અને તે 26 હજારને પાર થઈ ગઈ છે. દિલ્હીમાં હાલ 15 હજારથી વધારે ઍક્ટિવ કેસ છે અને 708 લોકોનાં મૃત્યુ થયા છે.

અમેરિકામાં બે મિનિટે એક મૃત્યુની સ્થિતિ, 24 કલાકમાં 922 મોત

પાછલા ચોવીસ કલાકમાં અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણને કારણે 922 લોકોનાં મોત થયા છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર આની સાથે જ ત્યાં કોવિડ-19થી મૃત્યુનો આંક 1 લાખ 9 હજાર 42 પર પહોંચી ગયો છે.

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ સંક્રમણથી બચવા માટે 20 લાખ વૅક્સિન તૈયાર કરી લીધી છે.

તેમણે કહ્યું કે આ વૅક્સિન ઉપયોગ માટે તૈયાર છે રાહ બસ એ વાતની છે કે વૈજ્ઞાનિકો એના સુરક્ષિત અને અસરકારક હોવા પર મોહર લગાવી દે.

પાકિસ્તાનમાં કોરોનાનો હાહાકાર

બીજી તરફ પાકિસ્તાનમાં કોવિડ-19ના સંક્રમણના કેસ 90 હજારને પાર પહોંચી ગયા છે, ત્યાં જ આ મહામારીથી મૃત્યુનો આંક 1,900ને પાર પહોંચી ગયો છે. પંજાબ પ્રાંતમાં સૌથી વધુ મોત થયા છે.

પાકિસ્તાનમાં સંક્રમણના સૌથી વધુ કેસ સિંધ પ્રાંતમાં છે જ્યાં આ સંખ્યા 34,000 છે તો પંજાબ પ્રાંતમાં પાછલા 24 કલાકમાં 30 લોકોનાં મૃત્યુ થયા છે જે બાદ આ પ્રાંતમાં કોરોના વાઇરસ સંક્રમણથી મૃત્યુનો કુલ આંક 659 પર પહોંચ્યો છે.

કોરોના વાઇરસ મહામારીએ પાકિસ્તાનની સ્વાસ્થ્ય સેવાઓની ખામીઓ ખુલ્લી પાડી દીધી છૈ.

અમેરિકાએ રસી બનાવી લીધાનો ટ્રમ્પનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કયું છે કે અમેરિકાએ કોવિડ-19 સંક્રમણથી બચવા માટે 20 લાખ વૅક્સિન તૈયાર કરી લીધી છે.

તેમણે કહ્યું કે આ વૅક્સિન ઉપયોગ માટે તૈયાર છે, રાહ બસ એ વાતની છે કે વૈજ્ઞાનિકો એના સુરક્ષિત અને અસરકારક હોવા પર મહોર લગાવી દે.

ટ્રમ્પે આ દાવો શુક્રવારે થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં કર્યો. એમણે વૅક્સિન તૈયાર હોવાની વાત ચોક્કસ કહી પરંતુ સાથે જ એમ પણ કહ્યું કે હજી એના સુરક્ષિત હોવા વિશેની ખાતરી નથી થઈ એટલા માટે મોટાપાયે મનુષ્યો પર પરીક્ષણ પહેલાં એને વૈજ્ઞાનિકોની મંજૂરી મળવી જરૂરી છે.

જો કે ટ્રમ્પે એ નથી જણાવ્યું કે તેઓ કઈ કંપની કે પછી કઈ ખાસ વૅક્સિનની વાત કરી રહ્યા છે.

એમણે કોઈ નિયત સમયમર્યાદા પણ નથી જણાવી કે ક્યાં સુધી એનો ઉપયોગ શરૂ થઈ શકે છે.

એમની આ પત્રકારપરિષદ પછી અમેરિકાના વરિષ્ઠ સંક્રામક રોગનિષ્ણાત ડૉક્ટર એન્થની ફાઉચીએ કહ્યું કે તેઓ આના પર કોઈ ટિપ્પણી નહીં કરી શકે અને એમને રાષ્ટ્રપતિના નિવેદન વિશે જાણકારી નથી.

જોકે મંગળવારે ડૉક્ટર ફાઉચીએ એક મેડિકલ સેમિનારમાં આશા વ્યક્ત કરી હતી કે આવતા વર્ષ સુધી લાખો વૅક્સિન તૈયાર થઈ જશે.

'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે અમેરિકી વહીવટીતંત્રએ રસી બનાવવા માટે પાંચ કંપનીઓને કામે લગાડી છે. અમેરિકામાં અનેક કંપનીઓ વૈજ્ઞાનિકોની મંજૂરી પહેલાં જ મોટાપાયે વૅક્સિન બનાવવાની હોડમાં લાગી લાગી ગઈ છે.

આમાં મૉડેર્ના, નોવાવૅક્સ અને ફાઇઝર જેવી કંપનીઓ સામેલ છે.

ડૉક્ટર ફાઉચીએ મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ દોડમાં મૉડેર્ના હાલ સૌથી આગળ છે.

24 કલાકમાં ભારતમાં સંક્રમણના રેકર્ડ કેસ નોંધાયા

ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના સંક્રમણ અને એનાથી થયેલાં મૃત્યુની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે.

પાછલા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના 9,887 કેસ સામે આવ્યા છે. ત્યાં જ 294 લોકોનાં મોત થયાં છે.

આની સાથે જ દેશમાં સંક્રમણના કુલ કેસ બે લાખ 36 હજારને પાર પહોંચી ગયા છે અને અત્યાર સુધી કુલ 6,642 લોકોનાં મોત થયાં છે.

સ્વાસ્થ્યમંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડામાં જણાવાયું છે કે કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં એક લાખ 14 હજાર લોકો સ્વસ્થ પણ થયા છે.

આ આંકડા સાથે ભારત કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ઇટાલીને પાછળ મૂકીને છઠ્ઠા ક્રમે આવી ગયું છે.

ગુજરાતમાં 1190નાં મૃત્યુ

કોરોના વાઇરસના સંક્રમણને લીધે ગુજરાતમાં અત્યાર સુધીમાં 1190 લોકોનાં મૃત્યુ થયાં છે.

શુક્રવારે સાંજે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં 510 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

જે પૈકી સૌથી વધારે 324 કેસ અમદાવાદમાં, 67 કેસ સુરતમાં, 45 કેસ વડોદરામાં તથા 21 કેસ ગાંધીનગરમાં નોંધાયા હતા.

જેની સામે 24 કલાકમાં રાજ્યભરમાંથી 344 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 35 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

રાજ્યમાં હાલ કુલ ઍક્ટિવ કેસોની સંખ્યા 4,918 છે.

સંભવિત વૅક્સિનનું ઉત્પાદન શરૂ

બ્રિટનની દવાઉત્પાદક કંપની ઍસ્ટ્રાઝૅનેકાએ કોરોના વાઇરસની સારવાર માટે તૈયાર કરેલી સંભવિત રસીનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.

જોકે આ રસી હજુ પહેલા તબક્કાના પરીક્ષણમાં જ સફળ સાબિત થઈ છે. કંપનીએ ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે મળીને આ રસીને વિકસિત કરી છે અને હાલ એની ટ્રાયલ ચાલી રહી છે.

પરંતુ કંપનીના માલિક પાસ્કલ સૉરિએટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ઍસ્ટ્રાઝૅનેકાનું માનવું છે કે અમારે અત્યારથી જ આ રસીના ઉત્પાદનનું કામ શરૂ કરી દેવું જોઈએ જેથી જ્યારે આ રસી દરેક ટ્રાયલમાં અસરકારક સાબિત થઈ જાય તો અમે એની માગ વધતાં એને પહોંચી વળાય.

ઍસ્ટ્રાઝૅનેકા કંપનીનું કહેવું છે કે તે આ રસીના બે અબજ નમુના સપ્લાય કરવા માટે સક્ષમ હશે.

પાસ્કલ સૉરિએટે બીબીસી સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું, "અમે એ જોખમની જાણકારી સાથે આગળ વધી રહ્યા છીએ કે જો વૅક્સિન અસરકારક સાબિત ન થઈ તો અમારે એની ઘણી મોટી આર્થિક કિંમત ચૂકવવી પડી શકે છે કારણ કે આ દરમિયાન અમે જે પણ કંઈ તૈયાર કરીશું અંતે એ બધું નકામું સાબિત થઈ જશે."

કોરોના અપડેટ : એ દેશ જેણે પોતાને વાઇરસથી મુક્ત જાહેર કર્યો

પ્રશાંત મહાસાગરમાં સ્થિત ફિજી દ્વીપે પોતાને કોરોનાવાયરસથી મુક્ત જાહેર કર્યો છે.

ફિજીના વડા પ્રધાન ફ્રૅન્ક બૅનીમારામાએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

એમણે લખ્યું, "ફિજીનો અંતિમ દર્દી પણ સાજો થઈ ગયો છે.અમારે ત્યાં કોરોના સંક્રમણના પરીક્ષણની સંખ્યા રોજેરોજ વધી રહી છે. આ 45મો દિવસ છે જ્યારે કોઈ પણ નવો કેસ સામે આવ્યો નથી. ફિજીમાં કોવિડ-19થી કોઈ મૃત્યુ થયું નથી. અમારો રિકવરી રૅટ સો ટકા છે."

તેમણે એમ પણ લખ્યું કે 'બધી દુઆ કબૂલ થઈ. આકરી મહેનત અને વિજ્ઞાન પર વિશ્વાસ રાખીને અમે આ સિદ્ધ કરી શક્યા.'

પ્રશાંત મહાસાગરમાં આવેલા ફિજીમાં વાઇરસનો પહેલો કેસ માર્ચ મહિનાના મધ્યમાં નોંધાયો હતો.

સુપ્રીમ કોર્ટમાં શ્રમિકો મામલે સુનાવણી

લૉકડાઉનને પગલે દેશમાં સર્જાયેલા પ્રવાસી શ્રમિકોના સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવાણી યોજાઈ.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું અત્યાર સુધી એક કરોડથી વધુ પ્રવાસીઓને એમના વતન સુધી પહોંચાડવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે આ શ્રમિકોને એમના વતન સુધી પહોંચાડવા માટે ત્રણ જૂન સુધી 4,228થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી.

સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું કે તમામ પ્રવાસી શ્રમિકોને એમના વતન સુધી પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્યોને પંદર દિવસનો સમય આપવાની એની મંશા છે.

સુનાવણી દરમિયાન જસ્ટીસ અશોક ભૂષણે કહ્યું કે તમામ રાજ્યો જણાવે કે તેઓ તેમના રાજ્યમાં પરત ફરેલા પ્રવાસી શ્રમિકોને શું રાહત ઉપલબ્ધ કરાવી શકે છે અને કઈ રીતે એમના રોજગારને સુનિશ્ચિત કરનાર છે.

કોર્ટે રાજ્યોને શ્રમિકોની એક યાદી તૈયાર કરવા કહ્યું છે જેથી એ જાણી શકાય કે શ્રમિકો ક્યાંથી અને કેવી રીતે પરત ફર્યા છે.

પ્રવાસી શ્રમિકો માટેના પરિવહન, નોંધણી અને રોજગારના મામલે સુપ્રીમ કોર્ટ 9 જૂન અને મંગળવારે તેનો નિર્ણય સંભળાવશે.

દરમ્યાન રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગે પ્રવાસી શ્રમિકોના મામલે દિશાનિર્દેશો જારી કરવા અને આયોગને પણ સુનાવણીનો ભાગ બનાવવા માટે સુપ્રીમ કૉર્ટના દરવાજા ખટખટાવ્યા છે

નિઝામુદ્દીન મરકઝ કેસમાં સીબીઆઈ તપાસનો ભારત સરકારનો ઇન્કાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ આજે દાખલ કરેલી ઍફિડેવિટ પ્રમાણે નિઝામુદ્દીન મરકઝ સંમેલન મામલે CBI તપાસની જરૂર નથી એમ કહ્યું છે. સમાચાર એજન્સી એએનઆઇના હવાલાથી પ્રસારિત કરાયેલા સમાચાર પ્રમાણે કેન્દ્ર સરકારે આ ઍફિડેવિટમાં કહ્યું છે કે આ મામલામાં કાયદા પ્રમાણે જ દૈનિક આધારે તપાસ કરવામાં આવી રહી છે અને નિશ્ચિત સમય મર્યાદામાં અહેવાલ રજૂ કરી દેવાય એના પણ તમામ પ્રયાસ કરવામાં આવે છે.

મહત્વનું છે કે દેશમાં કોરોના વાઇરસ મહામારીનો પ્રથમ હૉટસ્પૉટ દિલ્હીમાં નિઝામુદ્દીન સ્થિત મરકઝ બન્યો હતો. લૉકડાઉન અગાઉ શરૂ થયેલા તબલીગી જમાતના મેળાવડામાં ભાગ લેવા અહીં અનેક લોકો દેશ વિદેશથી આવેલા હતા અને અનેક પૉઝિટિવ કેસો સામે આવ્યા હતા.

દેશના કેટલાક સ્થળોએ કોરોના સંક્રમણ માટે તબલીગી જમાત મરકઝને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો અને શરૂઆતમાં સરકાર પણ દરરોજ મરકઝ સંબંધિત મામલાઓ જાહેર કરતી હતી.

જમ્મૂ સ્થિત એક વકીલે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાતના સંમેલન મામલે CBI તપાસની માગ કરતી પિટિશન સુપ્રીમ કૉર્ટમાં દાખલ કરી. જે મામલે કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરી સીબીઆઈ તપાસની જરૂરિયાત ન હોવાનું કહ્યું છે.

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કોણ આગળ-કોણ પાછળ?

કોરોના વાઇરસની મહામારીનો કેર વધતો જ જઈ રહ્યો છે. દુનિયામાં કોરોનાના કેસોની સંખ્યા 66 લાખને પાર કરી ગઈ છે અને 3 લાખ 89 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.

કોરોના વાઇરસ સંક્રમણના કેસ ન માત્ર ભારત, પરંતુ પાકિસ્તાન બાંગ્લાદેશ અને નેપાળમાં પણ ઝડપથી વધી રહ્યા છે

દુનિયાના આ ભાગમાં વિશ્વની સમગ્ર વસતીનો પાંચમા ભાગથી વધારે હિસ્સો રહે છે એ જોતા આ એક ગીચ વસતી ધરાવતો વિસ્તાર છે અને અહીં સંક્રમણ મોટી સંખ્યામાં ફેલાવાની આશંકા રહેલી છે.

જોવામાં આવ્યું છે કે લૉકડાઉનના પ્રતિબંધોમાં છૂટછાટ બાદ આ દેશોમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થયો છે.

પાકિસ્તાનમાં અત્યાર સુધી કોવિડ-19ના 86 હજાર 139 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. ગુરૂવારે પાકિસ્તાને સંક્રમણના મામલામાં ચીનને પાછળ છોડયું હતું.

ત્યાં જ બાંગ્લાદેશમાં પણ અત્યાર સુધી 57 હજારથી વધુ કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે.

નેપાળ સરકાર અનુસાર એમને ત્યાં 2600થી વધારે મામલાઓની પુષ્ટિ થઈ છે જે બે સપ્તાહ પહેલાની સરખામણીએ અનેક ગણા વધારે છે.

ભારતમાં પણ શુક્રવારે કોવિડ-19ના મામલાઓમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે.

અહીં એક દિવસમાં 9800થી વધુ કેસ સામે આવ્યા છે જે બાદ ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2 લાખ 26 હજાર 770 થઈ ગઈ છે જેમાંથી 1 લાખ 10 હજાર 960 સંક્રમણના સક્રિય કેસ છે.

ભારતમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 74860 કેસ છે. દિલ્હીમાં 23645 કેસ છે, તમિલનાડુમાં 25872 કેસ, અને ગુજરાતમાં 18100 કેસ છે.

જોકે આ બધા દેશોમાં મહામારીનો મૃત્યુઆંક હાલ પશ્ચિમી દેશોની સરખામણીએ ઘણો ઓછો છે.

ભારત સરકાર અનુસાર કોવિડ-19થી અત્યાર સુધી 6,348 લોકોનાં મૃત્યુ થયા છે. જોકે આ દેશોમાંથી ભારતમાં જ મહામારીથી મરનારાઓની સંખ્યા સૌથી વધુ છે.

ભારત પછી પાકિસ્તાન છે જ્યાં 1793 લોકોનાં સંક્રમણને કારણે મૃત્યુ થયા છે.

બાંગ્લાદેશમાં 781 અને નેપાળમાં 10 લોકો અત્યાર સુધી કોરોના વાઇરસ સંક્રમણને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

વિશેષજ્ઞોને એ વાતનો ડર છે કે ક્યાંક એવું ન હોય કે ઓછા પરીક્ષણને કારણે આ આંકડાઓ ઓછા દેખાતા હોય.

સાથે જ એમ પણ માનવામાં આવી રહ્યું છે કે આ બધા જ દેશોમાં મહામારીનો પીક પોઇન્ટ આવવો હજુ બાકી છે જેને કારણે આ દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોની ચિંતા સતત વધી રહી છે.

દિલ્હી મેટ્રો સ્ટાફના 20 સભ્યો કોરોના પૉઝિટિવ

દિલ્હી મેટ્રો સ્ટાફના 20 સભ્યો કોરોના પૉઝિટિવ આવ્યા છે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓએ સમાચાર એજન્સી એએનઆઇને માહિતી આપતા કહ્યું કે આ બધા જ કર્મચારીઓ હાલ ઍસિમ્પટોમૅટિક છે એટલે કે તેઓમાં હાલ કોરોનાના કોઈ દેખીતા લક્ષણો નથી અને તેઓનું સ્વાસ્થ્ય હાલ સારું છે..

મહત્વનું છે કે અનલૉક-1 હેઠળ અનેક સેવાઓ અને વેપારો શરૂ કરવાની સરકારે મંજૂરી આપી છે પણ દિલ્હી સહિતના શહેરોમાં મેટ્રો સેવાઓ હાલ બંધ છે અને મેટ્રો સેવાઓના શરુ કરવાને લઇને પણ સરકાર તરફથી હાલ કોઈ માહિતી આપવામાં નથી આવી. કોરોના વાઇરસ મહામારીને કારણે દિલ્હીમાં મેટ્રો સર્વિસ 22 માર્ચથી સ્થગિત છે. સેવાઓ શરૂ થાય એ પહેલા જ દિલ્હી મેટ્રોના 20થી વધુ સ્ટાફ સભ્યોનું કોરોના પૉઝિટિવ હોવું એ મેટ્રો સેવાઓ શરૂ કરવાને લઇ ચિંતાનો વિષય બને છે.

દક્ષિણ આફ્રિકાથી તુર્કી સુધી કોરોનાનો કેર

દક્ષિણ આફ્રિકામાં પણ કોરોના વાઇરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે.

પાછલા 24 કલાકમાં દક્ષિણ આફ્રિકામાં સંક્રમણના 3267 કેસ સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા 40,792 થઈ ગઈ છે, તો કોવિડ-19થી મૃત્યુનો આંક 848 છે.

તો તુર્કીમાં સપ્તાહના અંતે 15 શહેરોમાં લૉકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. તુર્કીના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે લૉકડાઉન દરમ્યાન બેકરી અને કેટલીક ખાસ દુકાનો ખુ્લ્લી રહેશે. તુર્કીમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 67 હજાર 410 પર પહોંચી ગઈ છે.

ઈરાનમાં કોરોના વાઇરસના કેસ ફરી ઝડપથી વધ્યા

ઇરાનમાં કોરોના વાઇરસના કેસ ફરી ઝડપથી વધતા એવી આશંકા વધી છે કે આ બીજા તબક્કાનો કોરોના વાઇરસનો હુમલો હોઈ શકે છે.

ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર બુધવારે દેશમાં કોવિડ-19ના 3,575 નવા કેસ સામે આવ્યા છે. આમ સતત ત્રીજા દિવસે નવા કેસની સંખ્યા 3,000થી વધુ છે.

ઈરાનમાં વધુ 59 લોકોએ કોરોના વાઇરસના સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે અને મહામારીથી મૃતકોની કુલ સંખ્યા વધીને 8,071 થઈ ગઈ છે.

ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે લોકો જો સ્વચ્છતાનું ધ્યાન નહીં રાખે અને સામાજિક અંતર નહીં જાળવે તો પ્રતિબંધોને ફરી લાગુ કરવા પડી શકે છે.

ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 9851 કેસ

ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાવાયરસથી સંક્રમણના 9851 કેસ સામે આવ્યા છે અને 273 લોકોના મોત થયા છે.

દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 25 હજાર પર પહોંચી ગઈ છે. આ સાથે જ ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2 લાખ 26 હજાર 770 થઈ ગઈ છે અને મરનારાઓની સંખ્યા 6348 છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR)ના આંકડા પ્રમાણે દેશમાં અત્યા સુધી 43 લાખ 86 હજાર 379 કોવિડ-19 નમૂનાઓનું પરીક્ષણ થયું છે.

છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 માટે પરીક્ષણ કરાયેલા નમૂનાઓની સંખ્યા 1 લાખ 43 હજાર 661 છે..

ગુજરાતમાં કોરોના વાઇરસના 492 નવા કેસ, અમદાવાદ ટોચ ઉપર

બુધવાર સાંજથી 24 કલાકના ગાળા દરમિયાન ગુજરાતમાં 492 નવા કેસ નોંધાયા છે, જ્યારે 33 દરદીઓનાં મૃત્યુ થયાં છે. નવા કેસ તથા મૃત્યુની બાબતમાં અમદાવાદ ટોચ ઉપર છે.

અમદાવાદમાં 291 નવા કેસ નોંધાયા છે, જ્યારે 28 પેશન્ટ મૃત્યુ પામ્યાં છે. શહેરમાં 296 દરદી સાજા થઈને ઘરે ગયા છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે, રાજ્યમાં બે લાખ 20 હજાર 695 લોકો ક્વોરૅન્ટીન છે, જેમાં બે લાખ 13 હજાર 262 હોમ ક્વોરૅન્ટીન છે, જ્યારે સાત હજાર 433 વ્યક્તિ ફૅસિલિટી ક્વોરૅન્ટીન (ખાનગી કે સરકારી)માં રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં સાજા થવાનો દર 68.09 ટકા ઉપર પહોંચ્યો છે, જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં બે લાખ 33 હજાર 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોવિડ-19ને કારણે 1,155 લોકો મૃત્યુ પામ્યાં છે. 4,779 પેશન્ટ સારવાર હેઠળ છે, જેમાંથી 68 વૅન્ટિલેટર ઉપર છે, જ્યારે 4,711ની સ્થિતિ સ્થિર છે.

જ્યોર્જ ફ્લૉઇડ હતા કોરોના સંક્રમિત

આફ્રિકી મૂળના અમેરિકન નાગરિક જ્યોર્જ ફ્લૉઇડ કે જેમની હત્યા પછી અમેરિકામાં વિરોધપ્રદર્શનોનો ઘટનાક્રમ શરૂ થયો તેમના વિશે જાણકારી બહાર આવી છે કે તેમના મોતના કેટલાક સપ્તાહ પહેલાં તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા.

જ્યોર્જ ફ્લૉઇડના 20 પાનાંની રિપોર્ટમાં આ વાત સામે આવી છે, જે અનુસાર ત્રણ એપ્રિલે એ વાતની ખાતરી થઈ હતી કે જ્યૉર્જ કોરોનાવાયરસથી સંક્રમિત છે.

આ રિપોર્ટમાં તપાસકર્તાઓ તરફથી એમ પણ કહેવાયું છે કે કોરોના વાઇરસ કે પછી અન્ય કોઈપણ વાઇરસનો જિનેટિક કોડ માનવશરીરમાં સપ્તાહો સુધી રહી શકે છે, એટલે એવી પણ શક્યતા છે કે જે વખતે જ્યોર્જનુ મોત થયું એમનામાં કોવિડ-19ના લક્ષણ દેખાવાના બંધ થઈ ગયા હોય, પરંતુ એ દરમિયાન તેઓ સંક્રમિત હોય.

ડૉક્ટર માઇકલ બાઇડન જેઓ ન્યૂ યૉર્ક સિટીના ભૂતપૂર્વ મેડિકલ પરીક્ષક છે એમણે જ જ્યોર્જ ફ્લૉઇડના પરિવારના કહેવાથી આ બિનસરકારી ઑટોપ્સી કરી છે.

તેમણે 'ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ' સમાચારપત્રને કહ્યું કે કાઉન્ટીના અધિકારીઓએ તેમને એ સૂચના નહોતી આપી કે ફ્લૉઇડ કોવિડ-19 થી સંક્રમિત મળ્યા હતા.

તેમણે કહ્યું કે જો તમે કોઈ એવા મૃતદેહની તપાસ કરી રહ્યા હો, જેને કોરોના વાઇરસનું સંક્રમણ હતું, તો એ મૃતદેહના સંપર્કમાં આવનાર તમામ લોકોને એના વિષે જણાવવું જરૂરી છે. આ વિશે નિ:શંકપણે વધુ સાવધાની રાખી શકાય તેમ હતી.

કોવિડ-19ના પરીક્ષણની ચોકસાઈ અંગે સવાલ

દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દર જૈને સમાચાર એજન્સી એ.એન.આઈ. સાથેની વાતચીતમાં આક્ષેપ મૂકતા કહ્યું કે દિલ્હીમાં ડૉ. રામ મનોહર લોહિયા (RML) હૉસ્પિટલ ટેસ્ટ રિપોર્ટ્સ સમયસર આપતી નથી. 70 ટકા દર્દીઓના હૉસ્પિટલ પહોંચતાના 24 કલાકની અંદર જ મોત થઈ રહ્યા છે, કારણ કે તેમનો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ આવતા પાંચથી સાત દિવસ લાગી જાય છે.તેમણે માગ કરી હતી કે ટેસ્ટ-રિપોર્ટ 24 કલાકની અંદર આવી જવા જોઇએ.

જૈનના કહેવા પ્રમાણે, હાલમાં જ RML હૉસ્પિટલે એક દિવસમાં કરેલા કુલ ટેસ્ટમાંથી 94 ટકા પૉઝિટિવ ગણાવાયા હતા, પરંતુ એનુ રિટેસ્ટિંગ કરતા અમને જણાયું કે એમાંથી 45 ટકા કેસ નૅગેટિવ છે. તેમણે કેન્દ્રના આરોગ્યમંત્રી સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી છે.

વૅક્સિનમાં લાગશે અઢી વર્ષ

વિશ્વ આરોગ્ય સંસ્થાના વિશેષ દૂત ડેવિડ નાબારોનું કહેવું છે કે કોવિડ-19 વાઇરસ વિરુદ્ધની અસરકારક રસી શોધતા દોઢ વર્ષનો સમય થશે અને તેને વિશ્વની જનતા સુધી પહોંચતા વધુ એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

બી. બી. સી. સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ સાથે વાત કરતાં નાબારોએ આ વાત કહી હતી.

65 લાખને પાર કેસ

વિશ્વભરમાં જે રીતે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલ લૉકડાઉન અને પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે તેને જોતા એવું લાગી શકે કે આ મહામારીનો કદાચ અંત આવી ગયો છે.

પરંતુ હજુ પણ લેટિન અમેરિકામાં અનેક હૉટસ્પૉટ છે. ભારત જેવા ગીચ વસ્તીવાળા દેશમાં સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે અને ઈરાનમાં ફરી એકવાર કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

અમેરિકાની જ્હોન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર દુનિયામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 65 લાખ 51 હજાર 600થી વધુ થઈ ગઈ છે, તો આ મહામારીને કારણે મૃત્યુઆંક પણ 3 લાખ 86 હજારને પાર પહોંચી ગયો છે

વાસ્તવિકતા એ છે કે વિશ્વના મોટાભાગના દેશ જ્યાં કોરોના વાઇરસ સંક્રમણનો પ્રભાવ રહ્યો છે એમને ડર છે કે સંક્રમણનો બીજો તબક્કો ક્યાંક તેમને ઝપટમાં ન લઈ લે.

ભારતનું લૉકડાઉન નિર્દયી - રાહુલ બજાજ

કોરોના મહામારી વચ્ચે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ રાહુલ બજાજ સાથે વાતચીત કરી હતી.

રાહુલ ગાંધી : કોવિડ સંકટમાં તમારે ત્યાં શું સ્થિતિ છે?

ઉદ્યોગપતિ રાજીવ બજાજ : મને લાગે છે આપણે બધા અનિશ્ચિતતા વચ્ચે કંઈક નિશ્ચિત શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ બધા માટે એક નવો અનુભવ છે. આ એક કડવો-મીઠો અનુભવ છે. અમારા જેવા કેટલાક લોકો જે આ સહન કરી શકે છે તેઓ ઘર પર રહેવાથી વધુ દુઃખી નથી. પરંતુ જ્યારે તમે આસપાસના વ્યવસાય અને જનતાની સ્થિતિ જુઓ છો તો એ નિશ્ચિત રીતે મીઠપની સરખામણીએ કડવાશ વધારે છે. એટલે દરેક દિવસ એક નવો બોધપાઠ લઈને આવે છે કે એને કેવી રીતે સહન કરવો. એ સારવારની દૃષ્ટિએ હોય, વ્યાપારની દૃષ્ટિએ કે વ્યક્તિગત રીતે.

રાહુલ ગાંધી: આ ઘણી ગંભીર બાબત છે મને નથી લાગતું કે કોઈએ એવું વિચાર્યું હોય કે વિશ્વભરમાં આ રીતે લૉકડાઉન કરી દેવાશે. હું નથી સમજતો કે વિશ્વયુદ્ધ દરમિયાન પણ દુનિયા બંધ કરી દેવાઈ હતી. ત્યારે પણ વસ્તુઓ ખુલ્લી હતી. આ અકલ્પનીય અને વિનાશક પરિસ્થિતિ છે.

રાજીવ બજાજ : મારા પરિવારજન અને કેટલાક મિત્રો જાપાનમાં છે. કારણકે કાવાસાકી સાથે અમારુ જોડાણ છે. કેટલાક લોકો સિંગાપોરમાં છે. યુરોપમાં ઘણી બધી જગ્યાએ મિત્રો છે. અમેરિકા, ન્યૂયોર્ક, મિશિગન, વૉશિંગ્ટન ડીસીમા નજીકના મિત્રો અને પરિવારના સભ્યો છે. જ્યારે તમે એમ કહો છો કે વિશ્વમાં આ રીતે ક્યારેય લૉકડાઉન લગાવવામાં નથી આવ્યું પરંતુ જે રીતે ભારતમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે એ એક ડ્રેકોનિયન એટલે કે નિર્દયી લૉકડાઉન છે કારણકે આ પ્રકારના લૉકડાઉન વિશે ક્યાંયથી સાંભળી નથી રહ્યો. વિશ્વભરમાં મારા બધા મિત્રો અને પરિવારના સભ્યો હંમેશા બહાર નીકળવા, ટહેલવા, ફરવા અને જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા તથા કોઈને પણ મળવા અને નમસ્તે કહેવા માટે સ્વતંત્ર છે. એટલા માટે આ લૉકડાઉનની સામાજિક અને ભાવનાત્મક બાજુઓના સંદર્ભમાં કહીએ તો એ લોકો વધારે સારી સ્થિતિમાં છે.

રાહુલ ગાંધી :અને આ અચાનક થયું. તમે જે કડવી-મીઠીવાળી વાત કહી એ મારા માટે ચોંકાવનારી છે. જુઓ, સમૃદ્ધ લોકો આને પહોંચી વળી શકે છે. એમની પાસે ઘર છે, આરામદાયક માહોલ છે પરંતુ ગરીબ લોકો અને પ્રવાસીઓ શ્રમિકો માટે આ સંપૂર્ણ રીતે વિનાશક છે. એમણે હકીકતમાં આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે, ઘણા લોકોએ કહ્યું છે કે તેઓ વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. વિશ્વાસ જ નથી રહ્યો, અને મને લાગે છે કે આ ઘણું દુઃખદ અને દેશ માટે ખતરનાક છે.

રાજીવ બજાજ: મને શરૂઆતથી જ લાગે છે, આ મારો વિચાર છે. આ સમસ્યાના દૃષ્ટિકોણ વિશે એ નથી સમજી શક્યો કે એશિયાઈ દેશ હોવા છતાં આપણે પૂર્વના દેશો તરફ ધ્યાન નથી આપ્યું. આપણે ઇટાલી, ફ્રાન્સ, સ્પેન, બ્રિટન અને અમેરિકા તરફ જોયું જે હકીકતમાં કોઈપણ રીતે સાચો માપદંડ નથી. પછી એ જન્મજાત રોગપ્રતિકારક ક્ષમતા હોય, તાપમાન કે પછી વસતી કે ભૌગોલિક પરિસ્થિતિ હોય. વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ જે કંઈ કહ્યું છે એ સાચું છે કે, આપણે એમના તરફ ક્યારેય જોવું જોઈતું ન હતું. જો મેડિકલ દૃષ્ટિએ જોવામાં આવે તો એક ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માળખું સ્થાપિત કરવાથી શરૂ કરવું પડશે. આપણે બધા જાણીએ છીએ કે આ પ્રકારની સ્થિતિ ને પહોચી વળવા માટે એવું કોઈપણ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોઈ ન શકે જે પૂરતું હોય. પરંતુ કોઈપણ આપણને એ કહેવા માટે તૈયાર ન હતું કે કેટલા ટકા લોકો જોખમમાં છે. એવું દેખાય છે કે અથવા તો આપણે પોતાને તૈયાર કરી રહ્યા છીએ અથવા કદાચ આપણે પોતાને તૈયાર નથી કરી શકતા. આવું કહેવું રાજકીય રીતે યોગ્ય નથી. પરંતુ જેમ કે નારાયણ મૂર્તિજી હંમેશા કહે છે કે, જ્યારે આશંકા હોય તો હંમેશા એને સ્પષ્ટ કહેવી જોઈએ. મને લાગે છે કે આપણે ત્યાં ખુલીને વાત કરવા, તર્ક આપવા અને સચ્ચાઈ કહેવાને મામલે કમી રહી ગઈ છે. અને પછી એ વધતું ગયું અને લોકોમાં એટલો બધો ડર ઊભો કરી દેવાયો છે કે લોકોને લાગે છે કે આ બીમારી એક સંક્રમક કૅન્સર કે પછી કંઈક એના જેવી છે. હવે લોકોના વિચાર બદલવા અને જીવનને ફરી પાટા પર લાવવા તથા એમને વાઇરસ સાથે જીવન સહજ બનાવવાની નવી શિખામણ સરકાર તરફથી આવી રહી છે. આમાં લાંબો સમય લાગવાનો છે. આપને શું લાગે છે? મને તો એવું જ લાગે છે.

ભારતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો, 24 કલાકમાં 9304 નવા કેસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કોવિડ-19ના કેસોમાં દૈનિક સ્તરે વિક્રમી વધારો નોંધાયો છે.

પાછલા 24 કલાકમાં કોવિડ-19ના 9304 નવા મામલા સામે આવ્યા છે જે પછી ભારતમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 2 લાખ 16 હજાર 919 થઇ ગઈ છે.

પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણથી 260 લોકોનાં મૃત્યુ થયા છે. ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા હવે 6075 પર પહોંચી ચૂકી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 1 લાખ 6 હજાર 737 લોકોમાં આ સંક્રમણ સક્રિય છે, તો 1 લાખ 4 હજાર 107 લોકો સારવાર પછી સંપૂર્ણ સ્વસ્થ થયા છે.

દરમિયાન આઇસીએમઆરે દાવો કર્યો છે કે તેમણે કોવિડ-19ના પરીક્ષણની સંખ્યા વધારી છે.

આઇસીએમઆરના અધિકારીઓએ ગુરૂવારે સવારે જાણકારી આપી કે પાછલા 24 કલાકમાં કોવિડ-19ના પરીક્ષણ માટે 1 લાખ 39 હજાર 485 નમૂના લેવામાં આવ્યા છે અને અત્યાર સુધી દેશમાં 42 લાખ 42 હજાર 718 ટેસ્ટ થયા છે.

ચીને કહ્યું, 'WHOને કોરોનાની જાણકારી આપવામાં મોડું નથી કર્યું'

ચીનના વિદેશ મંત્રાલયે તેમની સરકાર દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોના વાઇરસ સંબંધિત ડેટા મોડેથી ઉપલબ્ધ કરાવવાના દાવાનું ખંડન કર્યું છે

ચીનની સરકારે કહ્યું છે કે આ પ્રકારના દાવા સત્યથી વેગળા છે અને એને રજૂ કરવા 'ગંભીર રૂપે અસંગત' છે.

ચીનની સરકારની આ પ્રતિક્રિયા સમાચાર એજન્સી એપીમાં છપાયેલા એક અહેવાલ પછી આવી જેમાં દાવો કરાયો હતો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીઓમાં એ વાતને લઈને 'ઘણી નિરાશા' રહી છે કે ચીનથી તેમને મહામારી સાથે જોડાયેલી જરૂરી માહિતી સમય પર ન મળી.

આ અહેવાલમાં કેટલાક રેકોર્ડિંગ્સના આધાર પર દાવો કરાયો છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાર્વજનિક રૂપે ચીનની પ્રશંસા એટલા માટે કરતું આવ્યું છે જેથી તેઓ ચીનની સરકાર પાસેથી વધુમાં વધુ માહિતી મેળવવામાં સફળ થઈ શકે.

પરંતુ ચીનની સરકારે આ અહેવાલને પાયાવિહોણો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે ચીને કોરોનાવાઇરસ પર જે કામ કર્યું છે તે સમગ્ર વિશ્વ માટે ઉપલબ્ધ છે, ડેટા એકદમ સ્પષ્ટ છે અને અમને વિશ્વાસ છે કે તે દરેક તપાસમાં સાચા સાબિત થઈ શકે છે.

આ દરમિયાન ચીનના નાગરિક ઉડ્ડયન નિયામકે કહ્યું છે કે તે વિદેશી ઍરલાઇન્સને ચીનમાં પ્રવેશની પરવાનગી આપશે પરંતુ હાલ નહી.

હકીકતમાં શાંઘાઇથી પ્રકાશિત થતાં સમાચાર પત્ર 'ધ પેપર'તરફથી ચીનના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના આદેશને ટાંકીને આ રિપોર્ટ આપ્યો હતો કે ચીનની સરકાર કેટલીક પસંદગીની વિદેશી વિમાન કંપનીઓને ચીનમાં ઉડાનની મંજૂરી આપવા માંગે છે.

અહેવાલ અમેરિકાના એ આદેશ બાદ પ્રકાશિત થયો જેમાં બધી ચીની વિમાન કંપનીઓની ઉડાનો પર અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો કારણ કે ચીન અમેરિકી કંપનીઓને ચીનમાં પ્રવેશવા પર રોક લગાવી ચૂક્યું છે.

બ્રાઝિલમાં 2 હજાર લોકો પર થશે કોરોના વૅક્સિનનું પરીક્ષણ

કોરોના વાઇરસ મહામારીના કેસોની સંખ્યા દુનિયામાં 64 લાખ 44 હજારને પાર કરી ગઈ છે અને અત્યાર સુધી 3 લાખ 82 હજારથી વઘારે લોકોનાં મૃત્યુ થયા છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 2 લાખ 16 હજારને પાર કરી ગઈ છે અને 6 હજાર લોકોનાં મૃત્યુ થયા છે.

બ્રિટનમાં 40 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે તો બ્રાઝિલમાં 31 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. બ્રિટનમાં દેશ બહારથી અવરજવર કરનાર માટે 14 દિવસનું ક્વોરૅન્ટીન ફરજિયાત કરવામાં આવ્યું છે અને આ મુદ્દે 1000 પાઉન્ડનો દંડ નક્કી કરાયો છે.

સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં 1 લાખ 7 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.

ઇટાલીમાં સ્થાનિક પ્રવાસ પર રાહત આપવામાં આવી છે તો ઉત્તર કોરિયામાં પ્રાથમિક શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે.

બુધવારે અહેવાલ હતો કે ચીને શરૂઆતમાં કોરોનાની જાણકારી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આપવામાં મોડું કર્યુ હતું. એ અહેવાલને ચીને ફગાવી દીધો છે. જોકે, અમેરિકાનો આરોપ છે કે ચીને જાણકારી ન આપી.

ગુરૂવારે ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણનો એક નવો કેસ સામે આવ્યો છે.

ઑસ્ટ્રિયાએ આજથી પોતાની સરહદો ખોલવાનો નિર્ણય કર્યો છે. હવે દેશની સરહદો અન્ય યુરોપિયન દેશો માટે ખુલશે. જોકે, આ રાહત ઇટાલી માટે લાગુ નહીં પડે.

કોરોના માટેની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિનને લઈને વિવાદ હજી સતત ચાલી જ રહ્યો છે. એક તરફ યુનિવર્સિટી ઑફ મિનેસોટાના વિજ્ઞાનીઓએ સંશોધન કર્યું છે કે આ દવા કોરોના સામે બેઅસર છે ત્યારે બીજી તરફ અગાઉ પરીક્ષણ રોકનાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પરીક્ષણ ફરી હાથ ધરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ દવાનો ઉપયોગ કરવાના સૌથી મોટા સમર્થક છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા શોધવામાં આવેલી કોરોના વૅક્સિનનું પરીક્ષણ બ્રાઝિલમાં હાથ ધરવામાં આવનાર છે. આ પરીક્ષણ જૂન મહિનામાં બીજા-ત્રીજા અઠવાડિયામાં થશે. આ પરીક્ષણ 2 હજાર લોકો પર થવાનું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા પછી સૌથી વધારે કેસો બ્રાઝિલમાં છે.

ગુજરાતમાં ચેપગ્રસ્તોનો આંકડો 17 હજાર નજીક, 1100થી વધુ મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 485 નવા પૉઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39 કેસોનો સમાવેશ થાય છે. જ્યારે 30 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 16,995 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતાંક 1122 થઈ ગયો છે.

જોકે, આ દરમિયાન 12,212 દરદીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે.

3 જૂન 2020 સુધીની અપડેટ્સ

'મિશન વંદે ભારત' અંતર્ગત એર ઇન્ડિયા 9થી 30 જૂન દરમિયાન અમેરિકા અને કૅનેડા માટે 75 ઉડાણો ભરશે. એર ઇન્ડિયા દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. આ માટેનું બુકિંગ પાંચમી જૂને સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે અને માત્ર એર ઇન્ડિયાની વેબસાઇટ મારફતે જ કરાવી શકાશે.

અનલૉક-1 : રૂપાણી સરકારના મંત્રીમંડળની કૅબિનેટ બેઠક મળી

કોરોના વાઇરસના કોપને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનને ધીરેધીરે હઠાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે પહેલી જૂનથી સરકારી કચેરીઓ અને મંત્રીકાર્યાલયો પૂર્વવત શરૂ થયાં બાદ આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની પ્રથમ કૅબિનેટ બેઠક મળી હતી. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાયું હોવાની માહિતી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપી હતી.


ઇલાજ માટે ઇબુપ્રોફેનનું પરીક્ષણ થયું, આશા ફળશે?

કોરોના મહામારીનો ઇલાજ શોધવાની કવાયત દુનિયાભરમાં ચાલી રહી છે ત્યારે હવે ઇબુપ્રોફેન દવાનું પરીક્ષણ થઈ રહ્યું છે.

બીબીસીના સ્વાસ્થ્ય સંવાદદાતા મિશેલ રૉબર્ટ્સ જણાવે છે કે વૈજ્ઞાનિકો આ દવાને લઈને પરીક્ષણ કરી રહ્યા છે.

લંડનની બે હૉસ્પિટલમાં ડૉક્ટરોની ટીમનું માનવું છે કે તાવ અને કળતરમાં રાહત આપનારી આ દવા શ્વાસની તકલીફમાં પણ ઉપયોગી નીવડી શકે છે.

લંડનની ગાયઝ ઍન્ડ સેંટ થૉમસ હૉસ્પિટલ અને કિગ્સ કૉલેજના ડૉક્ટરોને આશા છે કે ઓછી ખર્ચાળ આ દવા દરદીઓને વૅન્ટિલેટરથી દૂર રાખવામાં મદદગાર થશે.

પરીક્ષણ દરમિયાન અર્ધા દરદીઓને સામાન્ય દવાઓ ઉપરાંત ઇબુપ્રોફેન આપવામાં આવશે.

પરીક્ષણમાં ઇબુપ્રોફેનની સામાન્ય દવાને બદલે ખાસ ફૉર્મુલેશનવાળી દવા અપાશે. અમુક દરદીઓને આર્થરાઇટિસમાં આ દવા આપવામાં આવે છે.

જાનવરો પર પરીક્ષણમાં એ સાબિત થયું કે શ્વાસની તકલીફમાં તે કારગર સાબિત થઈ શકે છે.

પરીક્ષણમાં સામેલ પ્રોફેસર મિતુલ મહેતાએ બીબીસીને કહ્યું કે અમે આશા રાખી રહ્યાં છીએ. જે પરિણામો સામે આવી રહ્યાં છે તેના માટે પરીક્ષણની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે મહામારીની શરૂઆતમાં ઇબુપ્રોફેનના ઉપયોગને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

એ વખતે કહેવામાં આવ્યું હતું કે આનો ઉપયોગ નકારાત્મક પણ નીવડી શકે છે. ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરાને કહ્યું હતું કે ઇબુપ્રોફેન જેવી દવાઓ સંક્રમણ વધારી શકે છે.

કોરોના કાળના 'હીરો' સાથે વાતચીત

કોરાના વાઇરસને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનને પગલે દેશભરમાં લાખો શ્રમિકો ફસાઈ ગયા હતા. રોજગાર અને ભોજન વગરે પરપ્રાંતમાં ફરાયેલા આવા લાખો લોકો પગપાળા ગૃહરાજ્યોમાં ચાલતા નીકળી પડ્યા હતા. ત્યારે બોલીવૂડ અભિનેતા સોનુ સુદ આવા હજારો શ્રમિકોનો મદદે આવ્યા અને તેમણે શ્રમિકો માટે ગૃહરાજ્યોમાં પહોંચવા માટે બસોની વ્યવસ્થા કરી. કોરોના કાળમાં 'હીરો' તરીકે સામે આવેલા સોનુ શું કહે છે એમના આ કાર્ય અંગે, જુઓ વીડિયોમાં.


ગુજરાત પર 'નિસર્ગ'નું જોખમ


એક તરફ ગુજરાત, દેશદુનિયા કોરોના વાઇરસની મહામારી સામે ઝૂઝવી રહ્યાં છે તો બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્ર પર 'નિસર્ગ' વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે.

અરબ સાગરમાં નિસર્ગ વાવાઝોડું બુધવાર સવારે પાંચ વાગીને 30 મિનિટે ગંભીર ચક્રવાતીય તોફાનમાં ફેરવાઈ ગયું છે.


ભૂવિજ્ઞાન મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું કે આવનારા કલાકોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વીડિયોમાં જુઓ, હાલમાં વાવાઝોડાની શું સ્થિતિ છે?

ભારતમાં કેસ 2 લાખને પાર, દુનિયામાં 63 લાખથી વધારે સંક્રમિત

કોરોના વાઇરસની મહામારીના કેસની સંખ્યા ભારતમાં 2 લાખને પાર કરી ગઈ છે. ભારતમાં મંગળવારે 8392 નવા કેસો સામે આવ્યા છે અને કુલ કેસોની સંખ્યા 2 લાખ 7ને પાર કરી ગઈ છે.

દુનિયામાં 63 લાખ લોકો કોરોના વાઇરસના સંક્રમણમાં આવ્યા છે અને મૃતકોની સંખ્યા પોણા ચાર લાખને પાર કરી ગઈ છે.

બ્રાઝિલમાં કેસોમાં વિક્રમજનક વધારો થયો છે અને એક જ દિવસમાં મહત્તમ લોકોનાં મૃત્યુ થયા છે. બ્રાઝિલમાં મૃતકોનો આંકડો 30 હજારને પાર કરી ગયો છે. કોરોના વાઇરસને પગલે બ્રાઝિલના મૂળનિવાસીઓ અમેઝોનના આદિવાસી સમુદાય પર ખતરો વધી ગયો છે. પૈન અમેરિકન હેલ્થ ઑર્ગનાઇઝેશનને કહ્યું કે સરકાર હજી પણ પગલાં નથી લઈ રહી.

બાંગ્લાદેશના સૌથી મોટા રોહિંગયા શરણાર્થી કૅમ્પમાં 71 વર્ષીય વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. આ કૅમ્પમાં 29 લોકો કોરોના પૉઝિટિવ છે અને તે મહિનાઓથી લૉકડાઉનની સ્થિતિમાં છે. આશરે 10 લાખની ગીચ વસતી ધરાવતા આ કૅમ્પમાં બાંગ્લાદેશે ઇન્ટરનેટ પ્રતિબંધ લાદ્યો છે.

એસોસિએટે પ્રેસના એક અહેવાલ મુજબ કોરોના મહામારીની શરૂઆતના દિવસોમાં ચીનથી માહિતી મેળવવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સંઘર્ષ કરી રહ્યું હતું. એપી આંતરિક મિટિંગોની નોંધને આધારે કહે છે કે ચીન તરફથી માહિતી ધીમી ગતિએ મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મહામારીમાં ચીનની કામગીરીના વખાણ કરી ચૂક્યું છે.

કોરોના વાઇરસ : પાકિસ્તાનના એક મંત્રીનું મૃત્યુ

પાકિસ્તાનમાં સિંધ રાજ્યના એક મંત્રી ગુલામ મુર્તઝા બલોચનું કોરોના વાઇરસના લીધે મૃત્યુ થયું છે.

સિંધના શિક્ષણમંત્રી સઇદ ગનીએ બીબીસીને જણાવ્યું કે મુર્તઝા બલોચનો રિપોર્ટ જ્યારે કોરોના પૉઝિટિવ આવ્યો ત્યારે તેઓ પોતાના ઘરે આઇસોલેશનમાં હતા અને બાદમાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

હૉસ્પિટલમાં તેમની તબિયત કથળતાં વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, મંગળવાર સાંજે તેમનું નિધન થઈ ગયું.

મુર્તઝા બલોચ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કરાચીના અધ્યક્ષ હતા અને વર્ષ 2016માં વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને સિંધના મુખ્ય મંત્રી મુરાદ અલી શાહે ગુલામ મુર્તઝા બલોચના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ગુજરાતમાં 15 દિવસ દરમિયાન ઍક્ટિવ કેસનો દર અડધો થયો

ગુજરાતમાં 24 કલાકના ગાળા દરમિયાન ગુજરાતમાં કોરોના 415 નવા કેસ નોંધાયા છે, જ્યારે 29 પેશન્ટનાં મૃત્યુ થયાં છે.

આ ગાળા દરમિયાન 1,114 (કુલ 11,894) દરદી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.

ગુજરાત સરકારના આરોગ્યવિભાગનું કહેવું છે કે 18મી મેના દિવસે ગુજરાતમાં ઍક્ટિવ કેસનો દર 53.19 ટકા હતો, જે ઘટીને 26.35 ટકા ઉપર આવી ગયો છે.

આ ગાળાના 29 મૃતકોમાંથી 24 અમદાવાદના, અરવલ્લીના બે, સુરત-મહેસાણા તથા જૂનાગઢના એક-એક પેશન્ટનો સમાવેશ થાય છે.

આ સાથે જ કુલ મરણાંક 1,092 ઉપર પહોંચ્યો છે.

ગુજરાતમાં કુલ 4,646 ઍક્ટિવ કેસ છે, જેમાં 62 પેશન્ટ વૅન્ટિલેટર ઉપર છે, જ્યારે 4,584 સામાન્ય અવસ્થામાં છે.

'ભારત સાતમા ક્રમેનો દૃષ્ટિકોણ ખોટો'

કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોરોનાના કેસની સંખ્યાની બાબતમાં ભારત વિશ્વમાં સાતમા ક્રમાંકે પહોંચી ગયું છે, તે રીતે જોવાનો દૃષ્ટિકોણ યોગ્ય નથી.

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલેના કહેવા પ્રમાણે, "માત્ર સંખ્યાને ધ્યાને ન લેતા ભારતની વસતિ તથા કેટલા લોકો સાજા થઈ રહ્યાં છે, તે દરને પણ જોવો જોઇએ. "

"14 દેશની સંખ્યા ભારતની વસતિ જેટલી થવા જાય છે, તેમની સરખામણીએ જોઇએ, તો ભારતની સરખામણીએ ત્યાં 22.5 ટકા વધુ કેસ અને 55.2 ટકા વધુ મૃત્યુ નોંધાયાં છે."

અગ્રવાલે ઉમેર્યું કે 'સમયસર તપાસ તથા સમયસર સારવારને કારણે, જે દેશોમાં કોવિડ-19ને કારણે ઓછાં લોકોનાં મૃત્યુ થયાં છે, તેમાં ભારત સમાવિષ્ઠ છે. '

આઈ.સી.એમ.આર.ના કહેવા પ્રમાણે દેશમાં 476 સરકારી તથા 205 ખાનગી લૅબોરેટરીમાં દૈનિક સવા લાખ જેટલા સૅમ્પલનું પરીક્ષણ થાય છે.

અગ્રવાલના કહેવા પ્રમાણે, દેશનો રિકવરી રેટ ઉત્તરોત્તર સુધરી રહ્યો છે. 15મી એપ્રિલે તે 11.42% હતો, જે ત્રીજી મેના દિવસે વધીને 26.59% ઉપર પહોંચ્યો જે 18મી મેના દિવસે 38.39% ઉપર પહોંચ્યો, જે સોમવારે 48.07% ટકા ઉપર પહોંચી ગયો.

આરોગ્ય વિભાગના ડેટા મુજબ, કોવિડ-19ને કારણે મૃત્યુ પામનારમાં અડધોઅડધ વયોવૃદ્ધ છે, જે દેશની કુલ વસતિના દસ ટકા છે. લગભગ 73 ટકા મૃતક સ્યુગર, હાર્ટ, શ્વાસ કે હાઇપરટૅન્શન જેવી બીમારીથી ગ્રસ્ત હતા.

સરકાર દ્વારા તેમને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ખાનગી તબીબોની ભલામણને આધારે ટેસ્ટ

ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશ બાદ કેટલીક શરતોને આધીન ખાનગી લૅબોરેટરીમાં ખાનગી તબીબોની ભલામણને આધારે કોવિડ-19 ટેસ્ટ કરાવવાને મંજૂરી આપી દીધી છે.

અમદાવાદ મેડિકલ ઍસોસિયેને હાઈકોર્ટમાં ધા નાખી હતી, જ્યાં સરકારે દલીલ આપી હતી કે નાગિરકો ઉપર આર્થિક ભારણ ન વધે તે હેતુથી પરીક્ષણો ઉપર કેટલાક નિયંત્રણ લાદવામાં આવ્યા હતા.

ત્રણ લાખ 75 હજાર કરતાં વધુ મૃત્યુ

વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુનો આંક ત્રણ લાખ 75 હજાર 513 પર પહોંચી ચૂક્યો છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે દુનિયાભરમાં 62 લાખ 64 હજારથી વધુ લોકો સંક્રમિત છે.

અમેરિકા હજી પણ કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે જ્યાં 18 લાખથી વધુ લોકો સંક્રમિત છે જ્યારે એક લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

ત્યાં જ અમેરિકા પછી સૌથી ખરાબ રીતે પ્રભાવિત બ્રાઝિલમાં કોરોના વાઇરસથી થઈ રહેલાં મોતનો આંક 30 હજારે પહોંચી ચૂક્યો છે. અહીં પાંચ લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના વાઇરસની મહામારી વિશ્વયુદ્ધ પછી આવેલું સૌથી મોટું સંકટ છે.

તેમણે કહ્યું કે જેવી રીતે વિશ્વયુદ્ધ પછી દુનિયા બદલાઈ ગઈ તે જ રીતે કોરોના મહામારી પછી વિશ્વ સંપૂર્ણ રીતે બદલાઈ જશે.

રેમડેસિવિરની મધ્યમ અસર

કોરોના વાઇરસની સંભવિત સારવાર મનાતી દવા રેમડેસિવિરના પ્રયોગો પરથી જાણવા મળ્યું છે કે આ દવા મધ્યમ લક્ષણોવાળા દર્દીઓને થોડી રાહત આપે છે.

અમેરિકાની દવા ઉત્પાદક કંપની જીલીએડે કહ્યું છે કે જે લોકોએ થોડા સમય માટે આ દવા લીધી તેમનાં પરિણામો વધુ સારાં રહ્યાં.

કંપની તરફથી આ જાહેરાત બાદ કંપનીના શૅરના ભાવ ચાર ટકા સુધી ઘટી ગયા.

દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે હાઇડ્રોક્સિક્લોરોક્વિનની ટ્રાયલને રોકવાના તેના નિર્ણય વિશે આગળ શું કરવું તેનો નિર્ણય તેઓ મંગળવારે કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મલેરિયાની આ દવાનું સમર્થન કર્યું છે. મેડિકલ જર્નલ લૅન્સૅટમા પ્રકાશિત એક શોધમાં દાવો કરાયો હતો કે હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ કરનાર દર્દીઓનો મૃત્યુદર વધારે હતો.

આ શોધ બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની ટ્રાયલ પર રોક લગાવી હતી.

મંગળવાર, 2 જૂન 2020

શુભ પ્રભાત. બીબીસી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-વિદેશની અપડેટ્સ તમે અહીં મેળવી શકશો.

ચેપગ્રસ્તોનો આંકડો 17 હજારને પાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 423 નવા કેસો નોંધાયા છે અને સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 17,217 થઈ ગઈ છે.

આ દરમિયાન રાજ્યમાં વધુ 25 દરદીઓનાં મૃત્યુ પણ થયાં છે અને એ સાથે જ કુલ મૃતાંક 1063 થઈ ગયો છે.

જોકે, રાજ્યના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 10780 દરદીઓ સાજા પણ થઈ ગયા છે.

ICMRના વૈજ્ઞાનિકને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત થયા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે વૈજ્ઞાનિકના કોરોના ટેસ્ટનો આ રિપોર્ટ આવ્યા પછી આઈસીએમઆરના કાર્યાલયમાં સૅનિટાઇઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મુંબઈના રહેવાસી આ વૈજ્ઞાનિક થોડા દિવસો પહેલાં દિલ્હી આવ્યા હતા. રવિવાર સવારે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

આ વૈજ્ઞાનિક આઈસીએમઆરની મુંબઈ શાખા- 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઇન રિપ્રોડક્ટિવ હૅલ્થ'માં કાર્યરત છે.

આઈસીએમઆરની ઇમારતમાં સાફસફાઈનું કામ આવનારા બે દિવસ સુધી ચાલશે.

ચેપગ્રસ્ત વૈજ્ઞાનિક થોડા દિવસો પહેલાં એક બેઠકમાં સામેલ થયા હતા, જેમાં આઈસીએમઆરના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવ પણ હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે આ પહેલાં આઈસીએમઆર તરફથી કર્મચારીઓને ઘરેથી કામ કરવા સૂચિત કરાયા હતા.

ગુજરાત કોરોના અપડેટ : અમદાવાદમાં કોવિડ-19 સામે નવી રણનીતિ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કહ્યું છે કે અમદાવાદમાં કોવિડ-19 મહામારીને નાથવા માટે હવે માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન સ્થાપિત કરવામાં આવશે, જેમાં નાના રહેણાક વિસ્તારને બંધ કરી દેવાશે.

ગુજરાતમાં આરોગ્ય મંત્રાલય પ્રમાણે હાલ કોરોના સંક્રમણના 16 હજારથી વધારે કેસો નોંધાયા છે, જેમાંથી 70 ટકા જેટલા કેસો એકલા અમદાવાદમાં જ છે.

અમદાવાદ દક્ષિણમાં છ, અમદાવાદ ઉત્તરમાં સાત, અમદાવાદ મધ્યમાં 16 અને અમદાવાદ વાયવ્યમાં બે તથા અમદાવાદ પશ્ચિમમાં સાત માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

એ સિવાય પણ વધુ બે વિસ્તારોને માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન હેઠળ કુલ 14 હજાર એક સો જેટલાં ઘર આવેલાં છે અને 69 હજારથી વધારે લોકો રહે છે.

નોંધનીય છે કે હાલમાં એક જૂનથી અનલૉક-1ની શરૂઆત થઈ છે અને અનલૉક હેઠળ બધી હિલચાલ તબક્કા વાર ખોલવાના દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.

રથયાત્રા નીકળશે પણ દર વર્ષ કરતાં સાવ જુદી હશે

ગુજરાતના અમદાવાદમાં આ વર્ષે જગન્નાથ રથયાત્રા નીકળશે પણ દર વર્ષ જેવી નહીં હોય. પરંપરાગત રીતે અમદાવાદમાં યોજાતી જગન્નાથ રથયાત્રામાં શણગારેલા રથ, અખાડા, હાથી સહિતનાં આકર્ષણો હોય છે.

ડીડી ગુજરાતી પ્રમાણે આ વર્ષે 23મી જૂને રથયાત્રા યોજાશે.

કોરોના મહામારીને જોતાં આ વર્ષે શોભાયાત્રા નહીં નીકળે અને માત્ર ત્રણ રથ જ જોડાશે.

લોકોને ઘરે રહીને રથયાત્રા ટીવી પર નિહાળવાની વિનંતી કરાઈ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે અમદાવાદના જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે આ વખતે રથયાત્રામાં ઝાંખી, ટ્રક, ભજન મંડળીઓ, અખાડાઓને સામેલ નહીં કરવામાં આવે.

એ સિવાય જગન્નાથ મંદિરના ટ્રસ્ટીનું કહેવું છે કે સરકાર તરફથી જે દિશાનિર્દેશ મળશે તેને માનવામાં આવશે.

તેમનું કહેવું છે કે મંદિરમાં ભીડ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

ગાંજાથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે?

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળતી ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે.

અમે સોશિયલ મીડિયા પર વાઇરસ થઈ રહેલા આવા જ કેટલાક દાવા અને માહિતીઓની તપાસ કરવાનો પ્રયત્નો કર્યો. આ વીડિયોમાં અમે તમને આવી જ કેટલીક માન્યતાઓનું સત્ય જણાવીશું.

સોશિયલ મીડિયામાં ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે ગાંજાથી કોરોનાની સારવાર થઈ શકે છે? અમે સોશિયલ મીડિયા પર કરાઈ રહેલા આ દાવાની તપાસ કરી હતી.

ચીને કહ્યું 'અમેરિકાને છોડીને ચાલ્યા જવાની આદત છે'

ચીનના વિદેશમંત્રાયલે 'વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન' છોડવાના અમેરિકાના નિર્ણયની ટીકા કરી છે.

ચીને આંતરરાષ્ટ્રીયસ્તરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ટેકો વધારવા વિનંતી કરી છે.

સોમવારે ચીનના વિદેશમંત્રાલયે કહ્યું કે અમેરિકાએ પોતાના સત્તાઘેલા રાજકારણ અને એકતરફી વલણનો પરિચય આપ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાને 'છોડીને ચાલ્યા જવાની આદત' છે.

શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી બહાર થઈ રહ્યું છે.

તેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કોરોના વાઇરસ મહામારી માટે ચીનની જવાબદારી નક્કી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું, "વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પૂર્ણ રૂપે ચીનના નિયંત્રણમાં છે."

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ડૉ ટેડ્રૉસ ઍડહનોમ ગ્રૅબ્રેયસસે મહામારી સામે તેના પ્રતિભાવની સમીક્ષા કરવાનો વાયદો કર્યો હતો અને તેમણે સંગઠનની સ્વતંત્રતાનો બચાવ પણ કર્યો હતો. યુરોપિયન યુનિયને રાષ્ટ્રપતિ ટ્રમ્પને પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવાની વિનંતી કરી છે.

શાળાઓ ફરી શરૂ કરવા અંગે નીતિન પટેલે શું કહ્યું?

ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે લૉકડાઉનના તબક્કા પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી, કૅબિનેટના મંત્રીઓ, અધિકારીઓ, સચિવ, મુખ્ય સચિવ અને અન્ય કર્મચારીઓ જે ઘરેથી કામ કરી રહ્યા હતા. તે હવે પહેલાંની જેમ રાબેતા મુજબ કાર્યાલયમાં કામકાજ શરૂ કરશે.

ગુજરાતમાં બે મહિનાથી બંધ પડેલી શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે નીતિન પટેલે કહ્યું કે હાલ શાળાઓમાં દર વર્ષની જેમ વૅકેશન ચાલે છે.

તેઓ કહે છે કે શિક્ષણવિદો અને સ્કૂલપ્રશાસકો સાથે ચર્ચા કરીને શાળાઓ ક્યારે શરૂ કરવી એ વિશે નિર્ણય કરાશે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સોમવારે સ્વર્ણિમ સંકુલ સ્થિત મુખ્ય મંત્રી કાર્યાલયથી કામ કરવાનું શરૂ કર્યું હતું.

ભારતમાં કેસોની સંખ્યા ફ્રાંસ અને જર્મની કરતાં વધારે

કોરોના વાઇરસને કારણે દુનિયામાં સૌથી વઘારે અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત હવે સાતમા ક્રમે પહોંચી ગયું છે.

જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના બે લાખ કેસ થવા આવ્યા છે.

યુનિવર્સિટી પ્રમાણે ભારતમાં કુલ 1,90,609 લોકો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે જ્યારે 5,408 લોકોનાં વાઇરસને કારણે મૃત્યુ થયાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમાણે કોરોના વાઇરસના ચેપગ્રસ્તોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયામાં સાતમા ક્રમે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 1,82,143 કેસ છે અને 5,164 લોકોનાં આ વાઇરસને કારણે મૃત્યુ થયાં છે.

દુનિયામાં અમેરિકા અને બ્રાઝિલ કોરોના વાઇરસથી સૌથી વધારે અસરગ્રસ્ત દેશ છે. જ્યાં અમેરિકામાં વાઇરસને કારણે મૃત્યુ પામનાર લોકોનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે અને 17 લાખથી વધારે લોકો કોરોના વાઇરસથી પ્રભાવિત છે.

બ્રાઝિલમાં પાંચ લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત છે ત્યારે 30 હજારથી વધારે લોકો આ વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે.

સંગીતકાર વાજિદ ખાનનું મૃત્યુ

સંગીતકાર જોડી સાજિદ-વાજિદ પૈકી વાજિદ ખાનનું ગઈરાત્રે નિધન થયું છે.

ગાયક સોનુ નિગમે એક ફેસબુક પોસ્ટમાં આ અંગેની ખરાઈ કરી છે.

વાજિદ ખાનના પરિવારે પણ બીબીસી સાથેની વાતચીતમાં આ અંગે ખરાઈ કરતાં કહ્યું છે કે તેમની આત્મા માટે દુઆ કરો.

મીડિયા અહેવાલો પ્રમાણે વાજિદ ખાન કોરોના વાઇરસથી સંક્રમિત હતા.

જોકે એમના પરિવારનું કહેવું છે કે વાજિદ કિડનીની બીમારીથી પીડાતા હતા અને બે વર્ષ પહેલાં જ ટ્રાન્સપ્લાન્ટેશન થયું હતું.

તેમના ગળામાં ઇન્ફૅક્શન હતું. તેઓ ચેમ્બુરના સુરાના હૉસ્પિટલમાં દાખલ હતા.

વાજિદ ખાનનું ગીત ભાઈ-ભાઈ એક અઠવાડિયા પહેલાં જ રિલીઝ થયું હતું, જે સલમાન ખાન સાથે બનાવવામાં આવ્યું હતું.

વાજિદ ખાન તેમના ભાઈ સાજિદ ખાન સાથે મળીને સંગીત રચતા હતા અને 1998માં સલમાન ખાન અભિનિત ફિલ્મ 'મૈને પ્યાર કિયા'થી તેઓ ચર્ચામાં આવ્યા હતા.

શું ભારતમાં જુલાઈમાં સ્થિતિ બગડશે?

ભારતમાં ચાર તબક્કાના લૉકડાઉન દરમિયાન પણ કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો છે.

આ ઉપરાંત ચોથા તબક્કાના લૉકડાઉનમાં કેટલાંક રાજ્યોમાં છૂટછાટો આપવામાં આવી અને ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ભારતમાં કોરોના વાઇરસ પર રિસર્ચ કરી રહેલા કેટલાક લોકોનું કહેવું છે કે આવનારા સમયમાં ભારતમાં હજી લાખો કેસો વધી શકે છે. જુઓ વીડિયો અહેવાલ.

16 હજારથી વધુ કેસ, એક હજારથી વધુ મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના નવા 438 કેસો નોંધાયા છે. આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે.

જે નવા કેસો નોંધાયા એમાં સૌથી વધુ અમદાવાદમાં 299 કેસો નોંધાયા છે.

જ્યારે સુરતમાં 55, વડોદરામાં 34, ગાંધીનગરમાં 13 સુરેન્દ્રનગરમાં પાંચ, બનાસકાંઠા, રાજકોટ, વલસાડમાં ચાર-ચાર, પંચમહાલ અને ખેડામાં ત્રણ-ત્રણ, મહેસાણા, ભરૂચ, સાબરકાંઠામાં બે-બે તથા અરવલ્લી, પાટણ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં એક-એક કેસ નોંધાયો છે.

હાલમાં રાજ્યમાં કુલ 5837 ઍક્ટિવ કેસો છે. જ્યારે 9919 દરદીઓ સાજા થઈ ગયા છે અને 1038 દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 16,794 થઈ ગઈ છે.

રવિવાર, 1 જૂન 2020

શુભ પ્રભાત. બીબીસી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-વિદેશની અપડેટ્સ તમે અહીં મેળવી શકશો.

કોરોના વાઇરસના સંક્રમણની આ અગાઉની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો