You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિસર્ગ વાવાઝોડું : મુંબઈના માથેથી ઘાત ટળી, ગુજરાતમાં હજારોને ખસેડાયા
'નિસર્ગ' વાવાઝોડું ભારતીય સરહદમાં પહોંચી ગયું છે અને તેની ઝડપ કલાકના 100થી 200 કિલોમિટર વચ્ચે બતાવાઈ રહી છે. પહેલાં વાવાઝોડાનું જોખમ પર ગુજરાત પર હતું. જોકે, ગુજરાત પર ઘાટ ટળી ગઈ છે અને એવી જ રીતે મુંબઈ પરથી પણ વાવાઝોડું જોખમ હઠી ગયું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતી પશ્ચિમ તટરેખાસ્થિત મહારાષ્ટ્રના દરિયાકિનારના જિલ્લા મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર ઉપરાંત ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત, ભાવનગર, ભરૂચ સહતિ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલી અને દીવ-દમણમાં પણ તોફાનના પ્રભાવવી આશંકા છે. અહીં તોફાન સંબંધીત અપડેટ અપાઈ રહી છે.
<bold>સાંજે સાત વાગ્યે : મુંબઈ પરથી જોખમ ટળ્યું </bold>મુંબઈ પરથી જોખમ ટળી ગયું છે. 'નિસર્ગ' તોફાન મુંબઈ પરથી પસાર થઈ ગયું છે. શહેરમાં કેટલીય જગ્યાએ વૃક્ષો પડી ગયાં છે, જોકે, વધારે કોઈ નુકસાનના સમાચાર નથી. વાવાઝોડું પસાર થઈ જતાં હવે બીએમસીએ સફાઈકામ શરૂ કરી દીધું છે. હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મોહાપાત્રાએ સમાચાર સંસ્થા એનએનઆઈને કહ્યું કે આગામી ત્રણ કલાકોમાં વાવાઝોડું નબળું પડી જશે.
<bold>સાંજે પાંચ વાગ્યે : પૂણેના કેટલાય વિસ્તારો ડૂબ્યા </bold> સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર મહારાષ્ટ્રના પૂણેના કેટલાય વિસ્તારો વરસાદને કારણે ડૂબી ગયા છે. 'નિસર્ગ' વાવાઝોડાને લીધે ફૂંકાયેલા ભારે પવનને પગલે શહેરમાં કેટલાંય વૃક્ષો ઊખડી ગયાં છે.
<bold>બપોરે ચાર વાગ્યાની સ્થિતિ </bold>મુંબઈ પોલીસે જણાવ્યું છે કે સાંતાક્રૂઝ વિસ્તારમાં એક નિર્માણાધિન ઇમારતમાંથી સિમેન્ટની ઈંટો પડવાને લીધે નજીકની ઓરડીમાં રહેતા ત્રણ લોકોનો પરિવાર ઘાયલ થઈ ગયો છે. ભારે હવાને લીધે આ ઈંટો પડી હોવાનું પોલીસે જણાવ્યું છે.
મુંબઈનાં મેયર કિશોરી પેડનેકર કહ્યું, "અમારી ફાયર-બ્રિગેડ સેવા, જીવનરક્ષાકર્મી અને અન્ય બચાવદળો તૈયાર છે. લોકોને તોફાનથી જોખમ ન રહે, એ માટે મોટા ભાગના લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. "કલાકના 70 કિલોમિટરની ઝડપે મુંબઈ તરફ આગળ વધી રહેલા વાવાઝોડાને પગલે મહારાષ્ટ્રોના સમગ્ર દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ લોકોને બે દિવસ માટે ઘરની અંદર જ રહેવા અપીલ કરી છે. 'નિસર્ગ'નું જોખમ જોતાં ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણના પ્રભાવિત વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
<bold>ત્રણ વાગ્યાની સ્થિતિ </bold> મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ 'વાવાઝોડા બાદ તુરંત જ બચાવકાર્યોમાં જોતરાી જવાની' હાકલ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પ્રદેશતંત્રને નિર્દેશ આપ્યા છે કે તેઓ 'એ તમામ આપાતસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહે અને મુંબઈ-ઠાણે પરથી વાવાઝોડું પસાર થઈ જાય એ સાથે જ રાહત અને બચાવકાર્યોમાં જોતરાઈ જાય. ' આગામી કેટલાક કલાકોમાં વાવાઝોડું મુંબઈથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી જશે. મુંબઈમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાવાઝોડાના એવા વીડિયો શૅર કરાઈ રહ્યા છે, જેમાં કાચાં મકાનોનાં છાપરાં ઊડતાં જોઈ શકાય છે. નરીનમ પૉઇન્ટની કેટલીક તસવીરો સમાચાર એજન્સીએ પ્રકાશિત કરી છે, જેમાં કેટલાંક વૃક્ષો પડેલાં જોઈ શકાય છે.
અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે રાજ્યના કાંઠાળ વિસ્તારોમાંથી લગભગ 50 હજાર અને દમણમાંથી લગભગ 4000 લોકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડવામાં આવ્યા છે.
વાવાઝોડા 'નિસર્ગ'ને લીધે મહારાષ્ટ્રમાં ખાસ કરીને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે અને મુંબઈમાં પણ કેટલાય વિસ્તારોમાં વૃક્ષો પડી ગયાં છે. જોકે, વાવાઝોડાને લીધે ગુજરાતમાં જાનમાલનું ખાસ નુકસાન નથી થયું. 'સ્કાયમેટવેધર'ના જણાવ્યા અનુસાર રાજ્યમાં જાનમાલનના નુકસાનના ખાસ અહેવાલો નથી. નોંધનીય છે કે આ પહેલાં ગુજરાતમાં વાવાઝોડાનું જોખમ હતું પણ તેણે પોતાનો માર્ગ બદલતાં એ જોખમ ટળી ગયું છે. હાલમાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'નિસર્ગ' વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટક્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે આગામી ત્રણ કલાકમાં વાવાઝોડું પોતાના ચરમ પર પહોંચવાની વાત કરી છે. વાવાઝોડા 'નિસર્ગ' લગભગ 1 વાગ્યે મુંબઈથી લગભગ 120 કિલોમિટર દૂર મહારાષ્ટ્રના દીવે આગર વિસ્તારમાં ત્રાટક્યું. આ અંગે માહિતી આપતાં રાયગઢ જિલ્લાનાં કલેક્ટર નીધિ ચૌધરીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું, "કલાકના 100 કિલોમિટર કરતાં વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે." તેમણે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની પણ અપીલ કરી અને સાથે જ તંત્ર દ્વારા વીજવાયર અને પડી ગયેલાં વૃક્ષોને હઠાવવાની વ્યવસ્થા કરાઈ રહી હોવાની માહિતી પણ આપી. આ દરમિયાન પ્રભાવિત વિસ્તારોમાં કેટલીય જગ્યાએ ટીનના છાપરાં, બોર્ડ ઊડી ગયાં છે તો કેટલીય જગ્યાએ વૃક્ષો મૂળસોતા ઊખડી ગયાં.
મુંબઈ પર ખતરો
નિસર્ગ વાવાઝોડાનો ખતરો ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈ પર તોળાઈ રહ્યો છે.
અરબ સાગરમાં નિસર્ગ વાવઝોડું બુધવાર સવારે પાંચ વાગીને 30 મિનિટે ગંભીર ચક્રવાતીય તોફાનમાં ફેરવાઈ ગયું છે.બીબીસી સંવાદદાતા જ્હાનવી મૂળેના જણાવ્યા અનુસાર : "મુંબઈમાં વહેલી સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. જોકે, વરસાદ હજુ સુધી તો હળવો છે, જેમજેમ સમય વહી રહ્યો છે, પવન ગતી પકડી રહ્યો છે. વાવાઝોડાને લીધે ધોળા દિવસે અધારું સર્જાઈ રહ્યું છે. શહેરના તમામ બીચોને જાહેરજનતા માટે બંધ કરી દેવાયા છે અને લોકોને ઘરની અંદર રહેવા ભલામણ કરતી પોલીસવાનો ફરી રહી છે."
નોંધનીય છે કે શહેર પર પહેલાંથી જ કોરોના વાઇરસના દેશમાં સૌથી વધુ કેસો નોંધાયા છે ત્યારે વાવાઝોડું વધારાની આફત લઈને આવ્યું છે.
ભૂવિજ્ઞાન મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું કે આવનારા કલાકોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે તેમણે કહ્યું કે મુંબઈથી 215 કિલોમિટર દક્ષિણ અને અલીબાગથી દક્ષિણ પશ્ચિમમાં 165 કિલોમિટર દૂર અરબ સાગરમાં પૂર્વમધ્ય દિશામાં આ વાવાઝોડું શક્તિશાળી બન્યું છે.
'નિસર્ગ' વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયામાં પણ કરંટ અનુભવાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને દરિયો તોફાની જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં દ્વારકા ખાતે દરિયામાં મોટાંમોટાં મોજાં ઉછળ્યાં હતાં.
'તંત્ર સાબદું'
વાવાઝોડા 'નિસર્ગ'ને પગલે ગુજરાતનું તંત્ર સાબદું છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે, "તમામ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે."
નોંધનીય છે કે વાવાઝોડાને પગલે વલસાડ, નવસારી તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 100થી 110 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ પડી શકે છે. જેને પગલે પ્રભાવિત વિસ્તારોમાંથી 50 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું પણ કુમારે જણાવ્યું છે. લોકોને જ્યાં આશ્રય અપાયો છે ત્યાં કોરોના વાઇરસને લઈને જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું હોવાનું પણ કુમારે જણાવ્યું છે.
વાવાઝોડાને પગલે દમણમાં લોકોનું સ્થળાંતર કરવાઈ રહ્યું છે.
અરબ સાગરમાં લો પ્રેશર બેલ્ટને કારણે આ વાવાઝોડું મુંબઈને અસર કરે તેવી શક્યતા જણાવાઈ રહી છે. જોકે, હજી એ ચોક્કસ નથી કે તે મુંબઈને અસર કરશે કે રસ્તો બદલી લેશે.
વાવાઝોડું મુંબઈથી 100 કિલોમિટર દૂર અલીબાગના કાઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના કાંઠાળ વિસ્તારો માટે ચેતવણી આપી છે.
હવામાન વિભાગ મુજબ આ વાવાઝોડું 3 જૂને મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરિ, સિંધુદુર્ગ જિલ્લાના કાંઠાળ વિસ્તારો પરથી પસાર થશે.
ગુજરાતમાં સ્થળાંતર
વાવાઝોડાની અસર ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં થવાની આગાહી છે.
ત્યારે દમણમાં વાવાઝોડા ત્રાટકવાની આશંકા વચ્ચે એનડીઆરએફની ટીમોએ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચડવાનું શરૂ કર્યું છે.તે સિવાય વલસાડમાં પણ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓને ઍલર્ટ કરાયા છે અને અને હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદીની સમીક્ષા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા 'નિસર્ગ'ને માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. 'નિસર્ગ' મંગળવારે સાંજે 'સાયક્લોન' તથા રાત્રે 'સુપર સાયક્લોન'નું સ્વરૂપ ધારણ કરશે.
ભારતીય હવામાનવિભાગ પ્રમાણે અરબ સાગરમાંનું ડિપ્રેશન ડિપ-ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, જે બુધવારે બપોરે દમણ અને ગુજરાતની વચ્ચેના દરિયાકિનારે જમીન ઉપર ત્રાટકશે.
હવામાન વિભાગન ડિરેક્ટર જયંત સરકારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વાવાઝોડું ટકરાશે ત્યારે 110 કિલોમિટર પ્રતિ કલાકનો પવન ફૂંકાશે.
તેમણે કહ્યું કે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસે એવી શક્યતા છે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે 'નિસર્ગ' ભીષણ ચક્રવાતમાં ફેરવાશે. વાવોઝાડાની અસર વધતાં દરિયાકિનારાના કેટલાય વિસ્તારોમાં વૉર્નિંગ-સિગ્નલ-1ની જગ્યાએ 2 નંબરનું સિગ્લન લગાવી દેવાયું છે.
અરબ સાગરમાં સર્જાયેલા 'નિસર્ગ' વાવાઝોડાને લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓને ઍલર્ટ કરાયા છે અને અને હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
મોદીએ ટ્વિટર ઉપર લખ્યું, 'તમામની સલામતી માટે પ્રાર્થના કરું છું. લોકોને વિનંતી છે કે સાવચેતી અને સલામતીના શક્ય તમામ પગલાં લે.'
આગમનની આગાહી
હવામાન ખાતાના મંગળવાર બપોરના બુલેટિન પ્રમાણે, ડિપ ડિપ્રેશન સુરતથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 670 કિલોમીટર દૂર કેન્દ્રિત છે. જે મંગળવારે સાંજે આઠ વાગ્યા સુધીમાં સાયક્લોન તથા બુધવારે વહેલી સવારે બે વાગ્યા સુધીમાં સુપર સાયક્લોન સ્વરૂપ ધારણ કરશે.
બુધવારે બપોરે ચક્રવાત ગુજરાતના હરિહરેશ્વર તથા દમણની વચ્ચે અને અલીબાગ (રાયગઢ, મહારાષ્ટ્ર) નજીક જમીન ઉપર ત્રાટકશે ત્યારે તેની ઝડપ 120 કિલોમિટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.
વાવાઝોડાને કારણે ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય પશ્ચિમ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના મરાઠવાડામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, અને કર્ણાટકમાં માછીમારોને બુધવાર સુધી દરિયો ન ખેડવા સલાહ આપી છે. વાવાઝોડાને કારણે કોંકણ (મહારાષ્ટ્ર) તથા ગોવામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અરબ સાગરમાં સર્જાયેલા 'નિસર્ગ' વાવાઝોડાના સંભવિત જોખમને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'નેશનલ ક્રાઇસિસ મૅનેજમૅન્ટ કમિટી' સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરાયેલી તૈયારીની સમીક્ષા કરી હતી.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સના ડીજી એસ.એન. પ્રધાન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વલસાડ, ભાવનગર, ડાંગમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.
કેરળમાં ચોમાસાનું આગમન, ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ
નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થઈ ગયું છે અને ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડાની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું છે કે 'નૈઋત્યનું ચોમાસું કેરળ ઉપર જામ્યું છે.'
હવામાન વિભાગે જણાવ્યું છે કે 'ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે જ્યારે મધ્ય ભારત અને દક્ષિણના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે.'
જોકે, આ દરમિયાન પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં દેશના અન્ય વિસ્તારો કરતાં ઓછા વરસાદની આગાહી પણ કરાઈ છે. આ દરમિયાન અરબ સાગરમાં સર્જાયેલું લૉ-પ્રેસર વાવાઝોડામાં ફેરવાઈ શકે એમ છે અને ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રીજી જૂને ત્રાટકી શકે છે. ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે.
વાવાઝોડાના આગમન પૂર્વે જ ભાવનગરમાં હવામાનમાં પલટો આવ્યો હતો. સોમવારે બપોરે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાતાં કેટલાંક ઠેકાણે વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયાં હતાં.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે, જે પૈકી એક ઓમાન અને યમન તરફ વળશે. જ્યારે એક વાવાઝોડું ભારતના પશ્ચિમી કાંઠે ત્રાટકવાની શક્યતા છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "વાવાઝોડાની સંભાવનાને જોતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા ભાવનગર અને અમરેલી માટે હાઈઍલર્ટની જાહેરાત કરાઈ છે."
"સંભવિત વાવાઝોડા સાથે વરસાદની પૂરતી સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, ભાવનગર, અમરેલીમાં પવન ફૂંકાય અને સાથે વરસાદ પડે એવી સંભાવના છે."
તેઓ કહે છે કે "વાવાઝોડા સંદર્ભે આજે આ જિલ્લાઓના કલેક્ટરોને સાથે રાખીને હાઈપાવર બેઠક થઈ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય જિલ્લાઓને પણ ઍલર્ટ કરવામાં આવ્યા છે."
"માછીમારોને પાછા બોલાવી લેવાયા છે અને અગરિયાઓ, જિંગા ફાર્મમાં કામ કરતા લોકોને ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે."
"કોરોના વાઇરસની મહામારી સામે આપણે લડી રહ્યા છે ત્યારે આ કુદરતી આપત્તિ આવી છે અને એથી વિશેષ કાળજી લેવામાં આવી રહી છે."
"બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને કામે લગાડવામાં આવી છે."
ભારતીય મોસમવિજ્ઞાન વિભાગના ગુજરાત રિજન ડિરેક્ટર જયંત સરકારે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં જણાવ્યું:
"અરબ સાગરમાં લૉ-પ્રેસર સર્જાયેલું છે. વાવાઝોડું સર્જાય તે અગાઉનો એક તબક્કો એ હોય છે કે લૉ-પ્રેસર બને છે. તેથી હાલ દરિયામાં એક લૉ-પ્રેસર બનેલું છે. એ આવતીકાલે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને પરમ દિવસે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે."
"એ પછી તે ઉત્તર દીશામાં આગળ વધી શકે છે. ત્રણ જૂને તે ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. અમે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઍલર્ટ આપ્યું છે. ફિશરીઝ-વૉર્નિગ આપી રહ્યા છીએ. ઉપરાંત પૉર્ટ-વૉર્નિગ પણ સતત આપી રહ્યા છીએ."
સામાન્ય રીતે અરબ સાગરમાં વાવાઝોડાં સર્જાતાં રહે છે અને ફંટાઈ જતાં હોય છે. જોકે, આ વખતે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે એવું સરકાર માની રહ્યા છે.
તેઓ જણાવે છે, "આ વખતે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું આવશે એવું અમને લાગે છે."
નોંધનીય છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર કોરોના વાઇરસની મહામારીને લીધે ભારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે, બંને રાજ્યો દેશમાં કોરોનાથી પ્રભાવિત કેટલાંક ટોચનાં રાજ્યોમાં સામેલ છે.
હવામાન વિભાગ દ્વારા તેમના ડેઇલી બુલેટિનમાં વાવાઝોડાની આગાહી કરતાં કહેવાયું હતું કે, "આવનારા 48 કલાકમાં અરબસાગરમાં દક્ષિણપૂર્વ અને મધ્ય વિસ્તારમાં લૉ-પ્રેશર એરિયાનું નિર્માણ થશે."
"જે સમય સાથે વધુ શક્તિશાળી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડું ત્રણ જૂન સુધી અરબ સાગરમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારો પર ત્રાટકે તેવી શક્યતા છે."
નોંધનીય છે કે લૉ-પ્રેશર એરિયા અને ડિપ્રેશન એ હવામાનવિભાગ દ્વારા વાવાઝોડાની તીવ્રતાના ધોરણે વર્ગીકરણ કરવા માટેની આઠ શ્રેણીઓ પૈકી પ્રથમ બે શ્રેણીઓ છે.
આ સિવાય હવામાનવિભાગનું કહેવું છે કે અરબસાગરમાં લૉ-પ્રેશરનું નિર્માણ થવાથી ચોમસા પર પણ અસર થશે.
એક જૂનથી કેરળમાં ચોમાસાની શરૂઆત માટે લૉ-પ્રેશર સહાયક સાબિત થવાની શક્યતા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે દરિયામાં કરંટ જોવા મળતાં કેટલાક જિલ્લાઓમાં રવિવારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ વાવાઝોડું કેવી રીતે સર્જાય છે?
સમુદ્રના ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે.
હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય ત્યારે નીચેથી પહેલાંથી જ ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે.
આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે.
આ જ મોજાં દરિયા ઉપરાંત શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતા હોય છે.
જમીન પર ભારે ઝડપથી ફૂંકાતા પવનો પણ નુકસાન સર્જતા હોય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રના પાણીનું તાપમાન વધી રહ્યું છે અને તેને કારણે ભવિષ્યમાં હરિકૅનનું જોખમ વધી ગયું છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો