You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ ટેસ્ટ : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ દરદીઓના ખાનગી લૅબોરેટરીમાં કોરોના પરીક્ષણને મંજૂરી
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશ બાદ કેટલીક શરતોને આધીન ખાનગી લૅબોરેટરીમાં ખાનગી તબીબોની ભલામણને આધારે કોવિડ-19 ટેસ્ટ કરાવવાને મંજૂરી આપી દીધી છે.
જો કોઈ ખાનગી તબીબને લાગે કે તેનો દરદી અસિમ્પ્ટોમૅટિક છે, કોઈ સ્વાસ્થ્ય કર્મચારીમાં કોરોનાના ચિહ્ન દેખાય, ઑપરેશન પહેલાં તબીબને ટેસ્ટ કરાવવાની જરૂર જણાય ત્યારે આ ટેસ્ટની છૂટ આપવામાં આવી છે.
આ સિવાય કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં રહેતી સગર્ભા મહિલા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય ત્યારે, કિમો કે રેડિયો થૅરાપી અથવા હિમોડાયાલિસિસ કરાવી રહેલાં દરદી આ ટેસ્ટ કરાવી શકશે.
જ્યારે દરદીનાં જીવન-મરણનો સવાલ હોય ત્યારે કોવિડ-19ના રિપોર્ટની રાહ જોયાં વગર જરૂરી શસ્ત્રક્રિયા હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
હાઈકોર્ટમાં રાજ્ય સરકારે દલીલ આપી હતી કે સરકારી લૅબોરેટરીની ક્ષમતાનો ઉપયોગ થઈ ગયો હોય, ત્યારે ખાનગી લૅબોરેટરીની ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે છે.
સરકારી પરીક્ષણ નિઃશુલ્ક હોય છે, જ્યારે ડરના માર્યા નાગરિકો ખાનગી પરીક્ષણ તરફ દોરવાઈ ન જાય અને તેમની ઉપર આર્થિક ભારણ ન વધે તે માટે કેટલાક નિયંત્રણ લાદવામાં આવ્યા હતા.
ખાનગી તબીબોએ સરકારી કે ખાનગી લૅબોટેરટરીમાં ટેસ્ટ કરાવતા પહેલાં જિલ્લા /કૉર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની મંજૂરી લેવાની નહીં રહે. જોકે, તબીબોએ ઈ-મેલ દ્વારા તેની જાણ કરવાની રહેશે તથા સરકારની મોબાઇલ ઍપ્લિકેશન ઉપર આ અંગેની માહિતી આપવાની રહેશે.
ટેસ્ટ અંગે દરદીને જાણ કરવાની રહેશે અને જો રિપોર્ટ પૉઝિટિવ આવે તો માર્ગદર્શિકા મુજબ સારવાર કરાવવાની રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ICMRની ગાઇડલાઇન સિવાયના કિસ્સામાં ટેસ્ટ કરાવવાની જરૂર ઊભી થાય તો જિલ્લા આરોગ્ય અધિકારી કે કૉર્પોરેશના મુખ્ય અધિકારીની મંજૂરી લેવાની રહેશે અને સંબંધિત અધિકારીએ 24 કલાકની અંદર મંજૂરી આપવાની રહેશે.
અદાલતને આંગણે AMA
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશને ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માગ કરી હતી કે ખાનગી તબીબો દ્વારા જે કેસની ભલામણ કરવામાં આવે, તેના તત્કાળ કોવિડ-19 ટેસ્ટ હાથ ધરવામાં આવે.
તબીબોનું કહેવું છે કે કોઈ પણ દરદીનું ઑપરેશન કરતાં પહેલાં તેનો કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે, પરંતુ રિપોર્ટ આવતાં સુધીમાં બે-ત્રણ દિવસ નીકળી જાય છે.
ક્રિટિકલ અવસ્થામાં સરી ગયેલાં દરદીઓના કિસ્સામાં આ સમય કિંમતી હોય, તત્કાળ રિપોર્ટ મળવા જોઈએ, તેવી રજૂઆત પિટિશનમાં કરવામાં આવી હતી.
આ અંગે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા. આ પહેલાં અમદાવાદની ખાનગી હૉસ્પિટલો અને નર્સિંગ હોમના સંગઠને સરકારની પરીક્ષણ-નીતિ સામે આંગળી ચીંધી હતી.
પત્ર બાદ પિટિશન
'અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશન' દ્વારા ગુજરાત આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ જયંતી રવિને પત્ર લખીને કોવિડ-19 ટેસ્ટિંગ માટેની સરકારી નીતિની સમીક્ષાની માગ કરાઈ છે.
જયંતી રવિને લખેલા પત્રમાં ખાનગી હૉસ્પિટલ અને નર્સિંગ હોમના આ ઍસોસિયેશને કહ્યું છે કે કોવિડ-19ના પરીક્ષણને લઈને ગુજરાત સરકારના અલગઅલગ નિર્દેશનોને કારણે ગૂંચવાડાની પરિસ્થિતિ સર્જાઈ છે.
ઍસોસિયેશનના પ્રમુખ ભરત ગઢવીએ જણાવ્યું, "અત્યારે અમારી પાસે આવતા દર્દીના કોવિડ-19 ટેસ્ટ માટે સરકારની મંજૂરી મેળવતા ત્રણ દિવસ લાગે છે. સરકારી મંજૂરી લેવામાં ઘણો સમય નષ્ટ થાય છે જેને કારણે દર્દી હેરાન થાય છે."
પત્રમાં જણાવાયા અનુસાર 13 માર્ચના સરકારી નિર્દેશ મુજબ ટેસ્ટિંગ માત્ર સરકારી ટેસ્ટિંગ સેન્ટરમાં જ થઈ શકે. એ બાદ પહેલી મેથી 10 મે દરમિયાન ખાનગી ટેસ્ટિંગની પરવાનગી આપવામાં આવી હતી.
તે વખતે છથી આઠ કલાકની અંદર કોવિડ-19ના પરીક્ષણની મંજૂરી મળતી હતી પરંતુ અત્યારે મંજૂરી મળતાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગે છે અને મંજૂરી મળવાનો દર 20 ટકાનો છે.
નિષ્ણાતોનું માર્ગદર્શન લેવાય છે?
તેમનું કહેવું છે કે "ખાનગી હૉસ્પિટલમાં કોઈ અન્ય ગંભીર બીમારીની સારવાર માટે આવેલા દર્દી જો કોવિડ-19 નૅગેટિવ હોય તો તેમની સારવાર જલદીથી કરી શકાય. જો ટેસ્ટિંગમાં આટલો સમય ન જાય તો ઇમરજન્સી ઑપરેશન પણ ઝડપથી થઈ શકે. જો દર્દી કોવિડ-19 પૉઝિટિવ આવે અને દર્દીની સારવાર બદલવાની જરૂર હોય તો તેમાં સમય ન વેડફાય."
તેમણે કહ્યું, " હાલની પરિસ્થિતિમાં જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી જાણી નથી શકાતું કે દર્દીના સંબંધીને પણ સંક્રમણનો ખતરો છે કે નહીં. તેમને આઇસોલેશનની જરૂર છે કે નહીં."
ભરત ગઢવી કહે છે કે આવા કિસ્સામાં દર્દીના સગાસંબધી સુપરસ્પ્રેડર બની શકે છે.
ટેસ્ટિંગ બાબતે પ્રશ્ન કરતાં ઍસોસિયેશને કહ્યું છે કે શું ટેસ્ટિંગની નીતિ બદલવામાં કોઈ આરોગ્ય નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે કે નહીં?
એ સિવાય લૉકડાઉનમાં હળવાશને કારણે કમ્યુનિટી ટ્રાંસમિશન વધવાની આશંકાનો ઉલ્લેખ કરતા ઍસોસિયેશને ટેસ્ટ વધારવાની માગ કરી છે.
ઍસોસિયેશને કહ્યું કે ટેસ્ટિંગની નીતિમાં બાંધછોડ કરવામાં આવે છે, જેથી ટેસ્ટિંગની સંખ્યા વધારી શકાય. સરકારે ટેસ્ટની કિંમત ચાર હજાર રૂપિયા નક્કી કરી છે.
જો ખાનગી ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શનના આધારે ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તો સંક્રમણ ફેલાતું રોકાશે અને મૃત્યુદર ઓછો થશે.
સરકારનું શું કહેવું છે?
આ પહેલાં અમદાવાદની 42 હૉસ્પિટલોમાં પચાસ ટકા પથારી કોવિડ-19ના દર્દીઓ માટે અનામત રાખવાના સરકારના આદેશથી ખાનગી હૉસ્પિટલો નારાજ હતી.
ગુજરાતમાં કોરોના સંક્રમણના કુલ 13 હજારથી વધારે કેસ છે અને મરણાંક આઠસોથી વધુ છે. અમદાવાદ કોરોના સંક્રમણનું ઍપિસેન્ટર બન્યું છે. ગુજરાતના કોરોના સંક્રમણના 73 ટકા કેસ અહીં જ મળ્યા છે અને રાજ્યમાં કોવિડ-19ને કારણે થયેલાં કુલ મૃત્યુમાંથી 80 ટકાથી વધારે મૃત્યુ પણ અહીં જ થયાં છે.
હાલ અમદાવાદમાં 23 મે સુધી કોરોના સંક્રમણના 10,001 મામલા આવ્યા હતા અને મરણાંક 669 હતો.
આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ જયંતી રવિએ પુષ્ટિ કરી કે ઍસોસિયેશનનો પત્ર મળ્યો છે, તેમણે કહ્યું, "ખાનગી હૉસ્પિટલમાં આવતા ઇમર્જન્સી દર્દીઓ માટે તાત્કાલિક ટેસ્ટની મંજૂરી આપીએ છીએ. ડેપ્યુટી હેલ્થ કમિશનરને નોડલ એજન્સી તરીકે નિમવામાં આવ્યા છે અને સર્જરીના કેસમાં તાત્કાલિક નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે."
જયંતી રવિએ કહ્યું કે દરરોજના ત્રણ હજાર ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ શનિવાર તારીખ 23 મે સુધી ગુજરાતમાં 4,71,003 લોકોને હોમ ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે સરકારી ક્વોરૅન્ટીનમાં 1,00,732 લોકોને રાખવામાં આવ્યા છે તથા ખાનગી ક્વોરૅન્ટીન સુવિધામાં 699 લોકોને રાખવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 4,82,434 લોકો ક્વોરૅન્ટીનમાં રખાયા છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો