બલબીર સિંહ : 13 નંબરની અશુભ જર્સી પહેરી ભારતને ઑલિમ્પિક ગોલ્ડ અપાવનાર મહાન ખેલાડીની કહાણી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

જ્યારે 1948માં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં હૉકીની ફાઇનલ શરૂ થઈ તો બધા દર્શકોએ એક સૂરમાં બૂમો પાડવાની શરૂ કરી, "કમ ઑન બ્રિટન, કમ ઑન બ્રિટન!"

ધીમેધીમે થતા વરસાદથી મેદાન ભીનું અને લિસ્સું થઈ ગયું હતું. આથી કિશન લાલ અને કેજી સિંહ બાબુ બંને પોતાનાં જૂતાં કાઢીને ઉઘાડા પગે રમવા લાગ્યા.

પહેલા હાફમાં જ બંનેએ આપેલા પાસ પર બલબીર સિંહે ટૉપ ઑફથી શૉટ લગાવીને ભારતને 2-0થી આગળ કરી દીધું.

રમત પૂરી થઈ ત્યારે 4-0 સ્કોર હતો અને સુવર્ણપદક ભારતનો હતો. જેવી ફાઇનલની સીટી વાગી કે બ્રિટનમાં ભારતના તત્કાલીન ઉચ્ચાયુકત કૃષ્ણ મેનન દોડતાં મેદાનમાં ઘૂસ્યા અને ભારતીય ખેલાડીઓને ગળે મળવા લાગ્યા.

બાદમાં તેઓએ ભારતીય હૉકી ટીમ માટે ઇન્ડિયા હાઉસમાં સ્વાગત સમારોહનું આયોજન કર્યું, જેમાં લંડનના જાણીતા ખેલપ્રેમીઓને આમંત્રિત કર્યા.

જ્યારે ટીમ જહાજથી ભારત પરત ફરી ત્યારે મુંબઈ પાસે તેમનું જહાજ વમળમાં ફસાઈ ગયું. એ ઑલિમ્પિકમાં સ્ટાર બનેલા બલબીર સિંહ પોતાની માતૃભૂમિને જહાજમાંથી જોઈ શકતા હતા. એ સ્થિતિમાં તેમને આખા બે દિવસ રહેવું પડ્યું. જ્યારે વમળ છૂટું પડ્યું ત્યારે તેમનું જહાજ મુંબઈના પૉર્ટ પર પહોંચી શક્યું.

નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં...

પરંતુ આ દરમિયાન ખેલપ્રેમીઓ નાવડીઓ પર સવાર થઈને હૉકીમાં સુવર્ણપદક અપાવનારાઓને અભિનંદન આપવા જહાજ પર પહોંચી ગયા.

કેટલાક દિવસો પછી દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં ઑલિમ્પિકવિજેતાઓ અને ભારતની અન્ય ટીમ વચ્ચે એક ફ્રેન્ડલી મૅચ રમાઈ, જેને જોવા માટે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં હાજર હતા.

બલબીર સિંહ સિનિયરે વિજયી ગોલ મારીને ઑલિમ્પિક ટીમને 1-0થી જીત અપાવી.

હેલિંસ્કીમાં 1952માં આયોજિત ઑલિમ્પિક રમતમાં બલબીર સિંહની ભારતીય ટીમમાં પસંદગી થઈ. ત્યાં તેમને 13 નંબરની જર્સી પહેરવા માટે અપાઈ.

અશુભ હોવા છતાં 13 નંબર બલબીર સિંહ માટે ભાગ્ય લઈને આવ્યો. આખી ટુર્નામેન્ટમાં ભારતે 13 ગોલ સ્કોર કર્યો, જેમાં 9 ગોલ બલબીર સિંહ માર્યા.

ડાબા જૂતા પર કબતૂરની અઘાર પડી

બલબીર સિહે બીબીસી સાથે વાત કરતાં એક રસપ્રદ કહાણી સંભળાવી હતી, "હું હેલિંસ્કી ઑલિમ્પિકમાં ભારતીય ટીમનો ધ્વજવાહક હતો. પરેડ દરમિયાન હજારો કબૂતરો ઉડાવ્યાં હતાં, જે અમારા પરથી ઊડીને ગયાં. એમાંથી એક મારા પર ચરક્યું, ને મારા ડાબા પગનું જૂતું બગડ્યું. હું પરેશાની સાથે માર્ચ કરતો રહ્યો."

"મને ડર હતો કે એ કબૂતરોએ મારા ભારતના બ્લેઝરને ગંદું તો નથી કર્યું ને. સમારોહ બાદ હું કાગળ શોધતો હતો જેથી મારા જૂતા પર પડેલી અઘારને સાફ કરી શકું. ત્યારે આયોજન સમિતિને એક સભ્યે મારી પીઠ પર ધબ્બો મારીને કહ્યું..."

"અભિનંદન બેટા! ફિનલૅન્ડમાં ડાબા જૂતા પર કબૂતરની અઘાર પડવી શુભ મનાય છે. આ ઑલિમ્પિક તમારા માટે બહુ ભાગ્યશાળી થવા જઈ રહી છે. એ સાહેબની ભવિષ્યવાણી બિલકુલ સાચી સાબિત થઈ અને ભારતે હૉલેન્ડને ફાઇનલમાં 6-1થી હરાવીને ફરી એક વાર સુવર્ણપદક મેળવ્યો. બલબીર સિંહે છમાંથી પાંચ ગોલ કર્યા."

આંગળી ફ્રૅકચર

વર્ષ 1956માં મેલબર્ન ઑલિમ્પિક હૉકી ટીમના કૅપ્ટન બલબીર સિંહ હતા.

પહેલી મૅચમાં ભારતે અફઘાનિસ્તાનને 14-0થી હરાવ્યું, પરંતુ ભારતને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે કૅપ્ટન બલબીર સિંહની જમણા હાથની આંગળી તૂટી ગઈ.

બીબીસી સાથે વાત કરતાં બલબીરે કહ્યું હતું, "હું અફઘાનિસ્તાન સામે પાંચ ગોલ કરી ચૂક્યો હતો, ત્યારે મને બહુ ગંભીર ઈજા થઈ."

"એવું લાગ્યું કે મારી આંગળીના નખ પર હથોડો માર્યો હોય. સાંજે જ્યારે એક્સ-રે થયો ત્યારે ખબર પડી કે મારી આંગળીમાં ફ્રૅકચર છે."

"નખ ઢીલો પડી ગયો હતો અને આંગળી ખરાબ રીતે સૂજી ગઈ હતી."

ઈજાને ગુપ્ત રખાઈ

"માત્ર સેમિફાઇનલ અને ફાઇનલમાં મને ઉતારાશે. મને થયેલી ઈજાની વાત ગુપ્ત રખાશે."

"કારણ એ હતું કે અન્ય ટીમો મારી પાછળ કમસે કમ બે ખેલાડી રાખતી હતી, જેથી અન્ય ખેલાડીઓ પર દબાણ ઓછું થઈ જતું હતું."બલબીર સિંહે આગળ જણાવ્યું, "અમારા મૅનેજર ગ્રૂપ કૅપ્ટન ઓપી મેહરા, ચીફ ડે મિશન ઍરમાર્શલ અર્જુન સિંહ અને ભારતીય હૉકી ફેડરેશનના ઉપાધ્યાક્ષ અશ્વિની કુમાર વચ્ચે એક મંત્રણા થઈ અને નક્કી કરાયું કે હું બાકીની લીગ મૅચ નહીં રમું..."

હરબૈલ સિંહનો ઠપકો

બલબીર સિંહે પોતાની આત્મકથા 'ધ ગોલ્ડન હૅટ્રિક'માં લખ્યું, "હરબૈલ સિંહને હું મારી ખાલસા કૉલેજના દિવસોમાં ગુરુ માનતો હતો."

"ઑલિમ્પિકમાં અમે બંને એક રૂમમાં રહેતા હતા. તેઓએ મારી દરેક તકલીફને શક્ય એટલી રીતે દૂર કરવાની કોશિશ કરી."

"ક્યારેક નરમાશથી, ક્યારેક મનાવીને અને તો ક્યારેક ઠપકો આપીને પણ. પરંતુ તેની મારા કોઈ અસર ન થઈ. મને એવું લાગ્યું કે હું એવો કૅપ્ટન છું જેણે ડૂબતાં જહાજને છોડી દીધું છે."

"મને વારંવાર એક સપનું આવતું હતું. હું એક ગોલકીપર સામે ઊભો છું. તે મારા પર હસી રહ્યો છે અને વારંવાર મને કહી રહ્યો છે... જો હિંમત હોય તો ગોલ માર."

પાકિસ્તાન સામે ફાઇનલ મૅચ

આખરે ભારતીય ટીમ જર્મનીને હરાવીને ફાઇનલમાં પહોંચી. ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે હતો.

પાકિસ્તાન સામે તેમનો આ પહેલો મુકાબલો હતો, પરંતુ તેનો ઇંતેજાર બંને દેશના ખેલાડીઓ 1948થી કરી રહ્યા હતા. ભારતીય ટીમ બહુ દબાણમાં હતી.

ભારત પર દબાણ વધુ હતું, કેમ કે જો પાકિસ્તાનને રજતપદક મળે તો પણ તેમના માટે સંતોષની વાત હતી.

પણ ભારત માટે સુવર્ણથી નીચે કોઈ પણ પદક નિરાશાપૂર્ણ વાત હતી. મૅચના એક દિવસ અગાઉ બલબીર સિંહ બહુ તણાવમાં હતા.

ફાઇનલ પહેલાં ઊંઘ ગાયબ

તેઓએ પોતાની આત્મકથામાં લખ્યું, "અમારા કોચ હરબૈલ સિંહે નક્કી કર્યું હતું કે દરેક ખેલાડી સમયસર ઊંઘી જાય."

"તેઓએ મારા રૂમની લાઇટ ઑફ કરતાં કહ્યું, ભગવાન ધારશે તો આપણી જીતીશું. હું એ રાત ઊંઘી શક્યો નહોતો. થોડી વાર પછી હું ટહેલવા બહાર નીકળી ગયો."

"રાત ઘણી થઈ ગઈ હતી. ત્યારે કોઈએ પાછળથી મારું નામ લઈને પોકાર્યો. પાછળ વળીને જોયું તો અશ્વિની કુમાર થોડા પરેશાન દેખાઈ રહ્યા હતા."

"તેઓએ મારા ખભા પર હાથ મૂક્યો અને મને મારા રૂમમાં લઈ આવ્યા. તેઓ મારી સાથે વાત કરતા રહ્યા. પછી તેઓએ મને એક ગોળી આપી."

"તેઓએ મને ઊંઘવા કહ્યું અને મારા માથા પાસે બેસી રહ્યા. મને ખબર પણ ના પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ ને ક્યારે અશ્વિની મને છોડીને ગયા."

મૅચ પહેલાં અંસારીની છીંક

મૅચની સવારે બધા ભારતીય ખેલાડીઓ બસમાં બેઠા.

ડ્રાઇવરે બસ સ્ટાર્ટ કરી કે એમટી અંસારીએ (ભોપાલ હૉકી ઍસોસિયેશનના સચિવ) છીંક ખાધી.

બલબીર સિંહે પોતાની આત્મકથા 'ધ ગોલ્ડન હૈટ્રિક'માં લખે છે, "કુમાર અંસારીને બોલ્યા અને ડ્રાઇવરને બસ બંધ કરવા કહ્યું."

"તેઓ મને મારા રૂમમાં પાછા લાવ્યા. તેઓએ મને કહ્યું કે તું મને અંધવિશ્વાસી કહી શકે છે, પરંતુ તારે પોતાનું ટ્રેક સૂટ અને જૂતાં ઉતારવાં પડશે."

"તું પાંચ મિનિટ માટે પથારીમાં સૂઈ જા. મેં એવું જ કર્યું જેવું અશ્વિની કુમારે કહ્યું હતું. થોડી વાર પછી અમે એ બસમાં મેદાન માટે રવાના થયા."

જમણી આંગળીમાં પ્લાસ્ટર

આ ખરાખરીનો જંગ હતો. બલબીરની જમણી આંગળીએ પ્લાસ્ટર હતું અને તેઓ ત્રણ પેઇનકીલર ઇન્જેક્શન લઈને મેદાનમાં ઊતર્યા હતા.

પછીના દિવસે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયું, "બલબીર સંપૂર્ણ ફિટ નહોતા. તેમને પાકિસ્તાનના સેન્ટર હાફ ખૂલીને રમવા દેતા નહોતા. પરંતુ ભારતના ડિફેન્સ પોતાની ખ્યાતિ અનુસાર ખેલતા હતા. પાકિસ્તાન તેને ભેદવાની ભરપૂર કોશિશ કરતું હતું, પરંતુ જેન્ટિલ, પેરુમલ અને ક્લૉડિયસ લોખંડની દીવાલની જેમ ઊભા હતા. બીજા હાફમાં બલબીરે પાકિસ્તાની રક્ષણમાં છેદ પાડ્યો. તેઓએ ગુરુદેવને બૉલ પાસ કર્યો, પરંતુ તેઓએ બૉલને ક્રૉસ બારથી ઉપર માર્યો."

પેનલ્ટી કૉર્નર મળ્યું

અંતિમ સમયમાં પાકિસ્તાને ગોલ ઉતારવા માટે પોતાની બધી તાકાત લગાવી દીધી.

તેને એક પેનલ્ટી મળી પણ ભારતના સેન્ટર હાફ અમીર કુમારે પાકિસ્તાનના હમિદને ગોલ કરવા ન દીધો. બલબીર સિંહ માટે આ એક મહત્ત્વની પળ હતી.

તેઓએ ત્રીજી વાર ભારત માટે સુવર્ણપદક જીત્યો હતો.

સુવર્ણપદક મેળવ્યા બાદ બલબીર એમટી અંસારીને ભેટ્યા અને ધીમેથી તેમના કાનમાં કહ્યું, "અંસારીસાહેબ, તમારી છીંક અમારા માટે સારું નસીબ લઈને આવી છે."બીજો હાફ શરૂ થતાં જ ભારતને પેનલ્ટી કૉર્નર મળ્યું અને રણધીર સિંહ જેન્ટિલનો ધમાકેદાર શૉટ પાકિસ્તાની ગોલને ભેદી ગયો.

1975માં શાહી મસ્જિદમાં નમાઝ અને પાકિસ્તાન સામે જીત

1975માં કુઆલાલમ્પુરમાં યોજાયેલા વિશ્વકપમાં બલબીર સિંહને ભારતીય ટીમના કોચ બનાવાયા હતા. આ ટીમને ચંદીગઢમાં ટ્રેનિંગ અપાઈ હતી.

ભારતીય ટીમ મલેશિયાને હરાવીને ફાઇનલમાં પહોંચી, જ્યાં તેનો મુકાબલો ચિરપરિચિત હરીફ પાકિસ્તાન સાથે હતો.

અસલમ શેર ખાને ઇચ્છા પ્રગટ કરી કે તેઓ નમાજ પઢવા માટે મસ્જિદમાં જવા માગે છે.

કોચ બોધી, મૅનેજર બલબીર સિંહ અને ડૉક્ટર રાજેન્દ્ર કાલરા તેમને લઈને કુઆલાલમ્પુરની શાહી મસ્જિદ પહોંચ્યા. એ બસમાં પાકિસ્તાની ટીમના ખેલાડી પણ હતા.

'સડેન ડેથ' રશીદે અસલમની મજાક કરી કે તેં મલેશિયા સામે બરાબરીનો ગોલ માર્યો અને હવે બલબીરને નમાજ પઢવા લઈ જઈ રહ્યા છો. આગળ શું વિચાર છે?

ત્યાંના મૌલાનાએ તેમનું સ્વાગત કર્યું. જ્યારે તમને જણાવ્યું કે આ બધા નમાજ પઢવા આવ્યા છે તો તેમને નવાઈ લાગી.

બલબીરને નમાજ પઢવાની રીત ખબર નહોતી. આથી તેઓએ નમાજ પૂરી થવા સુધી પોતાનું માથું જમીનથી ઉપર ન ઉઠાવ્યું.

પરત ફરતા રશીદે શહનાઝ શેખ સાથે વ્યંગ કર્યો, "કાલે તમારી સામે ભારત જીતી રહ્યું છે."

શહનાઝે કહ્યું, "એટલા માટે કે તું ટીમમાં નથી રમતો?"

રશીદે તરત જવાબ વાળ્યો, "એટલા માટે કે અલ્લાહ પહેલા કરેલી દુઆઓને જ કબૂલ કરે છે, અસલમ અને બલબીરે જીત માટે પહેલા દુઆ માગી છે."

રશીદ બિલકુલ સાચા હતા. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 2-1થી હરાવીને હૉકી વિશ્વકપ જીતી લીધો. ત્યારપછી ભારતે ક્યારેય વિશ્વકપમાં જીત ન મેળવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો