પાકિસ્તાન વિમાનદુર્ઘટના : 'મને માત્ર આગ દેખાતી હતી' ક્રૅશમાં બચેલા મુસાફરની આપવીતી

પાકિસ્તાનમાં શુક્રવારે કરાચી ઍરપોર્ટની નજીક થયેલી વિમાનદુર્ઘટનામાં જીવિત બચેલી વ્યક્તિએ પોતાની આપવીતી જણાવી હતી. મુહમ્મદ ઝુબૈર વિમાન દુર્ઘટનામાં બચી જનારા બે લોકોમાંથી એક છે.

પાકિસ્તાન સ્વાસ્થ્ય અધિકારીઓ પ્રમાણે પાકિસ્તાની ઍરલાઇન્સના વિમાન ઍરબસ એ320ના રહેણાક વિસ્તારમાં ક્રૅશ થયું એ પછી 97 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.

આ પ્લેન ક્રૅશ માટે કયાં કારણો જવાબદાર હતાં, તે હજી સ્પષ્ટ નથી થયું.

સ્થાનિક મીડિયા પ્રમાણે વિમાનચાલકે એક વખત લૅન્ડિંગમાં નિષ્ફળ રહ્યા બાદ વિમાનમાં ટેકનિકલ સમસ્યા હોવાની માહિતી આપી હતી. વિમાન ક્રૅશ થયું એના પહેલાં વિપત્તિનો સંકેત આપતા શબ્દ “મે ડે, મે ડે” કહ્યા હતા.

કેવી રીતે બચ્યો ઝુબૈરનો જીવ?

ફ્લાઇટ પીકે 8303 ઈદ પહેલાં લાહોરથી ઊડીને 91 યાત્રિકો સાથે કરાચી આવી રહ્યું હતું. આ વિમાનમાં અનેક પરિવાર સવાર હતા.

આ વિમાન બપોરે 2.30 વાગ્યે કરાચીના જિન્ના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર લૅન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી.

ઝુબૈરને આ દુર્ઘટનામાં હળવી ઈજા થઈ છે. તેઓ કહે છે કે વિમાને એક વખત લૅન્ડિંગનો પ્રયત્ન કર્યો હતો અને 10થી 15 મિનિટ પછી ક્રૅશ થઈ ગયું હતું.

તેઓ કહે છે, “કોઈને નહોતી ખબર કે વિમાન ક્રૅશ થશે. બધા લોકો વિમાનમાં આરામથી બેઠા હતા.”

વિમાન ક્રૅશ થયા બાદ ઝુબૈર બેભાન થઈ ગયા હતા.

ઝુબૈર કહે છે કે "જ્યારે હું ભાનમાં આવ્યા તો મને ચોફેર બૂમાબૂમ સંભળાતી હતી. બાળકો અને વયસ્કો ત્યાં રોકકળ કરી રહ્યાં હતાં. મને કોઈ વ્યક્તિ ત્યાં ન દેખાઈ. બસ બૂમો મને સંભળાતી હતી."

"મેં પોતાનો સીટ-બેલ્ટ ખોલ્યો પછી મને પ્રકાશ દેખાયો. હું એ તરફ દોડ્યો. મારે એક સુરક્ષિત જગ્યાએ પહોંચવા માટે લગભગ દસ ફૂટની ઊંચાઈ પરથી કૂદવું પડ્યું. "

કેવી રીતે ઘટી દુર્ઘટના?

લાહોરથી આ ફ્લાઇટ કરાચી પહોંચી રહી હતી, ત્યાં ઍરપોર્ટ પર લૅન્ડિંગ પહેલાં આ વિમાન રહેણાક વિસ્તાર જિન્ના ગાર્ડન મૉડલ કૉલોનીમાં ક્રૅશ થઈ ગયું હતું.

આ કૉલોની ઍરપોર્ટથી માત્ર 3.2 કિલોમિટર દૂર છે.

દુર્ઘટના પહેલાં વિમાનચાલકે ઍન્જિન ખરાબ હોવાની જાણ કરી હતી અને વિપત્તિનો સંકેત આપ્યા હતા.

પીઆઈએના મુખ્ય કાર્યકારી અધિકારી ઍર વાઇસ માર્શલ મલિકે દુર્ઘટના બાદ જણાવ્યું કે પાઇલટે ટ્રાફિક કંટ્રોલને વિમાનમાં ટેકનિકલ સમસ્યાની માહિતી આપી હતી.

પાકિસ્તાનની સમાચાર ચેનલ દુનિયા ન્યૂઝે પાઇલટ અને ઍરટ્રાફિક કંટ્રોલ વચ્ચેની વાતચીતનું રિકર્ડિંગ મળ્યું હોવાનો દાવો કર્યો છે.

આ રિકર્ડિંગ મૉનિટરિંગ વૅબસાઇટ liveatc.net પર પણ પોસ્ટ કરવામાં આવ્યું છે.

આ કથિત રિકર્ડિંગમાં પાઇલટ કહે છે કે “વિમાનનાં બે ઍન્જિને કામ કરવાનું બંધ કરી દીધું છે, મે ડે...મે ડે.”

પ્રત્યક્ષદર્શીઓ શું જોયું?

આ દુર્ઘટનાને નજરે જોનારા ઉઝૈર ખાને કહ્યું કે જોરદાર ધમાકાનો અવાજ સાંભળીને તેઓ બહારની તરફ દોડ્યા.

તેમણે કહ્યું, “ચાર ઘર એકદમ તબાહ થઈ ગયા હતા. ત્યાંથી ધુમાડો નીકળી રહ્યો છે. તેઓ એકદમ બાજુમાં જ રહે છે. હું કહી નથી શકતો કે કેવું ખતરનાક દૃશ્ય હતું.”

ઘટનાસ્થળની નજીક રહેતા ડૉ કંવલ નાઝિમે જણાવ્યું કે તેઓ ઘરની બહાર ગયા અને મસ્જિદની પાછળથી કાળો ધુમાડો જોયો ત્યાર પછી કેટલાક લોકો ધુમાડા તરફ વધી રહ્યા હતા.

ડૉક્ટર નાઝિમ કહે છે તેમનું ઘર દુર્ઘટનાસ્થળની બહુ નજીક છે એટલે ત્યાંના લોકોની બૂમો સંભળાતી હતી. આ દુર્ઘટનામાં ઝફર મસૂદ પણ જીવિત બચી ગયા હતા.

મસૂદ બૅન્ક ઑફ પંજાબના અધ્યક્ષ છે, જેમને દુર્ઘટના પછી ગુલશન-એ-જૌહર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સિંધ પ્રાંતના મુખ્ય મંત્રી મુરાદ અલી શાહે હૉસ્પિટલ જઈને ઝફર મસૂદની મુલાકાત લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો