અયોધ્યા રામમંદિર : સમતલ કરવાની પ્રક્રિયા દરમિયાન મળેલા અવશેષો પર પ્રશ્નાર્થ

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બી. બી. સી. ગુજરાતી માટે

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાવો કર્યો છે કે મંદિર પ્રાંગણને સમતલ કરતી વખતે જૂના મંદિરના અવશેષ મળ્યા છે.

ટ્રસ્ટે જિલ્લાધિકારીની પરવાનગીથી 11 મેથી અહીં સમતલ કરવાનું કામ શરૂ કર્યું હતું.

ટ્રસ્ટે જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમતલીકરણ દરમિયાન મોટી સંખ્યામાં પુરાતન અવશેષ, દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ કળશ તથા અન્ય કલાકૃતિઓ મળી આવી છે.

ટ્રસ્ટના સચિવ ચંપત રાયે મીડિયાને કહ્યું કે અત્યાર સુધી સાત બ્લૅક ટચસ્ટોનના સ્તંભ, છ રૅડસૅન્ડ સ્ટોન, પાંચ ફૂટનું નક્શીકામવાળું શિવલિંગ અને મહેરાબના પથ્થર મળી આવ્યાં છે.

ટ્રસ્ટ પ્રમાણે આ પુરાતન અવશેષો રામમંદિરના પ્રામાણિક તથ્ય છે.

સમતલ કરવાની આ પ્રક્રિયા રામજન્મભૂમિના એ સ્થળ પર ચાલી રહી છે જ્યાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા રામલલા વિરાજમાન હતા.

ક્યારથી ચાલી રહ્યું છે કામ

ટ્રસ્ટ તરફથી એ સ્થળ સુધી પહોંચવા માટે એક ગૅલેરી જેવો રસ્તો બનાવવા માટે ઍંગલ જેવી વસ્તુઓને હઠાવીને સફાઈનું કામ ચાલી રહ્યું છે, જેથી મંદિર નિર્માણની પ્રક્રિયાને આગળ વધારી શકાય.

ચંપતરાયે કહ્યું કે આ પ્રક્રિયામાં ત્રણ જે.સી.બી., એક ક્રેન, બે ટ્રૅક્ટર અને 10 મજૂરો લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કોરોનાને લઈને સુરક્ષાના માપદંડ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે.

અયોધ્યાના જિલ્લાધિકારી અનુજ કુમાર ઝાએ કહ્યું કે ટ્રસ્ટે તેમની પાસે લૉકડાઉનમાં ઢીલ દરમિયાન સ્થળને સમતલ કરવાની પ્રક્રિયા આગળ વધારવાની પરવાનગી માગી હતી અને બધા માપદંડોને ધ્યાને લઈને કામ ચાલી રહ્યું છે.

ત્યાં મળેલા અવશેષો વિશે જિલ્લાધિકારી અનુજ કુમાર ઝાનું કહેવું છે, “અત્યારે જે પણ અવશેષ મળ્યા છે તે ટ્રસ્ટ પાસે જ છે અને તેમની સફાઈનું કામ થઈ રહ્યું છે.”“પુરાતાત્વિક દૃષ્ટિએ હજી તેમનું પરીક્ષણ બાકી છે અને ટૂંક સમયમાં શક્ય બનશે એવું નથી લાગી રહ્યું.”

કહેવાય છે કે સમતલ કરવાની પ્રક્રિયા દરમિયાન જે વસ્તુઓ હાલ મળી છે, તેવી જ વસ્તુઓ અગાઉ પણ મળી હતી.

પહેલાં મળી ચૂક્યા છે અવશેષ

સ્થાનિક પત્રકાર મહેન્દ્ર ત્રિપાઠી કહે છે, “જૂના મંદિરના અવશેષ પહેલા પણ મળ્યા છે. અત્યારે જે વસ્તુઓ મળી રહી છે, તેનાથી જ સંબંધિત વસ્તુઓ છે, ભલે શિવલિંગ, કળશ કે પછી મૂર્તિ હોય, કારણ કે આ જગ્યાને સરકારે નિયંત્રણમાં લીધી પછી ત્યાં રામલલાની મૂર્તિ મૂકવામાં આવી હતી તેથી એ સામાનને સંરક્ષિત ન કરી શકાયો. હવે તે વસ્તુઓ મળી રહી છે.”

પરંતુ બાબરી મસ્જિદ ઍક્શન કમિટીના સંયોજક અને સુન્ની વક્ફ બોર્ડના વકીલ રહ્યા ઝફરયાબ જિલાનીએ આ અવશેષો મળવા પર પ્રશ્ન ઊભા કર્યા છે.

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એએસઆઈ તરફથી આપેલા પ્રમાણ મુજબ ત્યાં 13મી શતાબ્દીનું કોઈ મંદિર નહોતું, એવામાં અવશેષ મળવાની વાત પ્રૉપૅગૅન્ડા સિવાય બીજું કશું નથી.”

રામજન્મભૂમિના પ્રધાન પુજારી આચાર્ય સત્યેંદ્ર દાસે કહ્યું કે પહેલાં પણ પુરાત્તવ વિભાગે આ સ્થળ પર ખોદકામ કર્યું હતું અને અહીં મંદિરના પ્રમાણ મળ્યા હતા.

બી.બી.સી. સાથે વાત કરતા તેમણે કહ્યું, “ખોદકામમાં મળેલા પ્રમાણના આધાર પર સુપ્રીમ કોર્ટે રામલલાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો."“હવે ફરીથી રામમંદિર સંબંધિત પ્રમાણ મળી રહ્યાં છે, જેમાં કમળ, શંખ, ચક્ર અને ધનુષ છે." “આ બધી વસ્તુઓ સનાતન ધર્મ સાથે જોડાયેલી છે અને અણસાર આપે છે કે અહીં પહેલાં મંદિર હતું."

બૌદ્ધ ધર્મની વાત

આ દરમિયાન, આ અવશેષો મંદિર અથવા શિવલિંગ સાથે જોડાયેલા નથી, પરંતુ બૌદ્ધ સ્તંભ સાથે જોડાયેલા છે એવો દાવો કરીને નવો વિવાદ ઊભો કરવાના પ્રયત્ન પણ થઈ રહ્યા છે.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર હૅશટૅગ બૌદ્ધસ્થળ અયોધ્યાના નામથી લોકો ખોદકામમાં મળેલા અવશેષોની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે.

ગત વર્ષે રામમંદિરના પક્ષમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ અધિગ્રહિત ક્ષેત્રમાં મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

લૉકડાઉનને કારણે બે મહિના સુધી અહીં કામ શરૂ નહોતું થઈ શક્યું, પરંતુ લૉકડાઉનમાં મળેલી ઢીલ વચ્ચે સ્થળને સમતલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.

એ સિવાય મંદિર નિર્માણ માટે અયોધ્યાની રામજન્મભૂમિ ન્યાસ કાર્યશાળામાં નક્કાશીદાર પથ્થરની સફાઈનું કામ ચાલી રહ્યું છે.

નવ નવેમ્બર 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે આ વિવાદ સાથે જોડાયેલી 2.77 એકર જમીન રામલલા વિરાજમાનને આપી હતી.

કોર્ટે મંદિર અને પ્રબંધન માટે કેન્દ્ર સરકારને એક ટ્રસ્ટ બનાવવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો. સરકારે સુન્ની વક્ફ બોર્ડને આ જમીન આપી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો