ડૉ. હર્ષવર્ધન : મોદી સરકારના આરોગ્યમંત્રીએ WHOનો પદભાર સંભાળ્યો - Top News

ભારતના કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના કાર્યકારી બોર્ડના ચૅરમૅનનો પદભાર સંભાળી લીધો છે.

એનડીટીવીની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ડૉક્ટર હર્ષવર્ધન પહેલાં આ પદ જાપાનના ડૉક્ટર હિરોકી નાકાતાની પાસે હતું. ડૉ. હર્ષવર્ધન ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણ સામેની લડતમાં મોખરે રહ્યા છે.

બોર્ડના ચૅરમૅન તરીકે પદભાર સંભાળતાં તેમણે કહ્યું, "હું એવા સમયે આ પદ પર આવ્યો છું, જ્યારે દુનિયા એક મહામારી સામે લડી રહી છે."

"આપણે સમજી શકીએ છીએ કે આવનારા બે દાયકામાં આરોગ્યની દૃષ્ટિએ ઘણા પડકારરૂપ હશે, જેનો સામનો કરવામાં સહકારની જરૂર હશે."

34 સભ્યો ધરાવતા આ બોર્ડનું કામ હેલ્થ ઍસેમ્બલીના નિર્ણયો અને નીતિઓને ક્રિયાન્વિત કરવાનું અને સૂચનો કરવાનું છે. તેઓ ત્રણ વર્ષ માટે આ પદ પર રહેશે.

'ગુજરાતમાં વધુ છૂટછાટ આપી શકે છે સરકાર'

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે કહ્યું કે ગુજરાતના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી રહ્યા છે અને માસ્ક પણ પહેરી રહ્યા છે. ગુજરાત સરકાર આવનારા દિવસોમાં લૉકડાઉનમાં વધારે છૂટછાટ આપવા અંગે વિચારી શકે છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ સોમવારે લૉકડાઉનમાં છૂટછાટ બાદ જામેલી ભીડ અંગે વાત કરતાં અશ્વિની કુમારે કહ્યું કે હવે પરિસ્થિતિ ઘણી સુધરી છે.

તેમણે કહ્યું કે જીવનજરૂરી ચીજો અને સેવા વેચતી દુકાનોને ઑડ-ઇવન નિયમોના પાલનની જરૂર નથી. તેમણે કહ્યું કે એવી જ રીતે હાઈવે પર આવેલા પેટ્રોલ-પંપ પણ સવારે આઠથી સાંજે છ સુધીના સમય કરતાં વધારે લાંબા ગાળા માટે ખુલ્લા રહી શકે છે.

તેમણે કહ્યું કે ગુરુવાર સુધી ગુજરાતથી 699 ટ્રેનો મારફતે 10.13 લાખ પ્રવાસી શ્રમિકોને તેમનાં રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે. તારીખ બીજી મેથી ગુરુવાર સુધી ભારતમાં 31 લાખ જેટલા પ્રવાસી મજૂરો શ્રમિક ટ્રેનોથી પોતાનાં વતન પાછા ફર્યા છે, જેમાંથી 30 ટકા જેટલા ગુજરાતમાંથી ગયા છે.

મહારાષ્ટ્ર : એક દિવસમાં ત્રણ હજાર જેટલા કેસ

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના સંક્રમણના કેસની સંખ્યા 44 હજારને પાર પહોંચી ગઈ. શુક્રવારે જાહેર કરાયેલી માહિતી પ્રમાણે 24 કલાકમાં 3000 જેટલા કેસ નોંધાયા, એક દિવસની અંદર નોંધાયેલા કેસની આ સૌથી વધારે સંખ્યા છે.

લાઇવ મિન્ટના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં શુક્રવારે આરોગ્ય વિભાગે કહ્યું કે રાજ્યમાં 24 કલાકમાં 2,940 કેસ નોંધાયા અને હવે રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 44,582 કેસ છે.

સતત છ દિવસથી મહારાષ્ટ્રમાં 24 કલાકમાં બે હજારથી વધારે કેસ આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ને કારણે મૃતાંક 1,517 થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે સામે આવેલા ત્રણ હજાર જેટલા કેસમાંથી માત્ર મુંબઈમાં જ 1,751 નવા કેસ આવ્યા હતા.

રાજ્યમાં કુલ મૃતાંક 27,068 થઈ ગયો છે.

લૉકડાઉનને કારણે દેશમાં 54 હજાર મૃત્યુ ટાળી શકાયા

કેન્દ્ર સરકારનું કહેવું છે કે લૉકડાઉન 1 અને 2ને કારણે કોવિડ-19ના 14થી 19 લાખ કેસ અને 54 હજાર મૃત્યુ ટાળી શકાયા હતા.

હિંદુસ્તાન ટાઇમ્સ અખબારના અહેવાલ મુજબ નીતિ આયોગના સભ્ય વિનોદ પૉલે શુક્રવારે કહ્યું કે નિષ્ણાતોએ લૉકડાઉનના ફાયદા વિશે ચલાવવામાં આવેલી ગતિવિધિઓના પરિણામ સ્વરૂપે આ જાણવા મળ્યું હતું.

દેશમાં 25 માર્ચથી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને સરકારે તેને ત્રણ વખત લંબાવવાની જાહેરત કરી છે.

વિનોદ પૉલે કહ્યું કે આમ તો અનેક એજન્સીઓએ અભ્યાસ કર્યો છે જેનું એક સરખું તારણ નીકળ્યું છે કે લૉકડાઉનને કારણે દેશમાં કોરોના વાઇરસનું ટ્રાંસમિશન ધીમું થયું છે.

તેમણે આગળ કહ્યું કે પરિસ્થતિ બહુ ખરાબ થઈ શકી હોત. નિષ્ણાતોના વિશ્લેષણના પરિણામ પર 95 ટકા ભરોસો છે, અને એ સૂચવે છે કે દેશ યોગ્ય રસ્તા પર ચાલી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો