કોરોના વાઇરસ અપડેટ : ભારતમાં હવાઇયાત્રા માટે પાળવા પડશે આ નિયમો

કેન્દ્ર સરકારના સ્વાસ્થય વિભાગ દ્વારા હવાઈ યાત્રા કરવા માટે જરૂરી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે, જે દરેક યાત્રીઓએ પાળવાના રહેશે.

આ નિયમોમાં યાત્રીઓના મોબાઇલમાં 'આરોગ્યસેતુ' ઍપ હોવી જરૂરી છે. તે સિવાય કોરોના સંબંધિત માસ્ક અને અન્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમો સમાવિષ્ટ છે.

એરપોર્ટ પર યાત્રીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરાશે. જે યાત્રીઓ 'અસિમ્પટોમૅટિક' એટલે કે કોરાનાના લક્ષણ વગરના હશે તેમને જ યાત્રાની પરવાનગી મળશે.

જો કોઇને એરપોર્ટ પર લક્ષણ દેખાય છે તો તેમને સૅલ્ફક્વોરૅન્ટીન થવું પડશે અથવા નજીકના સ્વાસ્થય કેન્દ્રમાં જવું પડશે.

યાત્રાની સમાપ્તિ સમયે પણ થર્મલ સ્ક્રિનિંગ થશે.

'અસિમ્પટોમૅટિક' મુસાફરોએ 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થયને સૅલ્ફ મૉનિટર કરવાનું રહેશે અને જો કોઈ લક્ષણ જોવા મળે તો ત્વરીત નજીકના સ્વાસ્થય કેન્દ્રમાં જાણ કરવી જરૂરી છે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સે છાપી યાદી

અમેરિકન અખબાર 'ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સે' 24 મેના છાપાના પહેલા પાને હેડિંગ આપ્યું છે, 'Incalculable Loss' અમેરિકામાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યા આશરે એક લાખ જેટલી થવા આવી છે, ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં, અખબારે તેનું પહેલું પેજ સમપર્તિ કર્યું હતું.

બધા જ મૃતકોના નામ આ યાદીમાં સામેલ કરાયા છે અને તેમણે લખ્યું છે કે એ યાદીના કેટલાક નામ માત્ર નથી, તેઓ આપણી સાથે હતાં. અખબારે પોતાના ટ્વિટર હૅન્ડલ પર પણ તેની પોસ્ટ મૂકી છે અને ટ્વિટર પર તેની ચર્ચા સાથે વખાણ થઈ રહ્યા છે.

ઘણા લોકોએ તેમને બિરદાવીને લખ્યું છે કે આ પગલું લેવા માટે સાહસ જોઇએ.

ટાઇમ્સ ઇન્સાઇડરમાં લખાયેલા એક લેખમાં ન્યૂ યૉર્ક ટાઇમ્સના ગ્રાફિક્સ ઍડિટર સિમોન લેંડને કહ્યું છે કે આ નિર્ણય કોરોના જેવી ભયવહ મહામારી અને લોકોની પીડાને વ્યક્તિગત રૂપે અનુભવી શકાય તે માટે લેવામાં આવ્યો હતો.

'અમારા વાચકો અને અમે મહામારીના રિપોર્ટિંગને સતત આંકડાના રૂપમાં જોવા લાગ્યા હતાં. પરંતુ, આ માત્ર આંકડો નથી, લોકો છે.'

નોંધનીય છે કે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ અને મોતના મામલે વિશ્વભરમાં અમેરિકા પ્રથમ સ્થાને છે.

ત્રણ પ્રકારના સજીવ સ્ટ્રેન મળ્યાં

ચીનના વુહાન સ્થિત વાયરોલૉજી ઇન્સ્ટિટ્યૂટમાં ચામાચીડિયાંમાં જોવા મળતા વાઇરસના ત્રણ સજીવ સ્ટ્રેન મળી આવ્યાં છે.

જોકે સંસ્થાના ડિરેક્ટરનું કહેવું છે કે આમાંથી કોઈ પણ વાઇરસને એની સાથે સંબંધ નથી, જે વાઇરસે બરબાદી સર્જી છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોવિડ-19ની શરૂઆત વુહાનથી થઈ અને આ વાઇરસ પણ ચામાચીડિયામાંથી જ કોઈ સસ્તન પ્રાણીમાં થઈને માનવશરીરમાં પ્રવેશ્યો હતો.

સમાચાર એજન્સી એએફપી પ્રમાણે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીના નિદેશક વૉન્ગ યાન્યીએ ચીનના સરકારી ટીવી ચેનલ સીજીટીએનને કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય ઘણા લોકોના દાવા સાવ પાયાવિહોણા છે કે વાઇરસ વુહાનના જ કોઈ સેન્ટરમાંથી ફેલાયો છે.

13મી મેના રોજ રેકર્ડ કરાયેલા આ ઇન્ટરવ્યૂનું પ્રસારણ શનિવારે થયું, જેમાં વૉન્ગ યાન્યીએ કહ્યું કે સેન્ટરમાં કેટલાંક ચામાચીડિયાંમાં કોરોના વાઇરસની ઓળખ થઈ શકી છે.

તેમણે કહ્યું, "અમારી પાસે ત્રણ હજાર પ્રકારના વાઇરસ છે. પણ સાર્સ-કોવ-2 સાથે એ મેળ ખાતા નથી."

દુનિયામાં ત્રણ લાખ 40 હજારથી વધુનાં મોત

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે સમગ્ર વિશ્વમાં કોવિડ-19 મહામારીને કારણે અત્યાર સુધીમાં 3,40,805 લોકોનાં મૃત્યુ થયાં છે, ત્યારે વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણના 52,88,392 કેસોની પુષ્ટિ થઈ છે.

માનવામાં આવે છે કે અલગઅલગ દેશોમાં ટેસ્ટિંગના માપદંડ અને સુવિધામાં અંતરને કારણે ચેપગ્રસ્તો અને મૃતકોની સંખ્યા વધી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે આફ્રિકામાં કોવિડ-19 મહામારી અલગ રૂપ લેતી જોવા મળી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે 14 અઠવાડિયાંમાં આફ્રિકામાં સંક્રમણના એક લાખ કેસ નોંધાયા અને 3,100 લોકોનાં મૃત્યુ થયાં છે.

એજન્સીએ કહ્યું, "દુનિયાના બીજા ભાગોની સરખામણીમાં આફ્રિકામાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ એટલી ઝડપથી નથી વધી રહ્યા જેટલી ઝડપથી અન્ય જગ્યાએ વધ્યા છે. અહીં વધારે પ્રમાણમાં લોકોનાં મૃત્યુ પણ નથી થયાં."

જ્યારે મુસ્લિમોએ ચર્ચમાં નમાજ પઢી

જર્મનીની રાજધાની બર્લિનમાં એક ચર્ચે કોરોના વાઇરસના સંકટને લીધે ચર્ચના દરવાજા મુસ્લિમો માટે ખોલી દીધી હતા.

શહેરની દારસ્સલામ મસ્જિદમાં સામાન્ય રીતે રમજાન મહિનામાં જુમ્માની નમાજ માટે સેંકડો લોકો એકઠા થતા હોય છે.

જોકે લૉકડાઉનને કારણે આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા કહેવાયું છે અને એથી મસ્જિદમાં માંડ 50 લોકો જ હાજર રહી શકે એમ છે.

એથી શહેરના માર્થા લુથરન ચર્ચના પાદરીઓએ નમાજીઓને ચર્ચમાં નમાજ પઢવા દેવાનો નિર્ણય લીધો હતો.

દારસ્સલામ મસ્જિદના ઇમામે કહ્યું, "મહામારીએ આપણને એકજૂટ કરી દીધા. સંકટના વખતમાં લોકો નજીક આવે છે."

અમદાવાદ એકલામાં દસ હજારથી વધારે કેસ

શુક્રવારની સાંજથી 24 કલાકના ગાળા દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં 396નો વધારો થયો છે.

રાજ્યમાં કુલ કેસની સંખ્યા 13 હજાર 664 ઉપર પહોંચી ગઈ છે. 24 કલાકના ગાળા દરમિયાન અમદાવાદમાં 24 દરદીનાં મૃત્યુ થયાં છે, જ્યારે રાજ્યમાં વધુ 27 મૃત્યુ થયાં હતાં.

અમદાવાદમાં કોરોનાના 277 વધુ પૉઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 10,001 પર પહોંચી હતી, જેમાંથી ત્રણ હજાર 864 રિકવર થઈ ગયા છે. શહેરમાં અત્યારસુધી કોરોનાને કારણે 669 પેશન્ટ મૃત્યુને ભેંટ્યા છે.

રાજ્યમાં કોરોનવાને કારણે અત્યારસુધી 829 લોકો મરણને શરણ થયા છે.

રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે, મહારાષ્ટ્ર (44,582) અને તામિલનાડુ (14,753) પછી ગુજરાત ત્રીજા ક્રમે છે. આ ડેટા મુજબ એકલા અમદાવાદની કેસ સંખ્યા 29 રાજ્ય (અને કેન્દ્રશાસિત પ્રદેશ)થી વધુ છે.

ઑગસ્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ સ્પષ્ટતા કરી છે કે તા. 25મી મેથી ફ્લાઇટ્સ શરૂ થશે તથા લૉકડાઉન તા. 31મી મે સુધી લંબાવાયેલું છે, આ અંગે કોઈ અસમંજસ નથી.

તેમણે કહ્યું હતું કે દિલ્હી ઉતરનાર મુસાફરનું હરિયાણા કે નોઇડા જવું એ દિલ્હી-હરિયાણા તથા દિલ્હી-ઉત્તર પ્રદેશ સરકારની આંતરિક બાબત છે.

સરકાર ઑગસ્ટ મહિના સુધીમાં ખાસ્સી સંખ્યામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવા માગતી હોવાનું પણ પુરીએ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે 'વંદે ભારત મિશન' દ્વારા 25 દિવસમાં 50 હજાર ભારતીયોનું સ્વદેશાગમન કરાવવામાં આવશે.

શ્રીલંકામાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે વિમાન તથા જહાજ જેવા વિકલ્પો ઉપર વિચારણા ચાલી રહી છે.

ચાલુ રહેશે શ્રમિક સ્પેશિયલ ટ્રેન

આગામી દસ દિવસમાં ભારતીય રેલ્વે અંદાજે 36 લાખ પ્રવાસી મજૂરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડશે.

આજે ગૃહમંત્રાલય અને ભારતીય રેલ્વે દ્વારા કરવામાં આવેલી પ્રેસ કૉન્ફરન્સમાં આ વિગત જાહેર કરવામાં આવી હતી. દરરોજ 200 ટ્રેન દોડાવવામાં આવે છે, જેમાં હાલ સુધીમાં અંદાજે 35 લાખ જેટલા શ્રમિકો યાત્રા કરી ચૂકયા છે.

રેલ્વે બોર્ડના ચૅરમૅન વી. કે. યાદવે જણાવ્યું હતું કે શ્રમિકોની વ્યવસ્થા માટે હવે ઑનલાઇનની સાથોસાથ કેટલાક સ્ટેશન ખાતે વિન્ડો-બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે રેલવે યાત્રીઓ અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેર ઉપરાંત પ્રતિદિવસ અંદાજે 4000 પી.પી.ઈ. કિટ બનાવી રહ્યા છે. માસ્ક પણ બનાવીને તેઓ લોકોને પહોંચાડી રહ્યા છે.

આ સાથે જ યાદવે સ્પષ્ટતા કરી હતી કે શ્રમિક સ્પેશિયલ ટ્રેન જયાર સુધી જરૂર હશે, ત્યાર સુધી ચલાવવામાં આવશે.આગામી 10 દિવસમાં 2600 જેટલી ટ્રેનો દોડાવી યાત્રીઓને તેમના ઘરે પહોંચાડવામાં આવશે.

ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લી જનગણના મુજબ ચાર કરોડથી વધુ મજૂરો કામ-કાજ માટે બીજા રાજયોમાં નિવાસ કરે છે.

ચીનમાં કેસની સંખ્યા શૂન્ય

ચીનમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ એ પછી પહેલી વખત એવું થયું છે કે 24 કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી.

ગયા વર્ષના અંત ભાગમાં ચીનના વુહાન શહેરમાંથી જ સંક્રમણની શરૂઆત થઈ હતી. એ પછી થોડા જ મહિનામાં આખી દુનિયામાં સંક્રમણ પ્રસરી ગયું.

માર્ચ મહિનાથી ચીનમાં સંક્રમણના કેસોમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો, જેની પાછળનું કારણ પ્રતિબંધનું કડક પાલન છે.

જોકે સમાચાર એજન્સી રૉયટર્સનું કહેવું છે કે ચીનમાં ચીનમાં બહારથી આવેલા લોકોમાં સંક્રમણના કેસ નોંધાયા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કેસ

ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં છેલ્લા 24 કલાકમાં 6,654 કેસ નોંધાયા છે, જે 24 કલાકમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે.

શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડા પ્રમાણે ભારતમાં સંક્રમિતોની સંખ્યા સવા લાખને પાર પહોંચી છે.

આ અઠવાડિયામાં બીજી વખત એવું થયું છે જ્યારે એક જ દિવસમાં 6 હજારથી વધારે કેસ નોંધાયા હોય.

છેલ્લા 24 કલાકમાં 137 લોકોનાં મૃત્યુ થયાં છે, જે પછી ભારતમાં મહામારીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 3,720 થઈ ગઈ છે.

કોવિડ-19થી સંક્રમિતોના સ્વસ્થ થવાનો દર 41 ટકા જેટલો છે. અત્યાર સુધીમાં 51,783 લોકો સ્વસ્થ થયા છે.

ટ્રમ્પ લઈ રહ્યા છે, એ દવાથી દર્દીઓનાં મોતનો ખતરો?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે તેઓ મલેરિયાની દવા હાઇડ્રૉક્સિક્લોરોક્વીન લઈ રહ્યા છે.

વિજ્ઞાનની સંશોધનપત્રિકા લૅંસેટે અભ્યાસમાં નોંધ્યું છે કે કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓના ઈલાજમાં જ્યાં-જ્યાં હાઇડ્રૉક્સિક્લોરોક્વીન દવા આપવામાં આવી રહી છે, ત્યાં-ત્યાં દર્દીઓનાં મોતનો ખતરો વધારે છે.

આ અભ્યાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે મલેરિયાના નિદાન માચે વપરાતી આ દવાથી કોરોના વાઇરસતી સંક્રમિતોને કોઈ લાભ થઈ રહ્યો નથી.

ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આ દવાનું સેવન કરી રહ્યા છે, જ્યારે સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવ્યા હતા કે આનાથી હૃદયની બીમારી વધી શકે છે.

ટ્રમ્પ મેડિકલ સ્ટડીની ઉપેક્ષા કરીને આ દવાનો ઉપયોગ કરવાને પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

આ દવા મલેરિયાના દર્દીઓ માટે સુરક્ષિત છે અને લુપસ અથવા આર્થ્રાઇટિસ જેવા કેટલાક કેસોમાં પણ લાભકારક નીવડી છે.

લૅંસેટના આ અભ્યાસમાં તેમણે 96 હજાર દર્દીઓને સામેલ કર્યા છે.

ગરીબ પરિવારોને મહિને 7,500 રૂપિયા આપવાની માગ

વિપક્ષના 22 પક્ષોએ કેન્દ્ર સરકાર સામે 11 માગ મૂકી છે. જેમાં પહેલી માગ ગરીબ પરિવારોને છ મહિના સુધી 7,500 રૂપિયા રોકડેથી આપવાની માગ કરાઈ છે.

તેમણે એવી પણ માગ કરી છે કે પહેલી વખત ગરીબ પરીવારોને 10,000 રૂપિયા આપવામાં આવે અને એ પછીના મહિનાથી 7,500 રૂપિયા આપવામાં આવે.

શુક્રવારે કૉંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધીના નિમંત્રણ પર વીડિયો કૉન્ફરન્સ દ્વારા થયેલી પક્ષોની બેઠકમાં કેન્દ્ર સરકારના આર્થિક પૅકેજને અપર્યાપ્ત ગણાવવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી, ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની બેઠકમાં ગેરહાજરી નોંધાઈ હતી.

ગુજરાત : 24 કલાકમાં 363 પૉઝિટિવ કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 363 કેસ પૉઝિટિવ નોંધાયા છે.

ગુજરાત આરોગ્ય અને પરિવાર-કલ્યાણ વિભાગના હેલ્થ બુલેટિન મુજબ, કોરોના વાઇરસને લીધે વધુ 29 લોકોનાં મૃત્યુ થયાં છે.

અમદાવાદમાં સૌથી વધુ 26 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ગાંધીનગરમાં બે, ખેડામાં એક દર્દીનું મૃત્યુ થયું છે.

તેમજ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 392 દર્દીઓને રજા અપાઈ છે.

આ સાથે ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 13,273 પર પહોંચી છે અને મૃતાંક 802 પર પહોંચ્યો છે.

હાલમાં 63 દર્દીઓ વૅન્ટિલેટર પર છે અને અત્યાર સુધીમાં 5880 દર્દીઓને રજા આપી દેવાઈ છે.

અમદાવાદ જિલ્લામાં આજે પણ નવા 275 કેસ નોંધાયા છે. તેમજ સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીરસોમનાથમાં 4 કેસ નોંધાયા છે.

તેમજ ખેડા, ગાંધીનગર, કચ્છ, જૂનાગઢમાં 3-3 કેસ નોંધાયા છે અને આણંદમાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

સોનિયા ગાંધીના મોદી પર પ્રહાર

કૉંગ્રેસ પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે આર્થિક પૅકેજ પર કેન્દ્ર સરકારનું વલણ એક ક્રૂર મજાક બની ગયું છે.

સોનિયા ગાંધીએ આજે વીડિયો કૉન્ફરન્સ થકી 22 વિપક્ષી દળોના નેતાઓ સાથે બેઠક કરી.

જેમાં તેમણે જણાવ્યું, "જાણીતા અર્થશાસ્ત્રીઓએ મોટા સ્તરે નાણાકીય પ્રોત્સાહનની તત્કાલ જરૂરિયાત અંગે સલાહ આપી હતી. વડા પ્રધાન દ્વારા 20 લાખ કરોડના પૅકેજની જાહેરાત અને આગામી પાંચ દિવસ સુધી નાણામંત્રી દ્વારા આ અંગે અપાયેલી જાણકારી એક ક્રૂર મજાક બની ગઈ છે."

ગુજરાત કોરોના અપડેટ : રેલવે સ્ટેશન પરથી ટિકિટ-બુકિંગ શરૂ કરાયું

પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, વીરમગામ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશન, વડોદરા ડિવિઝનના વડોદરા, નાયર, ભરૂચ, અંકલેશ્વર, નડિયાદ, આણંદ, ગોધરા સ્ટેશન, રાજકોટ ડિવિઝનના રાજકોટ સ્ટેશન, ભાવનગર ડિવિઝનના ભાવનગર, જૂનાગઢ, વેરાવળ તથા પોરબંદર સ્ટેશન પરથી પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન સાથે 22 મેથી એટલે શુક્રવારથી ટિકિટ-બુકિંગ શરૂ કરી દેવાયું છે.

આ કાઉન્ટર પર રોજ સવારે 8.00 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ટિકિટ બુકિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે.

રવિવારે સવારે 8.00 વાગ્યાથી શરૂ કરીને બપોરે 2 વાગ્યા સુધી રેલવે બૉર્ડ દ્વારા જાહેર સ્પેશિયલ ટ્રેનોની ટિકિટ મેળવી શકાશે.

જોકે આ સમયે માત્ર આરક્ષણની ટિકિટો જ મળશે. ટિકિટોનું રિફંડ આપવામાં નહીં આવે. રિફંડ શરૂ થવાની માહિતી અલગથી આપવામાં આવશે.

બાંગ્લાદેશની દવાનિર્માણ કંપની 'બૅક્સિમ્કો' વિશ્વની પ્રથમ એવી કંપની બની ગઈ છે, જેણે ઍન્ટિવાઇરલ દવા રૅમડેસિવિયરનું એક જૅનરિક સંસ્કરણ તૈયાર કરી લીધું છે.

રૅમડેસિવિયરને મૂળ તો અમેરિકાની કંપની 'ગિલીડ સાયન્સીઝ' દ્વારા વિકસિત કરાઈ હતી અને આ દવાને ઇબોલાની સારવાર માટે બનાવાઈ હતી.

રૅમડેસિવિયર માનવશરીરમાં હાજર એ ઍન્ઝાઇમ પર હુમલો કરે છે, જેની મદદથી કોઈ પણ વાઇરસ શરીરની અંદર દાખલ થયા બાદ ખુદને વધારે છે.

અમેરિકાના તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે રૅમડેસિવિયરે ગંભીર રીતે બીમાર લોકોનો રિકવરી ટાઇમ ઘટાડવામાં મદદ કરી હતી.

જોકે, આ દવાથી જીવતા રહેવાના દરમાં કોઈ ઉલ્લેખનીય સુધારો જોવા નહોતો મળ્યો.

વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે રૅમડેસિવિયરને કોરોના વાઇરસ વિરુદ્ધ 'જાદુઈ ગોળી'ના રૂપે ન જોવી જોઈએ.

જોકે, કોરોના વાઇરસ માટે કોઈ સ્પષ્ટ ઉપચારના અભાવને કારણે વિશ્વના કેટલાંય રાષ્ટ્રો રૅમડેસિવિયરનો ઉપયોગ કરવા ઇચ્છુક છે.

કોરોનામાં ઘટશે દુબઈની ચમક, 70 ટકા કંપનીઓ છ મહિનામાં થઈ શકે છે બંધ

દુબઈ ચેમ્બર ઑફ કૉમર્સના એક સર્વે અનુસાર દુબઈમાં 70 ટકા જેટલાં બિઝનેસ આગામી છ મહિનામાં કોરોના વાઇરસની મહામારીના કારણે બંધ થઈ શકે છે.

ગુરુવારે સાંજે આ સર્વેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. એમાં કહેવામાં આવ્યું છે 'દુબઈની 90 ટકાથી વધારે કંપનીઓ પ્રમાણે, 2020ના પહેલાં ત્રિમાસિક ગાળામાં તેમનાં વેચાણ અને ટર્નઓવરમાં ભારે ઘટાડો નોંધાયો છે.'

દુબઈની ચેમ્બર ઑફ કૉમર્સ અનુસાર મહામારીના કારણે થયેલી વૈશ્વિક આર્થિક સંકટની અસર સૌથી વધારે નાના અને સામાન્ય ઉદ્યોગો પર અસર પડી રહી છે.

ટૂરિઝમ સાથે જોડાયેલી મોટા ભાગની કંપનીઓ, રિયલ એસ્ટેટની અડધાંથી વધારે કંપનીઓ હોટલ-રેસ્ટોરાંના માલિક સહિત રિટેલ ઉદ્યોગો સાથે જોડાયેલાં લોકોનું કહેવું છે કે તેમના કામમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે અને બીજા ત્રિમાસિક ગાળામાં આનું પરિણામ હજુ ભયાનક આવી શકે છે.

સર્વેમાં શામેલ થયેલી 48 ટકા કંપનીઓનું કહેવું છે કે તેમણ આ મહામારીની કર્મચારીઓ પર અસર ન પડે એ માટે પ્રયાસો કર્યા છે.

દુબઈમાં રહેલી કંપનીઓ કોરોના વાઇરસની મહામારીની અસરને ઓછી કરવા માટે કેવા પ્રયત્નો કરી શકાય તે અંગે દુબઈ ચેમ્બર ઑફ કૉમર્સ કેટલાંક સૂચનો પણ કર્યા છે.

સંસ્થાએ કહ્યું છે કે કંપનીઓને કાયદાકીય કાર્યવાહીમાંથી રાહત મળવી જોઈએ, ભાડામાં કેટલીક છૂટ મળવી જોઈએ, આ સાથે જોડાયેલાં સરકારી ખર્ચમાં કેટલોક ઘટાડો કરવામાં આવે આ ઉપરાંત ફી માફી સિવાય તેમને ફાઇનાન્સ આપવાની જરૂરિયાત છે.

સંયુક્ત આરબ અમીરાતમાં ગુરુવારે કોવિડ-19ના કારણે ચાર બીજા લોકોના મૃત્યુ થયા છે.

સ્થાનિક સ્વાસ્થય વિભાગ પ્રમાણે 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 892 નવા કેસ સામે આવ્યા છે જે મળીને હાલ સુધી સંક્રમણના 27 હજાર કેસની પુષ્ટિ થઈ છે.

EMI ચૂકવવામાં આરબીઆઈની રાહત, લોનો પણ સસ્તી થશે

RBI ગવર્નર શક્તિકાંતા દાસે રેપો રેટમાં 40 બેસિસિ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે અને તેને 4.4થી ઘટાડીને 4% કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન પછી સતત ત્રીજી વાર આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કર્યો છે.

રેપો રેટમાં ઘટાડાની અસર બૅન્કોથી મળનારા કરજ પર અને એની વ્યાજ પર મહત્ત્વની હોય છે..

આજે પત્રકારપરિષદમાં તેમણે શક્તિકાંતા દાસે આની જાહેરાત કરી છે.

શક્તિકાંતા દાસે કહ્યું કે માર્ચમાં મૅન્યુફૅક્ચરિંગ ગતિવિધિઓમાં 21 ટકાનો ઘટાડો આવતા ઔદ્યોગિક ઉત્પાદન 17 ટકા જેટલું ઘટ્યું. કોર ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં 6.5 ટકાનો ઘટાડો થયો છે.

શક્તિકાંતા દાસે કહ્યું કે છ મોટા રાજ્યોમાં ઔદ્યોગિક ઉત્પાદન ઠપ પડ્યું. તેમણે જણાવ્યું કે વિજળી અને પેટ્રોલિયમ ઉત્પાદોની માગમાં કમી જોવા મળી હતી અને માર્ચમાં સિમેન્ટનું ઉત્પાદન પણ ઘટ્યું.

શક્તિકાંતા દાસની મહત્ત્વની વાતો

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે રેપો રેટમાં 40 બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

રેપો રેટ 4.4 ટકાથી ઘટીને ચાર ટકા થયો જ્યારે રિવર્સ રેપો રેટ 3.5 ટકા રહેશે.

આરબીઆઈએ કહ્યું છે કે વિશ્વ વ્યાપારના કદમાં આ વર્ષે 13-32 ટકાની ઘટ જોવા મળી શકે છે.

આરબીઆઈના ગર્વનર શક્તિકાંતા દાસે કહ્યું કે ભારતના અર્થતંત્રને પણ કોવિડ-19ને કારણે લૉકડાઉનને કારણે ઘણું નુકસાન થયું છે.

શક્તિકાંતા દાસે કહ્યું કે છ મોટા રાજ્યોમાં ઔદ્યોગિક ઉત્પાદન ઠપ પડ્યું છે

ખાનગી ખપતમાં ભારે કમી આવવાને કારણે કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સના ઉત્પાદનમાં માર્ચ 2020માં 33 ટકાનો ઘટાડો થયો હતો.

માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકાની ઘટ જોવા મળી, મૅન્યુફૅક્ચરિંગ ગતિવિધિઓમાં 21 ટકાનો કોર ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં 6.5 ટકાનો ઘટાડો થયો હતો.

તેમણે જણાવ્યું કે વિજળી અને પેટ્રોલિયમ ઉત્પાદોની માગમાં કમી જોવા મળી હતી. માર્ચમાં સિમેન્ટનું ઉત્પાદન પણ ઘટ્યું.

ત્યારે તેમણે કહ્યું કે આ વર્ષે મૉનસૂન સામાન્ય રહેવાનું અનુમાન છે, ત્યારે હતાશાના માહોલમાં ખેતીના ક્ષેત્ર તરફથી આશાનું કિરણ દેખાયું છે. દેશમાં અનાજનું રૅકર્ડ ઉત્પાદન થયું છે, અનાજના ઉત્પાદનમાં આ વર્ષે 3.7 ટકાનો વધારો થયો છે.

દેશમાં મર્ચન્ડાઇઝના આયાત અને નિકાસમાં છેલ્લા 30 વર્ષનો સૌથી મોટો ઘટાડો આવ્યો છે. આયાતમાં પણ 58.6 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. માર્ચમાં સિમેન્ટનું ઉત્પાદન 19 ટકા ઘટ્યું હતું.

2020-21 દરમિયાન જીડીપીનો વિકાસદર નૅગેટિવ શ્રેણીમાં રહેવાનું અનુમાન છે અને પાછળના છ મહિનામાં એમાં થોડી તેજી આવી શકે છે.

ઈએમઆઈ ચૂકવવામાં રાહત, મોરેટોરિયમ પિરિયડ 3 મહિના વધારવામાં આવ્યો છે, ત્યારે વ્યાજ ચૂકવવા માટે માર્ચ 2021 સુધીનો સમય આપવામાં આવશે.

શક્તિકાંતા દાસે કહ્યું છે કે ઑક્ટોબરમાં મોંઘવારી દર 4% નીચે રહેવાની શક્યતા છે.

2020-21 દરમિયાન એક એપ્રિલથી ભારતના વિદેશી મુદ્રા કોષમાં 9.3 અબજ યુએસ ડૉલરનો વધારો થયો છે. 15 મે સુધી દેશમાં વિદેશી મુદ્રા કોષમાં 487 અબજ યુએસ ડૉલર છે.

ગુજરાતમાં રેલવે સ્ટેશન પરથી રેલવેની ટિકિટનું બુકિંગ શરૂ કર્યું

પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદ વિભાગના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભૂજ સ્ટેશનો પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન કરીને 22 મેથી એટલે શુક્રવારથી રેલવે ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું છે.

આ કાઉન્ટર પર રોજ સવારે 8.00 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ટિકિટ બુકિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે.

રવિવારે સવારે 8.00 વાગ્યાથી શરૂ કરીને બપોરે 2 વાગ્યા સુધી ટિકીટ લઈ શકાશે. આ કાઉન્ટરથી રેલવે બૉર્ડ દ્વારા જાહેર સ્પેશિયલ ટ્રેનના બુકિંગ કરાવી શકાશે.

આ સમયમાં માત્ર રિઝર્વેશનની ટિકિટો જ મળશે. અગાઉ રદ કરેલી તમામ ટિકિટોનું રિફંડ આપવામાં નહીં આવે. રિફંડ શરૂ થવાની માહિતી અલગથી આપવામાં આવશે.

શું છે દુનિયામાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં દુનિયામાં કોરોના વાઇરસની મહામારીમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે અને 1 લાખ 6 હજાર નવા કેસો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બુધવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે આ મહામારી જલદી પીછો નહીં છોડે.

ગુજરાતના આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 371 કેસો નોંધાયા છે. જ્યારે 24 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

દુનિયાભરમાં કોરોના વાઇરસની મહામારીના કેસોની સંખ્યા 50 લાખને પાર કરી ગઈ છે અને 3 લાખ 32 હજાર લોકોનાં મૃત્યુ થયા છે.

ભારતમાં કેસોની સંખ્યા 1 લાખ 12 હજારથી વધી ગઈ છે અને 3,435 લોકોનાં મૃત્યુ થયા છે. ભારતમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે જ્યાં 41 હજારથી વધારે કેસ છે. એકલા મુંબઈમાં 25 હજાર કેસ છે.

સ્પેનમાં બે મહિનામાં પહેલીવાર સૌથી ઓછાં કેસ ગુરૂવારે નોંધાયા છે. ગુરૂવારે સ્પેનમાં 48 નવા કેસ સામે આવ્યા જે અત્યાર સુધીનો સૌથી નીચો આંક છે.

સ્માર્ટફોન એપલે કોવિડ-19 કૉન્ટેક્ટ ટ્રેસિંગ નોટિફિકેશન લૉંચ કર્યું છે. દુનિયાની સૌથી મોટી મોબાઇલ કંપનીના આ નવા ફીચર પછી હવે સ્વાસ્થ્ય અધિકારીઓ ખાસ મોબાઇલ ઍપ બનાવી શકશે.

અમેરિકામાં કોરોના વાઇરસની મહામારીને પગલે બેકારીનો દર સતત વધી રહ્યો છે. અમેરિકાની કુલ શ્રમશક્તિનો પાંચમો ભાગ બેકાર છે જેની સંખ્યા હવે 3.8 કરોડ થઈ ગઈ છે. સતત નવમાં મહિને બેકારી ભથ્થાની માગ કરનારા લોકોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.

પૂર્વ આફ્રિકામાં કોરોના મહામારી ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂરનો ખતરો ઉભો થયો છે. આ સિવાય ત્યાં મોટાપાયે તીડના આક્રમણ પણ થયું છે.

અંફન વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ત્યારે બાંગ્લાદેશમાં કોરોનાના 1773 નવા કેસો સામે આવ્યા છે. આમ બાંગ્લાદેશમાં કુલ કેસોની સંખ્યા 28511 પર પહોંચી ગઈ છે.

અફઘાનિસ્તાનમાં હૉસ્પિટલોમાં જગ્યા ખૂટી પડી છે તો રશિયામાં 3000 લોકોનાં મૃત્યુ થયા છે.

જ્યાંથી કોરોના વાઇરસની મહામારીની શરૂઆત થઈ તે ચીનના વુહાન શહેરમાં જંગલી જાનવર ખાવા પર અને તેના શિકાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને અમેરિકામાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 15 લાખને પાર કરી ગઈ છે. અમેરિકામાં મરણાંક 94688 થઈ ગયો છે.

ઇટાલીમાં ખરેખર કેટલા મોત?

ગુરુવારે ઇટાલીની નેશનલ સોશિયલ સિક્યૉરિટી એજન્સીએ કહ્યું કે ઇટાલીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કોવિડ-19ને કારણે જે મૃતાંક જણાવવામાં આવ્યો તેના કરતા 19 હજાર વધારે મૃત્યુ હોઈ શકે છે. INPS ઇટાલીની સૌથી મોટી સામાજિક સુરક્ષા અને કલ્યાણ એજન્સી છે. આ એજન્સીનું કહેવું છે કે સરકારી આંકડા ભરોસાપાત્ર નથી.

આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં ઇટાલીમાં કુલ 1,56,429 મૃત્યુ નોંધાયા. આ સંખ્યા ઇટાલીમાં 2015થી 2019 વચ્ચે આ મહિનાઓમાં થયેલાં સરેરાશ મૃત્યુથી 46,909 વધારે છે. પણ આમાંથી માત્ર 27,938 મૃત્યુને જ સિવિલ પ્રૉટેક્શન એજન્સીએ કોરોના વાઇરસ સાથે જોડ્યા હતા.

એનો અર્થ છે કે આ દરમિયાન થનાર સામાન્ય મૃત્યુ કરતા આ સંખ્યા 18.971 વધારે છે.તેમાંથી 18,412 મૃત્યુ ઉત્તરી વિસ્તારમાં થયા જ્યાં કોરોના વાઇરસે કેર વર્તાવ્યો હતો.

આઈએનપીએસનું કહેવું છે કે વધારાનાં મૃત્યુને માત્ર કોરોના વાઇરસ સાથે જ ન જોડી શકાય પરંતુ લોકો કોવિડ-19ના દર્દીઓને કારણે આરોગ્ય સેવા નહોતા લઈ શક્યા કારણ કે હૉસ્પિટલોમાં તેમના માટે જગ્યા જ નહોતી.

શુક્રવાર સુધી ઇટાલીમાં કોરોના વાઇરસથી મરનાર લોકોની અધિકૃત સંખ્યા 32,486 છે અને આમાંથી 26,715 લોકોનું મૃત્યુ ઇટાલીના ઉત્તરી વિસ્તાર લોમ્બાર્ડીમાં થયું છે. આ યુરોપનો એ વિસ્તાર છે જે કોરોના વાઇરસથી સૌથી વધારે અસરગ્રસ્ત થયો હતો.

શરૂઆતમાં ચીન પછી ઇટાલી કોરોના વાઇરસથી સૌથી વધારે અસરગ્રસ્ત થયું હતું. પછી ઇટાલીએ ચીનને પાછળ મૂકી દીધું અને સંક્રમણને કારણે અહીંનો મૃતાંક પણ સૌથી વધારે હતો. આગળ ચાલીને અમેરિકાએ ઇટાલીને પાછળ છોડી દીધું.

અમેરિકામાં અત્યાર સુધી 95 હજાર લોકોનાં મૃત્યુ થયા છે અને ઇટાલીમાં કોવિડ-19ને કાકરણે 32 હજાર લોકોનાં મૃત્યુ થયા છે.

ગુજરાતની ગુરૂવાર રાત સુધીની સ્થિતિ

ગુજરાતના આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 371 કેસો નોંધાયા છે. જ્યારે 24 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

જે નવા કેસો નોંધાયા, એમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 233 કેસ, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં નવ, અરવલ્લીમાં સાત, ગીર સોમનાથમાં છ, ગાંધીનગરમાં પાંચ, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા, દાહોદ, નવસારી, સુરેન્દ્રનગરમાં ત્રણ-ત્રણ 3 નવા કેસ નોંધાયા છે.

આ ઉપરાંત નર્મદા અને જૂનાગઢમાં બે-બે તથા પંચમહાલ, ખેડા અને પાટણમાં એક-એક નવા કેસ નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 12910 થઈ ગયો છે. જ્યારે કુલ મૃતાંક 773 થઈ ગયો છે.

જોકે આ દરમિયાન 5,488 દરદીઓ સારવાર બાદ સાજા પણ થયા છે.

પશ્ચિમ રેલવે 17 ટ્રેનો ફરી શરૂ કરશે, ગુજરાતને કેટલો ફાયદો?

આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલય તથા ગૃહમંત્રાલય સાથે ચર્ચા-વિમર્શ કર્યા બાદ ભારતીય રેલવે દ્વારા 100 ટ્રેનોને રાબેતા મુજબ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ 100 ટ્રેનમાંથી પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદને જોડતી તેમજ દેશના અન્ય વિસ્તારોને જોડતી 17 ટ્રેનો શરૂ કરાશે.

આ ટ્રેનો મુખ્યત્વે મેઇલ/એક્સપ્રેસ તેમજ જનશતાબ્દી પ્રકારની ટ્રેનો હશે. 1 જૂન 2020થી શરૂ થઈ રહેલી ટ્રેનસેવા માટે ભારતીય રેલવેએ ચોક્કસ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.

પહેલી જૂનથી શરૂ થનારી આ યાત્રાનું બુકિંગ 21મી મે 2020થી શરૂ થઈ જશે.

પશ્ચિમ રેલવેની 17 ટ્રેનો

કર્ણાવતી એક્સપ્રેસ (મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ), જયપુર એક્સપ્રેસ(મુંબઈ સેન્ટ્રલથી જયપુર), ગોલ્ડન ટૅમ્પલ મેલ (મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર), સૂર્યનગરી એક્સપ્રેસ (બાંદરા ટર્મિનસથી જોધપુર), પશ્ચિમ એક્સપ્રેસ (બાંદરા ટર્મિનસથી અમૃતસર), ગાઝીપુર એક્સપ્રેસ (બાંદરા ટર્મિનસથી ગાઝીપુર), તપ્તી ગંગા એક્સપ્રેસ (સુરતથી છાપરા), હાવડા એક્સપ્રેસ (અમદાવાદથી હાવડા), સાબરમતી એક્સપ્રેસ (અમદાવાદથી દરભંગા), સાબરમતી એક્સપ્રેસ (અમદાવાદથી વારાણસી), સાબરમતી એક્સપ્રેસ (અમદાવાદથી વારાણસી) અઝીમાબાદ એક્સપ્રેસ (અમદાવાદથી પટણા), આશ્રમ એક્સપ્રેસ (અમદાવાદથી દિલ્હી), સ્પેશિયલ ટ્રેન (અમદાવાદથી મુઝફ્ફરપુર), સ્પેશિયલ ટ્રેન (અમદાવાદથી ગોરખપુર), અવધ એક્સપ્રેસ (બાંદરા ટર્મિનસથી ગોરખપુર), અવધ એક્સપ્રેસ (બાંદરા ટર્મિનસથી મુઝફ્ફરપુર), ગુજરાત સંપર્ક ક્રાંતિ (અમદાવાદથી હઝરત નિઝામુદ્દીન)

કોવિડ-19ની રસીની રાહ જોઈ બેસી રહેવું યોગ્ય નથી, તે જલદી નહીં આવે : અમેરિકન વૈજ્ઞાનિક

હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાઇરસ (HIV)ની શોધ કરનારા અમેરિકાના એક નામી વૈજ્ઞાનિકે કહ્યું છે કે 'તેમને નથી લાગતું કે કોરાના વાઇરસની રસી જલદી મળી શકશે.'

વિલિયમ હેલસટાઇન, કે જેમના કેન્સર, HIV સહિત અન્ય પ્રોજેક્ટસ પર કરેલા કામની ખાસ નોંધ લેવાઇ હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે 'કોવિડ-19ની રસી કેટલી જલદી બનવાની સંભાવના છે?'

તેના જવાબમાં તેમણે કહ્યું કે "તેઓ રસીની રાહ નથી જોવા માગતા, કેમ કે તેમને નથી લાગતું કે નજીકના ભવિષ્યમાં આ સંભવ છે."

તેમણે કહ્યું કે "કોરોના વાઇરસ મહામારીને રોકવા માટે જરૂરી છે કે દરદીઓની યોગ્ય તપાસ કરવામાં આવે, તેમને યોગ્ય રીતે શોધવામાં આવે અને જ્યાં સંક્રમણ ફેલાતું જોવા મળે, ત્યાં જ એને કડક આઇસોલેશનના માધ્યમથી રોકવામાં આવે."

અમેરિકાની સરકારને સલાહ આપતાં તેમણે કહ્યું હતું કે "તેમણે રસીની રાહ જોઈ ન બેસી રહેવું જોઇએ. જો અગ્રણી નેતાઓ એમ વિચારતા હોય કે રસી તૈયાર થાય એના આધારે જ લૉકડાઉનના પ્રતિબંધમાં છૂટ આપવાનો નિર્ણય કરશું તો આ રણનીતિ યોગ્ય નથી."

અન્ય પ્રકારના કોરોના વાઇરસ માટે પહેલાં જે રસી તૈયાર કરવામાં આવી છે તે નાકના સંક્રમણની સુરક્ષામાં નિષ્ફળ રહી છે. જ્યાંથી વાઇરસ શરીરમાં દાખલ થવાની સંભાવના સૌથી વધુ માનવામાં આવે છે.

વિલિયમ હેસલટાઇને કહ્યું કે "કોઈ પણ પ્રભાવી ઇલાજ કે પછી રસી વગર પણ કોરાના વાઇરસને કંટ્રોલ કરી શકાય છે. તેના માટે સંક્રમણની યોગ્ય તપાસ જરૂરી છે. જે લોકો સંક્રમિત છે તેમને આઇસોલેશનમાં રાખવા સૌથી કારગત કીમિયો છે. બાકી લોકો હાથ ધોતાં રહે, માસ્ક પહેરે અને સૌથી વધુ વપરાતી જગ્યાની સફાઈ બરાબર કરે તો જ તેમાં ઘટાડો જોવા મળી શકે છે."

વિલિયમ હેસલટાઇન માને છે કે ચીન અને કેટલાક એશિયાઈ દેશોએ આ વૈકલ્પિક રણનીતિને અંત્યત પ્રભાવશાળી રીતે લાગુ કરી છે. જ્યારે અમેરિકામાં તે નથી જોવા મળ્યું કે લોકો વાઇરસથી સંક્રમિત થયા હોય અને તેમને કડક આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોય.

તેમના મતે ચીન, દક્ષિણ કોરિયા અને તાઇવાન આ રીતે કોરાના સંક્રમણના દરને ઘટાડવામાં સફળ રહ્યા છે. જ્યારે અમેરિકા, રશિયા અને બ્રાઝિલ તેમાં નિષ્ફળ રહ્યા છે.

પુડુચેરીએ રદ કર્યો ધમણ-1નો ઑર્ડર

ગુજરાતના રાજકોટમાં બનેલાં ધમણ-1 વૅન્ટિલેટરની કાર્યક્ષમતા પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પુડુચેરીના મુખ્ય મંત્રી વી. નારાયણાસ્વામીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેમણે ધમણ-1નો ઑર્ડર રદ કર્યો છે.

પુડુચેરીના મુખ્ય મંત્રી વી.નારાયણ સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના રાજકોટમાં બનેલા ધમણ-1ની કાર્યક્ષમતાને લઈને ઘણો બધો વિવાદ થયો છે. મેં પુડુચેરી સરકારના સ્વાસ્થ્યમંત્રી સાથે વાતચીત કરી છે. અમે તરત જ ઑર્ડર રદ કરવાનો પત્ર તેમને પહોંચાડી દીધો છે.

ગુજરાતમાં રાજકોટની કંપનીએ બનાવેલા ધમણ-1 વૅન્ટિલેટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે કૉંગ્રેસ સરકાર પર આરોપ મૂકી રહી છે તો ગઈ કાલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જંયતી રવિએ પત્રકારપરિષદ યોજી ધમણ-1ની કાર્યક્ષમતા અને પદ્ધતિસરની પરવાનગી અંગેના આરોપો ફગાવી દીધા છે.

ધમણ-1ના નિર્માતા પરાક્રમસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, સ્વદેશી કંપનીને બજારમાં આવતી રોકવા માટે આવો વિવાદ કરવામાં આવી રહ્યો છે.

ધમણ-1ને લઈને ગુજરાત સરકાર અને કૉંગ્રેસ કેમ સામસામે આવી ગયા છે અને શું વિવાદ થઈ રહ્યો છે તે વાંચવા અહીં ક્લિક કરો.

રદ થઈ શકે છે ટોકિયો ઑલિમ્પિક

કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીએ ખૂબ જ વ્યાપક સ્વરૂપ ધારણ કરી લીધું છે અને દુનિયામાં કેસોની સંખ્યા 50 લાખ પર પહોંચી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બાકે કહ્યું છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આગામી વર્ષે ટોકિયોમાં યોજાનાર ઑલિમ્પિકને રદ કરી શકાય છે.

આ વર્ષે માર્ચમાં આઈઓસી અને જાપાનની સરકારે વાતચીત કરીને ટોકિયો ઑલિમ્પિકને કેટલાક દિવસો ટાળવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલાં જુલાઈમાં યોજાવાની હતી પરંતુ હવે આને આગામી વર્ષે કરાવવા પર સહમતિ બની હતી.

પરંતુ હવે જાપાનના વડા પ્રધાન શિંઝો એબેએ કહ્યું છે કે જો કોરોના વાઇરસ પર કાબૂ નહીં મેળવવામાં આવે તો 2021માં પણ દેશમાં ઑલિમ્પિક રમતનું આયોજન કરવું મુશ્કેલ બનશે. થોમ બાક પણ આ નિવેદનથી સહમત થયા છે.

જાપાનમાં કોરોના વાઇરસથી હાલ સુધી 17 હજાર લોકો સંક્રમિત થયા છે જ્યારે આ કારણે 797 લોકોનાં મૃત્યુ થયા છે.

થોમસ બાકે બીબીસીને કહ્યું, સાચું કહું તો હું આ હાલત સમજી શકું છું, આયોજન કમિટીમાં તમે હંમેશાં માટે ત્રણ હજારથી પાંચ હજાર લોકોને જોડી શકો તેમ નથી. ન તો તમે દર વર્ષે રમતોની તારીખ બદલી શકો છો અને ન તો તમે ખેલાડીઓને રમતની નવી તારીખ આપીને ખોટી આશાઓ આપી શકો છો"

બાકે કહ્યું કે આઈઓસી આગામી વર્ષે ઑલિમ્પિક રમત કરાવવાની તૈયારી કરવાનું ઇચ્છું રહ્યું છે અને એના માટે ખેલાડીઓના ક્વોરૅન્ટિનની વ્યવસ્થામાં ધ્યાન રાખવું પડશે.

બનાસકાઠાં જિલ્લામાં 10 સગર્ભા કોરોના વાઇરસની ઝપેટમાં

બનાસકાઠાં જિલ્લાના વડગામ તાલુકામાં 10 સગર્ભાઓનો કોરોના વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.

આ તમામ સગર્ભાઓને કોરોના વાઇરસની સારવાર માટે કોવિડ હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.

વડગામ તાલુકાના મામલતદાર આર.સી. ઠાકોરે બીબીસીને જણાવ્યું હતું કે વડગામ તાલુકામાં દસ સગર્ભા કોરોના વાઇરસથી સંક્રમિત છે.

ગુજરાત સરકાર દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલા દૈનિક બુલેટિન મુજબ બનાસકાંઠામાં કોરોના વાઇરસના કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 88 છે. 4 લોકોનાં મૃત્યુ થયા છે. 78 લોકો સાજા થયા છે.

રાજકોટમાં આત્મનિર્ભર યોજનાના ફોર્મ ન મળતાં લોકો પરત ફર્યા

ગુજરાત સરકાર તરફથી આત્મનિર્ભર યોજના હેઠળ એક લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી હતી. જેના ફોર્મના વિતરણનું કામ આજથી શરૂ થવાનું હતું પરંતુ ફોર્મ બૅંકોમાં ન આવતા લોકોને પરત ફરવું પડ્યું હતું.

નાના વેપારીઓને એક લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કરી હતી.

સ્થાનિક પત્રકાર બિપિન ટંકારિયાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરની વિવિધ સહકારી બૅંકોની બહાર સવારથી જ મોટા પ્રમાણમાં લોકોની લાઇનો લાગી હતી. પરંતુ ફોર્મ ન મળતાં લોકોએ પરત જવું પડ્યું હતું.

રાજકોટ નાગરિક સહકારી બૅંકની બહાર સૂચના લખવામાં આવી હતી કે ગુજરાત સરકાર તરફથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ ધિરાણ માટે મલ્ટી સ્ટેટ કો-ઑપરેટિવ બૅંકો માટે નોમિનલ સભ્યપદ ફી અંગેની સ્પષ્ટતા કરવાની બાકી હોવાથી હાલ બૅંકે આ ધિરાણ માટેના ફોર્મ આપવાનું મુલતવી રાખેલ છે. સરકાર તરફથી આ અંગેની ચોખવટ થયા પછી તરત જ ફોર્મનું વિતરણ કરાશે.

200 ટ્રેનોની યાદી જાહેર, આજથી બુકિંગ શરૂ

ભારતીય રેલવેએ 1 જૂનથી શરૂ થનારી 200 ટ્રેનોની યાદી જાહેર કરી છે. આ ટ્રેનોમાં બુકિંગ 21 મે, સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવી રહ્યું છે.

રેલવેએ કહ્યું કે આ ટ્રેનો શ્રમિકો ટ્રેનોથી અલગ હશે.

આ ટ્રેનોમાં એસી અને નૉન-એસી ક્લાસ હશે અને ઉપરાંત જનરલ ડબ્બો પણ હશે. જોકે, રિઝર્વેશન તમામને લાગુ પડશે.

જનરલ ડબ્બામાં બુકિંગ માટે સેકન્ડ સિટિંગનું ભાડું લેવામાં આવશે અને બુકિંગ ફક્ત આઈઆઈરટીસીની વેબસાઇટ કે મોબાઇલ ઍપથી જ થઈ શકશે.

આ ટ્રેનોમાં 30 દિવસ અગાઉ બુકિંગ થઈ શકશે. આ ટ્રેનો સિવાયની અન્ય મેલ/એક્સપ્રેસ/પેસેન્જર અને સબઅર્બન ટ્રેનો રદ રહેશે.

રેલવેએ કહ્યું છે કે આ ટ્રેનોમાં આરસી અને વેઇટિંગ લિસ્ટની ટિકિટ પણ અપાશે પરંતુ વેઇટિંગ લિસ્ટવાળી વ્યક્તિ યાત્રા નહીં કરી શકે.

ટ્રેનમાં પ્રવેશ અગાઉ યાત્રીનું સ્કીનિંગ કરાશે અને કોરોના લક્ષણો સિવાયની વ્યક્તિ જ પ્રવાસ કરી શકશે.

ભારતમાં પ્રતિકલાકે 233 કેસ અને 5 લોકોનાં મૃત્યુ

ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો પ્રતિકલાકે 233 સંક્મણના કેસો સામે આવ્યા છે અને પ્રતિકલાકે 5થી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.

સમચાર સંસ્થા એએનઆઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને ટાંકીને લખે છે કે છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 5609 કેસ નોંધાયા છે, જ્યારે 132 દરદીઓના મૃત્યુ થયા છે.

હાલ દેશમાં કુલ કેસની સંખ્યા 1,12,359એ પહોંચી છે, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા 63,624 છે.

કોરોના વાઇરસના કારણે દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા 3,435 છે.

દુનિયામાં પાંચ મહિનામાં 50 લાખ કેસો

કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીએ ખૂબ જ વ્યાપક સ્વરૂપ ધારણ કરી લીધું છે અને દુનિયામાં કેસોની સંખ્યા 50 લાખ પર પહોંચી ગઈ છે.

જોકે, આ આંકડો હજી વધારે હોય તેમ માનવામાં આવે છે કેમ કે અનેક લોકોની નોંધણી કે ચકાસણી નથી થઈ.

દુનિયામાં કોરોના વાઇરસને લીધે 3 લાખ 27 લોકોનાં મૃત્યુ થયા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 1 લાખ 6 હજાર કેસો સામે આવ્યા છે. સંગઠનના નિદેશક ટેડ્રોસ ઍડહૉનમે કહ્યું છે કે કોરોના જલદી નહીં જાય.

અમેરિકા સૌથી વધારે પ્રભાવિત છે અને ત્યાં 15 લાખથી વધારે લોકોને ચેપ લાગ્યો છે તથા 93 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. આ દરમિયાન અમેરિકાના 50 રાજ્યોએ લૉકડાઉન આંશિક રીતે હઠાવી દેવાની જાહેરાત કરી છે.

કોરોના વાઇરસને લીધે સૌથી વધારે પ્રભાવિત દેશોમાં અમેરિકા પછી રશિયા છે જ્યાં 3 લાખ 8 હજાર કેસો છે અને 2972 લોકોનાં મૃત્યુ થયા છે.

બ્રાઝિલે બે ઍન્ટિ મેલેરિયા ડ્રગ્સને સારવાર માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપી છે. બ્રાઝિલમાં કેસોનો આંકડો 2 લાખ 91 હજારને વટાવી ગયો છે અને 18,859 લોકોનાં મૃત્યુ થયા છે.

યુકેમાં કેસોની સંખ્યા 2 લાખ 50 હજાર થવા તરફ ગતિ કરી છે તો સ્પેનમાં 2 લાખ 32 હજારથી વધારે કેસો છે અને 35,786 લોકોનાં મૃત્યુ થયા છે.

ગ્રીસનું કહેવું છે કે એમની ટૂરિસ્ટ સિઝન 15 જૂનથી શરૂ થશે.

ગુડ મોર્નિંગ, કોરોના મહામારી વિશેની દેશ અને દુનિયાની આજની અપડેટ્સમાં આપનું સ્વાગત છે. અમે આપને દરેક અપડેટ જણાવતા રહીશું અને સાથે કોરોનાથી બચાવ સંબંધિત માહિતીઓ, પ્રેરક કહાણીઓ અને વૈશ્વિક દૃષ્ટિકોણ પણ જણાવીશું.

ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણની આગેકૂચ યથાવત્ છે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 398 પૉઝિટિવ કેસો નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી વિકટ પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાઈ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 271 કેસ નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 176ને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

આ સાથે જ રાજ્યમાં પૉઝિટિવ કેસની કુલ સંખ્યા 12,539 થઈ ગઈ છે, જ્યારે 749નાં મૃત્યુ થયાં છે.

આ પૈકી સૌથી વધારે એટલે કે 9,216 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં 5,219 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

25 મેથી ડૉમેસ્ટિક ફ્લાઇટ શરૂ થશે : હરદીપસિંહ પૂરી

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીએ જણાવ્યું છે કે દેશમાં ઘરેલુ વિમાનસેવા સોમવાર 25મેથી ક્રમબદ્ધ રીતે શરૂ કરી દેવાશે.

તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે તમામ ઍરપૉર્ટ અને વિમાનસેવાઓને આ અંગે સૂચિત કરી દેવાયાં છે.

આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અલગથી નિર્દેશ જાહેર કરવામાં આવશે.

'હું પણ કોરોના વૉરિયર અભિયાન'ની જાહેરાત

કોરોના વાઇરસના પડકારને પહોંચી વળવા માટે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 'હું પણ કોરોના વૉરિયર અભિયાન'ની જાહેરાત કરી છે.

પોતાના ઑનલાઇન સંદેશમાં રૂપાણીએ જણાવ્યું કે આ અભિયાન એક અઠવાડિયાનું હશે અને તે 21 મેથી 27 મે સુધી ચાલશે.

તેમણે જણાવ્યું, "કોરોના વાઇરસ સામે લડવાની આપણા બધાની જવાબદારી છે. અત્યાર સુધી સૌ ઘરમાં હતા તો સુરક્ષિત હતા, હવે કોરોનાની સાથે જીવવાનું પણ ખરું અને લડવાનું પણ ખરું, સાવચેતી વધારે રાખવી પડશે. "રૂપાણી સંદેશના મુખ્ય મુદ્દા

  • આર્થિક રીતે નબળા લોકો માટે બે ટકાના વ્યાજે એક લાખ રૂપિયાની લૉનની જાહેરાત.
  • 21 મેથી પાંચ હજાર કરોડ રૂપિયાની 'આત્મનિર્ભર સહાય યોજના'ની શરૂઆત
  • સરકારી અધિકારીઓ, તબીબો, પૅરામેડિકલ સ્ટાફ, પોલીસ, સફાઈકર્મીઓ વગેરેના ઋણનો સ્વીકાર
  • અત્યાર સુધી ઘરમાં હતા તો સુરક્ષિત હતા. હવે કોરોના આપણી વચ્ચે છે અને કોરોના વિરુદ્ધ સીધી લડાઈ લડવાની છે.
  • કોરોની સામે, કોરોનાની સાથે, લડવાનું પણ ખરૂં અને જીવવાનું પણ ખરું.
  • કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી તો રાખવી જ પડશે.
  • આ લડાઈ લડવા માટે મોટા પ્રમાણમાં જાગૃતિ લાવવી પડશે એટલે 'હું પણ કોરોના વૉરિયર અભિયાન' જાહેર કરાયું.
  • અભિયાનમાં મુખ્ય ત્રણ બાબતો પર ભાર મુકાયો. વડીલો અને બાળકોને ઘરમાં જ રહેવાની ફરજ પાડવાની. માસ્ક પહેર્યા વગર અને કારણ વગર બહાર ન નીકળવું. 'દો ગજ કી દૂરી' એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
  • રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસ કરવા.
  • સમાજના નામાંકિત લોકોને અભિયાનમાં જોડાવા આહ્વાન
  • 22મેના રોજ સૌએ દાદા-દાદી સાથે સૅલ્ફી લઈને ફેસબુક પર હૅશટેગ 'હું પણ કોરોના વોરિયર' અંતર્ગત શૅર કરવી.

આજનું કાર્ટૂન :

લૉકડાઉન દરમિયાન દસમા અને 12માની પરીક્ષા યોજી શકાશે

લૉકડાઉનને પગલે દેશમાં શાળાને બંધ રાખવામાં આવી છે અને તેને પગલે રાજ્ય સરકારના શિક્ષણ બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈ વગેરે દ્વારા લેવામાં આવનારી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી.

જોકે, આ મામલે રાજ્ય સરકારો અને સીબીએસઈ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રાલયને બોર્ડની પરીક્ષાઓ આયોજીત કરવા દેવા માટે વિનંતી કરાઈ હતી.

જેને પગલે દેશભરના વિદ્યાર્થીઓનાં શૈક્ષણિ હિતોને ધ્યાનમાં રાખતા ધોરણ દસ અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે લૉકડાઉનના નિયમોમાંથી છૂટછાટ આપવામાં આપવાનું નક્કી કરાયું છે.

જોકે, વિદ્યાર્થીઓને પોતાની સુરક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા જેવી શરતોનું પાલન કરવાનું રહેશે.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર ગૃહસચિવ અજય ભલ્લાના આદેશનો પરીપત્ર શૅર કર્યો છે. જેમાં જણાવાયું છે કે પરીક્ષા સાથે સંકળાયેલા શિક્ષકો, કર્મચારી અને વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા પડશે અને પરીક્ષાકેન્દ્રો પર સ્ક્રિનિંગ અને સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવી પડશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે.

નોંધનીય છે કે કોરોના વાઇરસના પગલે દેશભરમાં ચોથા તબક્કાના લૉકડાઉનનો અમલ કરાઈ રહ્યો છે.

ઘરવિહોણા લોકો માટે રસ્તા પર બન્યાં શૅલ્ટર ટૅન્ટ

આ તસવીરો અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોની છે, જ્યાં ઘરવિહોણા લોકો માટે પહેલી વખત અસ્થાયી ટૅન્ટને પરવાનગી મળી છે.

આ કૅમ્પમાં લોકોને ઊંઘવાની, શૌચાલય, હાથ ધોવા અને 24 કલાક સિક્યોરિટી જેવી તમામ સુવિધા આપવામાં આવી છે. આ કૅમ્પ બનાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રખાયું છે.

સેન ફ્રાન્સિસ્કોમાં હજુ પણ અલગઅલગ વિસ્તારોમાં આવા કૅમ્પ બનાવવાની યોજના ચાલી રહી છે.

શા માટે કોરોના વાઇરસ પૂર્વોત્તર ભારતમાં પગપેસારો ન કરી શક્યો?

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોના વાઇરસના કેસ કૂદકે-ભૂસકે વધી રહ્યા છે, તેની સરખામણીમાં પૂર્વોત્તર ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે.

સ્વાભાવિક રીતે સવાલ થાય કે પૂર્વોત્તર ભારતના રાજ્યો તથા નાગરિકોએ દેશના બાકીના ભાગથી એવું તે શું અલગ કર્યું કે ત્યાં આ મહામારીએ દેખા તો દીધી પણ ફેલાઈ ન શકી.

આવા જ કેટલાક સવાલોનો જવાબ આ વીડિયોમાં આપવા પ્રયાસ કરીશું.

એ શાકભાજીનું બજાર જેણે આખા શહેરમાં ચેપ ફેલાવી દીધો

પાંચમી મેના રોજ દક્ષિણ ભારતના જિલ્લા કલેક્ટર ભરત ગુપ્તાને જાણ થઈ કે ચેન્નાઈ શહેરમાં આવેલું કોયામબેડુ બજાર અસ્થાયી રૂપે બંધ થઈ રહ્યું છે.

કારણ : બજારમાં ઘણા વેપારીઓ અને મજૂરોનો કોરોના વાઇરસ પૉઝિટિવ આવ્યો હતો. તેઓને ચેન્નાઈ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં સંક્રમણ ફેલાવવાના રૂપમાં જોવામાં આવતા હતા.

ભરત ગુપ્તાને બજારની જાણકારી હતી, કેમ કે તેમના જિલ્લા ચિત્તૂર (આંધ્ર પ્રદેશ)થી ખેડૂતો રોજ ટામેટાંથી ભરેલી ટ્રકો કોયામબેડુમાં મોકલતા હતા. તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ પડોશી રાજ્યા છે, આથી તેની વચ્ચે નિયમિત રીતે શાકભાજીને વેપાર ચાલે છે.

જિલ્લાધિકારી ભરત ગુપ્તાને એ વાતની ચિંતાની કે આ ટ્રકો સ્થાનિકો દ્વારા ચલાવવામાં આવે છે અને તેમની સાથે અન્ય લોકો પણ હોય છે, જેમ કે સહાયક અથવા ક્લિનર. જે માલ ભરે છે અને ખાલી કરે છે. કેટલીક વાર ખેડૂતો વતી તેમના પૈસા એકઠા કરે છે. આ લોકો દરરોજ રાત્રે સાત વાગ્યે ચિત્તુરથી ઊપડે છે અને બીજા દિવસે બપોર સુધી પરત આવે છે.

6 મેના રોજ ચિત્તુરના અધિકારીઓએ 20 એપ્રિલ કે તે બાદ બજારમાં આવેલા તમામ લોકોનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. કોયામબેડુમાં શાકભાજી સપ્લાય કરનારા આંધ્ર પ્રદેશના અન્ય જિલ્લાઓએ પણ આમ કર્યું હતું.

બુધવાર સુધીમાં ચિત્તુરમાં 43 નવા કેસ નોંધાયા હતા, જેનો સંબંધ કોયાયબેડુ સાથે હોઈ શકે છે.

વિસ્તૃત અહેવાલ અહીં ક્લિક કરીને વાંચો : એ શાકભાજીનું બજાર જેણે આખા શહેરમાં ચેપ ફેલાવી દીધો

કોરોનામાં રમઝાન : આ મુસ્લિમ ડૉક્ટર ખુરશીમાં જ પઢી લે છે નમાઝ

કોરોનાની મહામારીનો ભોગ આખી દુનિયા બની છે અને માનવજીવન ખોરવાયું છે.

સ્વાભાવિક છે માનવજીવનની સાથે સંકળાયેલા તહેવારો અને રીતિરિવાજો પણ મહામારીનો ભોગ બન્યા છે.

અત્યારે ઇસ્લામનો પવિત્ર ગણાતો ઇબાદતનો મહિનો રમઝાન ચાલી રહ્યો છે પરંતુ મક્કાથી લઈને અમદાવાદ સુધી મસ્જિદોમાં ભીડ નથી.

ભારતમાં લૉકડાઉનને પગલે મુસ્લિમ સંસ્થાઓએ ઘરેથી જ નમાઝ પઢવાની વાત કરી છે.

રમઝાનમાં મુસલમાનો રોઝા રાખે છે પરંતુ જે મુસ્લિમો સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા છે તેમની સ્થિતિ શું છે.

બીબીસી એવા બે સ્વાસ્થ્યકર્મી સાથે વાત કરી. જાણો તેમની કહાણી આ વીડિયોમાં.

વાઇરસના સૌથી વધુ મામલા 'ગૌરવની વાત' - ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તર્ક રજૂ કર્યો છે કે અમેરિકામાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસોની પુષ્ટિ થવી તેમના માટે 'બૅજ ઑફ ઑનર' એટલે કે 'ગૌરવની વાત' છે.

તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું, "ચોક્કસથી હું આને સન્માનની રીતે જોઉં છું. આ સારી બાબત છે, કેમ કે એનો અર્થ એવો થયો કે આપણો ટેસ્ટિંગ પ્રૉટોકોલ ખરેખર શ્રેષ્ઠ છે."

નોંધનીય છે કે અમેરિકામાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા પંદર લાખ કરતાં વધુ છે અને અત્યાર સુધી લગભગ 92 હજાર લોકો કોરોના વાઇરસના લીધે મૃત્યુ પામ્યા છે.

ટ્રમ્પ કેમ ચીન વિરુદ્ધ તપાસની માગ કરી રહ્યા છે?

કોરોના વાઇરસના ઉદ્ભવના મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ ચીનની તપાસ થવી જોઈએ એવી માગ કરી રહ્યા છે.

ટ્રમ્પ સરકાર પણ દાવો કરી ચૂકી છે કે કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરની લૅબમાંથી નીકળ્યો છે.

ત્યારે આ વીડિયોમાં જાણો સમગ્ર વિવાદ અંગે.

CMના અધ્યક્ષસ્થાને આઠમી વીડિયો કૉન્ફરન્સ યોજાઈ

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આઠમી વીડિયો કૉન્ફરન્સ યોજાઈ હતી. જેમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

આ બેઠક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો પાસેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરાઈ હતી.

સૌરભ પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ બેઠકમાં લૉકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યમાં શરૂ થયેલાં ખેતી-ધંધામાં વીજળીના પુરવઠાની સમીક્ષા પણ કરાઈ હતી.

કોરોના લૉકડાઉન : દેશના સૌથી ધનિક મંદિરમાં પણ હવે પૈસાનું સંકટ

કોરોના વાઇરસ સંક્રમણના પ્રભાવથી ભારતનું સૌથી ધનિક કહેવાતું કેરળનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર પણ બાકાત નથી.

પદ્મનાભસ્વામી મંદિર નામ જો તમને અજાણ્યું લાગતું હોય તો યાદ કરાવીએ કે મંદિરનો ગુપ્ત ખજાનો મળી આવ્યા પછી તે 2011માં 22 બિલિયન ડૉલર એટલે કે એ સમયના આશરે 90 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતું હતું. અલબત્ત એ વાતને પણ ઘણો સમય વીતી ગયો છે.

આ મંદિરે ઉત્તર ભારતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ હાલમાં તેની આર્થિક સ્થિતિ 'બહુ ખરાબ' બતાવાઈ રહી છે.

સામાન્ય રીતે રોજના બેથી ત્રણ લાખ રૂપિયાનું દાન કે ચઢાવો મેળવનારામાં આ મંદિરમાં ઑનલાઇન ચઢાવાના રોજના માત્ર 10થી 20 હજાર રૂપિયા આવે છે.

આ અંગે વધુ વાંચવા માટે ક્લિક કરો : દેશના સૌથી ધનિક મંદિરમાં પણ હવે પૈસાનું સંકટ

ધમણ-1 વૅન્ટિલેટરના મુદ્દે જયંતી રવિની સ્પષ્ટતા

ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ પત્રકારપરિષદ યોજી ધમણ-1 વૅન્ટિલેટરને લઈને કેટલીક સ્પષ્ટતા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસને પગલે સમગ્ર વિશ્વમાં જ્યારે વૅન્ટિલેટરની અછત સર્જાઈ છે ત્યારે રાજકોટની કંપની જ્યોતિ CNCAએ ISO મુજબ IEC 60601ની મંજૂરી મેળવ્યા બાદ વૅન્ટિલેટરનું નિર્માણ કર્યું હતું

તેમણે એવું પણ જણાવ્યું હતું કે કંપનીએ વિનામૂલ્યે રાજ્ય સરકારને 866 વૅન્ટિલેટર કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સારવાર માટે પૂરાં પાડ્યાં હતાં.

નોંધનીય છે કે કોરોના વાઇરસના કેર વચ્ચે રાજકોટની કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર ધાર્યું પરિણામ મેળવી શકતું ન હોવાનું તબીબોના ધ્યાને આવ્યું હતું.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલના તબીબી અધીક્ષકે જીએમએસસીએલને એક પત્ર લખીને આ મામલે જાણ કરી હતી.

જયંતી રવિની પત્રકારપરિષદના મુખ્ય મુદ્દા

  • કંપનીએ મદદ માટે 18 એપ્રેલિ પ્રથમ દસ વેન્ટિલેટર સપ્લાય કર્યાં હતાં.
  • ડ્રગ કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયાની ગાઇલાઇન અનુસાર વૅન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના લાઇસન્સની જરૂર નથી.
  • સ્વાસ્થ્ય વિભાગના નૉટિફિકેશનમાં એ 37 વસ્તુની યાદી અપાઈ છે, જેને લાઇસન્સની જરૂર છે, તેમાં વૅન્ટિલેટરનો ઉલ્લેખ નથી. એ રીતે ધમણ-1ને કોઈ લાઇસન્સની જરૂર નહોતી.
  • ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનના માપદંડ હેઠળ વેન્ટિલેટર તૈયાર કરાયું હતું.
  • ધમણ-1એ તમામ પર્ફૉર્મન્સ-ટેસ્ટ પૂર્ણ કર્યા હતા.
  • કુત્રિમ ફેફસાં પર ધમણે 8 કલાક સુધી પરીક્ષણ કર્યું હતું.
  • અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ધમણ-1નું લાઇવ ટેકનિકલ ડેમૉન્સ્ટ્રેશન કરાયું હતું.
  • વિશ્વના વિકસિત દેશોમાં વૅન્ટિલેટરની તંગી છે, ત્યારે ભારતમાં સ્થાનિક મૅન્યુફૅક્ચર વૅન્ટિલેટર બનાવવા માટે સામે આવ્યા હતા.
  • વૅન્ટીલેટર સાધન છે એટલે એના માનવપરીક્ષણની જરૂર નથી.

ધમણ-1ને લઈને કેમ પ્રશ્નો કરાઈ રહ્યા છે?

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ ધમણ-1 વૅન્ટિલેટર મામલે થયેલા વિવાદ પર સ્પષ્ટતા કરી છે કે વૅન્ટિલેટરને લઈને તમામ માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું.

આ પહેલાં રાજકોટની કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર ધાર્યું પરિણામ મેળવી શકતું ન હોવાનું તબીબોના ધ્યાને આવ્યું હતું.

આ અંગે અમદાવાદની સિવિલ હૉસ્પિટલના તબીબી અધીક્ષકે જીએમએસસીએલને એક પત્ર લખીને જાણ કરી હતી.

પત્રમાં લખવામાં આવ્યું હતું કે 'કોવિડ-19ની મહામારીને પહોંચી વળવા અમદાવાદની સિવિલ હૉસ્પિટલને દર્દીઓની સારવાર માટે જીએમએસસીએલ દ્વારા ધમણ-1 અને એ.જી.વી.એ. વૅન્ટિલેટર પૂરાં પાડવામાં આવ્યાં હતાં."

"પરંતુ એનેસ્થેસિયા વિભાગના વડા દ્વારા જણાવાયું કે આ બંને વૅન્ટિલેટર કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ આપી શકતાં નથી.'

Lockdown 4.0 માં ફસાયેલા પિતાને 1100 કિમી સફર કરાવીને બિહાર લઈ ગઈ દીકરી

13 વર્ષની જ્યોતિ પોતાના પિતાને હરિયાણના ગુરુગ્રામથી બિહારના દરભંગા લઈને પહોંચી છે.

તે સાઇકલ પર સવાર હતી અને 15 મેના રોજ તેમના ગામ પહોંચી છે. તેમના પિતા મોહન પાસવાન બૅટરી રિક્ષા ચલાવતા હતા.

જોકે, જાન્યુઆરીમાં એક અકસ્માતમાં તેમના ડાબા પગમાં ઈજા થઈ હતી.

આઠમા ધોરણમાં ભણનારી જ્યોતિ ત્યારથી જ પિતાની સેવામાં લાગી છે.

લૉકડાઉનના સમયમાં પૈસા ખતમ થઈ ગયા હોવાથી જ્યોતિએ 1200 રૂપિયાની સાઇકલ ખરીદી અને ગામ જવા રવાના થઈ ગઈ.

ભારતમાં કોરોનાના પૉઝિટિવ કેસોમાં હાલ સુધીમાં સૌથી મોટી ઉછાળો

સમાચાર સંસ્થા એએનઆઈ આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયને ટાંકીને લખે છે કે ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 5611 કેસ નોંધાયા છે, જ્યારે 140 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ દેશમાં કોરોના વાઇરસના કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 1,06,750એ પહોંચી છે.

ભારતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 61,149એ પહોંચી છે. જ્યારે કુલ મૃતકાંક 3,303એ પહોંચ્યો છે.

કોરોના વાઇરસથી સાજાં થયેલાં દરદીઓની સંખ્યા 42297 છે.

આજથી બસસેવા શરૂ, પાસની જરૂર નહીં

લૉકડાઉનના ચોથા તબક્કામાં ગુજરાતમાં અપાયેલી છૂટછાટોમાં રાજ્યમાં બસસેવા શરૂ થઈ ગઈ છે. જોકે, હાલમાં કોરોના વાઇરસથી સૌથી વધુ ચેપગ્રસ્ત અમદાવાદ જિલ્લામાં બસસેવા શરૂ કરવામાં આવી નથી.

આ પહેલાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે મંગળવારે જણાવ્યું હતું કે બે જિલ્લા વચ્ચે પ્રવાસ કરવા માટે કોઈ પ્રકારના પાસની જરૂર નહીં પડે.

પટેલે કહ્યું હતું, "કોઈ પણ નાગરિક રાજ્યમાં ગમે ત્યાં જઈ શકશે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે કોઈ પણ પ્રકારના પાસની જરૂર નહીં પડે. જોકે, કન્ટૅન્મૅન્ટ ઝોનમાં તબીબી કટોકટી અને સેવાકિય સિવાય કોઈ પણ પ્રકારની હિલચાલ નહીં કરી શકાય. "

નોંધનીય છે કે રાજ્યમાં કુલ 575 કન્ટૅન્મૅન્ટ ઝોન જાહેર કરાયા છે, જેમાંથી 11 અમદાવાદ છે. 41 સુરતમાં, ગાંધીનગરમાં 25, વડોદરામાં 90, ભાવનગરમાં 21, જામનગરમાં આઠ તથા રાજકોટ અને જૂનાગઢમાં એકએક કન્ટૅન્મૅન્ટ ઝોન જાહેર કરાયા છે.

બસો પર ભલે ભાજપનું બેનર લગાવો પણ એને ચાલવા દો - પ્રિયંકા ગાંધી

ઉત્તર પ્રદેશમાં પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવાને લઈને કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે શરૂ રાજકીય ગરમી વધી રહી છે.

ઉત્તર પ્રદેશમાં શ્રમિકોને ઘરે મોકલવા માટે કૉંગ્રેસે 1000 બસો આપવાનો પ્રસ્તાવ આપ્યો એ પછી આ મામલે રાજકીય ચર્ચા પકડી છે.

કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું કે સરકારે ઇચ્છે તો બસો પર ભાજપના બેનર લગાવી દે પણ એને રોકે નહીં.

એમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે હદ કરી નાખી છે. જ્યારે રાજકીય બંધનોને અલગ કરી ત્રાસી ગયેલા અને અસહાય પ્રવાસી ભાઈ-બહેનોને મદદ કરવાનો મોકો મળ્યો તો સામે દુનિયાભરની અડચણો ઊભી કરી.

એમણે યોગી આદિત્યનાથને ટૅગ કરીને લખ્યું કે, આ બસો પર તમે ઇચ્છો તો ભાજપ બેનર, તમારા પૉસ્ટર લગાવી દો પણ અમારી સેવાને ન ઠુકરાવો. આ રાજકીય રમતમાં ત્રણ દિવસ બરબાદ થયા છે અને આ ત્રણ દિવસોમાં જ આપણા દેશવાસીઓ રસ્તાઓ પર દમ તોડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 16 મેથી આ ચર્ચા ચાલી રહી છે. કૉંગ્રેસની બસોને પ્રવેશ નહીં આપવાના આરોપથી વાત શરૂ થઈ હતી. એ પછી ઉત્તર પ્રદેશ સરકારે કૉંગ્રેસનો 1000 બસો આપવાનો પ્રસ્તાવ સ્વીકારી યાદી માગી હતી અને તેની તપાસ કરવાની વાત કહી હતી.

પ્રિયંકા ગાંધીએ ગઈ 19 મેની રાતે કહ્યું કે, યુપી સરકારે પોતે કહ્યું છે કે અમારી 1049 બસોમાંથી 879 બસો તપાસમાં યોગ્ય પૂરવાર થઈ છે. ઉંચા નાગલા બૉર્ડર પર સરકારે અમારી 500થી વધારે બસોને કલાકોથી રોકી રાખી છે અને દિલ્હી સરહદે પણ 300થી વધારે બસો પહોંચી રહી છે. મહેરબાની કરીને આ 879 બસોને તો ચાલવા દો.

એમણે એમ પણ કહ્યું કે તેઓ આવતીકાલે 200 બસોની યાદી બનાવીને આપશે અને બેશક યુપી સરકાર એની પણ તપાસ કરી લે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસે આપેલી 1000 બસોની યાદીમાં કેટલીક બસો અયોગ્ય હોવાનો અથવા તો તે બસને બદલે અન્ય વાહન હોવાનો આરોપ થઈ રહ્યો છે.

દુનિયાભરમાં શું છે સ્થિતિ?

દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમિત કેસોની સંખ્યા 48 લાખને પાર કરી ગઈ છે અને 3 લાખ 22 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.

અમેરિકામાં સૌથી વધારે 91 હજારથી વધારે મૃત્યુ થયા છે અને એ પછી બ્રિટનમાં 35 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે અને 3163 લોકોનાં મૃત્યુ થયા છે. આ દરમિયાન ભારતીય રેલવેએ 1 જૂનથી દરરોજ 200 નૉન એસી ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે

વિશ્વ બૅન્કે ચેતવણી આપી છે કે કે દુનિયામાં ગરીબી નાબૂદી માટે જે કંઈ પ્રયાસો થયા છે તેના પર લૉકડાઉન પાણી ફેરવી દેશે. વિશ્વ બૅન્કના પ્રમુખ ડેવિસ માલપાસે કહ્યું છે કે વિશ્વની અર્થવ્યવસ્થામાં 5 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે અને તેને કારણે વધારે છ કરોડ લોકો ગરીબી રેખાની નીચે આવી જશે.

બ્રિટનની આરોગ્ય સંસ્થા એનએચએસ માટે 33 મિલિયન પાઉન્ડનું ભંડોળ એકત્રિત કરનારા વરિષ્ઠ સૈન્યકર્મી કૅપ્ટન ટૉમ મૂરને નાઇટહૂડનો ખિતાબ એનાયત કરવાનો નિર્ણય લેવાયો છે. બુધવારે આની ઔપચારિક જાહેરાત કરાશે.

કોરોના મહામારી ક્યાંથી શરૂ થઈ અને તેને કેવી રીતે હૅન્ડલ કરવામાં આવી તેને લઈને આંતરરાષ્ટ્રીય તપાસની માગને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મંત્રી સ્તરીય વાર્ષિક બેઠકમાં અનુમોદન મળ્યું છે. આ બાબતે યુરોપિયન સંઘે 100થી વધારે દેશો તરફછી પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં ઑસ્ટ્રેલિયા, ચીન અને જાપાન પણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થામાં 194 દેશો સભ્યો છે.

અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 581 નવા પૉઝિટિવ કેસ સામે આવ્યા છે. સરકારે 1200 ટેસ્ટ કર્યા હતા તે પૈકી 581 પૉઝિટિવ આવ્યા છે. અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાને કારણે 178 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકા પછી સૌથી વધારે પ્રભાવિત બ્રિટનમાં મરણાંક 35,341 પર પહોંચી ગયો છે.

ગુડ મોર્નિંગ, કોરોના વાઇરસની મહામારી અંગેની ગુજરાતની અને દેશ-વિદેશની લાઇવ અપડેટમાં આપનું સ્વાગત છે!

કોરોના વાઇરસની મહામારી અંગેની લાઇવ અપડેટને અહીં વિરામ આપવામાં આવે છે. આ અંગેની વધુ અપડેટ સાથે આ જ પેજ પર 19 મે(મંગળવાર) સવારે મળીશું. શુભરાત્રી!

ગુજરાતમા કોરોના વાઇરસના કેસોની સંખ્યા 12 હજારને વટાવી ચૂકી છે.

મંગળવારે સાંજે જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 395 નવા કેસ નોંધાતાં પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા 12,141 એ પહોંચી ગઈ છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 239 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

રાજ્યમાં મોતનો કુલ આંકડો 719 થઈ ગયો છે.

ગુજરાત રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 8945 થઈ ગઈ છે.

AMAની 50 ટકા પથારીઓ ઉપલબ્ધ રાખવા ભલામણ

અમદાવાદમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસોને ધ્યાનમાં લેતાં 'અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન' દ્વારા તમામ તબીબો અને હૉસ્પિટલોને સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોકલાયેલા દરદીઓને દાખલ કરવા માટે અપીલ કરાઈ છે.

સામાજિક જવાબદારી અને દરદીનાં હિતોને ધ્યાનમાં રાખીને નિયમિત અને ટેકનિકલ ઔપચારિકતા પૂર્ણ કરવાની રાહ જોયા વગર જ દરદીઓને સારવાર આપવા માટે ઍસોસિયેશને ભલામણ કરી છે.

ઍસોસિયેશન સાથે વિસ્તૃત ચર્ચાવિચારણ કર્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની તમામ હૉસ્પિટલોને તત્કાલ અસરથી 50 ટકા પથારીઓ કોરોના વાઇરસના દરદીઓ માટે ઉપલબ્ધ રાખવા પણ વિનંતી કરી છે.

કોરોના અપડેટ : મુંબઈના બાંદ્રા સ્ટેશન પર ભારે ભીડ, પોલીસનો લાઠીચાર્જ

મુંબઈના બાંદ્રા ટર્મિનસથી બિહારના પુરનીયા જવા માટે રવાના થવાના હતી. જેને પગલે મોટા પ્રમાણમાં લોકો અહીં એકઠા થઈ ગયા હતા. આ ટ્રેન નોંધણી કરાયેલા મુસાફરોને લઈને રવાના થવાની હતી.

જોકે, મોટા પ્રમાણમાં નોંધણી ન કરનારા શ્રમિકો પણ અહીં એકઠા થઈ ગયા હતા. જેને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ટ્રેન માત્ર નોંધણી કરાયેલા 1000 શ્રમિકોને જ લઈ જવાની હતી.

કોરોના વાઇરસ રસી : વધુ એક સફળતા

અમેરિકાની એક કંપનીએ કહ્યું છે કે વૅક્સિન મારફતે લોકોનાં રોગપ્રતિકારક તંત્રને કોરોના વાઇરસ સામે લડવા માટે પ્રશિક્ષિત કરી શકાય છે.

મૉડર્નાએ કહ્યું કે સેફ્ટી ટ્રાયલમાં ભાગ લેનાર પ્રથમ આઠ લોકોમાં ન્યુટ્રલાઇઝિંગ ઍન્ટીબૉડીઝ મળી આવ્યા છે.

કંપનીનું કહેવું છે કે જે લોકો વાઇરસના સંક્રમણથી સાજા થયા છે, તેમનામાં જે રક્ષણ પેદા થાય છે, એવું જ વૅક્સિનમાં જોવા મળ્યું છે.

જુલાઈમાં આ અંગે મોટાપાયે ટ્રાયલની શરૂઆત કરવામાં આવશે.

હાલ દુનિયામાં કોરોના વાઇરસના વૅક્સિન પર 80 જેટલા સમૂહો કામ કરી રહ્યા છે.

મૉડર્ના પ્રયોગાત્કમ વૅક્સિનનું પરીક્ષણ કરનારી પ્રથમ કંપની છે, જેણે મનુષ્યો પર એમઆરએનએ-1273નું ટેસ્ટિંગ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ વૅક્સિનનું માનવીય પરીક્ષણ કરાયું છે, પરંતુ હજી તેના પરિણામ જાહેર થયાં નથી.

આ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો :

તમારા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા છે?

ભારતનાં મોટાં શહેરોમાં સંક્રમણનું પ્રમાણ વધારે છે, જ્યારે બીજી તરફ દેશના કેટલાક જિલ્લાઓ એવા છે. જ્યાં એકાદ-બે કેસો જ નોંધાયા છે.

મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં રાજ્યો સૌથી વધારે પ્રભાવિત છે. જ્યારે પૂર્વોત્તરનાં રાજ્યોમાં સંક્રમણના કેસોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે.

ત્યારે આ વાઇરસને લઈને તમારા જિલ્લાની શી સ્થિતિ છે એ જાણવા અહીં ક્લિક કરો : તમારા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા છે?

કોરોના વાઇરસ : ટ્રમ્પ જે દવા લઈ રહ્યા છે એ કેટલી ઉપયોગી?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે તેઓ કોરોના વાઇરસથી બચવા માટે હાઇડ્રૉક્સીક્લોરોક્વીન દવા લઈ રહ્યા છે. સ્વાસ્થ્યઅધિકારીઓએ આ દવા સુરક્ષિત નહીં હોવાની ચેતવણી આપી હતી.

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે હાલમાં મલેરિયા અને લ્યૂપસની દવા લેવાનું શરૂ કર્યું છે.

તેમણે કહ્યું, "હું દોઢ અઠવાડિયાથી આ દવા લઈ રહ્યો છું, અને હું અહીં જ છું, હું અહીં જ છું. "

હાઇડ્રૉક્સીક્લોક્વીન કોરોના વાઇરસ સામે અસરકારક છે તેના કોઈ પ્રમાણ નથી, જોકે આ દવાની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

ત્યારે આ આ દવાની ઉપયોગિતા અંગે આ વીડિયોમાં માહિતી અપાઈ રહી છે.

કૉંગ્રેસે શ્રમિકો માટે દિલ્હીમાંથી 300 બસો ચલાવવાની મંજૂરી માગી

દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ચૌધરી અનિલકુમારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને જણાવ્યું છે, "હિજરત કરવા માટે મજબૂર શ્રમિકો માટે કૉંગ્રેસ પક્ષ દિલ્હીની વિવિધ સરહદોથી લગભગ 300 બસો ચલવવા ઇચ્છે છે. આનો ખર્ચ કૉંગ્રેસ પક્ષ ઉઠાવશે. દિલ્હી સરકાર આ માટે મંજૂરી આપે."

આ પત્રમાં તેમણે લખ્યું કે બસો તેમના પક્ષને કેટલીક શાળા અને અન્ય સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થઈ રહી છે, જ લૉકડાઉનને લીધે હાલમાં કામ નથી આવી રહી.

તેમણે એવું પણ લખ્યું કે કૉંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના નિર્દેશ પર પક્ષ શ્રમિકોની મદદ માટે પ્રતિબદ્ધ છે.

આ મામલે તેમણે કેજરીવાલ સમક્ષ સહયોગની અપીલ કરી છે.

CM વિજય રૂપાણીએ લોકોને શી અપીલ કરી?

ગુજરાતમાં લૉકડાઉનના ચોથા ચરણમાં કેટલાંય શહેરોમાં દુકાનો, હૅર-સલૂનો ખોલવા આવ્યાં. જ્યાં મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી. આ મામલે સ્વયંશિસ્ત જાળવવા રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ લોકોને અપીલ કરી છે.

મુખ્ય મંત્રીના સચિવે અશ્વિનીકુમારે સંબોધેલી ઑલનાઇન પત્રકારપરિષદમાં આ અંગે માહિતી અપાઈ હતી.

અશ્વિનીકુમારે શું કહ્યું?

  • રાજ્યમાં જનજીવન પૂર્વવત્ થાય એ માટેના પ્રયાસો કરાયા છે.
  • છૂટછાટનો આજે પ્રથમ દિવસ હોઈ દુકાનો બહાર મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી હતી.
  • ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે, માસ્ક પહેરવામાં આવે, સાબૂથી સતત હાથ ધોવામાં આવે એવી તકેદારી રાખવા, સ્વયંશિસ્ત જાળવવા મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે.
  • ચાપાણીની દુકાનો, હૅરસલૂનો, સ્પામાં બિનજરૂરી ભીડ ના થાય એ માટેની તકેદારી રાખવામાં આવે.
  • હૅરસલૂન, બ્યુટીસ્પા જેવાં સ્થળોએ ફોન દ્વારા ઍપૉઇન્ટમૅન્ટ લઈને બિનજરૂરી ભીડને ટાળવી.
  • જો આવાં સ્થળોએ બીનજરૂરી ભીડ એકઠી થશે તો કાર્યવાહી કરવામાં આવશે. દુકાનો બંધ પણ કરી દેવાશે.

કોરોના વાઇરસ : ચીનમાંથી અમેરિકન કંપનીઓની 'ઘરવાપસી'ના પ્રયાસોનો પ્રારંભ

કોરોના વાઇરસની મહામારી વચ્ચે અમેરિકાની સંસદમાં ચીનમાંથી અમેરિકન કંપનીઓને પરત બોલાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કરાયો છે.

આ પ્રસ્તાવમાં કહેવાયું છે કે જે કંપનીઓ ચીનમાં પોતાના મૅન્યુફૅક્ચરિંગ યુનિટ બંધ કરીને અમેરિકા પરત ફરવા માગતી હોય, તેના માટે ખાસ આર્થિક મદદ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.

અમેરિકામાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી 90 હજારથી વધુ લોકોનાં મૃ્ત્યુ થયાં છે. જ્યારે અહીં ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 15 લાખ કરતાં વધી ગઈ છે.

આ સંદર્ભે સાંસદ માર્ક ગ્રીને દેશની સંસદમાં 'ધ બ્રિંગ અમેરિકન કંપનીઝ હોમ ઍક્ટ' નામનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં ચીનમાંથી પરત ફરનારી કંપનીઓને પૂરો ખર્ચ કવર કરવાની વાત કરાઈ છે.

તેમણે સૂચવ્યું છે કે ચીનમાંથી આયાત કરાઈ રહેલા માલસામાન પર આયાતકર લગાવીને જે પૈસા મળે તેનાથી આ ખર્ચની પતાવટ કરી શકાય.

ગ્રીન જણાવે છે, "અમેરિકન અર્થતંત્ર પોતાના પગ પર ઊભું રહી શકે એમ છે અને આ માટે દેશમાં રોકાણ જરૂરી છે. જોકે, અમેરિકન કંપનીઓ સ્વદેશ પરત ફરે એમાં સૌથી મોટો અવરોધ આ માટેનો ખર્ચ છે."

"ચીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વિશ્વાસપાત્ર મિત્ર નથી. અમેરિકાને ફરીથી આગળ વધારવા માટે જરૂરી છે કે અમેરિકા ચીન પરની પોતાની નિર્ભરતા ખતમ કરે. આપણા માટે આ નવા રસ્તાઓ શોધવાની તક છે. આપણે આર્થિક મદદ માટે દેશમાં રોકાણ વધારી શકીએ."

લૉકડાઉન 4.0 : કોરોના વાઇરસના ભય વચ્ચે ગુજરાતનાં શહેરો ખૂલ્યાં

લૉકડાઉન 4.0ની શરૂઆત થઈ ગઈ છે અને દેશના કેટલાંય શહેરો ખૂલી ગયાં છે.

દિલ્હી સરકારે રિક્ષા, ટૅક્સી, પ્રાઇવેટ કૅબ અને બસસેવા શરૂ કરી દીધી છે. જોકે, રિક્ષામાં માત્ર એક જ મુસાફર, કારમાં માત્ર બે જ મુસાફર અને બસમાં માત્ર 20 મુસાફરોને જ બેસવાની પરવાનગી અપાઈ છે.

તો બેંગલુરુમાં કર્ણાટક સરકારે જાહેર બસસેવાને શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે, સેવાનો લાભ લેવા ઇચ્છતા પ્રવાસીઓ બસમાં ચઢે એ પહેલાં તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે અને મૈસુરા રોડ બસસ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવી રહ્યું છે. બેંગ્લુરુમાં આવેલા કબ્બન પાર્ક અને લાલબાગ બૉટનિકલ ગાર્ડનમાં આજે વહેલી સવારે મૉર્નિંગ-વૉકર પણ જોવા મળ્યા હતા.

ઉત્તર પ્રદેશમાં પણ દુકાનો ખૂલી ગઈ છે. જોકે, દુકાનદારોએ માસ્ક પહેરવા અને દુકાન પર સૅનિટાઇઝર રાખવું ફરજિયાત છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર માસ્ક ન પહેરનારા ગ્રાહકોને સામાન ન વહેંચવાની તાકીદ કરાઈ છે.

ગુજરાતમાં પણ શહેરો ખૂલ્યાં

લૉકડાઉનની નવી માર્ગદર્શિકા અંતર્ગત ગુજરાતનાં કેટલાંય શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના અમલ સાથે જીવન પૂર્વવત્ થઈ રહ્યું હોય એવાં દૃશ્યો સર્જાયાં છે.

રાજકોટના સ્થાનિક પત્રકાર બિપિન ટંકારિયાના જણાવ્યા અનુસાર શહેરમાં પાનબીડીની દુકાનો ખુલતાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા હતા અને બે દુકાનો બહાર બાઉન્સરો રાખવાની પણ ફરજ પડી હતી.

શહેરના મુખ્ય બજાર ગણાતાં પરાબજાર વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા એકઠા થયા હોવાનું ટંકારિયા જણાવે છે.

લૉકડાઉનના ચોથા તબક્કામાં અપાયેલી છૂટછાટની અસર કચ્છમાં પણ જોવા મળી હતી.

બીબીસી ગુજરાતીના સહયોગી સ્થાનિક પત્રકાર પ્રશાંત ગુપ્તાના જણાવ્યા અનુસાર ભુજ, ગાંધીધામ, માંડવી, મુંદ્રામાં ધીમેધેમે વેપારધંધા ખૂલી રહ્યા છે. જોકે, નિયમનો લઈને હજુ પણ લોકોમાં થોડી અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. જોકે, પાનબીડી અને સલૂનોમાં લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે કચ્છમાં લૉકડાઉન બાદથી કોરોના વાઇરસના પૉઝિટિવ કેસો અંકુશમાં જણાતા હતા. પરંતુ ગત 10 દિવસોમાં અહીં ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સુરતથી સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર શહેરનાં ડાયમંડ માર્કેટ અને ટેક્સટાઇલ માર્કેટ હજુ સુધી ખૂલ્યાં નથી.

જોકે, શહેરમાં કેટલીય નાનીમોટી દુકાનો ખૂલી ગઈ છે.

અમીને જણાવ્યું કે ચૌટાબજાર કન્ટેઇન્મૅન્ટ ઝોન હોવા છતાં ત્યાં મોટા પ્રમાણમાં દુકાનો ખૂલી ગઈ છે.

આ દરમિયાન વરાછા વિસ્તારમાં પાનબીડીની દુકાનો હજુ ખુલ્લી નથી.

વાવાઝોડા 'અંફન'ની શું સ્થિતિ છે?

પહેલાંથી જ કોરોના મહામારીનો સામનો કરી રહેલા ભારત માટે અંફન વાવાઝોડું બીજી મુસીબત લઈને આવી રહ્યું છે.

બંગાળની ખાડીમાં પેદા થયેલું વાવાઝોડું અંફન સોમવારે બપોરે સુપર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે.

ઑક્ટોબર 1999 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે બંગાળની ખાડીમાં કોઈ સુપર સાઇક્લોન બન્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડાની પવન ગતિ 220-240 કિલોમિટર પ્રતિ કલાકની હોય શકે છે.

220 કિલોમિટર પ્રતિકલાકની ઝડપ હોય તેવા વાવાઝોડાને સુપર સાયક્લોનનો દરજ્જો આપવામાં આવે છે.

આ વાવાઝોડું ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને અસર કરે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશામાં 19 મે સાંજેથી જ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સાથે પવનની ગતિ વધી જશે. ૨૦ મેના રોજ પવનની ગતિ વધારે ઝડપી બની જશે.

ઓડિશાના 12 જિલ્લાને ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને વાવાઝોડાના સંભવિત નુકસાનને જોતાં કુલ 11થી 12 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતા છે.

કોરોના ઇકૉનૉમી : ચીનનું ગ્લોબલ ફેકટરીનું સ્થાન ભારત આંચકી શકશે?

કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ચેપ ફેલાવી રહ્યો છે, ત્યારે ચીન સામે આંતરરાષ્ટ્રીયકક્ષાએ રોષ પણ વધી રહ્યો છે. તેના કારણે વિશ્વની મનપસંદ ફૅક્ટરી તરીકેનું સ્થાન તે ગુમાવે તેવું પણ બને.

કોરોના સામેની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તપાસ અને મહમારીના મૂળ સુધી જવાની વાતો પણ ચીનને ભીંસમાં મૂકે છે.

ભારતને અહીં તક દેખાઈ રહી છે અને ચીને વહેલા મોડા વૈશ્વિક ઉત્પાદનમાં પોતાનું સ્થાન ગુમાવવું પડશે, ત્યારે તે સ્થાન મેળવી લેવાની ઇચ્છા પણ સળવળી રહી છે.

વિશ્વમાં ચીનની આબરૂ ખરડાઈ છે ત્યારે ભારત માટે તે "છુપા આશીર્વાદ" જેવું સાબિત થઈ શકે છે, કેમ કે વધુ મૂડીરોકાણ આકર્ષી શકાશે એમ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું.

ગુજરાત સહિતના રાજ્યો શ્રમકાયદાઓને હળવા કરવા સહિત જમીનની ઉપલબ્ધતા જેવી જાહેરાતો મીડિયામાં કરી ચૂક્યા છે.

આખા બ્રાઝિલ જેટલી વસતી ધરાવતા ઉત્તર પ્રદેશે ચીનનો ત્યાગ કરવા તૈયાર કંપનીઓને આકર્ષવા માટેનું આર્થિક ટાસ્ક ફોર્સ રચવાની તૈયારીઓ આરંભી દીધી છે.

લક્ઝમબર્ગના ક્ષેત્રફળ કરતાં બેગણી વધારે જમીન ચીન છોડવા માગતી કંપનીઓને ઑફર કરવા માટે ભારતે એવાં સ્થળોને ઓળખી લેવાનું પણ શરૂ કર્યું છે. 1,000 જેટલી અમેરિકન મલ્ટિનેશનલ કંપનીઓનો સંપર્ક પણ ભારતે કર્યો હોવાનો અહેવાલ બ્લૂમબર્ગે આપ્યો છે.

આ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો :

ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોની સંખ્યા એક લાખને પાર

દુનિયામાં કોરોના સંક્રમણના કેસોનો આંકડો 47 લાખ 8 હજારને પાર જઈ રહ્યો છે અને 3 લાખ 17 લોકોનાં મૃત્યુ થયા છે ત્યારે ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે.

આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરના સંક્રમિતોની કુલ સંખ્યા 101,139 થઈ ગઈ છે. આ પૈકી 39174 લોકો સાજા થયા છે અને 3163 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં હાલ ઍક્ટિવ કેસોની સંખ્યા 39,173 છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રથમ કેસ કેરલમાં 30 જાન્યુઆરીએ નોંધાયો હતો.

અમેરિકામાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધી 90 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં કુલ 90,338 લોકોનાં મૃત્યુ થયાં છે અને સંક્રમિત લોકોની સંખ્યા 15 લાખને પાર કરી ગઈ છે.

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કોરોના સંક્રમણથી બચવા માટે તેઓ 15 દિવસથી મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લરોકીન લઈ રહ્યા છે.

ટ્રમ્પ 15 દિવસથી હાઇડ્રૉક્સીક્લોરોક્વીન લઈ રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે તેઓ કોરોના વાઇરસથી બચવા માટે હાઇડ્રૉક્સીક્લોરોક્વીન દવા લઈ રહ્યા છે. આરોગ્ય અધિકારીઓએ આ દવા સુરક્ષિત નહીં હોવાની ચેતવણી આપી હતી.

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે હાલમાં મલેરિયા અને લ્યૂપસની દવા લેવાનું શરૂ કર્યું છે.

તેમણે કહ્યું, "હું દોઢ અઠવાડિયાથી આ દવા લઈ રહ્યો છું, અને હું અહીં જ છું, હું અહીં જ છું. "

હાઇડ્રૉક્સીક્લોક્વીન કોરોના વાઇરસ સામે અસરકારક છે તેના કોઈ પ્રમાણ નથી, જોકે આ દવાની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

73 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ કોવિડ-19 મહામારીને કારણે મુશ્કેલી અનુભવી રહેલા રેસ્ટોરાં માલિકો સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમણે પત્રકારોને કહ્યું, "તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કેટલા લોકો આ દવા લઈ રહ્યા છે, કોરોના વાઇરસનાં સંક્રમણથી બચવા માટે ફ્રન્ટલાઇન વર્કર્સ આ દવા લઈ રહ્યા છે."

હાઇડ્રૉક્સીક્લોરોક્વીનના ફાયદાના પ્રમાણ વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "હું છું પ્રમાણ, મને તેના વિશે સકારાત્મક કૉલ્સ આવે છે. "

તેમણે કહ્યું કે, "મેં આ દવા વિશે સારી વાતો સાંભળી છે અને જો તે સારી ન પણ હોય તો પણ મને તેનાથી કોઈ નુકસાન નથી."

વ્હાઇટ હાઉસમાં પણ કોરોના પૉઝિટિવ કેસ આવ્યા છે પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે તેમનામાં કોવિડ-19ના કોઈ લક્ષણ નથી અને તેમનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે તેઓ ઝિન્ક સપ્લીમેન્ટ લઈ રહ્યા છે અને એઝિથ્રોમાઇસિન એન્ટીબાયોટિકનો એક ડોઝ આપવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે પોતે આ દવા લેવા માટે વિનંતી કરી હતી.

ત્યારે રાષ્ટ્રપતિના ડૉક્ટર શૉન કૉનલેએ કહ્યું કે ટ્રમ્પનું સ્વાસ્થ્ય સારૂં છે અને તેમનામાં કોરોના વાઇરસના કોઈ લક્ષણ નથી દેખાતા.

અમેરિકાના નૌસેના અધિકારીએ જણાવ્યું કે, "હાઇડ્રૉક્સીક્લોરોક્વીનની તરફેણમાં અને તેની વિરુદ્ધ પ્રમાણો પર તેમની સાથે ઘણી ચર્ચા બાદ અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે તેના નુકસાનના ખતરા કરતા તેના ફાયદાની સંભાવના વધારે છે."

કોરોનામાં ચીને પારદર્શી રહીને કામ કર્યું છે - જિનપિંગ

વર્લ્ડ હેલ્થ ઍસેમ્બલીમાં વાત કરતાં ચીનના શી જિનપિંગે કહ્યું છે કે ચીને કોરોના વાઇરસ મામલે જવાબદાર રહીને અને પારદર્શી રીતે કામ કર્યું છે.

તેમણે કોવિડ-19 અંગે દુનિયાભરમાં થયેલા પ્રયાસોની સમીક્ષા પર ભાર મૂક્યો છે.

તેમણે કહ્યું છે કે કોરોના વાઇરસ કાબૂમાં આવી જાય એ પછી સમીક્ષા કરવી જોઈએ અને નિષ્પક્ષ રીતે થવી જોઈએ.

જિનપિંગે આગામી બે વર્ષ માટે બે અબજ ડૉલરની મદદ માગી છે, સાથે જ તેમણે કહ્યું છે કે જો ચીન કોરોના વાઇરસની રસી બનાવશે તો તે દુનિયાની જાહેર સંપત્તિ જ ગણાશે.

નમસ્કાર!

બીબીસીની ગુજરાતી સેવા પર આપનું સ્વાગત છે. કોરોના વાઇરસની મહામારી અંગેની લાઇવ અપડેટ અહીં રજૂ કરાઈ રહી છે. 19 મે (મંગળવાર)ની વાઇરસ સંબધિત તમામ અપડેટ આપને આ પેજ પર મળી રહેશે.

કોરોના વાઇરસની મહામારી અંગેની લાઇવ અપડેટમે અહીં વિરામ આપવામાં આવે છે. આ અંગેની વધુ અપડેટ સાથે આ જ પેજ પર 19 મે(મંગળવાર) સવારે મળીશું. શુભરાત્રી!

દિલ્હીમાં ખૂલશે દુકાનો

કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ દિલ્હી સરકારે પણ લૉકડાઉન 4.0 માટે એક વિસ્તૃત પ્લાન તૈયાર કર્યો છે. જે અંગે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ઑનલાઇન પત્રકારપરિષદ યોજીને જાણકારી આપી હતી.

કેજરીવાલની પત્રકારપરિષદના મુખ્ય મુદ્દા :

  • કોરોના વાઇરસ મહિના- બે મહિનામાં જવાનો નથી. જ્યાં સુધી આ બીમારીની રસી નથી આવતી, આ બીમારી આપણી વચ્ચે જ રહેશે.
  • લૉકડાઉનથી જે અઠવાઠિયાં અમને મળ્યાં, એમાં અમને અમારી તૈયારી કરવાનો વખત મળ્યો.
  • કાયમ માટે લૉકડાઉન ન રહી શકે. હવે આપણે આપણી અર્થવ્યવસ્થાને પણ સંભાળવાની છે.
  • મેટ્રો, કૉચિંગ-ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, હોટલ, સિનેમા હૉલ, મૉલ, જીમ, સ્વિમિંગ પૂલ, સલૂન, બાર, થિયેટર, ઑડિટોરિયમ, સભાગૃહો, શાળા તેમજ શૈક્ષણિક સંસ્થાનો બંધ રહેશે.
  • કોઈ ધાર્મિક, રાજકીય કે સામાજિક કાર્યક્રમ કરવાની મંજૂરી નહીં અપાય. ધાર્મિક સ્થળો બંધ રહેશે.
  • સાંજના સાતથી સવારના સાત વચ્ચે અત્યંત જરૂર કામ માટે જ ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી હશે.
  • 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતી વ્યક્તિ, દસ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ, હૃદય-ડાયાબિટીસના દરદીઓને ઘરમાંથી નીકળવા પર પ્રતિબંધ હશે. કારણ કે તેમના માટે કોરોના વાઇરસ જીવલેણ સાબીત થઈ શકે છે.
  • રેસ્ટોરાં માત્ર હોમ-ડિલિવરી કરી શકશે.
  • સ્ટેડિયમ ખોલવામાં આવી રહ્યાં છે પણ દર્શકોને સ્ટેડિયમમાં જવાની પરવાનગી નહીં હોય.
  • ઑટોમાં એક, ટૅક્સી અને કૅબમાં માત્ર બે લોકો બેસી શકશે. દરેક સવારીના ઊતર્યા બાદ ડ્રાઇવરે કાર સાફ કરવી પડશે.
  • બસો શરૂ થશે. એક બસમાં 20થી વધુ મુસાફર નહીં ચઢી શકે. તમામ મુસાફરો બસમાં ચઢે એ પહેલાં તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.
  • દ્વિચક્રી વાહનો પર એક અને ગાડીઓમાં ડ્રાઇવર સાથે બે લોકો બેસી શકશે.
  • તમામ સરકારી અને ખાનગી ઑફિસો ખુલ્લી જશે. જોકે, ખાનગી કંપનીઓ બને ત્યાં સુધી 'વર્ક ફ્રૉમ હોમ' પર ભાર મૂકે
  • બાંધકામ શરૂ કરાઈ રહ્યું છે. જોકે, આમાં માત્ર દિલ્હીમાં રહેતા શ્રમિકો જ કામ કરી શકશે. પડોશી રાજ્યોના શ્રમિકોને હાલ પરવાનગી નથી અપાઈ.
  • લગ્ન માટે 50 મહેમાનોને પરવાનગી અપાશે. અંતિમસંસ્કાર માટે 20 લોકોને પરવાનગી હશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે.
  • કન્ટેન્મૅન્ટ ઝોનમાં જવાની કોઈને પરવાનગી નહીં હોય.
  • માસ્ક પહેરવા ફરજિયાત છે.

અમદાવાદ-સુરતમાં શ્રમિકો રસ્તા પર ઊતર્યા

કોરોના વાઇરસના કેરને જોતાં છેલ્લાં એક મહિના કરતાં વધુ સમયથી દેશમાં સજ્જડ લૉકડાઉન લાગુ કરાયું છે. જેને પગલે કેટલાંય રાજ્યોમાં પરપ્રાંતીય શ્રમિકો ફસાઈ ગયા છે.

વતન પરત ફરવાની આવી જ માગ સાથે સોમવારે અમદાવાદ અને સુરતમાં પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.

અમદાવાદના આઈઆઈએમ અને વસ્ત્રાપુરમાં મોટી સંખ્યામાં શ્રમિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વતન પરત ફરવાની માગ સાથે હોબાળો કર્યો હતો.

વિફરેલા શ્રમિકોએ રસ્તેથી પસાર થઈ રહેલાં વાહનો પર પથ્થરમારો પણ કર્યો હતો. જેને પગલે પોલીસે ઘટનાસ્થળે ધસી જવું પડ્યું હતું અને ટીયરગૅસના સૅલ છોડવાની તથા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં પોલીસે સો જેટલા કામદારોની અટકાયત પણ કરી હતી.

બીજી બાજુ, સુરતમાં પણ આવી જ ઘટના ઘટી હતી. સુરતના માંગરોળના પીપોદ્રા વતન પરત ફરવાની માગ સાથે પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા.

જેને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કામદારોનાં ટોળાંને વિખેર્યાં હતાં.

આ ઘટના બાદ હાઈવે ખુલ્લો કરાયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પેટ્રોલિંગ પણ કર્યું હતું.

નોંધનીય છે કે આ પહેલાં રવિવારે રાજકોટમાં પણ આવી જ ઘટના ઘટી હતી.

પ્રવાસી મજૂરોનું ખાદ્યસામગ્રીનું સંકટ રોટી-રમખાણ નોતરશે?

17મેની રાત્રે રાજકોટમાં શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 18મી એ અમદાવાદમાં શ્રમિકોનો હોબાળો અને 100 લોકોની અટકાયત, બિહારના કટિહાર રેલવે સ્ટેશન પર પ્રવાસી કામદારો વચ્ચે ભોજનના પૅકેટ્સ માટે ખેંચાખેંચી, પંજાબના લુધિયાણામાં પ્રવાસી કામદારોનું વિરોધપ્રદર્શન અને મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રની સીમા પર ભોજનસામગ્રીની ઓછપને કારણે અશાંતિનું વાતાવરણ.

પ્રવાસી કામદારોનો રોષ ફાટી નીકળ્યાની આ છૂટીછવાઈ ઘટનાઓ નથી. ઝીણવટપૂર્વક નિહાળીએ તો ક્વોરૅન્ટીન સેન્ટર્સમાં રહેતા પ્રવાસી કામદારોમાં ગુસ્સો ધીમે-ધીમે વધી રહ્યો હોય એવું લાગે છે.

ક્યાંક ભોજન ન મળતું હોવાને લીધે એ ગુસ્સો જોવા મળે છે તો ક્યાંક ખરાબ ભોજન મળતું હોવાને કારણે એ સ્થિતિ છે.

ક્યાંક બાકી પગાર નથી મળ્યો, ઘરે જઈ શકાતું નથી અને દયનીહ હાલતમાં રહી શકાતું નથી.

બિહારના અનેક જિલ્લામાંના ક્વોરૅન્ટીન સેન્ટર્સમાં પ્રવાસી કામદારો અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે ઝપાઝપી પણ થઈ ચૂકી છે.

આ સંજોગોમાં સવાલ થાય છે કે આ છૂટીછવાઈ ઘટનાઓ શું સંકેત આપી રહી છે?વાંચવા માટે ક્લિક કરો: કોરોના લૉકડાઉન : પ્રવાસી મજૂરોનું ખાદ્યસામગ્રીનું સંકટ રોટી-રમખાણ નોતરશે?

લૉકડાઉન 4 વચ્ચે CBSEની બાકી પરીક્ષાઓ અંગે જાહેરાત

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે 12માં ધોરણની બાકી પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. આ પરીક્ષા પહેલી જુલાઈથી શરૂ થઈ રહી છે.

તારીખો જાહેર કરતી વખતે માનવ સંસાધન વિકાસ મંત્રીએ ટ્વીટ કર્યું, "પ્રિય વિદ્યાર્થીઓ CBSEની બાકી પરીક્ષાની ડેટશીટ જાહેર કરી રહ્યો છું. હું તમને બધાને આગામી પરીક્ષાઓ અંગે હાર્દિક શુભેચ્છા પાઠવું છું."

ભારતની વાઇરસ અંગે તપાસની માગ

જીનિવા સંમેલનમાં ભારત પણ એ 60થી વધુ એવાં રાષ્ટ્રો સાથે સામેલ થાય એવી આશા વ્યક્ત કરાઈ રહી છે, જેઓ કોરોના વાઇરસના સ્ત્રોતને લઈને એક 'નિષ્પક્ષ, સ્વતંત્ર અને વ્યાપક મૂલ્યાંકન'ની માગ કરી રહ્યાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જીનિવામાં સોમવારથી બે દિવસ માટે એેક મહત્ત્વપૂર્ણ સંમેલન (73મી વર્લ્ડ હેલ્થ ઍસેમ્બલી) યોજી રહ્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વાતને લઈને તપાસની માગ કરી ચૂક્યા છે કે વુહાન શહેરમાં કોરોના વાઇરસનો ઉદ્ભવ થયો કેવી રીતે?

અમેરિકાએ દાવો કર્યો છે કે 'કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરની એક લૅબમાંથી નીકળ્યો છે.'

કોરોના વાઇરસના ઉદ્ભવની તપાસની માગને લઈને યુરોપીયન સંઘે એક પ્રસ્તાવનો મુસદ્દો પણ તૈયાર કર્યો છે, જેનું સમર્થન મોટી સંખ્યામાં કેટલાંય રાષ્ટ્રોએ કર્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર 60થી વધુ દેશો એવા છે જે કોરોના વાઇરસના સ્ત્રોતને લઈને ચીનની ભૂમિકાની તપાસ ઇચ્છે છે.

તપાસનું સમર્થ કરી રહેલાં રાષ્ટ્રો

ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બેલારૂસ, ભૂટાન, બ્રાઝિલ, કૅનેડા, ચીલી, કમ્બોડિયા, આઇસલૅન્ડ, ઇન્ડોનેશિયા, જાપાન, જૉર્ડન, કઝાકિસ્તાન, મલેશિયા, માલદીવ, મેક્સિકો, ન્યૂઝીલૅન્ડ, નૉર્વે, પેરુ, કતાર, દક્ષિણ કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, તુર્કી, યુક્રેન, બ્રિટન અને નૉર્ધન આયરલૅન્ડ

ગુજરાત કોરોના અપડેટ : અમદાવાદમાં શ્રમિકોનો હોબાળો, 100ની અટકાયત

અમદાવાદમાં આવેલા ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ પાસે શ્રમિકોએ હોબાળો કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું છે.

અમદાવાદથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યના જણાવ્યા અનુસાર આ ઘટનાને પગલે આઈઆઈએમ અને વસ્ત્રાપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસદળ તહેનાત કરી દેવાયું છે.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખના જણાવ્યા અનુસાર "કેટલાય સમયથી આ શ્રમીકો વતન પરત ફરવાની માગ કરી રહ્યા હતા અને આ માગ સાથે આજે ઉશ્કેરાટ પણ ભળ્યો હતો."

"મોટી સંખ્યામાં આ શ્રમિકો આઈઆઈએમથી શિવરંજની જવાના રસ્તે એકઠા થઈ ગયા હતા અને આ રસ્તેથી પસાર થતાં વાહનો પર પથ્થરમારો કર્યો હતો."

"આ ઘટનામાં ટીઆરબીના ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી, જ્યારે પોલીસને ટીયરગૅસના ત્રણ સૅલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી."

આ ઘટનાને પગલે આઈઆઈએમથી શિવરંજની ચાર રસ્તા સુધીનો માર્ગ હાલ પૂરતો બંધ કરી દેવાયો છે.

અમદાવાદના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ અમિત વિશ્વકર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આઈઆઈએમ-અમદાવાદ નજીક શ્રમિકોની કૉલોની આવી છે અને વતન પરત ફરવાની માગ સાથે તેઓ આજે રસ્તા પર એકઠા થઈ ગયા હતા.

જોકે, શ્રમિકોએ પોલીસને સીધી જ નિશાન નહોતી બનાવી એવી સ્પષ્ટતા પણ પોલીસખાતા દ્વારા કરાઈ છે. આ મામલે હાલ સો જેટલા શ્રમિકોની અટકાયત કરવામાં આવી છે.

નોંધનીય છે કે વતન પરત ફરવાની માગ સાથે પરપ્રાંતીય શ્રમિકો દ્વારા બે દિવસમાં આ બીજો હોબાળો કરાયો છે.

આ પહેલાં રાજકોટમાં પણ આવી જ ઘટના ઘટી હતી.

ગામ છોડી લોકો ખેતરમાં રહેવા લાગ્યા

કોરોના વાઇરસનો કેર અટકવાનું નામ નથી લઈ રહ્યો અને ગુજરાતમાં ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 11 હજારનો આંક પાર કરી ગઈ છે.

ત્યારે વાઇરસના ભયને લીધે સુરેન્દ્રનગર જિલ્લાના આસુન્દ્રાળી ગામના લોકો ગામ છોડીને ખેતરોમાં રહેવા લાગ્યા છે

ગામમાં વાઇરસના પૉઝિટિવ કેસ સામે આવ્યા બાદ ડરેલા ગામલોકો ખેતરોમાં ચાલ્યા ગયા છે.

ગામની કુલ વસતી 1100 લોકોની છે, જેમાંથી હવે 80 ટકા લોકો ખેતરોમાં રહેવા લાગ્યા છે.

લૉકડાઉનને લઈને વિજય રૂપાણીએ બેઠક યોજી

મંગળવારથી ગુજરાતમાં લૉકડાઉન 4.0નો અમલ શરૂ થઈ રહ્યો છે. આ મામલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળ એક ઉચ્ચસ્તરની બેઠકનું આયોજન કરાયું હતું.

આવતીકાલથી કયાકયા વિસ્તારોમાં લૉકડાઉનનો કેવોકેવો અમલ કરવાનો રહેશ અને કયાકયા વિસ્તારોમાં કેવીકેવી છૂટ આપવામાં આવશે એ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટર પર આ અંગે માહિતી આપી હતી.

અમદાવાદમાં કૅન્સર હૉસ્પિટલના સ્ટાફનો રિપોર્ટ પૉઝિટિવ

અમદાવાદના અસરવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલના કૅમ્પસમાં સ્થિત કૅન્સર હૉસ્પિટલના ત્રણ પૅરામેડિકલ સ્ટાફનો કોરોના વાઇરસનો ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખના જણાવ્યા અનુસાર ત્રણમાંથી એક નર્સની હાલત ગંભીર છે.

હૉસ્પિટલનાં ડેપ્યુટી ડિરેક્ટર પ્રિસિમા દવેએ સંબંધિત દરદીઓની સારવાર ચાલી રહી હોવા સિવાયની કોઈ પણ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે.

કોવિડ-19 : ભારતમાં સૌથી મોટો ઉછાળો, એક દિવસમાં 5,242 નવા મામલા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 24 કલાકમાં કોવિડ-19ના 5,242 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ ભારતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા વધીને 96,169 થઈ ગઈ છે.

અધિકારીઓના મતે ભારતમાં એક જ દિવસમાં કોવિડ-19ના નવા મામલા સામે આવવાનો આ સૌથી મોટો આંકડો છે.

મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં આ બીમારીથી 157 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ કોવિડ-19થી લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 3029 થઈ ગઈ છે.

એવું પણ જણાવાઈ રહ્યું છે કે ભારતમાં અત્યાર સુધી જેટલા પણ લોકોને વાઇરસનો ચેપ લાગ્યો, તેમાંથી 36,823 લોકો સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે.

અમેરિકામાં સંક્રમણના કેસની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે - ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણના કેસમાં હવે ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે અમુક જગ્યાઓ પર હજી પણ મુશ્કેલીઓ છે.

જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ, અમેરિકામાં સંક્રમણના કુલ 1,486,376 કેસ અને અત્યાર સુધી 89,549 લોકોનું મૃત્યુ થયું છે.

ત્યારે અમેરિકાના ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમી પાવલે કહ્યું છે કે કોવિડ-19 મહામારીને કારણે અમેરિકાના અર્થતંત્રના આકારમાં 20-30 ટકાનો ઘટાડો થઈ શકે છે.

તેમણે સીબીએસ ન્યૂઝ ચેનલને આપેલા સાક્ષાત્કારમાં કહ્યું કે 2021ના અંત સુધી અમેરિકાના અર્થતંત્રમાં પડતી જોવા મળી શકે છે અને બની શકે કે જ્યાં સુધી વૅક્સિન નહીં શોધી લેવામાં આવે ત્યાં સુધી અર્થતંત્રની હાલત સુધરશે નહીં.

જોકે તેમણે વિશ્વાસ બતાવ્યો કે આવનારા સમયમાં અમેરિકાનું અર્થતંત્ર ફરી ધબકતું થશે.

આ પહેલા પાવલે અમેરિકાના સાંસદોને આર્થિક સહાય અને રાહતની જાહેરાત કરવાની વિનંતી કરી હતી.

અમેરિકામાં માર્ચના મધ્ય સુધી ત્રણ કરોડ 60 લાખથી વધારે લોકો બેરોજગારી ભત્તા માટે અરજી કરી ચૂક્યા છે.

કોરોના લૉકડાઉન 4.0 : ગુજરાતમાં મંગળવારથી અમલી બનશે

ગુજરાતમાં મંગળવારથી ચોથા તબક્કાનું લૉકડાઉન શરૂ થશે, આ માટેની ગાઇડલાઇન્સ તથા કાર્યપદ્ધતિ સોમવારે જાહેર કરાશે.

ફેસબુક લાઇવ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અંગેની માહિતી આપી હતી.

ગુજરાતમાં કન્ટેઇન્મૅન્ટ ઝોન તથા નૉન-કન્ટેઇન્મૅન્ટ ઝોન એમ બે પરિમાણને આધારે લૉકડાઉનમાં છૂટછાટનો નિર્ણય લેવાશે.

રવિવારે રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે મળી હતી, જેમાં કયા વિસ્તારમાં કેટલી છૂટ આપવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પહેલાં શુક્રવારે મુખ્ય પ્રધાને આઠ મહાનગરોના વેપારી તથા ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક કરીને તેમના વિચાર-સૂચન જાણ્યા હતા. રિટેલ ઍસોસિયેશને રાજ્ય સરકારને મૉલ ખોલવા ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ તથા મૃતકોની સંખ્યાની બાબાતમાં ગુજરાત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે.

કેવું હશે લૉકડાઉન 4.0?

  • સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકનારને રૂ.200 તથા માસ્ક નહીં પહેરનારને રૂ. 200નો દંડ
  • રાજ્યમાં સાંજે સાત વાગ્યાથી સાત વાગ્યા સુધી કર્ફ્યુનો ચુસ્ત અમલ કરાશે
  • પેસેન્જરની સંખ્યા તથા સમય ઉપર નિષેધ સ્કૂટર ચાલકો તથા રીક્ષાચાલકોને છૂટ
  • કન્ટેઇન્મૅન્ટ ઝોનને બાકાત કરતાં સિટી બસ તથ એસ.ટી. બસમાં સશરત છૂટ અપાશે
  • જિલ્લા કલેક્ટર તથા ડી.ડી.ઓ.ની ભલામણને આધારે કન્ટેઇન્મૅન્ટ તથા નૉન-કન્ટેઇન્મૅન્ટ ઝોનનું વિભાજન
  • કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં અગાઉ અપાયેલી છૂટછાટો આગળ પણ યથાવત્
  • રેસ્ટોરાંને ભોજનની હોમ ડિલિવરીની પરવાનગી
  • દુકાન-ઓફિસ ઉદ્યોગો અંગેની નિયમાવલી સોમવારે જાહેર કરાશે

2500થી વધુ બંદી મુક્ત

કોરોના વાઇરસે કેર વર્તાવવાનો શરૂ કર્યો, ત્યારથી અત્યારસુધીમાં રાજ્યની 28 જેલમાં બંધ 14 હજારમાંથી 2500 જેટલા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે.

કે. એલ.એન. રાવ (એડિશનલ ડાયરેક્ટર જનરલ, પ્રિઝન્સ)ને ટાંકતા ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા) જણાવે છે કે આ કેદીઓને વચગાળાના જામીન, પેરલો કે ફર્લો (જેટલો સમય કેદી જેલની બહાર રહે, તે સમયને પણ કેદના સમયમાંથી બાકાત કરવામાં આવે છે.) ઉપર છોડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં દેશની સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા હતા કે સાત વર્ષથી ઓછી જેલની સજા ભોગવનારાઓ બંદીઓ તથા કાચા કામના કેદીઓને વચગાળાના જામીન કે પેરોલ ઉપર છોડવા નિર્દેશ આપ્યા હતા, જેથી કરીને જેલોમાં ગીચતા ઓછી થાય.

આ માટે સુપ્રીમ કોર્ટે હાઈપાવર કમિટી રચવાના પણ આદેશ આપ્યા હતા.

રાજકોટમાં 20ની ધરપકડ

રવિવારે રાજકોટથી બિહાર ઉપડનારી ટ્રેન રદ થઈ ગઈ હતી, જેના કારણે શહેરની ઔદ્યોગિક વસાહત શાપર-વેરાવળ ખાતે કેટલાક શ્રમિકોએ હિંસાચાર આચર્યો હતો અને પોલીસ તથા ગુજરાતી ચેનલ એ.બી.પી. અસ્મિતાના પત્રકાર ઉપર હુમલો કર્યો હતો.

આ સિવાય તેમણે હાઈવે ઉપર ચક્કાજામ કર્યો હતો અને કેટલાક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.

સ્થાનિક પત્રકાર બિપીન ટંકારિયા જણાવે છે કે પત્રકાર ઉપર હુમલાની ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી હતી અને 20થી વધુ શખ્સોની ધરપકડ કરી છે.

આ કેસમાં પોલીસે જાતે ફરિયાદી બનીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો