કોરોના વાઇરસની માહિતી આપવામાં મોદી સરકાર કેમ અચકાય છે?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા વધીને એક લાખ અઢાર હજારને પાર કરી ગઈ છે.

આ સમાચાર લખાઈ રહ્યા છે, ત્યાં સુધીમાં મૃતકોની સંખ્યા 3583 થઈ ગઈ છે. સાથે જ સરકાર અનુસાર, કોરોના વાઇરસના 48,534 દર્દીઓ સાજા થઈ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 6,088 આંકનો વધારો થયો અને 148 લોકોનાં મૃત્યુ થયાં છે.

પરંતુ જો એક પત્રકાર જાણવા ઇચ્છે કે આ 132 લોકોમાં કેટલા લોકો ડાયાબિટીસથી પીડિત હતા તો કદાચ તેનો જવાબ મેળવવો મુશ્કેલ હશે, કેમ કે કોરોના વાઇરસ અંગે માહિતી આપતી પ્રતિદિનની પત્રકારપરિષદ સરકારે બંધ કરી દીધી છે.

આ એ સમયે છે કે જ્યારે લગભગ બે મહિના પછી લૉકડાઉન ખૂલવાનું શરૂ થયું છે. ઓછી સંખ્યામાં પણ લોકોએ ઑફિસ જવાનું શરૂ કર્યું છે.

આથી લોકોનાં મનમાં ઘણા સવાલ ઊઠી રહ્યા છે કે સરકાર કેવી રીતે ટેસ્ટિંગ કરે છે, કેટલા લોકો સાજા થયા છે, સાજા થવું એટલું શું, કેટલા દર્દીઓ વૅન્ટિલેટર પર છે, મૃતકોની સંખ્યાને લઈને અલગઅલગ સમાચાર કેમ આવે છે અને સંક્રમણ વધ્યું છે કે ઘટ્યું છે.

આવા સવાલોની યાદી લાંબી છે, પરંતુ એક સવાલ એ પણ છે કે સરકાર સવાલના જવાબ આપવાથી કેમ ખચકાતી જોવા મળી છે.

સરકારે સાંભળ્યું ઓછું, બોલ્યું વધુ?

વિશ્વભરમાં કોરોના વાઇરસ સાથે જોડાયેલી માહિતી માટે વિભિન્ન દેશોના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ પત્રકારોનો સામનો કરી રહ્યા છે.

પરંતુ ભારતમાં ગત બે મહિનાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે એક પણ પત્રકારપરિષદ ભરી નથી.

સામાન્ય રીતે વ્યવસાયે ડૉક્ટર રહી ચૂકેલા સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પ્રેસ-વાર્તામાં સામેલ થાય છે.

જોકે કોરાના વાઇરસ મામલે તેઓ પણ સ્વાસ્થ્ય મંત્રાલયની રોજિંદી બ્રીફિંગમાં સામેલ થયા નથી.

આ બધાં સાર્વજનિક પદો પર બેઠેલા લોકોની ગેરહાજરીમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ 50થી વધુ વાર પત્રકારપરિષદમાં સામેલ થઈ ચૂક્યા છે.

કેટલાક દિવસો પહેલાં 11 મેના રોજ આ સિલસિલો પણ રોકાઈ ગયો અને પત્રકારપરિષદ બંધ થઈ ગઈ.

ગત બુધવારે લવ અગ્રવાલ છેલ્લી વાર કોરોના વાઇરસ મામલે સામે આવ્યા, પરંતુ આ પત્રકારપરિષદમાં કોરોના વાઇરસના મુદ્દાને 15 મિનિટથી વધુ સમય ન મળ્યો.

આવામાં એ સવાલ ઊઠે છે કે શું આ એ સમય હતો જ્યારે પત્રકારો પોતાના સવાલના જવાબ શોધવા માટે લવ અગ્રવાલ અને પુણ્ય સલિલા શ્રીવાસ્તવએ માનસિક કસરત કરવી જોઈતી હતી.

કેટલાક પત્રકારોએ તો ત્યાં સુધી કહ્યું કે જો સ્વાસ્થ્ય મંત્રાલયને સવાલોના જવાબ નથી આપવા તો લૉકડાઉનમાં પત્રકારોને પત્રકારપરિષદમાં આવવાનું આમંત્રણ કેમ આપવામાં આવે છે.

વિવાદોનો જન્મ

લવ અગ્રવાલના નેતૃત્વમા થનારી આ પત્રકારપરિષદમાં કથિત રીતે કેટલાક પત્રકારોને સામેલ થવાથી રોકી દીધા ત્યારે વિવાદ થયો હતો.

સોશિયલ મીડિયામાં કેટલાક પત્રકારોએ તેને લઈને વિરોધ પણ કર્યો હતો. બાદમાં પત્રકારોએ સવાલોના જવાબ નહીં મળતા હોવાની વાત સોશિયલ મીડિયામાં મૂકી હતી.

ઘણા પત્રકારોએ લખ્યું કે પત્રકારપરિષદમાં સવાલ પૂછવાનો મોકો નથી મળતો.

આ દરમિયાન આઈસીએમઆર તરફથી આંકડા જાહેર કરવાનું બંધ થઈ ગયું.

ત્યાર પછી એક એવો સમય પણ આવ્યો કે સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ-કૉન્ફરન્સમાં આઈસીએમઆરના વૈજ્ઞાનિકો દેખાતા બંધ થઈ ગયા. 24 એપ્રિલે પહેલી વાર આઈસીએમઆરના અધિકારીઓ પત્રકારપરિષદમાં સામેલ થયા નહોતા.

એક તરફ અફવાનું બજાર ગરમ છે અને એવા સમયે આઈસીએમઆરના સંક્રમણ રોગના વિશેષજ્ઞ અધિકારીઓ પત્રકારપરિષદમાં સામેલ ન થતાં વિરોધ થયો છે.

સોશિયલ મીડિયામાં જાહેર સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દા પર કામ કરતા વિશેષજ્ઞોએ આ વાતે વિરોધ નોંધાવ્યો છે.

કોરોના વાઇરસને કારણે સરકાર પરેશાન?

અંગ્રેજી અખબાર લાઇવ મિન્ટના 23 એપ્રિલ, 2020ના પ્રકાશિત એક સમાચાર અનુસાર, આઈસીએમઆરના મહાનિદેશક બલરામ ભાર્ગવે કોરોના વાઇરસના સંક્રમણની ગતિમાં સ્થિરતા આવવાની વાત કરી હતી.

જોકે 23 એપ્રિલ પછી એક મહિના બાદ પણ કેસ સતત આવી રહ્યા છે. એટલું જ નહીં સંક્રમણ સતત વધી રહ્યું છે.

પ્રતિદિનની રીતે જોઈએ તો 15 મે પછી કોરોના વાઇરસથી સંક્રમિત થતા લોકોની સંખ્યા પ્રતિદિન નવા 3 હજારથી વધીને હવે સરેરાશ છ હજારની આસપાસ પહોંચી ગઈ છે.

જોકે એવું પણ કહેવાય છે કે ટેસ્ટિંગ વધારવાને લીધે સંખ્યા વધી છે.

આખરે શું જરૂર છે પત્રકારપરિષદની?

ગત બુધવારે આઈસીએમઆરના અધિકારી અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી લાંબા સમય પછી પત્રકારપરિષદમાં સામેલ થયા.

જોકે આ પત્રકારપરિષદમાં પણ આઈસીએમઆર તરફથી આવેલા સંક્રામક રોગના વિશેષજ્ઞ ડૉ. રમણ ગંગાખેડકરને વધુ સમય ન મળ્યો.

લગભગ ત્રણ દાયકાથી ભારતમાં વિજ્ઞાન અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રિપોર્ટિંગ કરતા પલ્લવ બાગલા આને યોગ્ય માનતા નથી.

તેઓ કહે છે, "સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકારપરિષદમાં સંક્રામક રોગના વિશેષજ્ઞ ડૉ. ગંગાખેડકર ઉપસ્થિત રહેતા હતા એ યોગ્ય હતું. પણ એ પણ પછી બંધ થઈ ગયા."

"બુધવારે (20 મે) જ્યારે તેઓ પત્રકારપરિષદમાં સામેલ થયા, તો માંડ 24-25 શબ્દો બોલ્યા હશે. મારો અનુભવ કહે છે કે જો કોરોનાને કાબૂમાં કરવો હશે તો લોકોને માહિતી આપવી પડશે."

"જો લોકોમાં ડરનો માહોલ ઓછો કરવાના ઉદ્દેશ્યથી રોજ પત્રકારપરિષદ ન કરવાનો નિર્ણય લીધો હોય તો એક વાર તેનો સ્વીકાર કરી શકાય."

"પણ જો તેઓ એટલા માટે પત્રકારપરિષદ ન કરતા હોય કે ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે, તો આ બાબત યોગ્ય નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો