You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન 4.0 : રાજ્ય સરકારો લૉકડાઉનની માર્ગદર્શિકામાં ઢીલ નહીં આપી શકે - કેન્દ્ર
કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે કોઈપણ રાજ્યને લૉકડાઉનના દિશા-નિર્દેશમાં છૂટ ન આપવા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને તાકિદ કરી છે.
આ પહેલાં રવિવારે નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી દ્વારા તા. 31મી મે સુધી લૉકડાઉનને લંબાવવાની જાહેરાત કરવામાં આવી.
સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી 'રાત્રિ કર્ફ્યુ' લાગુ રહેશે, આ માટે સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને CrPCની કલમ 144 હેઠળ આદેશ બહાર પાડવા નિર્દેશ અપાયા છે.
14 દિવસીય ત્રીજા તબક્કાના લૉકડાઉનનો રવિવારે અંતિમ દિવસ હતો.
ગુજરાત સરકારે કેન્દ્રીય માર્ગદર્શિકાના આધારે તબક્કાવાર છૂટછાટો આપવાનું વલણ અપનાવ્યું છે. કેસ તથા મરણાંકની દૃષ્ટિએ રાજ્ય દેશમાં બીજા ક્રમે છે.
પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર જણાવ્યું હતું કે 'તા. 18મી મે પહેલાં ચોથા તબક્કાના લૉકડાઉન વિશેની માર્ગદર્શિકા બહાર પાડી દેવામાં આવશે. ચોથો તબક્કો અલગ જ કલેવરમાં હશે'.
જોકે, ચોથા તબક્કાની ગાઇડલાઇન્સ મહદંશે અગાઉ જેવી જ છે અને તેનું કોઈ 'નવું સ્વરૂપ' બહાર નથી આવ્યું.
વધુ કડકાઈ ચાલશે, ઢીલ નહીં
સોમવારે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવોને પાઠવેલા સંદેશમાં કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ કહ્યું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તા. 11મી મેના મુખ્ય પ્રધાનો તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંવાદ થયો હતો, જેમાં વિચાર અને સહમતી બાદ જ ચોથા તબક્કાના લૉકડાઉન માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી."
ભલ્લાએ લખ્યું, "મેં અગાઉના પત્રોમાં પણ સ્પષ્ટપણે જણાવ્યું છે અને ફરી એક વખત જણાવવા માગીશ કે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં દિશા-નિર્દેશોમાં ફેરફાર નહીં કરી શકાય કે ઢીલ નહીં આપી શકે."
"રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો ઇચ્છે તો વધુ કેટલીક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે."
ભલ્લાએ પોતાના પત્રોમાં દિશાનિર્દેશોના કડકાઈપૂર્વક અમલ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવા માટેના નિર્દેશ આપવા આગ્રહ કર્યો છે.
કેન્દ્ર સરકારે સ્થિતિને આધારે જિલ્લા વહીવટીતંત્રને રેડ કે ઑરૅન્જ ઝોનમાં 'બફર' કે 'પ્રતિબંધિત વિસ્તાર' નક્કી કરી શકશે. આ સિવાય દિશા-નિર્દેશને આધીન રાજ્ય સરકારોને પોત-પોતાનાને ત્યાં રેડ, ઑરૅન્જ કે ગ્રીન ઝોન નક્કી કરવાના અધિકાર આપવામાં આવ્યા છે.
પ્રતિબંધિત વિસ્તારમાં લોકોની અવરજવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે, ત્યાં અન્ય ઝોનમાંથી નાગરિકો અવરજવર નહીં કરી શકે. માત્ર તબીબી સ્ટાફ કે આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકો જ અવરજવર કરી શકશે.
નિષેધાત્મક વિસ્તારોમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો પુરો પાડવા માટે જણાવવામાં આવ્યું છે.
નવા દિશા-નિર્દેશએ જૂના નિર્દેશોનું સ્થાન લેશે. નાગરિકોની અવરજવર સંબંધિત સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા.
નવી ગાઇડલાઇન્સ
- હવાઈ, રેલ તથા માર્ગથી મુસાફરની અવરજવર બંધ
- ઍર ઍમ્બુલન્સ તથા સુરક્ષાની બાબતોમાં હવાઈ અવરજવરને છૂટ
- મેટ્રો સેવા બંધ રહેશે
- શૈક્ષણિક તથા તાલીમસંસ્થાઓ, ટ્યુશન બંધ રહેશે, ઑનલાઇન શિક્ષણને મુક્તિ
- સિનેમા હૉલ તથા શોપિંગ મૉલ બંધ રહેશે
- અપવાદોને બાદ કરતાં જનતા માટે હૉટલો બંધ રહેશે
- બસસ્ટેશન, રેલવેસ્ટેશન તથા ઍરપૉર્ટમાં કૅન્ટીન ખુલ્લી રહેશે
- સામાજિક ધાર્મિક તથા રાજકીય મેળાવડા પર નિષેધ
- જિમ્નેશિયમ, સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ ખોલી શકાશે, પણ દર્શકો પર બૅન
- જાહેર ધાર્મિકસ્થળોએ પૂજાપાઠ, કાર્યક્રમો કે બંદગી પ્રતિબંધિત
- મુસાફરોની અવરજજવર માટે આંતરરાજ્ય બસને છૂટછાટ
- સામાનની હેરફેર કરતા ટ્રકની અવરજવરને છૂટ યથાવત્
- આરોગ્યક્ષેત્રના સ્ટાફની અવરજવર પરની મુક્તિ ચાલુ
- કર્મચારીઓએ 'આરોગ્ય સેતુ' ઍપ ડાઉનલોડ કરાવવી
લૉકડાઉન અત્યાર સુધી....
તા. 19મી માર્ચના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં તા 22મી માર્ચે 'જનતા કર્ફ્યુ'નું પાલન કરવા આહ્વાન કર્યું
તા. 24મી માર્ચે રાષ્ટ્રજોગ સંબોધન કરીને મધ્યરાત્રિથી 21-દિવસીય દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી અને 'જે જ્યાં છે, ત્યાં રહે'નું આહ્વાન કર્યું.
પ્રથમ તબક્કાનું લૉકડાઉન સમાપ્ત થાય તે પહેલાં તા. 14મી એપ્રિલે બીજા તબક્કામાં 19 દિવસ માટે (ત્રીજી મે સુધી) રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ ત્રીજા તબક્કાનું લૉકડાઉન લાગુ થયું હતું, જોકે પહેલી મેથી સર્વપ્રથમ શ્રમિક એક્સપ્રેસ તથા બાદમાં સ્પેશિયલ ટ્રેન દોડાવવાની શરૂ કરવામાં આવી હતી.
ત્રીજા તબક્કાની છૂટછાટોમાં પરપ્રાંતીય શ્રમિકોની અવરજવરને છૂટ આપવામાં આવી હતી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો