કોરોના લૉકડાઉન : પ્રવાસી મજૂરોનું ખાદ્યસામગ્રીનું સંકટ રોટી-રમખાણ નોતરશે?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બી.બી.સી. સંવાદદાતા

17મેની રાત્રે રાજકોટમાં શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 18મી એ અમદાવાદમાં શ્રમિકોનો હોબાળો અને 100 લોકોની અટકાયત, બિહારના કટિહાર રેલવે સ્ટેશન પર પ્રવાસી કામદારો વચ્ચે ભોજનના પૅકેટ્સ માટે ખેંચાખેંચી, પંજાબના લુધિયાણામાં પ્રવાસી કામદારોનું વિરોધપ્રદર્શન અને મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રની સીમા પર ભોજનસામગ્રીની ઓછપને કારણે અશાંતિનું વાતાવરણ.

પ્રવાસી કામદારોનો રોષ ફાટી નીકળ્યાની આ છૂટીછવાઈ ઘટનાઓ નથી. ઝીણવટપૂર્વક નિહાળીએ તો ક્વોરૅન્ટીન સેન્ટર્સમાં રહેતા પ્રવાસી કામદારોમાં ગુસ્સો ધીમે-ધીમે વધી રહ્યો હોય એવું લાગે છે.

ક્યાંક ભોજન ન મળતું હોવાને લીધે એ ગુસ્સો જોવા મળે છે તો ક્યાંક ખરાબ ભોજન મળતું હોવાને કારણે એ સ્થિતિ છે.

ક્યાંક બાકી પગાર નથી મળ્યો, ઘરે જઈ શકાતું નથી અને દયનીહ હાલતમાં રહી શકાતું નથી.

બિહારના અનેક જિલ્લામાંના ક્વોરૅન્ટીન સેન્ટર્સમાં પ્રવાસી કામદારો અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે ઝપાઝપી પણ થઈ ચૂકી છે.

આ સંજોગોમાં સવાલ થાય છે કે આ છૂટીછવાઈ ઘટનાઓ શું સંકેત આપી રહી છે?

નિષ્ણાતોએ આપી ચેતવણી

સ્ટેન્ડિંગ કમિટી ઑફ ઇકૉનૉમિક સ્ટેટેસ્ટિક્સના વડા પ્રણબ સેને થોડા સપ્તાહ પહેલાં જ ચેતવણી આપી હતી.

તેમણે કહ્યું હતું, "પ્રવાસી કામદારો ખાવાપીવાની જરૂરિયાત નહીં સંતોષી શકાય તો દેશમાં અગાઉના જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે."

એમણે કહ્યું "આપણે ત્યાં દુષ્કાળ દરમિયાન ખાદ્યસામગ્રી બાબતે હુલ્લડ થયાં છે. ખાદ્યસામગ્રી ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે તો એવું ફરી થઈ શકે છે. એ બાબતે સ્પષ્ટતા થવી જોઈએ."

સેને ઉમેર્યું હતું કે "ખાદ્યસામગ્રી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થામાં ખામી હોય છે. જેમની પાસે કમાણીનું કોઈ સાધન નથી તેવા લોકોની જરૂરિયાત સંતોષવામાં નહીં આવે તો ખાદ્યસામગ્રી બાબતે હુલ્લડ થઈ શકે છે."

પ્રણવ સેને આ ચેતવણી લગભગ 45 દિવસ પહેલાં આપી હતી. એ સમયે પ્રવાસી કામદારોની વતનવાપસીનો પ્રારંભ થયો હતો.

એ પછી અત્યાર સુધીમાં લાખો કામદારો શહેરોમાંના પોતાના કામધંધા છોડીને વતન જવા નીકળી પડ્યા છે.

નોટબંધીની કળ હજુ વળી નથી

આ પ્રવાસી કામદારોની આર્થિક ક્ષમતાનું આકલન એ હકીકત પરથી કરી શકાય કે એમના પૈકીના મોટા ભાગના લોકોએ છેલ્લો પગાર કે મહેનતાણું માર્ચના શરૂઆતના સપ્તાહમાં મેળવ્યું હતું.

એ પૈકીના મોટા ભાગનાની માસિક આવક 7થી 20,000 રૂપિયા વચ્ચેની હોય છે. તેમાંથી ઝૂંપડી કે ઓરડીનું ભાડું અને ભોજનખર્ચની વ્યવસ્થા થતી રહે છે.

આ લોકો વર્ષમાં બે વખત એટલે કે હોળી અને દિવાળી વખતે પોતાના વતન જતા હોય છે. મોટાં શહેરોમાં કામ કરીને પાછલા છ મહિનામાં તેમણે જે નાણાં એકત્ર હોય છે તે નાણાં તેઓ ગામમાં રહેતા પરિવારજનોને આપીને ફરી શહેરમાં આવતા હોય છે.

આ કામદારો પાસે શહેરોમાં કહેવા પૂરતી બચત થતી હોય છે. તેઓ જે બચત દાયકાઓથી કરતા હતા એ બધી 2016માં નોટબંધી દરમિયાન સાફ થઈ ગઈ હતી.

સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)ના સર્વેક્ષણ અનુસાર, દેશમાં 50 ટકા લોકોએ તેમની આવકની સામે તેમના પારિવારિક તથા ઘરેલુ ખર્ચનું સંતુલન સાધવામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

તેથી નોટબંધી પછી આ આ વર્ગ કોઈ પણ રીતે નોટબંધી પહેલાંની આર્થિક સ્થિતિમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

જોકે, લૉકડાઉન પછી આ વર્ગની કમાણી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ ને દેશની વસતીનો એક મોટો હિસ્સો અચાનક ગરીબીરેખાની નીચે પહોંચી ગયો.

વતન તરફ પલાયનની આ માનવીય શોકાંતિકાના પ્રારંભિક દોરમાં એટલે કે માર્ચમાં જે લોકો પોતાના ગામ ભણી રવાના થયા હતા, તેમની પાસે થોડા ઘણા રૂપિયા હતા.

લૉકડાઉનના મહિના પછી જે લોકો પોતાના ગામ જવા માટે નીકળી રહ્યા છે તેમની પાસે એટલા પૈસા નથી કે તે આગામી દિવસોમાં પેટ ભરી શકે.

પોતે કઈ રીતે મજબૂરીમાં વતન જવા માટે નીકળ્યા છે એ કથની અનેક કામદારોએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવી હતી.

અહીં એ સમજવું જરૂરી છે કે શહેરમાં રહેતા આ પૈકીના મોટા ભાગના કામદારોનો પરિવાર તેમના વતનમાં જ છે.

ઘણા લોકો પાસે પોતાનું ઘર અને જમીન નથી. કેટલાક લોકો પાસે ગામમાં રૅશનકાર્ડ અને રોજગાર મેળવવાની પણ કોઈ વ્યવસ્થા નથી.

એક રીતે આ લોકો વણનોતર્યા મહેમાનોની માફક પોતાનાં સગાંસંબંધીઓ પાસે જઈ રહ્યા છે. તેથી આગામી દિવસોમાં આ લોકોનું શું થશે એ સમજવું જરૂરી છે.

સ્થળાંતરનું સામાજિક પાસું

80ના દાયકામાં પહાડોમાંથી ઊતરીને દિલ્હી આવેલા એક ઑટોરિક્ષાચાલક રામજીએ બી.બી.સી. સાથેની વાતચીતમાં પોતાની મનોવ્યથા જણાવી હતી.

તેમણે કહ્યું હતું, "શરૂઆતમાં અમારી પાસે થોડા પૈસા હતા, પણ પાછલા બે મહિનાથી કોઈ કામકાજ ન હોવાને કારણે હવે માત્ર 3,000 રૂપિયા બચ્યા છે."

"મકાનમાલિક ભાડું માગી રહ્યો છે. તેથી હવે બે વિકલ્પ બચ્યા છે- ઉધાર લઈને ભાડું ચૂકવો અથવા ગામ ચાલ્યા જાઓ."

રામજીની વય 55 વર્ષને પાર કરી ગઈ છે, પણ લૉકડાઉન પહેલાં તેઓ રોજ 10 કલાકથી વધુ સમય સુધી રિક્ષા ચલાવતા હતા, જેથી તેમનાં બાળકોને સારું ભોજન તથા શિક્ષણ મળી શકે.

રામજી પોતાને કંઈક અંશે સફળ પણ માને છે. હવે તેમની એકમાત્ર ઇચ્છા છે કે તેમની એક દીકરી તથા દીકરો સારી રીતે ભણી લે તો તેઓ એક સફળ વ્યક્તિ તરીકે ગામમાં પાછી ફરી શકે.

આ બધું જણાવ્યા પછી રામજીએ બી.બી.સી. સંવાદદાતાને વિનંતી કરી હતી કે સ્ટોરી લખતી વખતે તેમનું નામ બદલી નાખવામાં આવે. અહીં રામજીનું મૂળ નામ બદલાવી નાખવામાં આવ્યું છે.

વર્ષોની મહેનતથી શહેરમાં પહોંચીને સફળ થયેલી વ્યક્તિ તરીકેની તેમની છબી ન ખરડાય એટલા માટે તેમણે કદાચ વિનંતી કરી હશે.

રામજી એ વર્ગના સભ્ય છે, જેને શહેરના અર્થશાસ્ત્રમાં અપર લોઅર ક્લાસ અને ગ્રામ્ય અર્થશાસ્ત્રમાં અપર મિડલ ક્લાસ ગણવામાં આવે છે.

આ વર્ગના લોકો શહેરોના માળખામાં ઈંટો વચ્ચે છુપાયેલી સિમેન્ટની માફક કામ કરતા હોય છે.

તેમાં દરજી, ધોબી, ડિલિવરીમૅન, ઇલેક્ટ્રિશિયન, પિત્ઝા તથા તંદુરી ચિકન મેકર, ચોકીદાર, ફળ-શાકભાજી વેચનારા, ફ્રૂટ-ચાટ, પાણીપૂરી વેચનારા અને બજાર ચલાવતા લોકોનો સમાવેશ થાય છે.

કેવી પરિસ્થિતિમાં રહે છે આ લોકો?

બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ આવા કેટલાક લોકો સાથે તાજેતરમાં જ વાત કરી હતી.

સલમાન રાવીએ કહ્યું હતું, "આ લોકોની હાલત એવી છે કે જ્યાંથી જે મળે છે એ લઈને આગળ વધી રહ્યા છે.""ક્યાંક દયા મળે તો તેને સ્વીકારે છે અને ક્યાંક ક્રૂરતા મળે તો તેને પણ સ્વીકારે છે."

સલમાન રાવીને આપવીતી જણાવતાં આવા જ એક પ્રવાસી કામદાર ધ્રૂસકે-ધ્રૂસકે રહી પડ્યા હતા.

એ કામદારે સલમાન રાવીને કહ્યું હતું, "અમે નીકળી જઈશું. મરી જઈશું. ગમે તે થાય. અમે નીકળી જઈશું બાળકોને લઈને. શું-શું કહેવું? અહીંથી ભગાડ્યા પછી ત્યાંથી પણ ભગાડ્યા. અમે અંબાલાથી આવી રહ્યા છીએ. છ દિવસથી ચાલી રહ્યા છીએ. આ તૂટેલી સાઇકલ કોઈની પાસેથી લીધી હતી."

આ પ્રવાસી કામદારને રડતા નિહાળીને આજુબાજુ ઊભેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

એ પ્રવાસી કામદાર જેવા બીજા હજારો કામદારોની સામે અત્યારે સૌથી મોટું સંકટ કોરોના નથી, પણ ભૂખ છે.

ખાદ્યસામગ્રીનું સંકટ શા માટે સર્જાઈ શકે?

દિલ્હીમાં વર્ષો સુધી પત્રકારત્વ કર્યા બાદ બિહારના પૂર્ણિયા જિલ્લામાં ખેતી કરતા ગિરિન્દ્રનાથ ઝા માને છે કે શહેરોમાંથી પાછા આવેલા આ લોકો માટે કમાવા-ખાવાનું સંકટ ચાલુ જ છે.

ગિરિન્દ્રનાથ ઝાએ કહ્યું હતું, "શહેરોમાં કામ કરતા હતા અને સંકટના દિવસોમાં પોતાના ગામ આવેલા અનેક લોકોને હું મળી ચૂક્યો છું."

"એ લોકો ઈંટ-માટી-ગારો ઉપાડતા મજૂરો નથી. તેઓ સ્કિલ્ડ લેબરની શ્રેણીમાં આવે છે. આ એ લોકો છે, જેઓ એક રીતે શહેરને ચલાવતા હોય છે."

"હવે સવાલ એ છે કે આ લોકો માટે ગામમાં રોજગારનું સર્જન કઈ રીતે કરી શકાય?"

ગિરિન્દ્રનાથ ઝાની માફક પ્રવાસી કામદારો સાથે પાછલા ત્રણ મહિનાથી ચાલી રહેલા એન.ડી.ટી.વી.ના પત્રકાર રવીશ રંજન શુક્લે પણ પોતાના અનુભવની વાત બીબીસીને કરી હતી.

રવીશે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પોતપોતાના ગામ પહોંચી ચૂકેલા અનેક લોકો સાથે ઈટાવા જિલ્લામાં તેમની વાતચીત થઈ હતી.

રવીશે કહ્યું હતું કે "ઘણા લોકો એવા છે કે જેઓ પાછલાં 20-25 વર્ષથી શહેરોમાં પાણીપૂરી વેચી રહ્યા હતા. એ લોકોનાં બાળકોનો જન્મ પણ શહેરોમાં જ થયો હતો અને તેમની બીજી પેઢી પણ નોકરી શોધી રહી છે."

"આ લોકો ગામમાં રહેતા તેમનાં સગાંસંબંધીઓના ભરોસે, શહેર છોડીને આવ્યા છે. સવાલ એ છે કે સગાંસંબંધીઓ કેટલા દિવસો સુધી આ લોકોના ભરણપોષણની જવાબદારી ઉઠાવી શકશે?"

"સરકાર ઝડપથી મજબૂત પગલાં નહીં લે તો આ પરિસ્થિતિ વકરીને ભયાનક થઈ શકે છે."

શું કરી રહી છે સરકાર?

સરકારે અનેક પગલાં લીધાં છે, પણ રસ્તા પર ચાલતા આ પ્રવાસી કામદારોને તત્કાળ મદદ મળે એવાં પગલાંનો તેમાં સમાવેશ થતો નથી.

20 લાખ કરોડના આર્થિક પૅકેજની જાહેરાત બાદ અર્થશાસ્ત્રી અરુણ કુમાર એ બાબતે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

રવિશે કહ્યું હતું કે "આ પ્રવાસી કામદારોના જીવ કઈ રીતે બચાવી શકાય એ અત્યારે સરકારની પ્રાથમિક્તા હોવી જોઈએ. અત્યારે આ વર્ગ પાસે કમાણીનું સાધન નથી. સરકારે આ વર્ગનું રક્ષણ કરવું જોઈએ. તેમને જીવનજરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવી જોઈએ, કારણ કે એવું નહીં થાય તો એ ચીજોની કમીને કારણે સમાજમાં અશાંતિ સર્જાઈ શકે છે."

પ્રવાસી કામદારો માટેની વ્યવસ્થા કરી રહેલી એક વ્યક્તિએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે સરકાર ભલે ગમે તે કહે, પણ આ લોકો સુધી બહુ ઓછી મદદ પહોંચી રહી છે.

એ વ્યક્તિએ કહ્યું હતું કે "શહેરોમાંથી આવેલા કેટલાક લોકોએ મનરેગા હેઠળ કામ કરી લીધું, પણ તેમને હજુ સુધી મહેનતાણું મળ્યું નથી અને ક્યારે મળશે એ ખબર નથી, કારણ કે તેમનાં જોબ-કાર્ડ બનાવવામાં અનેક પ્રકારની મુશ્કેલી નડી રહી છે."

રવીશ રંજન શુક્લે પણ આ સમસ્યા તરફ ઇશારો કર્યો હતો.

રવીશે કહ્યું હતું કે "એક ગામના સરપંચ સાથે મારે વાત થઈ હતી. સરપંચ એ વાતે પરેશાન હતા કે શહેરમાંથી આવેલા આટલા બધા લોકો માટે જોબ-કાર્ડ કઈ રીતે બનાવવાં, કારણ કે એમના પૈકીના મોટા ભાગના લોકોના જરૂરી દસ્તાવેજો શહેરના છે."

ડિરેક્ટ ટ્રાન્સફર હેઠળ લોકોના બૅન્ક-ખાતાંમાં નાણાં જમા કરાવાયાની વાત સરકાર તરફથી કરવામાં આવી છે, પણ હાઈવે પર ચાલી રહેલા લાખો પ્રવાસી કામદારોને એ પૈસા કઈ રીતે મદદરૂપ થઈ શકે?

એ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, રૅશન આપવાની વ્યવસ્થા અને ગરીબો માટે લૉન વગેરે સાથે જોડાયેલી યોજનાઓ અમલી બનવામાં અનેક સપ્તાહોનો સમય લાગી શકે છે.

આ સંજોગોમાં સવાલ થાય છે કે આ પ્રવાસી કામદારોની મદદ માટે સરકાર તત્કાળ પગલાં કેમ લેતી નથી?

કેટલાક નિષ્ણાતો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે કુદરતી આફતના સમયે સરકાર જે ઝડપથી એન.ડી.આર.એફ. (નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ટીમો ઘટનાસ્થળે મોકલે છે એ પ્રકારનાં પગલાં હાલ શા માટે લઈ ન શકાય?

હાલના સમયમાં પ્રવાસી કામદારોની જિંદગી બચાવવા માટે એન.ડી.આર.એફ.ની દેખરેખ હેઠળ હાઈવેની સમાંતરે ઉચ્ચ સ્તરની છાવણીનું નિર્માણ કેમ ન કરી શકાય?

અનેક ટ્રેનો ચલાવીને તેમને તેમના ગામ સુધી કેમ ન પહોંચાડી શકાય?

આ સવાલોની વચ્ચે સરકાર તરફથી નવું ફરમાન આવ્યું છે કે પ્રવાસી કામદારોને સડકો તથા રેલવેના પાટા પર ચાલતા રોકવામાં આવે.

આ પ્રકારના આદેશોને કારણે કામદારો પાછલા ઘણા સમયથી પોલીસની લાઠીનો માર ખાઈ રહ્યા છે અને રેલવેના પાટા પર ચાલવા મજબૂર થયા છે.

હુલ્લડ ભડકી શકે?

ભારત એક એવો દેશ છે, જ્યાં પાછલા અનેક દાયકાઓથી સરપ્લસ અનાજનું ઉત્પાદન થઈ રહ્યું છે.

તેનો અર્થ એ થયો કે લાંબા સમય સુધી પૂરું પાડી શકાય એટલું અનાજ સરકારી ગોદામોમાં ખડકાયેલું છે.

અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં અર્થશાસ્ત્રી ઝ્યાં દ્રેઝે જણાવ્યું હતું કે ખાવાપીવાની સામગ્રીની અછત ક્યારેય નહીં સર્જાય.

ઝ્યાં દ્રેઝના જણાવ્યા મુજબ, "ભારતનાં ગોદામોમાં અત્યારે સાડા સાત કરોડ ટન અનાજ સંઘરાયેલું છે. અનાજનો આટલો જથ્થો અગાઉ ક્યારેય સંઘરાયેલો ન હતો. આ જથ્થો બફર સ્ટૉકના નિયમો કરતાં ત્રણ ગણો વધારે છે."

"આગામી થોડા સપ્તાહોમાં રવીપાકનું ઉત્પાદન આવશે ત્યારે આ સ્ટૉકમાં ઉમેરો થશે. કૃષિબજારોમાં સર્જાયેલી અવ્યવસ્થાને ધ્યાનમાં લઈને સરકાર વધુ પ્રમાણમાં અનાજ ખરીદશે. રાષ્ટ્રીય આફતના વર્તમાન સમયમાં આ ભંડારના એક હિસ્સાનો ઉપયોગ કરવો એ સમજદારીભર્યું પગલું હશે."

સવાલ એ પણ થાય કે પ્રવાસી કામદારો સુધી ખાદ્યસામગ્રી અને બીજો જીવનજરૂરી સામાન પહોંચાડવાનું કેટલું મુશ્કેલ છે?

પ્રણબ સેને આપેલી ચેતવણીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ભોજનસામગ્રીના વિતરણની વ્યવસ્થા ઢીલી પડશે તો સંકટ સર્જાઈ શકે છે.

ભારત સરકાર રૅશનની જે દુકાનો મારફત ગરીબો સુધી રૅશન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે એ આખું તંત્ર ભ્રષ્ટાચાર અને ખામી ભરેલું છે.

10 કિલોની બોરીમાંથી ત્રણ જ કિલો રૅશન નીકળતું હોવા સંબંધી સમાચારો પણ બહાર આવી ગયા છે.

એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે દેશની રાજધાની દિલ્હીમાં રૅશનની 30 ટકા દુકાનો જ રૅશનનું વિતરણ કરી રહી છે.

બિહાર સરકાર આવી અનેક દુકાનો સામે પગલાં લઈ ચૂકી છે.

અહીં સૌથી વધુ ધ્યાન એ હકીકત પર આપવું જરૂરી છે કે સરકારી ગોદામ અનાજથી છલકાઈ રહ્યાં છે.

પરિવારની મુખ્ય વ્યક્તિ રૅશન લેવા માટે હાજર ન હોવાથી રૅશનના દુકાનદારો ઘણી વાર રૅશન આપતા નથી.

આગામી દિવસોની વાત કરતાં રવીશ જણાવે છે કે જે વ્યક્તિએ આજીવન પાણીપૂરી અને ચાટ બનાવી છે એ વ્યક્તિ અચાનક ખાડા ખોદવાનું કઈ રીતે શરૂ કરી શકશે એ સવાલ છે.

એ ઉપરાંત શહેરમાંથી આવેલા આ કામદારોને તેમનાં સગાંસંબંધી કેટલા દિવસ સુધી રાજીખુશીથી ભોજન કરાવતા રહેશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો