કોરોના વાઇરસ : તમારી ઇમ્યુન સિસ્ટમ તમારા શરીર પર હુમલો કરી દે તો?

    • લેેખક, એમ્બર ડાંસ
    • પદ, બીબીસી ફ્યુચર

દુનિયાભરની હૉસ્પિટલો હાલમાં કોવિડ-19ના દર્દીઓથી ભરેલી છે. આ વાઇરસથી દુનિયામાં ત્રણ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

મૃતકોમાં એવા લોકો વધુ છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, પરંતુ એવું નથી કે અન્ય લોકોને ખતરો નથી. કોરોનાથી મૃત્યુ પામેલામાં ઘણા યુવાનો અને સ્વસ્થ લોકો પણ સામેલ છે.

આપણા શરીરમાં જ્યારે કોઈ બૅક્ટેરિયા કે વાઇરસ ઘૂસે છે ત્યારે આપણી રોગપ્રતિકાર શક્તિ તેની સામે લડે છે અને તેને નબળો પાડીને ખતમ કરી દે છે.

પરંતુ, ઘણી વાર આપણાના દુશ્મન કે બીમારી સામે લડનારી કોશિકાઓની આ સેના બળવાખોર થઈ જાય છે અને દુશ્મનને ખતમ કરવાની કોશિશમાં આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.

જે કોશિકાઓએ તેનું રક્ષણ કરવાનું હોય છે, એ જ લડાકુ સેના તેના પર હુમલો કરી દે છે.

જ્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ વધુ પડતી સક્રિય થઈને રોગો સામે લડવાની જગ્યાએ આપણા શરીરને નુકસાન કરે તેને 'સાઇટોકાઇન સ્ટૉર્મ' કહેવાય છે.

તેમાં ઇમ્યુન સેલ ફેફસાં પાસે જમા થઈ જાય છે અને ફેફસાં પર હુમલો કરે છે.

આ પ્રક્રિયામાં લોહીની નસો ફાટી જાય છે. તેમાં લોહી નીકળવા લાગે છે અને લોહીના થર જામી જાય છે.

આથી શરીરનું બ્લડપ્રેશર ઘટી જાય છે. હૃદય, કિડની, ફેફસાં અને કલેજા જેવાં નાજુક અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અથવા કહી શકો કે શિથિલ પડી જાય છે.

આ સ્થિતિને તપાસ અને સારવાર બાદ નિયંત્રિત કરી શકાય છે.

પણ કોવિડ-19ના દર્દીઓમાં તેને કેવી રીતે કાબૂમાં લઈ શકાય તે કહેવું હાલ મુશ્કેલ છે.

કૉમામાં પણ દર્દી જઈ શકે છે

જ્યારે શરીરમાં સાઇટોકોઇન સ્ટૉર્મ થાય છે ત્યારે સ્વસ્થ કોશિકાઓને પ્રભાવિત કરે છે. લોહીના લાલ અને સફેદ સેલ ખતમ થવા લાગે છે અને કલેજાને નુકસાન કરે છે.

જાણકારોનું કહેવું છે કે સાઇટોકાઇન સ્ટૉર્મ દરમિયાન દર્દીને ગંભીર તાવ અને માથામાં દુખાવો થાય છે. ઘણા દર્દીઓ કૉમામાં પણ જઈ શકે છે. આવા દર્દીઓ ધાર્યા કરતાં વધુ બીમાર થાય છે.

ડૉક્ટરો અત્યાર સુધીમાં આ પરિસ્થિતિને થોડી સમજી શક્યા છે, પરંતુ તપાસની કોઈ રીત આપણી પાસે નથી.

કોવિડ-19ના દર્દીઓમાં સાઇટોકાઇન સ્ટૉર્મ પેદા થવાની જાણકારી દુનિયાને વુહાનના ડૉક્ટરો પાસેથી મળી છે. તેઓએ 29 દર્દી પર રિસર્ચ કર્યું હતું અને તેમનામાં આઈએલ-2 અને આઈએલ-6 સાઇટોકાઇન સ્ટૉર્મનાં લક્ષણ જોવાં મળ્યાં હતાં.

કોવિડના દર્દીઓમાં સાઇટોકાઇન સ્ટૉર્મનો પ્રકોપ

વુહાનમાં જ 150 કોરોના કેસ પર કરવામાં આવેલા અન્ય એક રિસર્ચમાં જાણવા મળ્યું કે કોવિડથી મરનારમાં આઈએલ-6 સીઆરપી સાઇટૉકાઇન સ્ટૉર્મના મૉલિક્યુલર ઇન્ડિકેટર વધુ હતા.

જ્યારે તે દર્દીઓ બચી ગયા ત્યારે તેમનામાં આ ઇન્ડિકેટરની ઉપસ્થિતિ ઓછી હતી.

અમેરિકામાં પણ કોવિડના દર્દીઓમાં સાઇટોકાઇન સ્ટૉર્મનો પ્રકોપ વધુ જોવા મળ્યો છે.

ડૉક્ટરોનું કહેવું છે કે કોવિડ-19ના દર્દીઓમાં પ્રતિરોધક શક્તિના સેલ્સ ફેફસાંમાં બહુ ઝડપી અને એટલા ગતિથી આક્રમણ કરે છે કે ફેફસાંના પર ફાઇબ્રોસિસ નામના નિશાન બનાવી દે છે.

આવું કદાચ વાઇરસની સક્રિયતાને લીધે થાય છે.

આવું પહેલી વાર નથી કે સાઇટૉકાઇન સ્ટૉર્મનો સંબંધ કોઈ મહામારીને જોડીને જોવાઈ રહ્યો છે.

વૈજ્ઞાનિકો અનુસાર, 1918માં ફેલાયેલા ફ્લુ અને 2003ની સાર્સ મહામારી (સાર્સ મહામારીનું કારણ પણ કોરોના વાઇરસના પરિવારનો એક સભ્ય જ હતું) દરમિયાન પણ તેને કારણે જ મોટી સંખ્યામાં મૃત્યુ થયાં હતાં.

કદાચ એચ-1એન-1 સ્વાઇન ફ્લૂમાં પણ ઘણા દર્દીઓનાં મૃત્યુ પોતાની રોગપ્રતિરોધક કોશિકાઓ હુમલાખોરો થઈ જવાને કારણે થયાં હતાં.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે મહામારીઓના ફ્લૂમાં મૃત્યુ કદાચ વાઇરસને કારણે નહીં પણ દર્દીના શરીરની રોગપ્રતિકાર શક્તિની વધુ પડતી સક્રિયતાને કારણે થાય છે.

જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ જ અસંતુલિત થઈ જાય તો મૃત્યુ થવું નક્કી છે.

પોતાના ઇમ્યુન સેલને બેકાબૂ થતા રોકવા માટે જરૂરી એ છે કે રોગપ્રતિકારક શક્તિને શાંત રાખવામાં આવે. તેની સારવાર માટે સ્ટેરૉયડ જ પહેલી પસંદ છે.

પરંતુ કોવિડના સંદર્ભમાં આ હજુ સ્પષ્ટ નથી કે સ્ટેરૉયડ તેમાં ફાયદાકારક હશે કે નહીં.

કેટલાક ખાસ પ્રકારના સાઇટોકાઇનને રોકવા માટે ઘણી દવાઓ બજારમાં ઉપલબ્ધ પણ છે.

માની લો કે સાઇટોકાઇનથી લડવા માટે સ્ટેરૉયડ જો બૉમ્બ છે તો અન્ય દવાઓ ટાર્ગેટેડ મિસાઇલો છે. દર્દીઓને આ દવા એટલા માટે આપવામાં આવે છે કે ઇમ્યુન સિસ્ટમ ચાલુ રહે અને કોશિકાઓની ગરબડને ખતમ કરી શકાય.

ઉદાહરણ તરીકે અનાકિન્ના (ક્રેનેટ) એક પ્રાકૃતિક માનવ પ્રોટિનનું સંશોધિત સંસ્કરણ છે જે સાઇટોકાઇન આઈએલ-1ના રિસેપ્ટર્સને રોકે છે. આ રિહ્યુમોટાઇડ આર્થરાઇટિસની સારવાર માટે અમેરિકામાં માન્યપ્રાપ્ત છે.

દુનિયાભરમાં ચાલી રહ્યું છે રિસર્ચ

આ રીતે ટોસિલિજુમાબ (ઍક્ટેમ્રા) પણ કોવિડ-19માં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સામાન્ય રીતે તેનો ઉપયોગ ઘૂંટણ, સાંધાનો દુખાવો અને ઇમ્યોથૅરપીવાળા કૅન્સરના દર્દીઓમાં સાઇટૉકાઇન સ્ટૉર્મને નિયંત્રિત કરવામાં થાય છે.

ફેબ્રુઆરી મહિનામાં ચીનમાં કોવિડના 21 દર્દીઓ પર તેનો ઉપયોગ કરાયો હતો. થોડા જ દિવસોમાં કોવિડનાં ઘણાં લક્ષણો ઓછાં થઈ ગયાં હતાં. બે અઠવાડિયાંમાં જ 19 દર્દીઓને ઘરે મોકલી દેવાયા હતા.

કોવિડ-19 માટે સાઇટોકાઇન બ્લૉકર્સ ઘણાં પ્રકારનું ક્લિનિકલ રિસર્ચ થઈ રહ્યું છે. ટોસિલિજુમાબ પર ઇટાલી અને ચીનમાં પણ રિસર્ચ થઈ રહ્યું છે.

કોવિડના દર્દીઓમાં સાઇટૉકાઇન સ્ટૉર્મને નિયંત્રિત કરવામાં ટોસિલિજુમાબ ઘણી કારગત સાબિત થઈ છે.

ડૉક્ટરોનું કહેવું છે કે સાઇટૉકાઇન સ્ટૉર્મની ઓળખ એક મોટી સિદ્ધિ છે. મોટા ભાગે એવું થાય છે કે આ આવીને પસાર થઈ જાય છે અને ડૉક્ટરો તેને સમજી શકતા નથી.

રોગપ્રતિકારક શક્તિ આપણને રોગથી બચાવે છે, પરંતુ એ જ આપણને મોતને ઘાત ઉતારી દે તો શું કરી શકાય?

સાચે જ આપણે તેને બળવાખોર થતા રોકવી પડશે. રિસર્ચર આ દિશામાં કામ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો