You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : કેમરૂનમાં વાઇરસના કેર વચ્ચે યુદ્ધનો વિનાશ
- લેેખક, એનગાલા કિલિયાન ચિમતોમ
- પદ, બીબીસી સંવાદદાતા
આફ્રિકન દેશ કેમરૂનના એક મોટા અલગતાવાદી સમૂહે 29મી માર્ચે સંઘર્ષવિરામનું એલાન કર્યું હતું અને આ ખબર સાંભળતાં જ કેમરૂનનાં માનવાધિકાર કાર્યકર બિએટ્રીસ તિંતાજી ખુશીથી ઊછળી પડયાં હતાં.
યુદ્ધવિરામની જાહેરાત આ મધ્ય આફ્રિકાના દેશમાં કોરોના વાઇરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે કરવામાં આવી હતી. જોકે, હજુ પણ અહીં યુદ્ધ ચાલુ જ છે અને તેણે તિતાંજીની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
ડૉકટર તિતાંજીએ બીબીસીને જણાવ્યું કે "આ ગભરાવી મૂકે તેવી પરિસ્થિતિ છે. હજારો લોકો જંગલોમાં ફસાયેલા છે. "
તેઓ પૂછે છે કે "અમે તેમને કોવિડ -19 વિશે કેવી રીતે જણાવીએ?"
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખની અપીલ બાદ અહીંના એક સંગઠને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ ઍન્ટોનિયો ગુટેરેઝની સમગ્ર વિશ્વમાં યુદ્ધ રોકવાની અપીલ બાદ સધર્ન કેમરૂન ડિફેન્સ ફૉર્સિઝએ (SCDF) એક તરફી સંધર્ષવિરામની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે "વાઇરસનો આંતક દર્શાવે છે કે યુદ્ધ એક મૂર્ખતા છે."
ગુટરેઝે કહ્યું હતું કે 'આ સમયે સશસ્ત્ર સંઘર્ષને લૉકડાઉનમાં નાખી દેવો જોઈએ અને એકસાથે મળીને આપણા જીવનની લડાઈ લડવી જોઈએ.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, કેમરૂનના અન્ય અલગતાવાદી સંગઠનોએ આ અપીલને નજરઅંદાજ કરી દીધી હતી. કેમરૂનમાં ઓછામાં ઓછાં આવાં 15 સંગઠનો, જે સશસ્ત્ર સંઘર્ષ કરી રહ્યાં છે.
સૌથી મોટા સંગઠનોમાંથી એક એવા 'એબાઝોનિયા ગવર્નિંગ કાઉન્સિલે' કહ્યું કે એકતરફી સંઘર્ષવિરામથી સરકારી સૈન્યબળ વિરોધ વિના તેમના નિયંત્રણવાળા વિસ્તારમાં પ્રવેશી જશે.
ભૂખ અને બીમારી
જોકે, આ બધા વચ્ચે ફ્રેન્ચ બોલાનારા રાષ્ટ્રપતિ પૉલ બિયાના વડપણ હેઠળની કેમરૂનની સરકારે પણ શાંતિની જાહેરાત કરી નથી.
એટલું જ નહીં, તેમણે તો વાઇરસનો ફેલાવો રોકવા માટે માનવીય મદદ લાવનારી ફ્લાઇટો પર જ પ્રતિબંધો મૂકી દીધા છે અને આવી રીતે રાહતકાર્યોમાં લાગેલા લોકોને પણ નિરાશ કરી દીધા છે. અહીં પહેલાંથી જ કૉમર્શિયલ ફ્લાઇટો પર રોક મુકાયેલી છે.
ડૉ. તિતાંજી એક અકાદમિશિયન છે અને તેઓ બિન-સરકારી સંસ્થા 'વિમન્સ ગિલ્ડ ફૉર એમ્પાવરમૅન્ટ ઍન્ડ ડેવલપમૅન્ટનું નેતૃત્વ કરે છે. આ સંગઠન કેમરૂનમાં શાંતિનો પ્રસાર આગળ ધપાવવાનું કાર્ય કરે છે.
તિતાંજી કહે છે કે " જો આપણી પાસે લોકો સુધી પહોંચવાનો માર્ગ જ નહી હોય, આપણે તેમને ભોજન અને દવાઓ નહીં પહોંચાડી શકીએ તો તમામ લોકોને મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. આ લોકો ભૂખ અને બીમારીથી મરી જશે."
કેમરૂનનો ઇતિહાસ
સંસ્થાનવાદી ઇતિહાસ ધરાવતા કેમરૂનમાં અંગ્રેજી અને ફ્રેન્ચ બંને અધિકૃત ભાષાઓ છે. પરંતું, ફ્રેન્ચ બોલનારા લોકોની સંખ્યા અંગ્રેજી બોલનારા કરતાં વધુ છે. તેમનો દબદબો છે. એટલે અંગ્રેજી બોલનારા ભેદભાવની ફરીયાદ કરે છે.
દેશનો ઉત્તર-પશ્ચિમી અને દક્ષિણ-પશ્ચિમી વિસ્તાર અંગ્રેજી બોલનારાઓનો ગઢ છે .આ વિસ્તારમાં કોર્ટ અને શાળાઓમાં ફ્રેન્ચ ભાષાના વધી રહેલા વ્યાપ વચ્ચે વર્ષ 2017માં હિંસા ફાટી નીકળી હતી. જેના લીધે 3000થી વધુ લોકો માર્યા ગયા હતા.
આ લડાઈને લીધે 10 લાખ લોકો વિસ્થાપિત થયા, જેમાંથી કેટલાક લોકો જંગલોમાં ભાગી ગયા. અહીં તેમણે ઝૂપડાં અન ગામો વસાવી લીધાં છે.
કેમરૂન હજુ પણ સંસ્થાનોમાં વહેચાંયેલું છે. વર્ષ 1884માં જર્મનીએ અહીં પોતાની કૉલોની સ્થાપી હતી. જોકે, વર્ષ 1916માં બ્રિટિશ અને ફ્રૅન્સ સૈન્યે જર્મનોને અહીંથી ખદેડી દીધા હતા.
એનાં ત્રણ વર્ષ બાદ કેમરૂનનું વિભાજન થયું. દેશનો 80 ટકા હિસ્સો ફૅન્ચ અને 20 ટકા ભાગ અંગ્રેજોના હાથમાં આવ્યો.
ફ્રેન્ચ પ્રભુત્વ ધરાવતા કેમરૂનનો ભૂભાગ વર્ષ 1960માં સ્વતંત્ર થયો.
જનમતસંગ્રહ પછી સધર્ન (બ્રિટીશ) કેમરૂન અને કેમરૂન, બન્ને ભળી ગયા. જયારે ઉત્તર કેમરૂન અંગ્રેજી બોલનારા નાઇજીરીયામાં ભળી ગયું.
પહેલાંથી જ લૉકડાઉન
બાળકો માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા 'યુનિસેફ'નું માનવું છે કે યુદ્ધને લીધે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં 7421 સ્વાસ્થયકેન્દ્રોમાંથી 255 અથવા 34 ટકા કામ નથી કરી રહ્યાં અથવા આંશિક રીતે કામ કરી રહ્યાં છે.
આને લીધે અહીં કોરોના વાઇરસના ચેપના ફેલાવાનું જોખમ છે અને સારવારને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે.
કેમરૂનમાં હાલ સુધી કોરોના વાઇરસના 2200 કેસો સામે આવ્યા છે. માર્ચથી હાલ સુધી 100થી વધુ લોકોનાં અહીં મૃત્યુ થયાં છે. આ આંકડો મધ્ય આફ્રિકામાં સૌથી વધુ છે.
જોકે, અહીં ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ઓછા કેસો જોવા મળ્યા છે. આનું કારણ કદાચ પરીક્ષણનો અભાવ અથવા અહીં હિલચાલ પર પહેલાંથી લાગુ કરાયેલો પ્રતિબંધ હોઈ શકે.
યુદ્ધને લીધે અહીના કેટલાય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસ ફેલાવાના પહેલાંથી લૉકડાઉનનો અમલ કરાયો છે.
મોટાભાગના નાગરિકોની જેમ સૈનિકો પણ અહીં માસ્ક પહેરે છે અને હૅન્ડ સૅનિટાઈઝરનો ઉપયોગ કરે છે. જોકે, વિદ્રોહીઓ અહીં ભાગ્યે જ કોઈ રક્ષણાત્મક પગલાં લેતા જોવા મળ્યા છે.
ગયા મહિનાના અંતમાં, લગભગ 300 સરકારી સૈનિકોના દળે અલગતાવાદીઓ વિરુદ્ધ છ દિવસની કાર્યવાહી કરી હતી. સૈન્યએ કહ્યું કે તેણે 15 લડાકુને માર્યા અને બે સૈન્યકૅમ્પનો પણ નાશ કર્યો.
અહીં સુરક્ષા દળો હજુ પણ એ ત્રણ સરકારી અધિકારીની શોધ કરી રહ્યા છે, જેમનું ગત મહિને અલગતાવાદીઓએ અપહરણ કરી લીધું હતું.
સતત યુદ્ધ અંગે તિતાંજી કહે છે, "મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ પૂરી પાડવી એ એક મોટો પડકાર છે. કોવિડ-19ના કેરને લીધે સતત લોકો મરી રહ્યા છે, ત્યારે આપણે આ યુદ્ધની જરૂર નથી."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો