You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલમાં ચીનના રાજદૂતનું મૃત્યુ, ઘરમાંથી મૃતદેહ મળ્યો
ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડુ વેઈનું મૃત્યુ રાજધાની તેલ અવીવસ્થિત તેમના ઘરે થઈ ગયું.
ઇઝરાયલી મીડિયાના રિપોર્ટ અનુસાર 58 વર્ષના ડુ વેઈનો મૃતદેહ તેમના બિસ્તર પર મળી આવ્યો. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ જ ફેબ્રુઆરી માસમાં તેમની નિમણૂક ઇઝરાયલમાં ચીનના રાજદૂત તરીકે કરવામાં આવી હતી. આ પહેલાં તેઓ યુક્રેનમાં ચીનના રાજદૂત હતા.
તેમનો એક પુત્ર છે અને માનવામાં આવે છે કે તેમનો પરિવાર ઇઝરાયલમાં નથી.
તેઓ રાજધાની તેલ અવીવના ઉપનગર હર્ઝિલિયામાં રહેતા હતા.
લૉકડાઉન વચ્ચે રાજકોટમાં મજૂરો રસ્તા પર ઊતર્યા, ચક્કાજામ કર્યો
લૉકડાઉનની સ્થિતિ વચ્ચે વતન પરત જવા દેવાની માગ સાથે રાજકોટના શાપરમાં હજારોની સંખ્યામાં કામદારો રસ્તા પર ઊતર્યા છે.
વેરાવળ-શાપર હાઈવે પર મજૂરો એકઠા થયા હતા, ચક્કાજામ કર્યો હતો અને સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે એકઠા થયેલા લોકોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.
એ જ રીતે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે પણ કામદારોની લાંબી લાઇન લાગેલી જોવા મળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુરતમાં અનેક વખત પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં રસ્તા પર આવી ગયા હતા. સુરતમાં પણ આગચંપી અને તોડફોડની ઘટનાઓ ઘટી હતી.
લૉકડાઉનમાં કામ બંધ થઈ જતાં દેશભરમાં પ્રવાસી મજૂરોએ પગપાળા હિજરત કરવી પડી હતી.
એ બાદ સરકાર દ્વારા શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી હતી. જોકે મજૂરો પાસેથી ટિકિટની રકમ વસૂલવાને લઈને સરકાર પર આક્ષેપો થયા હતા.
શ્રમિક એક્સપ્રેસ શરૂ થઈ એ પછી પણ કામદારોની પગપાળા હિજરત ચાલું જ રહી હતી.
અમેરિકામાં મોતનો આંકડો 88 હજારની નજીક
દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધી રહ્યા છે.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે દુનિયાભરમાં સંક્રમણના કુલ 45,96,304 કેસ નોંધાયા છે.
આ સંક્રમણને લીધે દુનિયાભરમાં 3,09,685 લોકોનાં મોત થયાં છે.
આ યાદીમાં પ્રથમ ક્રમે અમેરિકા છે. અત્યાર સુધીમા અમેરિકામાં 87,991 લોકોનાં મોત થયાં છે
સુરતથી મજૂરોની હિજરત
કેન્દ્ર અને રાજ્ય સરકારોના તમામ દાવા છતાં પ્રવાસી મજૂરો દ્વારા કરાતી પગપાળા હિજરતનો ઘટનાક્રમ હવે રોકાઈ નથી રહ્યો. સાધનોના અભાવ વચ્ચે પ્રવાસી મજૂર ચાલતા જ વતનની વાટે નીકળી પડે છે.
બિહારના સીતામઢી જિલ્લાના પ્રવાસી મજૂર ગુજરાતના સુરતથી પગપાળા જ વતન જવા નીકળી પડ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં એક મજૂરે કહ્યું કે "હું બિહારના સીતામઢીથી છું. અમારી પાસે કશું જ નથી અને એટલે જ અમે નક્કી કર્યું છે કે હું મારા ગામ ચાલ્યો જાઉં. કમસેકમ ત્યાં અમારું ઘર તો છે."
ગુજરાતમં દસ હજારથી વધુ પૉઝિટિવ કેસ
ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, ગત 24 કલાકમાં (શુક્રવાર સાંજથી) 348 નવા (કુલ 10,989) કેસ નોંધાયા છે અને 19 (કુલ 625) દરદીનાં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં 46 પેશન્ટ વૅન્ટિલેટર ઉપર છે, જ્યારે 6010 દરદીઓની સ્થિતિ સ્થિર છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં અમદાવાદ ટોચ ઉપર છે, જ્યાં રાજ્યના લગભગ 83 ટકા (5,106) ઍક્ટિવ કેસ છે.
શુક્રવાર સાંજ બાદ 273 રોગીઓને રજા આપવામાં આવી હતી, જેમાંથી 163 અમદાવાદના હતા. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 4308 રોગગ્રસ્તોને સારવારમાંથી રજા આપવામાં આવી છે.
રૂપાણી-પટેલ વચ્ચે ટ્વિટરવૉર
ગુજરાતમાં કોરોનાના ટેસ્ટિંગ સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા કૉંગ્રેસના ખજાનચી અહમદ પટેલ વચ્ચે ટ્વીટવૉર જામ્યું હતું.
પટેલે ટ્વિટર ઉપર દાવો કર્યો હતો કે 'ગુજરાત સરકાર દ્વારા ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવી છે. એક તરફ રાષ્ટ્રીયસ્તરે ટેસ્ટિંગ વધારવાની નીતિ અપનાવવામાં આવી છે, તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવીએ ચિંતાજનક બાબત છે.'
પટેલે રાજ્ય સરકાર ઉપર પ્રમાણિકપણે આંકડા રજૂ નહીં કરવાનો આરોપ મૂક્યો હતો. જેના જવાબમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર લખ્યું:
"શ્રીમાન અહમદ પટેલ, ગુજરાતે ટેસ્ટિંગની સંખ્યા ઘટાડી નથી. કૃપા કરીને તમારી માહિતીની સ્રોત પાસે ફરીથી ખરાઈ કરો, જે (માહિતી) તથ્ય અને વાસ્તવિકતાથી વેગળી છે."
રૂપાણીએ 16મી મેની સ્થિતિ મુજબના અમદાવાદ, સુરત, વડોદરા અને ગુજરાતના (પ્રતિ 10 લાખ વ્યક્તિએ) ટેસ્ટિંગના આંકડા મૂક્યા હતા, જે દેશની સરેરાશ કરતાં વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અમદાવાદના ગીચ વિસ્તારોમાં સ્ક્રિનિંગની નવી રણનીતિ
અમદાવાદમાં ગીચ તથા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્ક્રીનિંગ કરવા માટે 40 જેટલી વૅનની વ્યવસ્થા કરવામાં આવી છે.
શહેરનાં મેયર બીજલ પટેલે કોવિડ-19ના સ્ક્રીનિંગ માટે 40 વૅનને લીલી ઝંડી બતાવી.
બીજલ પટેલે કહ્યું કે, અમદાવાદની હાલની પરિસ્થિતિને જોતાં ગુજરાત સરકારે 40 વૅન ફાળવી છે, આ વૅન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ સ્ક્રીનિંગ માટે ઉપલબ્ધ રહેશે.
બીજલ પટેલે કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ વૅનનું ઉદ્ઘાટન કરવા માટે જરૂરી સાવચેતી રાખી હતી.
અમદાવાદમાં કોરોના સંક્રમણના નવ હજારથી વધારે પૉઝિટિવ કેસ નોંધાયા છે અને ગુજરાતમાં સૌથી વધારે મરણાંક પણ અહીં જ છે.
રાજકોટની આ શોધ ડૉક્ટર્સના રક્ષણમાં મદદ કરશે
કોરોના વાઇરસ સામેની લડતમાં મહત્ત્વપૂર્ણ એવી પીપીઈ કિટ બનાવતું મશીન રાજકોટમાં બનાવવામાં આવ્યું છે.
વિદેશમાં આ મશીન મોંઘું બને છે, પરંતુ ગુજરાતના રાજકોટમાં આ મશીન ચાર લાખ રૂપિયામાં બનાવવામાં આવ્યું છે.
રાજકોટમાં લગભગ 12 લોકોની ટીમે આ મશીન બનાવ્યું છે જેનાથી પીપીઈ કિટ તૈયાર કરી શકે છે.
હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતી દેશમાં પહેલી વખત પીપીઈ કિટ બનાવવાનું કામ શરૂ થયું છે.
કેસોની સંખ્યા દસ હજારની નજીક
કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિઅંગે વાત કરતાં રાજ્યના આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ બુલેટિન રજૂ કર્યું હતું.
જેના પ્રમાણે 24 કલાકમાં 340 નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીનાં મૃત્યુ થયાં છે.
આ સાથે કુલ પૉઝિટિવ કેસોનો આંકડો 9932એ પહોંચી ગયો છે.
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 282 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.
ગુજરાતથી ગયેલાં મજૂર મહિલાએ કારમાં બાળકને જન્મ આપ્યો
ગુજરાતથી મધ્યપ્રદેશ ગયેલાં એક પ્રવાસી મજૂર મહિલાએ બળવાનીમાં એસડીએમની ગાડીમાં બાળકને જન્મ આપ્યો.
એસડીએમ ડૉ. કિશોર મુક્તિએ કહ્યું, "અમે ગુજરાતથી પોતાના વતન આવી રહેલા શ્રમિકોનું સ્ક્રીનિંગ કરવા ગયા હતા ત્યારે ગર્ભવતીને પીડા થવા લાગી. અમે તેમને હૉસ્પિટલ લઈ આવ્યા, પરંતુ અમે હૉસ્પિટલ ગેટ પર પહોંચ્યા ત્યાં જ તેમણે કારમાં બાળકને જન્મ આપ્યો હતો."
ગુજરાતથી સંખ્યાબંધ શ્રમિકો ટ્રેન મારફતે અનેક રાજ્યોમાં પોતાના વતન પાછા જઈ રહ્યા છે. મધ્ય પ્રદેશ , રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને ઉત્તરાખંડના શ્રમિકો ગુજરાતથી પાછા જઈ રહ્યા છે.
સંખ્યાબંધ શ્રમિકો પગપાળા પોતાના ગામ જવા નીકળી પડ્યા છે એવાં દૃશ્યો સતત જોવા મળે છે.
ગુજરાત સરકારનો દાવો છે કે અત્યાર સુધીમાં 349 ટ્રેનો ચલાવવામાં આવી છે, જેમાં ચાર લાખ 70 હજાર પરપ્રાંતીય શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલાયા છે.
અમદાવાદના સુપર સ્પ્રેડર્સ
એક અઠવાડિયા પછી અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના ઍપિસેન્ટર અમદાવાદમાં ચેપગ્રસ્તોની સંખ્યા સૌથી વધારે છે.
7 મેના દિવસે સરકારે 15 મે સુધી અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાની દુકાનોને બંધ રાખવાની જાહેરાત કરી હતી.
અમદાવાદમાં સુપરસ્પ્રેડરની ચિંતાને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. શાકભાજી અને લારી-ગલ્લા તથા દુકાનદારોને સુપર સ્પ્રેડર માનીને સરકારે આ પગલું લીધું હતું.
હાલ ગુજરાતમાં કોરોના સંક્રમણના કુલ 9592 કેસ છે તેમાંથી એકલા અમદાવાદમાં 6910 કેસ છે.
અમદાવાદમાં હાલ 4198 ઍક્ટિવ કેસ છે. અમદાવાદની પરિસ્થિતિને જોતાં સંપૂર્ણ રીતે બંધ રાખવાની જાહેરાત અચાનક કરવામાં આવી હતી ત્યારે શહેરમાં ખરીદી કરવા નીકળી પડેલા લોકોના દૃશ્યો પણ જોવા મળ્યા હતા.
15મી એપ્રિલથી 5 મે સુધી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શાકના વેપારીઓનું સતત સ્ક્રિનિંગ કરીને લગભગ 250 કોરોનાના પૉઝિટિવ કેસ શોધી કાઢ્યા હતા, જેઓ અમદાવાદના વિવિધ શાકમાર્કેટમાં તેમજ વિવિધ સોસાયટીઓમાં શાક વેચતા હતા.
સૌથી ભયનજક બાબત એ હતી કે મોટા ભાગના સુપર સ્પ્રેડર્સ એસિમ્પટોમેટિક હતા. તેમનામાંથી ઘણાને હાલની અમદાવાદની સમરસ હૉસ્ટેલમાં રાખવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં 700 સુપર સ્પ્રેડરનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ
આઈએએસ અધિકારી રાજીવ ગુપ્તાએ કહ્યું કે અમદાવાદમાં છેલ્લા સાત-આઠ દિવસમાં 33,500 જેટલા સુપર સ્પ્રેડર્સની સ્ક્રીનિંગ કરવામાં આવી છે અને 12,500નો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જેમાંથી 700 લોકો કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે, આ લોકોને આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે.
તેમણે આગળ કહ્યું કે ભવિષ્યમાં સુપર સ્પ્રેડર્સ મારફતે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટેની આ કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદના લોકોને તેમણે અપીલ કરી કે સુપર સ્પ્રેડર્સને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. જેમની પાસે આ હેલ્થ કાર્ડ હોય તેમની પાસેથી જ લોકોએ ખરીદી કરવી. 14 દિવસ પછી પરત આ સુપરસ્પ્રેડર્સની સ્ક્રીનિંગ ફરીથી કરવામાં આવશે.
'સરકારી ઑફિસમાં કેટલા ચક્કર લગાવીએ?' - ગુજરાતમાં શ્રમિકોની વ્યથા
કોરોના લૉકડાઉન વચ્ચે ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકોનું પગપાળા જવાનું ચાલુ છે.
શ્રમિકો કહે છે, "ત્રણ દિવસથી અમદાવાદથી પગપાળા નીકળ્યા છીએ. અધિકારીઓને અરજી કરી હતી કે અમને પણ ઘરે જવા મળે પરંતુ પહેલા તો બે-ત્રણ લોકોના આધાર કાર્ડ માગ્યા હતા. પછી કહ્યું કે બધા લોકોના આધાર કાર્ડ લાવો, કેટલા ચક્કર લગાવીએ અમે ઑફિસોમાં."
અમદાવાદથી મધ્ય પ્રદેશના છિંદવાડા જવા માટે નીકળેલા શ્રમિકોનું કહેવું છે, "અમે પગપાળા નીકળી પડ્યા છીએ પોતાના વતન જવા માટે."
શ્રમિકે કહ્યું કે, "લૉકડાઉન શરૂ થયું ત્યારથી પગાર નથી મળ્યો, કંપનીની ભોજન આપતી હતી પણ તેમણે કહ્યું કે 17 મે પછી ભોજન પણ નહીં આપે. લૉકડાઉન ખુલી નથી રહ્યું, ક્યાર સુધી આવું ચાલશે એ ખબર નથી તો અમે અમદાવાદમાં શું કરશું? "
કઠલાલના ધારાસભ્ય કાળુ સિંહ ઢાભીનું કહેવું છે કે શ્રમિકોને વતન પરત મોકલવા માટે સરકારે ઑનલાઇન વ્યવસ્થા કરી છે પરંતુ શ્રમિકો ભણેલા-ગણેલા નથી જેથી તેમના માટે ઑનલાઇન અરજી કરવી અને તેનું ફોલોઅપ કરવું મુશ્કેલ છે.
ગુજરાતના કઠલાલ પાસે પગપાળા જઈ રહેલા શ્રમિકો સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે વાતચીત કરી હતી. સમગ્ર વીડિયો અહેવાલ માટે નીચે ક્લિક કરો.
વડોદરામાં લૉકડાઉન વચ્ચે 100 વર્ષ જૂના દુર્લભ વૃક્ષને બચાવવા પ્રયાસ
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે વડોદરામાં લૉકડાઉન વચ્ચે બે વ્યક્તિએ 100 વર્ષ જૂના એક દુર્લભ વૃક્ષને બચાવવાની જહેમત આદરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈનો અહેવાલ કહે છે કે વડોદરામાં કૉમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડિરેક્ટર ડૉ. જિતેન્દ્ર ગાવેલી અને એમના સહયોગી હિતાર્થ પંડ્યા બેઅબેબ વૃક્ષને બચાવવા માગે છે.
વડોદરામાં આવેલા આ વૃક્ષનો કેટલોક ભાગ ઇન્ફેક્શનને કારણે પડી ભાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે બેઅબેબ મૂળે આફ્રિકામાં જોવા મળે છે અને તેની નવ પ્રકારની જાત હોય છે જે પૈકીની એક જાત ગુજરાત અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે.
ડૉ. જિતેન્દ્રએ કહ્યું કે, તાજેતરમાં વૃક્ષને ઇન્ફેક્શન લાગવાથી કેટલોક ભાગ પડી ગયો હતો. એ ઇન્ફેકશન વકરે નહીં તે માટે લેપ લગાવવામાં આવ્યો છે. હિતાર્થ પંડ્યાનું કહેવું છે કે વધી રહેલા તાપમાનમાં લેપ લગાવવો જરૂરી છે.
એમણે કહ્યું કે, કોરોના લૉકડાઉનમાં બહાર નીકળવું જોખમી છે એ અમે જાણીએ છીએ, પરંતુ બેઅબેબને બચાવવું પણ એટલું જ જરૂરી છે.
પરપ્રાંતીય શ્રમિકો અને ગુજરાતનો બિઝનેસ
કોરોનાને ડામવા માટે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરી દેવાયા બાદ પ્રવાસી મજૂરોનાં ટોળેટોળાં શહેરોમાંથી માદરે વતન ભણી હિજરત કરવા લાગ્યાં.
ગુજરાતમાં પણ લૉકડાઉન પછી પ્રવાસી મજૂરોએ વતન ભણી દોટ મૂકી. જુદા-જુદા ઉદ્યોગોમાં રોકાયેલા આ કામદારોને ભૂખ અને અવ્યવસ્થા પોતાને વતન તાણી ગઈ.
હવે જ્યારે લૉકડાઉનના 50 દિવસ બાદ દેશ અને સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની વાત થઈ રહી છે ત્યારે મોટા ભાગના બિઝનેસમૅનો, વેપારીઓ અને નિષ્ણાતો એ વાતને લઈને ચિંતિત છે કે ગુજરાતમાં ઉદ્યોગોના મહત્ત્વપૂર્ણ ભાગ મનાતા પ્રવાસી મજૂરો વગર રાજ્યનું અર્થતંત્ર પાટે ચઢી શકશે કે કેમ?
ગુજરાતમાં લગભગ તમામ ઉદ્યોગોમાં યુપી, બિહાર, ઓરિસ્સા અને દેશનાં અન્ય રાજ્યોના મજૂરો રોજગારી મેળવવા માટે વર્ષોથી આવતા રહ્યા છે.
પરંતુ લૉકડાઉનને કારણે ઘણા મજૂરો પોતાને વતન જવા તલપાપડ હતા, તેમજ ઘણાએ તો ગુજરાતમાં વેઠવી પડેલી ભૂખ, દયાહીનતા, માલિકો અને સરકારની ઉપેક્ષા તેમજ વહીવટી તંત્રના દુર્લક્ષ્યને કારણે પાછા ન ફરવાનો નિર્ધાર પણ કરી લીધો હતો.
નિષ્ણાતોને મતે આ પરિસ્થિતિમાં ગુજરાતનું અર્થતંત્ર ટૂંક સમયમાં ફરીથી ધબકતું થઈ જશે તેવી આશા નથી દેખાતી ત્યારે ઉદ્યોગો ખોલવામાં આવતી મુશ્કેલીઓ વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ નોંધાયા, 191 દર્દીઓને રજા અપાઈ
ગુરુવારે સાંજે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 324 કેસ નોંધાયા છે અને 20 લોકોનાં મૃત્યુ થયાં છે.
નવા નોંધાયેલા 324 કેસો પૈકી 265 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 6910 થઈ ગઈ છે.
આ સાથે જ રાજ્યમાં કુલ પૉઝિટિવ કેસોની સંખ્યા 9592ની નજીક પહોંચી ગઈ છે અને કુલ મૃત્યુનો આંક 586 છે.
ગુજરાતમાં હાલમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 5253 છે અને અત્યાર સુધીમાં 3753 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
'આત્મનિર્ભર ગુજરાત' : રૂપાણી સરકારની નવી યોજના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આત્મનિર્ભર ભારતની વાત કરી હતી, એ પછી આજે રૂપાણી સરકારે 'આત્મનિર્ભર ગુજરાત' નામથી નવી યોજનાની જાહેરાત કરી છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારપરિષદ યોજીને આ અંગે જાહેરાત કરી હતી.
લૉકડાઉનને પગલે અર્થતંત્રને થયેલી માઠી અસરને ખાડવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
આ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ સુધીની લૉન બે ટકાના વાર્ષિક વ્યાજ પર જામીનગીરી વગરની આપવામાં આવશે.
ગુજરાતમાં કોરોના વાઇરસનો સૌપ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો અને હવે રાજકોટ કોરોનામુક્ત બનવા તરફ જઈ રહ્યું હોય એમ લાગે છે.
રાજકોટ શહેરમાં વધુ ૬ કોરોના પૉઝિટિવ દર્દીઓ સાજા થતા એમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આમ શહેરના ૯૩% દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને હવે હવે માત્ર ૩ જ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જો આ 3 દર્દીઓ પણ સાજા થઈ જાય અને અન્ય નવો કેસ ન આવે તો રાજકોટ ગ્રીન ઝોન બની શકે છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટનો અમદાવાદ સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો છે અને અવરજવર ફક્ત મેડિકલ જરૂરિયાત પૂરતી જ સીમિત કરી દેવામાં આવી છે.
રાજકોટમાં હાલની સ્થિતિએ 63 કોરોના દર્દીઓ હતા તે પૈકી 59ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને 3 જ દર્દીઓ સારવાર હેઠળ છે.
રાજકોટે કેવી રીતે કોરોના સામેની લડાઈ લડી તે જાણવા જુઓ આ વીડિયો
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 126એ પહોંચી
અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરવામાં આવેલાં બુલેટિન અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા 126એ પહોંચી છે. છેલ્લાં 24 કલાકમાં દસક્રોઈ તાલુકામાં ચાર નવા કેસ નોંધાયા હતા.
સૌથી વધારે કેસ દસક્રોઈ તાલુકા(53 કેસ)માં છે. જ્યારે ધોળકા તાલુકામાં 52 કેસ નોંધાયેલાં છે.
અમદાવાદ ગ્રામ્યમાં હાલ સુધીમાં કુલ 4 લોકોનાં મૃત્યુ થયા છે. હાલ ઍક્ટિવ કેસની સખ્યા 37 છે. 18 લોકોને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
અમદાવાદની જિલ્લા પંચાયત વિસ્તારમાં 67 લોકો સાજા થતા રજા આપવામાં આવી છે.
વડોદરાથી 300 વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રના નંદુરબાર મોકલવામાં આવ્યા
વડોદરામાં ફસાયેલાં મહારાષ્ટ્રના નંદુરબારના 300 વિદ્યાર્થીઓને પરત મોકલવાની કામગીરી વડોદરાના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
વડોદરાના નાયબ ક્લેકટર અને નોડલ અધિકારી આર.પી જોષીએ જણાવ્યું કે મહારાષ્ટ્રના 300 જેટલાં વિદ્યાર્થીઓને તેમના રાજ્યમાં પરત મોકલવામાં આવ્યા છે. ગુજરાત સરકારે મહારાષ્ટ્ર સરકાર સાથે સંકલન સાધીને મોકલાવાનો નિર્ણય કર્યો હતો.
આ વિદ્યાર્થીઓને નવ બસ દ્વારા નંદુરબાર મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી મહારાષ્ટ્ર સરકારે તેમને પોતાના ગામે પહોંચાડ્યા હતા.
અમદાવાદના કન્ટેનમેન્ટ ઝોનમાં દુકાનો ખુલશે
અમદાવાદના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેને કન્ટેનમેન્ટ ઝોન કહેવામાં આવે છે તેમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે તે માટે દુકાનો ફરીથી શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસપલ કૉર્પોરેશને ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણિનગર એમ 10 વૉર્ડને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.
આ વિસ્તારોમાં કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી સવારના 8થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં હોમ ડિલિવરીની સેવાઓ બંધ રહેશે. ઉપરાંત ત્યાં આવેલાં શાકભાજી અને ફળફળાદિના હોલસેલ બજારો (કાલુપુર, જમાલપુર, રાજનગર, માણેક ચોક માર્કેટ) બંધ રહેશે.
સરકારના વિવિધ વિભાગોમાં સંકલનનો અભાવ : અમિત ચાવડા
કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુરૂવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને ગુજરાત સરકાર પર આરોપ મૂક્યો હતો કે સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકોની સમસ્યાનું જલદી નિવારણ આવે તે માટે વિભાગોમાં સક્રિયતાનો અભાવ છે.
તેમણે ગુજરાત અને અમદાવાદની સ્થિતિને ચિંતાજનક ગણાવી વધુમાં કહ્યું, "સરકારની ઇચ્છાશક્તિમાં પણ અભાવ જોવા મળે છે. અમદાવાદમાં 400 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે રાજ્યમાં 9000થી વધારે કેસ છે ત્યારે સરકારે જાગવાની જરૂર છે."
તેમણે વધુમાં કહ્યું કે સરકારના તમામ મોરચે નિષ્ફળ રહી છે. મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી હોય કે મંત્રી હોય તમામ ઘરમાં છુપાઈને બેઠા છે.
તેમણે લોકોને મદદ પહોંચાડવા માટે કૉંગ્રેસ પાર્ટીએ શરૂ કરેલી ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પ લાઈનની જાહેરાત કરી હતી. જે દ્વારા રાજ્યમાં ક્યાંય પણ ફસાયેલાં મજૂરો, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા મજૂરો તથા કોવિડ-19ને લઈને કોઈપણ સમસ્યા હોય તો તે એ ઍપ્લિકેશન પર જણાવશે.
નડિયાદમાં વાળંદે પીપીઈ કીટ પહેરી વાળ કાપ્યા
રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદમાં સલૂન ખોલવામાં આવ્યા છે.
લોકોમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાય નહીં તે માટે ગ્રાહકોના વાળ પીપીઈ કિટ પહેરીને કાપવામાં આવ્યા છે.
વાળ કાપનારે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટ પહેરી હતી. જ્યારે ગ્રાહકે મોંઢે માસ્ક પહેર્યું હતું.
દુકાનના માલિક વિશાલ લિંબાચિયાએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે કોવિડ-19નો ચેપ અમારા કારીગરો અને ગ્રાહકોમાં ન ફેલાય તે માટે અમે લોકો સરકાર દ્વારા કહેવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરીએ છીએ.
કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ(પીપીઇ) મહત્ત્વની વસ્તુ છે. તેનો ઉપયોગ માત્ર ટ્રીટમેન્ટ સેન્ટરમાં જ નથી થતો પરંતુ સફાઈ, કચરાના નિકાલ, સુરક્ષિત દફનવિધિ વગેરે કામમાં કરવામાં આવે છે.
કચ્છમાં શ્રમિકોનો હંગામો
કોરોના વાઇરસ લૉકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકોની સ્થિતિનો સવાલ પેચીજો બન્યો છે ત્યારે કચ્છમાં સ્થાનિક તંત્ર અને શ્રમિકો વચ્ચે ઘર્ષણનો અહેવાલ છે.
ગાંધીધામમાં ઘરે જવા માગતા પરપ્રાંતીય શ્રમિકોએ નોંધણી કરવવા છતાં કોઈ કાર્યવાહી નહીં થવાથી અકળાઈને હાઈ-વે બ્લૉક કર્યો હોવાની ઘટના બની છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે કે શ્રમિકોનો દાવો છે વતન પરત જવા માટે નોંધણી કરાવી હોવા છતાં કોઈ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી રહી.
શ્રમિકોએ હાઈ-વે બ્લૉક કર્યો હોવાની તથા અમૂક વાહનો પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની છે.
ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. દેસાઈએ કહ્યું કે સ્થિતિ થાળે પડી ગઈ છે.
લૉકડાઉનને હઠાવવા પર WHOએ આપી આવી ચેતવણી
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 10 થવા તરફ ગતિ કરી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન યાને કે ડબલ્યૂએચઓએ દુનિયાને કોરોના વાઇરસ પર ચેતવણી આપી છે.
ડબલ્યૂએચઓએ કહ્યું છે કે, આપણી વચ્ચેથી આ કોવિડ-19 કદી ખતમ જ ન થાય એવું પણ શક્ય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કટોકટીની બાબતોના નિદેશક માઇકલ રયાને જીનિવામાં એક ઑનલાઇન પત્રકારપરિષદમાં કહ્યું કે, કોરોના આપણી વચ્ચે એક ક્ષેત્ર વિશેષનો એક અન્ય વાઇરસ બની શકે છે અને સંભવ છે કે તે કદી ખતમ ન થાય.
એમણે કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉન હઠાવવાને લઈને અનેક બાબતો પર વાત કરી.
ગુજરાતમાં કેસોની સંખ્યા 9268 થઈ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 364 કેસ નોંધાયા છે. જ્યારે 29 મૃત્યુ થયાં છે. આ દરમિયાન 316 દરદીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
જે નવા કેસો નોંધાયા એમાંથી અમદાવાદમાં 292, સુરતમાં 23, વડોદરામાં 18, મહેસાણામાં આઠ, દેવભૂમિ દ્વારકામાં સાત કેસો નોંધાયા છે.
આ સાથે જ ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 9268 થઈ ગયા છે. જ્યારે કુલ મૃતકાંક 566 થયો છે. આ દરમિયાન 3562 લોકો સાજા પણ થઈ ગયા છે.
ગુજરાત હાઈકોર્ટે શ્રમિકોની દયનીય સ્થિતિની સુઓ-મૉટો નોંધ લીધી
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકોની દયનીય સ્થિતિની સ્વતઃ નોંધ (સુઓ-મૉટો) લીધી છે અને રાજ્ય સરકારને સૂચના છે.
સળંગ ત્રણ લૉકડાઉનને કારણે શ્રમિકોની સ્થિતિ દયનીય બની છે, આ અંગે મીડિયામાં પ્રકાશિત/પ્રસારિત અહેવાલોની નોંધ લીધી હતી.
કાયદાકીય બાબતોની વેબસાઇટ લાઇવ-લૉના અહેવાલ મુજબ, 'હાઈકોર્ટે નોંધ્યું હતું કે કોઈપણ નાગરિક ભૂખ્યો ન સૂએ તે જોવું રાજ્ય સરકારની સર્વોચ્ચ ફરજ છે.'
હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે નાગરિકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત થાય તે જોવું રાજ્ય સરકારની ફરજ છે.
ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવાં શહેરોમાં ખાવા-પીવાના અભાવે તથા વતન જવાની માગ સાથે પરપ્રાંતીય શ્રમિકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો પાસેથી વતન જવા માટે ટ્રેનનું ટિકિટભાડું વસૂલવા મુદ્દે પણ વિવાદ થયો હતો.
ગુજરાત સરકારનું કહેવું છે કે 'અન્નબ્રહ્ય' યોજના હેઠળ પરપ્રાંતીય શ્રમિક પરિવારોને અનાજ આપવામાં આવી રહ્યું છે.
આ સિવાય લૉકડાઉનની વચ્ચે શ્રમિકોને ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યના એકમો તથા ખાનગી સંસ્થાઓ દ્વારા 'રાહત રસોડાં' ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં લાખોની સંખ્યામાં ફૂડપૅકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતની સોમવારની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના 347 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 20 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
જોકે, આ દરમિયાન 235 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.
નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા. અમદાવાદમાં 268, વડોદરામાં 29, સુરતમાં 19, ગાંધીનગરમાં 10 નવા કેસ નોંધાયા છે.
આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ દરદીઓની સંખ્યા 8542 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃતાંક 513 પર પહોંચ્યો છે. આ દરમિયાન અત્યાર સુધી રાજ્યમાં 2780 દરદીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.
હાલમાં રાજ્યમાં સૌથી વધુ ચેપગ્રસ્ત દરદીઓ અમદાવાદમાં છે. અહીં કુલ 6086 કેસો છે. એ બાદ સુરતમાં 914, વડોદરામાં 547, ગાંધીનગરમાં 139 કેસો છે.
મેવાણી - કોરોના મહામારીમાંથી બહાર નીકળ્યા બાદ સરકાર સામે જંગ
વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે કોરોનાની મહામારીમાંથી બહાર નીકળ્યા બાદ ઓ.બી.સી.-એસ.સી. તથા એસ.ટી. સમુદાય દ્વારા ગુજરાત સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.
જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે એલ.આર.ડી. (લોકરક્ષક દળ)માં નિમણૂક પામેલી આંદોલનકારી બહેનો સાથે અન્યાય કરવામાં આવ્યો છે.
કેટલાક દાખલાને ટાંકતાં મેવાણી જણાવે છે કે અન્ય ઉમેદવાર કરતાં વધુ માર્ક આવ્યા હોય, છતાં આંદોલનકારી બહેનોને વતન (કે વતનની નજીક) નિમણૂક આપવાને બદલે 500 કિલોમીટર દૂર પોસ્ટિંગ આપવામાં આવ્યાં છે.
મેવાણીનો આરોપ છે કે કોરોના સામે લડવાના બદલે સરકારે કિન્નાખોરીપૂર્વક આમ કર્યું છે.
મેવાણીએ નિવેદનમાં જણાવ્યું હતુંકે કોરોનાની મહામારી બાદ એલ.આર.ડી. સંબંધિત ઠરાવ સામે વિરોધ ઓ.બી.સી. (અધર બૅકવર્ડ ક્લાસ, અન્ય પછાત જ્ઞાતિ), એસ.ટી. (શિડ્યૂલ્ડ ટ્રાઇબ, અનુસૂચિત જનજાતિ) તથા એસ.સી. (શિડ્યૂલ્ડ કાસ્ટ, અનુસૂચિત જાતિ) દ્વારા અભિયાન હાથ ધરવામાં આવશે.
અમદાવાદ ઍરપૉર્ટ સજ્જ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના ડેપ્યુટી જનરલ મૅનેજર (ઍર ટ્રાફિક કંટ્રોલ) ગૌરાંગ નથવાણીએ ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ને જણાવ્યું હતું:
"ઍરપૉર્ટને ફરીથી શરૂ કરવા માટે અમે સજ્જ છીએ. કોરોના વૉરિયર્સ માટે અલગ કતાર રાખવામાં આવશે, જેથી કરીને તેમણે અન્ય મુસાફરો સાથે રાહ ન જોવી પડે."
નથવાણીએ ઉમેર્યું હતું કે સ્ટાફ દ્વારા નિયમિત રીતે ઍરપૉર્ટને સૅનિટાઇઝ કરવામાં આવે છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો