કોરોના લૉકડાઉન : પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી છે ત્યારે ગુજરાતના ઉદ્યોગોની હાલત શું થશે?

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોનાને ડામવા માટે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરી દેવાયા બાદ પ્રવાસી મજૂરોનાં ટોળેટોળાં શહેરોમાંથી માદરે વતન ભણી હિજરત કરવા લાગ્યાં.

ગુજરાતમાં પણ લૉકડાઉન પછી પ્રવાસી મજૂરોએ વતન ભણી દોટ મૂકી. જુદા-જુદા ઉદ્યોગોમાં રોકાયેલા આ કામદારોને ભૂખ અને અવ્યવસ્થા પોતાને વતન તાણી ગઈ.

હવે જ્યારે લૉકડાઉનના 50 દિવસ બાદ દેશ અને સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની વાત થઈ રહી છે ત્યારે મોટા ભાગના બિઝનેસમૅનો, વેપારીઓ અને નિષ્ણાતો એ વાતને લઈને ચિંતિત છે કે ગુજરાતમાં ઉદ્યોગોના મહત્ત્વપૂર્ણ ભાગ મનાતા પ્રવાસી મજૂરો વગર રાજ્યનું અર્થતંત્ર પાટે ચઢી શકશે કે કેમ?

ગુજરાતમાં લગભગ તમામ ઉદ્યોગોમાં યુપી, બિહાર, ઓરિસ્સા અને દેશનાં અન્ય રાજ્યોના મજૂરો રોજગારી મેળવવા માટે વર્ષોથી આવતા રહ્યા છે.

પરંતુ લૉકડાઉનને કારણે ઘણા મજૂરો પોતાને વતન જવા તલપાપડ હતા, તેમજ ઘણાએ તો ગુજરાતમાં વેઠવી પડેલી ભૂખ, દયાહીનતા, માલિકો અને સરકારની ઉપેક્ષા તેમજ વહીવટી તંત્રના દુર્લક્ષ્યને કારણે પાછા ન ફરવાનો નિર્ધાર પણ કરી લીધો હતો.

નિષ્ણાતોને મતે આ પરિસ્થિતિમાં ગુજરાતનું અર્થતંત્ર ટૂંક સમયમાં ફરીથી ધબકતું થઈ જશે તેવી આશા નથી દેખાતી.

પરપ્રાંતીય મજૂરોને કારણે અલંગ શિપ બ્રૅકિંગ યાર્ડના કામકાજ પર પડેલી અસર અંગે વાત કરતાં અલંગ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રી ઍસોસિયેશનના પ્રમુખ વિષ્ણુકુમાર ગુપ્તા જણાવે છે કે, 'લૉકડાઉનના કારણે બંધ પડેલું કામ અમે 21 એપ્રિલના રોજથી ફરી શરૂ કર્યું હતું.'

'પરંતુ હવે ફરીથી કામ બંધ કરવાની સ્થિતિ આવી ગઈ છે, કારણ કે કામ ચાલુ રાખવા માટે અમારી પાસે પૂરતા મજૂરો જ નથી. આવી પરિસ્થિતિમાં કામ કેવી રીતે થાય?'

'જ્યારથી સરકારે પરપ્રાંતીય મજૂરોને વતન પરત લઈ જવા માટે ટ્રેનો શરૂ કરી છે, અલંગમાંથી મોટા ભાગના પરપ્રાંતીય મજૂરો વતન પરત જઈ રહ્યા છે. જેટલા બાકી રહી ગયા છે તેઓ પણ જલદી જ જતા રહેશે.'

ભાવનગરના દરિયાકાંઠે આશરે દસ કિલોમિટર સુધી ફેલાયેલા આ યાર્ડમાં ચાર લાખ વર્ગ કિલોમિટરના વિસ્તારમાં 153 પ્લૉટ પર અહીં નાનાં-મોટાં જહાજોને ભાંગવાની કામગીરી ચાલે છે.

ધ હિન્દુ બિઝનેસ લાઇનના અહેવાલ અનુસાર 20 હજારથી વધારે લોકોને સીધી રોજગારી પૂરો પાડતો આ ઉદ્યોગ, આડકતરી રીતે 3 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.

અલંગનું આ શિપ બ્રૅકિંગ યાર્ડ દેશમાં કુલ સ્ટીલ ઉત્પાદન પૈકી 1-2 ટકા સ્ટીલ પૂરું પાડે છે અને ત્યાં હાલ વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

વિષ્ણુ ગુપ્તા અલંગ યાર્ડ માટે પરપ્રાંતીય મજૂરોનું મહત્ત્વ દર્શાવતાં જણાવે છે કે, 'અહીં શિપ કટિંગનું કામ 90થી 100 ટકા શ્રમિકો પર જ આધારિત છે, જેમાંથી 75-80 ટકા પરપ્રાંતીય શ્રમિકો છે.'

એપ્રિલમાં ગુજરાત સરકારે લૉકડાઉનમાં છૂટછાટ આપતાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની પરવાનગી આપી હતી ત્યાર બાદ અનેક જગ્યાએ કામકાજ શરૂ થઈ ગયું હતું.

વિષ્ણુ ગુપ્તા કહે છે કે 'અહીં 167 જેટલા પ્લૉટમાંથી 60 પર કામ શરૂ થયું હતું, પરંતુ હવે પરપ્રાંતીય મજૂરો માટે ટ્રેનો શરૂ થઈ છે એટલે એ લોકો જતા રહે છે. અમારી પાસે કુલ શ્રમિકોમાં 20-25 ટકા જેટલા જ ગુજરાતના છે, માત્ર તેમના ભરોસે કામ ચાલુ ન રહી શકે.'

તેઓ લૉકડાઉન લાદી દેવાયા બાદ પરપ્રાંતીય શ્રમિકોને વતન રવાના કરવાના સરકારના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવતા કહે છે કે, 'જો સરકારે લૉકડાઉન શરૂ થવાની સાથે જ મજૂરોને તેમના વતનમાં મોકલી દેવાની જાહેરાત કરી દીધી હોત, તો અત્યાર પરપ્રાંતીય મજૂરોમાં જે ભય અને મુશ્કેલીનો માહોલ સર્જાયો તેવો ન સર્જાયો હોત અને વેપારીઓનો બોજો પણ ઘટ્યો હોત.'

માત્ર અલંગનો જહાજ તોડવાનો ઉદ્યોગ જ નહીં, આવી જ મુશ્કેલીઓનો સામનો ગુજરાતના અન્ય ઉદ્યોગો પણ કરી રહ્યા છે.

ઉત્પાદન માત્ર આઠ ટકા થઈ ગયું

ગુજરાત અને દેશનું સિરામિક હબ મનાતા મોરબીમાં પણ પરપ્રાંતીય મજૂરોની હિજરતને કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.

અગાઉથી મંદીમાં સપડાયેલો મોરબી સિરામિક ઉદ્યોગ મજૂરોની વતનવાપસીને કારણે કફોડી હાલતમાં ઘેરાઈ ગયો છે.

પરપ્રાંતીય મજૂરોના પાછા ફરવાને કારણે ઉદ્યોગમાં સર્જાયેલી પરિસ્થિતિ પર વાત કરતાં મોરબી સિરામિક ઍસોસિયેશનના પ્રમુખ નીલેશ જેતપરિયાનું જણાવે છે કે, 'મોરબીમાં જેટલા પરપ્રાંતીય કારીગરો કામ કરે છે તે પૈકી 50 ટકા વતન પરત ફરી ચૂક્યા છે.

'આવનારા દિવસોમાં બાકી બચેલા કામદારો પણ ટ્રેન મારફતે પોતાના વતન જવા માટે ઊપડી જશે.'

તેઓ કહે છે કે "મોરબીના સિરામિક ઉદ્યોગમાં આશરે એક હજાર યુનિટ છે જેમાંથી દસ ટકા જેટલા જ ફરી ચાલુ થયા છે.'

'આ યુનિટોમાં કામ કરતાં કારીગરોની સંખ્યા અગાઉ કરતાં ઓછી છે. અગાઉના ઑર્ડર પૂરા કરવાના હેતુથી આ યુનિટ ચાલુ કરવા પડ્યા છે."

નીલેશ જેતપરિયા પ્રમાણે મોરબી સિરામિકઉદ્યોગનું ઉત્પાદન હાલ પહેલાંની સરખામણીએ 8 ટકા જેટલું રહી ગયું છે.

તેઓ જણાવે છે કે 'મોરબીના સિરામિકઉદ્યોગમાં દોઢથી બે લાખ શ્રમિકો છે જેમાંથી એક લાખ 30 હજાર જેટલા પરપ્રાંતીયો છે.'

'આ શ્રમિકો પરત ફરવાને કારણે સિરામિકઉદ્યોગ થંભી ગયો છે અને આવનારા દોઢ-બે મહિના સુધી ઉત્પાદન અગાઉની સપાટીએ લાવવાનું શક્ય નહીં બને."

નીલેશ જેતપરિયા કહે છે કે "મધ્ય પ્રદેશના સંખ્યાબંધ શ્રમિકો લૉકડાઉનની શરૂઆતમાં જાતે જ જતા રહ્યા હતા, તેઓ હવે પરત આવવા માગે છે પરંતુ હવે તેઓ પરત ફરી શકે એમ નથી."

શ્રમિકોને પાછા લાવવાની યોજના પર કામ શરૂ કરે સરકાર

સુરતમાં હીરા અને ટેક્સટાઇલઉદ્યોગની પણ કંઈક આવી જ હાલત છે.

સ્થાનિક વેપારીઓ માને છે કે, પરપ્રાંતીય શ્રમિકો વતન જતા રહ્યા છે એટલે આ ઉદ્યોગોને ફરી પાટે લાવવામાં સમય લાગશે.

સુરતના ટેક્સટાઇલઉદ્યોગમાં 90 ટકા જેટલા શ્રમિક પરપ્રાંતીયો છે.

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ કેતન દેસાઈ જણાવે છે કે, સુરતમાં હીરા અને કાપડઉદ્યોગ સિવાય ઍક્વા-કલ્ચર, કેમિકલ અને ફાર્માઉદ્યોગ પણ છે. ઍક્વા-કલ્ચર એટલે કે ઝીંગાની ખેતીમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરે છે.

તેઓ કહે છે, 'જીવનજરૂરિયાતની વસ્તુઓમાં સમાવિષ્ટ હોવાને કારણે કેમિકલ અને ફાર્મા સૅક્ટરમાં કામ ચાલુ થયું છે, પરંતુ તેનું પ્રમાણ પણ સીમિત છે.'

'હીરાઉદ્યોગ અને ટેક્સટાઇલઉદ્યોગની કામગીરી શરૂ થતાં હજી સમય લાગશે, કારણકે સુરત રેડ ઝોનમાં છે અને જો રેડ ઝોનમાંથી બહાર આવે તો પણ લાખો પરપ્રાંતીય શ્રમિકો વતન જતા રહ્યા છે, તેને કારણે કામ પૂર્ણ રીતે શરૂ નહીં કરી શકાય.'

ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં છેલ્લા એક દાયકામાં ઝીંગાની ખેતીનો મોટા પ્રમાણમાં વિકાસ થયો છે અને આમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરતા હોય છે.

તેઓ કહે છે કે "શ્રમિકો વગર આ ઉદ્યોગોમાં ઉત્પાદનની શરૂઆત કઈ રીતે થશે, એ એક મોટો પ્રશ્ન છે. સરકારે શ્રમિકોને પાછા લાવવાની યોજના પર પણ કામ શરૂ કરી દેવું જોઈએ."

શ્રમિકો ગુજરાતની સમૃદ્ધિની કરોડરજ્જુ છે, પરંતુ તેમની આવી હાલત કેમ?

સેન્ટર ફોર ડેવલપમૅન્ટ ઑલ્ટરનેટિવ્સનાં પ્રોફેસર ઇન્દિરા હિરવે પરપ્રાંતીય શ્રમિકોને ગુજરાતની સમૃદ્ધિની અને ઉદ્યોગોની કરોડરજ્જુ ગણાવે છે.

તેઓ ગુજરાતમાં શ્રમિકોની ભોગવવી પડેલી હાલાકી અને દયનીય સ્થિતિ પર વાત કરતાં જણાવે છે કે, 'ગુજરાતને આર્થિક શક્તિ બનાવવામાં આ પ્રવાસી શ્રમિકોનો બહુ મોટો ફાળો છે. લાખો પ્રવાસી શ્રમિકોને ગુજરાતના ઉદ્યોગોની કરોડરજ્જુ ગણી શકાય, પરંતુ દુ:ખની વાત એ છે કે સરકાર પાસે રાજ્યમાં કેટલા પ્રવાસી મજૂરો કામ કરી રહ્યા છે તેને લગતા ચોક્કસ આંકડા પણ નથી. જો આંકડાકીય માહિતીનો જ અભાવ હોય તો આ મજૂરો માટેની નીતિ કેવી રીતે બનાવી શકાય.'

તેઓ આ વિશે વધુ વાત કરતાં જણાવે છે કે, 'પ્રવાસી શ્રમિકો જે પરિસ્થિતિમાં રહેવા અને કામ કરવા માટે મજબૂર હોય છે તે બાબત ઘણી ચિંતાજનક છે, પરંતુ વર્ષોથી આવું જ ચાલતું આવ્યું છે. કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે જે રીતે સંખ્યાબંધ પ્રવાસી શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા તે ગંભીર વાત છે.'

'તેમની ગેરહાજરીને કારણે જો રાજ્યમાં જો ઉદ્યોગો શરૂ કરવામાં મુશ્કેલી અનુભવાઈ રહી હોય તો આ પરિસ્થિતિ પરથી એ બોધપાઠ લ઼ેવો જોઈએ શ્રમિકો આપણા અર્થતંત્ર માટે કેટલા મહત્ત્વપૂર્ણ છે."

તેઓ જણાવે છે કે, ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ પ્રવાસી શ્રમિકોના હિતોનું રક્ષણ નથી થતું. તેમના માટે કાયદા છે, પરંતુ તેના અમલ પ્રત્યે દુર્લક્ષ્ય સેવાય છે.

ગુજરાત આર્થિક રીતે અન્ય કેટલાંક રાજ્યો કરતાં સંપન્ન હોવાને કારણે રાજ્યમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડિશાથી શ્રમિકો રોજગાર માટે આવતા હોય છે.

રાજ્યના વિકસિત અને ઔદ્યોગિક વિસ્તારોમાં રોજગારની શોધમાં ગુજરાતના અનેક વિસ્તારોમાંથી પણ શ્રમિકો પોતાનું વતન છોડીને મોટાં શહેરોમાં આવી જતા હોય છે.

મોટા ભાગે પ્રવાસી શ્રમિકો સુરતના ટેક્સટાઇલઉદ્યોગ, હીરાઉદ્યોગ, અમદાવાદ, રાજકોટ, જામનગરના ઍન્જિનિયરિંગઉદ્યોગમાં કામ કરતા હોય છે. જોકે, પ્રવાસી શ્રમિકોની મોટી સંખ્યા બાંધકામ ક્ષેત્રમાં છે.

માર્ચ મહિનામાં લૉકડાઉનની જાહેરાત બાદ ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ પ્રવાસી શ્રમિકોમાં અસંતોષ ઊભો થયો હતો.

ઉદ્યોગપતિઓ અને સરકાર દાવો કરે છે કે શ્રમિકો માટે વેતન, રહેઠાણ અને પૂરતા પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ ભોજન અને સુવિધાને અભાવે શ્રમિકો વતન જઈ રહ્યા હોવાના અહેવાલ અવારનવાર જોવા મળ્યા છે.

રાજ્યમાંથી પોતાના વતન પરત ફરવા માટે પગપાળા નીકળી પડેલા શ્રમિકોનાં દૃશ્યો પણ દરરોજ જોવા મળી રહ્યાં છે.

હાલ ત્રીજા તબક્કાના લૉકડાઉનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ શ્રમિકોને તેમના વતન મોકલવા માટે ટ્રેનો દોડાવી છે અને આ બાબતે ગુજરાત સરકારે દાવો કર્યો કે ભારતમાં જેટલી ટ્રેનો ચલાવવામાં આવી તેમાં સૌથી વધારે 45 ટકા જેટલી એટલે કે 239 ટ્રેનો મારફતે તેમણે ત્રણ લાખ શ્રમિકોને વતન મોકલ્યા છે.

ગુજરાતના ઉદ્યોગો માટે કપરો સમય

ગુજરાત ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દુર્ગેશ બુચ પરપ્રાંતીય મજૂરોની વતનવાપસીને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ગુજરાતના ઉદ્યોગો માટે કપરો સમય ગણાવે છે.

તેઓ આ અંગે વાત કરતાં જણાવે છે કે, 'ગુજરાતમાંથી પ્રવાસી શ્રમિકોની વતનવાપસીને કારણે અર્થતંત્રને ભારે નુકસાન થયું છે જેની ભરપાઈ કરવી મુશ્કેલ છે.' કાપડઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ, ઍન્જિનિયરિંગ, કેમિકલ, હીરાઉદ્યોગ હોય કે અન્ય ઉદ્યોગ, તેમાં પ્રવાસી મજૂરો જ શારીરિક શ્રમની જરૂરિયાતવાળા કામ કરતા હોય છે.'

'ગુજરાતી કામદારો મોટાભાગેના વ્હાઇટ કૉલર નોકરીઓ કરતા હોય છે, પરંતુ મજૂરી મોટા પ્રમાણમાં પરપ્રાંતીયો પર આધારિત હોય છે.

તેઓ કહે છે કે, 'જ્યાં સુધી શ્રમિકો પાછા નહીં ફરે ત્યાં સુધી ઉદ્યોગોને સંપૂર્ણપણે શરૂ નહીં કરી શકાય.'

'જે શ્રમિકો અહીં રહી ગયા છે તેઓ 100 ટકા ઉત્પાદનક્ષમતા હાંસલ નહીં કરી શકે.'

'જ્યારે લૉકડાઉન ખૂલશે અને ઉદ્યોગોને સામાન્ય ગતિએ સંચાલિત કરવાનો સમય પાકશે ત્યારે શ્રમિકોની ગેરહાજરીને કારણે થયેલા નુકસાનનો ખરો અંદાજ આવશે.'

તેમનું કહેવું છે, 'અમે સરકારને આ પરિસ્થિતિનો ઉકેલ લાવવવા માટે એવાં પગલા લેવાની અપીલ કરી છે જેથી શ્રમિકો ગુજરાતમાં જ રોકાઈ રહે.'

'એ સિવાય જે લોકો લૉકડાઉન પછી રોજગારી માટે ગુજરાત તરફ આવવા માગતા હોય તેમને લાવવા માટેની વ્યવસ્થા અને નીતિ બનાવવાની પણ અપીલ કરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો