You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ મહામારી વચ્ચે ગુજરાતમાં મજૂરોના અધિકારો પર ફટકો
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
મજૂરસંગઠન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં મજૂરોએ જેવી પરિસ્થિતિમાં કામ કરવું પડતું હતું, એવી જ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત દેશનાં કેટલાંક અગ્રણી રાજ્યોમાં મજૂરો માટે થશે.
આમ થવાનું કારણ એ છે કે દેશના અનેક રાજ્યોએ કોરોના સામે લડવાને નામે શ્રમ કાયદાની અનેક જોગવાઈઓનો અમલ ત્રણ વર્ષ માટે સ્થગિત કરી દીધો છે.
એટલે કે મજૂરોના ભલા માટે બનાવવામાં આવેલા કાયદાનું પાલન કરવું અનિવાર્ય ન હોવાની છૂટ રાજ્ય સરકારોએ ઉદ્યોગપતિઓ અને માલિકોને આપી દીધી છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે લઘુ, મધ્યમ તથા મોટા ઉદ્યોગો માટે ચાહે તે ભારતીય હોય કે વિદેશી, તેમને 1200 દિવસ માટે રાહત આપી દીધી છે.
આ નિર્ણય 'પ્રદેશમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે' લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
12 કલાકની પાળી
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના અધ્યક્ષપદે યોજાયેલી બેઠક બાદ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે હવે રાજ્યમાં શ્રમિકો સંબંધી ત્રણ જ કાયદાનો અમલ થશે. બાકીના કાયદા ત્રણ વર્ષ માટે અમલમાં નહીં રહે.
આ કાયદાઓમાં મકાન અને બાંધકામ કાયદો, બંધુઆ મજૂરીવિરોધી કાયદો અને શ્રમિક ચૂકવણી કાયદાની પાંચમી સૂચિનો સમાવેશ થાય છે.
બદલાયેલી પરિસ્થિતિમાં મજૂરોએ હવે 12 કલાકની શિફટ એટલે કે પાળીમાં કામ કરવું પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ મજૂરોએ આઠ કલાકને બદલે 12 કલાકની પાળીમાં કામ કરવું પડશે.
ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ આર. કે. તિવારીએ પ્રધાનમંડળના નિર્ણય બાબતે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હવે પ્રદેશના અનેક પ્રવાસી મજૂરો પોતાનાં ઘરે પાછા ફરી રહ્યા છે. તેનો અર્થ એ થયો કે બધાને રોજગારની જરૂર પડશે.
મધ્ય પ્રદેશ સરકારે તો લેબર કૉન્ટ્રેક્ટ કાયદાનો અમલ 1000 દિવસ માટે સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.
એ ઉપરાંત 'ઔદ્યોગિક વિવાદ કાયદો' અને 'ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ ઍક્ટ'નો અમલ પણ સ્થગિત કરી દીધો છે.
ગુજરાત સરકારનો નિર્ણય
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારને શ્રમ કાયદામાં ફેરફાર કર્યા પછી ગુજરાત સરકારે પણ શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં નવાં ઔદ્યોગિક એકમોને, ત્રણ મૂળભૂત કાયદા સિવાયના, શ્રમ કાયદાનું પાલન 1200 દિવસ સુધી નહીં કરવાની છૂટ આપશે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે નવાં ઔદ્યોગિક એકમોની સ્થાપનાની મંજૂરીની સમગ્ર પ્રક્રિયા ઑનલાઇન કરવાનો નિર્ણય તેમની સરકારે કર્યો છે.
ગુજરાત સરકારના નિવેદનને ટાંકતા અંગ્રેજી 'લાઇવમિન્ટ' લખે છે કે નવાં ઔદ્યોગિક એકમોને જમીનની ફાળવણી સાત દિવસમાં કરવામાં આવશે અને તમામ સરકારી મંજૂરી 15 દિવસમાં આપવામાં આવશે.
ગુજરાત સરકાર પાસે ખોરજ, સાણંદ, દહેજ SEZ (સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન), ધોલેરા SEZ ઉપરાંત ખાનગી SEZમાં લગભગ 33 હજાર એકર જમીન ઔદ્યોગિક હેતુ માટે તત્કાળ ઉપલબ્ધ છે.
માલિકની જવાબદારી
મધ્ય પ્રદેશ સરકારે જે નિર્ણય કર્યો છે એ હાલ કાર્યરત ઔદ્યોગિક એકમો અને ભવિષ્યમાં ચાલુ થનારા એકમોને પણ લાગુ પડશે.
મજૂરો જ્યાં કામ કરતા હોય એ જગ્યાને યોગ્ય હાલતમાં રાખવાની જવાબદારી માલિકની છે.
મજૂરોને પાયાની કેટલીક સુવિધા આપવાની કાયદેસર જવાબદારી પણ માલિકો પર છે, પરંતુ હવે એવું નહીં થાય.
ઉદ્યોગપતિઓએ જે જવાબદારીનું વહન કાયદેસર કરવું પડતું હતું, તેમાંથી રાજ્ય સરકારોએ તેમને મુક્ત કરી દીધા છે.
જે જોગવાઇઓનો અમલ આગામી ત્રણ વર્ષ માટે સ્થગિત રાખવામાં આવ્યો છે તેમાં નીચે મુજબની જોગવાઈઓનો સમાવેશ થાય છે.
• કામની જગ્યા અથવા ફેકટરીમાં ગંદકી હોય તો કાર્યવાહીમાંથી રાહત.
• કામ કરવાની જગ્યામાં યોગ્ય વૅન્ટિલેશન કે હવાઉજાસ ન હોય તો કોઈ કાર્યવાહી નહીં.
• કામને કારણે કોઈ મજૂરની તબિયત બગડતી હોય તો ફેકટરી મૅનેજરે સંબંધિત અધિકારીઓને જાણ નહીં કરવી પડે.
• શૌચાલયની વ્યવસ્થા નહીં હોય તો પણ કોઈ કાર્યવાહી નહીં થાય.
• ઔદ્યોગિક એકમો પોતાની સુવિધા અનુસાર મજૂરોની ભરતી કરી શકશે તથા તેમને પાણીચું આપી શકશે અને એ પણ પોતાની શરતે.
• ખરાબ પરિસ્થિતિમાં કામ કરાવવામાં આવશે તો તેની નોંધ શ્રમિક અદાલત લેશે નહીં અને તેને બીજી કોર્ટમાં પડકારી પણ શકાશે નહીં.
એ ઉપરાંત શ્રમિકો માટે રહેવાની કે આરામ કરવાની વ્યવસ્થા અથવા મહિલા શ્રમિકો માટે બાળકોની દેખભાળ માટે ઘોડિયાઘર બનાવવાનું પણ નવી કંપનીઓ માટે ફરજિયાત નહીં હોય.
આવાં એકમોનું કોઈ સરકારી સર્વેક્ષણ પણ કરવામાં આવશે નહીં.
ભોપાલ ગૅસ દુર્ઘટના પછી
મધ્ય પ્રદેશ સરકારે 1982માં ભોપાલ ગૅસ દુર્ઘટના પછી એક શ્રમિક કલ્યાણ કોષની સ્થાપના કરી હતી. એ કોષમાં કંપનીઓએ તેમને ત્યાં કાર્યરત મજૂરોની સંખ્યાના હિસાબે દર વર્ષે 80 રૂપિયા જમા કરાવવા પડતા હતા.
આ વ્યવસ્થા પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય પણ હવે લેવામાં આવ્યો છે.
નવા નિયમોની દરખાસ્ત બાબતે શ્રમિક સંગઠનો અકળાયેલાં છે. તેમનું કહેવું છે કે આ ફેરફારથી ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જેવી પરિસ્થિતિનું નિર્માણ ફરી એકવાર થશે.
તેમનો આક્ષેપ છે કે શ્રમિકોને વેઠિયા મજૂરી તરફ ધકેલવામાં આવી રહ્યા છે.
બૉન્ડેડ લેબર જેવું વર્તન
ભારતીય રાષ્ટ્રીય ટ્રૅડ યુનિયન કૉંગ્રેસના સચિવ રાજીવ અરોડાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તમામ મજૂરસંગઠનો આ નિર્ણયોને ટૂંક સમયમાં જ અદાલતમાં પડકારશે.
અરોડાએ જણાવ્યું હતું કે મજૂરો લાંબા સમયના સંઘર્ષ પછી પોતાની બહેતર સ્થિતિ માટે પ્રયાસ કરી રહ્યા હતા, પણ રાજ્ય સરકારોએ મહામારીનો સહારો લઈને શ્રમ કાયદા કંપની માલિકો પાસે ગિરવી રાખી દીધા છે.
ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું:
"આ તો વેઠિયા મજૂર જેવા વર્તન કરતાં પણ ખરાબ છે. શું ભારતનું બંધારણ અસ્તિત્વમાં છે?"
"મારા દેશમાં કોઈ કાયદા છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર અમને આદિમ કાળમાં ધકેલી રહી છે. આનો જોરદાર વિરોધ થશે."
તેમણે એક ટ્વીટમાં મધ્ય પ્રદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભોપાલ ગૅસ દુર્ઘટના પછી શ્રમિકોના હિતની રક્ષા માટે જે કાયદા બનાવવામાં આવ્યા હતા એ તો બધાના કલ્યાણ માટે હતા.
શ્રમ કાયદામાં ફેરફાર
સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે મહામારીના નામે "કરોડો મજૂરોની જિંદગી જોખમમાં નાખીને નફાખોરીને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે."
જોકે, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારના નિર્ણય પર કેન્દ્ર સરકારે હજુ સુધી મંજૂરીની મહોર લગાવી નથી.
રાજ્ય સરકારોએ શ્રમ કાયદામાં ફેરફારની જે દરખાસ્તો મૂકી છે તેનો અમલ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ જ થશે.
જોકે, એ પહેલાં રાજ્ય સરકારોના નિર્ણયને પડકારવા માટે શ્રમિક સંગઠનો અદાલતના દરવાજા ખખડાવવાની તૈયારીમાં છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો