કોરોના સંકટ: કૉન્ટેક્ટ ટ્રેસિંગ માટેની ઍપ્સ પર શંકા કેમ?

    • લેેખક, લીઓ કેલિઓન
    • પદ, ટેકનૉલૉજી ઍડિટર

કોરોના વાઇરસના ચેપને શોધવા માટેની કૉન્ટેક્ટ ટ્રેસિંગ (સંપર્કમાં આવેલા લોકોને શોધવાની) ઍપ્સ વિશે અને આ ટેકનૉલૉજી અપેક્ષા કરતાં ઊણી ઊતરશે કે કેમ તેની શંકાઓ જાગી છે.

કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો હોય તો તેના સંપર્કમાં છેલ્લા થોડા દિવસો દરમિયાન આવેલી વ્યક્તિને ઍલર્ટ મળે તે પ્રકારની સ્માર્ટફોન ઍપ્લિકેશન તૈયાર થઈ છે.

જોકે એડા લવલેસ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે "એવા કોઈ પુરાવા નથી" કે આ ટૂલ્સ વ્યવહારુ, ચોકસાઈ સાથેના કે ટેકનિકલ ક્ષમતા ધરાવતાં હોય.

બીજા લોકો એ વાત પર ભાર મૂકે છે કે આ પહેલની સાથે રૂબરૂ માણસો દ્વારા પણ ચેકિંગ થાય તે પણ જરૂરી છે.

એટલું જ નહીં સમગ્ર યુરોપ માટે આવી ટેકનૉલૉજી તૈયાર કરી રહેલા નિષ્ણાતોમાં પણ હવે વિખવાદ ઊભો થયો છે.

આ ઉપરાંત સેંકડો વિજ્ઞાનીઓ અને સંશોધકોએ એક નિવેદન પણ બહાર પાડ્યું છે અને ચેતવણી આપી છે કે "મિશન ક્રીપ" પછી આગળ જતાં "સમાજ પર નજર રાખવાનું (સર્વેલન્સનું) અભૂતપૂર્વ માધ્યમ બની જશે."

શું ચિંતાઓ છે?

એક સ્માર્ટફોનધારક બીજા સ્માર્ટફોનધારક સાથે ઘણો બધો સમય વિતાવે ત્યારે તેની નોંધ આવી કૉન્ટેક્ટ ટ્રેસિંગ ઍપ્સમાં કરી લેવાય છે.

બાદમાં આ રીતે સંપર્કમાં આવેલા લોકોમાંથી કોઈને ચેપ લાગ્યાનું રિઝલ્ટ આવે અને તેની નોંધ કરવામાં આવે તે સાથે જ તેમને મળેલા બધા લોકોને ઍલર્ટ મોકલી આપવામાં આવે છે.

આમાંથી ચેપ લાગવાનું જોખમ વધારે હોય તેવી કૅટેગરીમાં આવતા યૂઝરને ઘરે જ રહેવા જણાવાય છે, જ્યારે અન્ય લોકો હરીફરી શકે છે.

આ માટે જુદી-જુદી પદ્ધતિઓ અપનાવામાં આવે છે. યૂઝર્સના જી.પી.એસ. (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) લોકેશન ડેટાની નોંધ રાખવી અથવા ક્યુ.આર. (ક્વિક રિસ્પૉન્સ) કૉડ સ્કેન કરવાનું જણાવવું વગેરે રીત અપનાવાય છે.

જોકે આ મહિનાની શરૂઆતમાં અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને જણાવ્યું કે: "અમેરિકા નાગરિકોના લોકેશન અને તેમની મૂવમૅન્ટની વિગતો ધરાવતી અમેરિકાની ઘણી મોટી કંપનીઓનાએ એન્જિનિયરો અને ઍક્ઝિક્યુટિવ સાથે અમે ચર્ચાઓ કરી છે."

"તેમણે કહ્યું કે તેમની આ વિગતો (ડેટા) કોણ કોને મળ્યું હતું તે જાણવા માટે કોવિડ-19ના હેતુ માટે ઉપયોગી નથી."

ઘણા દેશોમાં હવે નવી ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે છે વાયરલેસ બ્લૂટૂથ સિગ્નલ્સ, જેના આધારે કૉન્ટેક્ટ મૅચ થઈ શકે.

તેના કારણે નજીક આવનારી બે વ્યક્તિઓની નોંધ થઈ જાય, પણ તે ક્યાં મળ્યા હતા તે નક્કી ના થઈ શકે.

ટીકાકારો કહે છે કે આ સિસ્ટમમાં પણ ખામી રહી શકે છે, કેમ કે કેટલાક ફોન 30 મીટર (98 ફૂટ) દૂરનાં સિગ્નલ પણ પકડી લે છે, પણ કેટલે દૂરનાં સિગ્નલ છે તે નક્કી થઈ શકતું નથી.

તેની સામે માત્ર બે મિટર દૂર બે વ્યક્તિ હોય, પણ વચ્ચે અવરોધ હોય તો કૉન્ટેક્ટ નોંધી શકાતા નથી.

આના પરિણામે જ ઘણા બધા સંપર્કો નોંધાયા વિનાના રહી જશે, જ્યારે ઘણા બધા સંપર્કો ખોટી રીતે નોંધાઈ જશે, એમ એડા લવલેસના અભ્યાસમાં જણાવાયું છે.

"બે વ્યક્તિઓ મળે ત્યારે વૅન્ટિલેશન કેવું હતું, હવાની દિશા કઈ હતી અને હવામાન કેવું હતું તે બધી બાબતોની નોંધ મૅન્યુઅલ ટ્રેસિંગમાં થાય છે, તે બધાં પરિબળો ડિજિટલ કૉન્ટેક્ટ ટ્રેસિંગમાં નોંધવાં મુશ્કેલ છે," એમ અભ્યાસમાં જણાવાયું છે.

"અને ડિજિટલ કૉન્ટેક્ટ ટ્રેસિંગને કારણે દરેક પ્રકારનાં ફ્રોડ અને ગેરરીતિ થઈ શકે છે.

એકથી વધુ ઉપકરણો વાપરનારાને અસર થઈ શકે છે, ચેપના ખોટા રિપોર્ટ ફેલાઈ શકે છે, સર્વિસ માટે ઇન્કાર થાય તેવુંય બને."

આમ છતાં, ઑક્સફૉર્ડ યુનિવર્સિટીની બીગ ડેટા ઇન્સ્ટિટ્યૂટે કહ્યું હતું કે ખોટા અને ચૂકી જવાયેલા ઍલર્ટ જોવા મળ્યા હતા. છતાંય વાઇરસનો ચેપ ફેલાતો ધીમો કરી શકાય છે અને લોકોએ ક્વોરૅન્ટીનમાં ઓછો સમય વિતાવવો પડશે.

મૅન્યુઅલ ટ્રૅકર કેવી રીતે ઉપયોગી?

માણસની યાદશક્તિ પર ભરોસો રાખવાના બદલે આપોઆપ કામ કરતી સિસ્ટમ વધારે ઝડપી અને અચૂક હોય છે.

પરંતુ એપ 100% આધારભૂત ના હોય અને બધા જ તેનો ઉપયોગ ના કરવાના હોય, તેથી મૅન્યુઅલ કૉન્ટેક્ટ ટ્રેસિંગની ભૂમિકા હજી પણ ઉપયોગી રહે છે.

સિંગાપોરની 'ટ્રેસટુગેધર' ઍપ વિકસાવનારા જૅસન બૅ પોતે જ કહે છે, "જો તમે મને પૂછો કે મૅન્યુઅલ કૉન્ટેક્ટ ટ્રેસિંગની જગ્યાએ બ્લ્યૂટૂથ આધારિત સિસ્ટમ વધારે ઉપયોગી છે?"

"તો મારો જવાબ છે ના. અત્યારે પણ નહીં અને નજીકના ભવિષ્યમાં પણ નહીં."

મૅન્યુઅલ ટ્રેસિંગ માટે એકથી વધુ લોકોને કામે લગાવવા પડે છે.

જર્મનીની એક સંસ્થાએ જણાવ્યું છે કે તેને 10,000 અરજીઓ મળી પણ ગઈ છે.

ગયા અઠવાડિયે ઇંગ્લૅન્ડના આરોગ્યમંત્રી મૅટ હેન્કોકે પણ કહ્યું કે તેઓ વધારે ભરતી કરવા માગે છે.

એડિનબરા યુનિવર્સિટીના પ્રોફેસર દેવરી શ્રીધરે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું, "મેડિકલ અને વેટરનરી વિદ્યાર્થીઓને તથા નોકરી ગુમાવનારા તથા જેઓ સ્વંયસેવક તરીકે મદદ કરવા માગતા હોય તેવા લોકોનો સંપર્ક તેમણે શરૂ કરી દેવો જોઈએ."

"તેમના આધારે વિશાળ ડેટાબેઝ તૈયાર થઈ શકે છે. લોકોને તાલીમ આપવાનું શરૂ કરી શકાય કે કેવી રીતે લોકોને ટ્રેસ કરવો અને તેમને કેવી રીતે સરકારની ઉપલબ્ધ સિસ્ટમમાં જોડવા."

પ્રાઇવસીની ચિંતા કેવી રીતે રહે છે?

મોટા ભાગે સરકારો ખાતરી આપી રહી છે કે યૂઝર્સની વિગતો નામવિહોણી અને ખાનગી રહેશે અને માત્ર રોચચાળા પર નજર રાખવા માટે જ થશે.

જોકે હજી ઘણા દેશોમાં જ્યાં ઍપ્સ લૉન્ચ નથી થઈ, ત્યારે તેઓ કેવી રીતે આ બાબતોની કાળજી લેશે તેની સ્પષ્ટતા થઈ નથી.

ઑસ્ટ્રેલિયાની આગામી ઍપ્સની બાબતમાં મેલબર્ન યુનિવર્સિટીના પ્રોફેસર વેનેસા ટેગ્યૂ કહે છે,

"હું કહું છું કે કેવી રીતે કામ થવાનું છે તેની વિગતો જાણવી જરૂરી છે, એવી કોઈ વિગતો આપણી પાસે નથી."

"એક જોખમ એ છે કે વ્યક્તિ કોની-કોની સાથે સંપર્કમાં આવ્યા હતા તે માહિતી તેના ફોનમાંથી જાણ્યે-અજાણ્યે મેળવી લઈને, રોગચાળા સિવાયની બીજી કોઈ પણ બાબતમાં માટે તેનો ઉપયોગ થઈ શકે છે."

"મિશન ક્રીપ" સામે ચેતવણી આપનારા નિવેદનમાં 300 સંશોધકો સાથે પ્રોફેસર ટેગ્યૂએ પણ સહી કરી છે.

iOS અને Android સ્માર્ટફોનના ઉપયોગથી કૉન્ટેક્ટ ટ્રેસિંગ સહેલું બને, પણ તેમાંથી વધારાની કોઈ માહિતી સત્તાધીશો ના મેળવી શકે તે પ્રકારે ગુગલ અને ઍપલે વ્યવસ્થા તૈયાર કરી છે તેને આ સંશોધકોએ વખાણી છે.

જોકે તેઓએ ચેતવણી આપી છે કે કેટલીક સરકારો આ બે કંપનીઓ પર "દબાણ લાવી રહી છે કે તેમની સિસ્ટમમાંથી વધુ ડેટા મળે તે રીતે તેને ખોલવામાં આવે."

યુકે માટે એપ તૈયાર કરી રહેલી NHSX ઍપલ અને ગુગલની સિસ્ટમ અપનાવવા માટે ચર્ચાઓ કરી રહી છે, પણ હજી સુધી નિર્ણય લેવાયો નથી.

"યૂઝર્સનું ખાનગીપણું અગત્યનું છે. તેથી અમે બીજા દેશો, વિવિધ નિષ્ણાતો, સંબંધિત લોકો અને ઉદ્યોગો સાથે વાતચીત કરી રહ્યા છીએ કે ઍપ તૈયાર થાય તે ઉત્તમ વૈજ્ઞાનિક અને ક્લિનિકલ સલાહ પ્રમાણે તૈયાર થાય, જેથી યૂઝરની પ્રાઇવસી જાળવી રાખવા સાથે ચેપને ફેલાતો રોકી શકાય," એમ તેના પ્રવક્તાએ જણાવ્યું હતું.

પ્રાઇવસીના આગ્રહીઓમાં કેમ મતભેદ?

ઍપલ અને ગુગલ આગળ આવ્યાં તે પહેલાં કૉન્ટેક્ટ ટ્રેસિંગ માટે જુદી-જુદી પહેલ થઈ તેમાં એ વાત પર ભાર મૂકાયો હતો કે જુદા-જુદા દેશોમાં પણ સમાન રીતે કામ કરી શકે તેવી એક ઍપ તૈયાર કરવી, નહીં કે માત્ર દેશ પૂરતી જ ચાલે તેવી જુદી-જુદી ઍપ્સ.

પરંતુ છેલ્લા થોડા દિવસોમાં પાન-યુરોપિયન પ્રાઇવસી પ્રિઝર્વિંગ પ્રોક્સિમિટી ટ્રેસિંગ (PEPP-PT) પ્રોજેક્ટમાં મતભેદો ઊભા થયા છે.

પ્રાઇવસી અંગેની ચિંતાઓ વ્યક્ત કરીને ઘણા સભ્ય દેશો તેમાંથી નીકળી ગયા છે.

ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રાઇવસી-પ્રિઝર્વિંગ ટ્રેસિંગ (DP3T) ટીમના ડૉ. માઇકલ વીલે બીબીસીએ ન્યૂઝને જણાવ્યું હતું, "સમગ્ર યુરોપિયન સ્વરૂપ મળે તે પ્રકારે તેમાં જોડાયેલી સંસ્થાઓ હવે તેમાંથી નીકળી ગઈ છે."

"પારદર્શિતાની જરૂર છે તેવા સમયે તેમાં યોગ્ય વ્યવસ્થાપન અને પારદર્શિતાનો અભાવ હતો."

અન્ય કેટલાક સાથે PEPP-PT પ્રોજેક્ટમાં વોડાફોન કંપની હજી જોડાયેલી છે, પણ આ ગ્રૂપના વ્યવસ્થાપક કબૂલે છે કે સ્થિતિને વધારે સારી રીતે સંભાળવાની જરૂર હતી.

"બે ઍપ્રોચ માટે ચર્ચા ચાલી રહી હતી તેના માટે જે સંવાદ થયો તે બાબતમાં અમે જાહેરમાં માફી માગી છે," એમ એક પ્રવક્તાએ બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે 40 દેશો સાથે હજીય આ બાબતમાં ચર્ચા ચાલી રહી છે.

યોગ્ય ફોન ના હોય તેમનું શું?

મોબાઇલ ફોન હોય તે દરેક જણ ઍપ્સ વાપરી શકે તેવું શક્ય નથી બનતું.

વિશ્વમાં અત્યારે વપરાતા 3 અબજ 40 કરોડ સ્માર્ટફોનમાંથી 25% બ્લ્યૂટૂથ લૉ ઍનર્જી (LE) સ્ટાન્ડર્ડ, જે ગુગલ અને ઍપલે નક્કી કર્યું છે તે ધરાવતા નથી, એમ કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચનું કહેવું છે.

યુ.કે. (યુનાઇટેડ કિંગ્ડમ) માં તેનું પ્રમાણ ફક્ત 12% છે, પરંતુ બીજા દેશોમાં iOS અથવા Android ઍપ્સ ના ચાલે તેવા સાદા મોબાઇલ ફોનનું પ્રમાણ ઘણું છે.

"આ બધા યૂઝર્સ માટે ડિજિટલ ડિવાઇડનો સવાલ છે," એમ ઍનાલિસ્ટ નીલ શાહ કહે છે.

"તમે મોટી ઉંમરના હો અને સ્માર્ટફોન વાપરી ના શકતા હો, બહુ અઘરો લાગતો હોય અને માત્ર સાદો ફોન જ વાપરતો હો તેવું બને.

"ઘણા ગરીબ વર્ગના પણ હોય, જેમને વધારે સારો હેન્ડસેટ પરવડે નહીં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો