You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : અમદાવાદની હોટેલોમાં દર્દીઓની કઈ રીતે સારવાર થઈ રહી છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદમાં ધ ફર્ન, ડબલ ટ્રી બાય હિલ્ટન, લેમન ટ્રી જેવી કેટલીક હોટલ્સને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કોવિડ કેર સેન્ટર તરીકે મંજૂરી આપવામાં આવી છે.
હોટેલમાં માત્ર એસિમ્પટોમેટિક કોરોના દર્દી જ પૈસા ચૂકવીને સગવડ મેળવી શકે છે. એસિમ્પટોમેટિક એટલે એવા કોરોના દર્દી કે જેઓ પૉઝિટિવ હોય પરંતુ તેમનામાં તાવ કે ઉધરસ વગેરે કોઈ લક્ષણ ન હોય.
તેઓ સામાન્ય વ્યક્તિની જેમ જ હાલચાલ ધરાવતા હોય.
હોટેલમાં કયા પ્રકારની સગવડ મળે છે, એ વિશે જાણકારી મેળવવાનો બીબીસીએ પ્રયાસ કર્યો હતો.
શરૂઆતમાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયેલા અને ત્યારબાદ શહેરની હોટેલ ધ ફર્નમાં દાખલ થયેલા એક દર્દીએ નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે "આખો દિવસ હું હોટેલના રૂમમાં જ હોઉં છું. કોરોના પૉઝિટિવ હોવાથી હું રૂમની બહાર જઈ શકતો નથી."
"મને સવારે નાસ્તો તેમજ બે વખત ભોજન મળે છે. મારાં સગાંસંબંધીઓને મળવાની મંજૂરી નથી. મને કોઈ વિશેષ ચીજવસ્તુની જરૂર હોય તો હું હોટેલના રિસેપ્શન પર જણાવી દઉં છું."
"સવારે અને સાંજે એમ બે વખત ડૉક્ટર શરીરનું તાપમાન માપવા આવે છે. ડૉક્ટર થર્મલ ગનથી રૂમની બહાર રહીને જ શરીરનું તાપમાન માપે છે."
તમે પહેલાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને પછી ત્યાંથી હોટેલ ફર્નમાં આવવાનું તમે શા માટે પસંદ કર્યું? સિવિલમાં તો સારવાર મફત હોય છે અને હોટેલમાં તો ખૂબ પૈસા બેસે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે "એ વાત સાચી છે કે હોટેલમાં દર્દી બનીને રહેવું એ ખરેખર ખર્ચાળ છે. મારી આર્થિક સ્થિતિ પ્રમાણમાં સારી હોવાથી હું હોટેલમાં દાખલ થયો છું."
"સિવિલ હૉસ્પિટલમાંથી હોટેલમાં આવવાનું કારણ એ છે કે અહીં થોડી સારી રીતે સચવાય છે. હૉસ્પિટલનો હું વાંક નથી કાઢતો પણ સિવિલ જેવી સરકારી હૉસ્પિટલો પર બોજ વધારે છે. "
તેઓ આગળ કહે છે, "હૉસ્પિટલની સરખામણીએ હોટેલમાં વ્યવસ્થા થોડી સારી રીતે સચવાય છે તેથી હું હોટેલમાં દાખલ થયો છું."
"હું એસિમ્પ્ટોમેટિક દર્દી છું એટલે કે હું કોરોના પૉઝિટિવ છું પણ મને તાવ કે ઉધરસ જેવાં કોઈ લક્ષણ નથી."
"હું સામાન્ય વ્યક્તિની જેમ હાલીચાલી શકું છું. એટલે મારે ખાસ દવા કે સારવાર લેવાની હોતી નથી, ડૉક્ટરના નિરીક્ષણમાં જ રહેવાનું હોય છે. "
એ દર્દી જણાવે છે કે ચારે તરફ કોરોના-કોરોના થઈ રહ્યું છે તેથી એને લીધે એક માનસિક ડર સતત રહ્યા કરે છે. એમાંય હૉસ્પિટલમાં આસપાસ બધે કોરોનાના જ દર્દી હોય એટલે એ ડર થોડો વધી જાય છે.
તેઓ કહે છે કે એના પ્રમાણમાં હોટેલમાં થોડી માનસિક રાહત રહે છે. હૉસ્પિટલમાં હતો ત્યારે જે ડર લાગતો હતો એને લીધે મને એવું થતું હતું કે રોગપ્રતિકારક શક્તિ વધવાને બદલે ઘટી જશે એટલે પછી હું હોટેલમાં આવ્યો.
તેઓ ઉમેરે છે કે હૉસ્પિટલમ કરતાં હોટેલમાં મૂળભૂત સુવિધા સારી સચવાય એટલે હું હોટેલમાં આવ્યો.
"હૉસ્પિટલમાં તો એક વોર્ડ હતો એમાં દસ-બાર દર્દીઓને રાખવામાં આવ્યા હતા."
"અલબત્ત, હૉસ્પિટલમાં દર્દીઓ વચ્ચે જરૂરી ચોક્કસ અંતર રાખવામાં આવ્યું હતું. જ્યારે કે હોટેલમાં તો એક રૂમમાં હું એકલો જ છું."
કયા દર્દીઓ હોટેલમાં જઈ શકે અને કેવી રીતે થાય છે દેખરેખ?
અમદાવાદમાં આવેલી હોટેલ ડબલ ટ્રી હિલ્ટનમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીને રાખવામાં આવે છે.
ત્યાંના સેલ્સ વિભાગના ઍસોસિયેટ ડિરેક્ટર સંજય મુરારીએ બીબીસીને જણાવ્યું હતું કે "કોઈ દર્દી સીધા હોટેલમાં નથી આવી શકતા."
"સરકારી હૉસ્પિટલમાં ચૅકઅપ બાદ અહીં આવી શકે છે. હૉસ્પિટલમાંથી જેને રીફર કરવામાં આવે છે તે દર્દી જ હોટેલમાં પ્રવેશ મેળવી શકે છે."
"દર્દીએ સાથે ડૉક્ટરનું લખાણ લઈને આવવાનું રહે છે. સરકારી હૉસ્પિટલમાંથી દર્દી ડૉક્ટરનો લેટર લઈને આવે એ પછી હોટેલમાં રહેલા ડૉક્ટર કૉલ કરીને કન્ફર્મ કરે અને એ પછી જ રૂમ તેમને મળે છે."
કોઈ વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણ હોય અને તે ક્વોરૅન્ટીન થવા માટે સીધા હોટેલમાં આવી જાય તો તેને પ્રવેશ નહીં મળે.
તેઓ કહે છે કે અમારી હોટેલમાં 173 રૂમ છે. જરૂર પડે એ પ્રમાણે દર્દીને ફાળવીએ છીએ. હોટલમાં માત્ર એસિમ્પ્ટોમેટિક દર્દીને જ પ્રવેશ મળે છે.
ડાયાબિટીસ, અસ્થમા કે થાઇરૉઇડ હોય તો એવા કોવિડ દર્દીને હોટેલ મોકલવામાં આવતા નથી. ખાસ કરીને જેમને હોમ ક્વોરૅન્ટીનમાં રાખવાના હોય તેમને જ હોટેલ સૂચવવામાં આવે છે.
વૅન્ટિલેટરની મદદથી સારવાર કરવી પડે એમ હોય તો એવા દર્દીઓને પણ હોટેલ સૂચવવામાં આવતી નથી.
હોટેલમાં રેસિડેન્ટ ડૉક્ટર છે, જો કોઈ હોટેલમાં દાખલ થવા આવેલા દર્દીને ડાયાબિટીસ કે અન્ય બીમારીની હિસ્ટરી હોય તો ડૉક્ટર તેમને હૉસ્પિટલ મોકલી દે છે.
હોટેલમાં એક રૂમમાં માત્ર એક જ કોવિડ દર્દીને રાખવામાં આવે છે. તેને મળવા માટે તેમના પરિવારજનો આવી શકતા નથી.
દર્દીને રૂમની બહાર આવવાની પણ મંજૂરી નથી. સીસીટીવી કૅમેરાથી ડૉક્ટર પણ તેમને મૉનિટર કરતા હોય છે.
ભોજન અને નાસ્તાનો સમય ગોઠવેલો હોય છે અને એ પ્રમાણે રૂમની બહાર નાસ્તો-ભોજન આવી જાય છે.
દર બે કલાકે ડૉક્ટર તેમને ફોન કરીને તબિયત પૂછે છે. દર્દીને કોઈ સારવાર કે અન્ય કોઈ ચીજની જરૂર હોય તો રિસેપ્શન પર ફોન કરે છે.
ખાનપુરની હોટેલ લેમન ટ્રીમાં ફરજ બજાવી રહેલા એક ડૉક્ટરે પણ બીબીસીને જણાવ્યું હતું કે "AMCએ નક્કી કરેલા ધારાધોરણ મુજબ જ હોટેલમાં કોવિડ દર્દીને પ્રવેશ મળે છે."
"હોટેલ પણ નિર્ધારિત ધારાધોરણ મુજબ જ દર્દીની સગવડ સાચવી શકે છે."
"કોઈને કોરોનાનાં લક્ષણ જણાતાં હોય તો તેઓ સ્વેચ્છાએ હોટેલમાં દર્દી તરીકે ક્વોરૅન્ટીન ન થઈ શકે. એ માટે ડૉક્ટરની દસ્તાવેજી મંજૂરી લેવી પડે છે. "
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો