કોરોના લૉકડાઉન : 'વેતન વિના વતન કઈ રીતે જવું?' - સુરતના કારીગરોની વ્યથા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કોરોના વાઇરસ મહામારીમાં ગુજરાતનું સુરત પણ ગંભીર રીતે સપડાયું છે. ગુજરાતનાં કોરોના વાઇરસથી પ્રભાવિત શહેરોમાં સુરતનો પણ સમાવેશ થાય છે.

સુરતમાં આવેલું વરાછા 'મિની સૌરાષ્ટ્ર' તરીકે જાણીતું છે અને સૌરાષ્ટ્રના અંદાજે પાંચ લાખ લોકો હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

લૉકડાઉન દરમિયાન સુરતમાં રહેતા અને મૂળ સૌરાષ્ટ્રના વતની એવા રત્નકલાકારો માટે સરકારે વતન જવા માટેની વ્યવસ્થા કરી છે.

આ સિવાય ગુજરાતમાં વસતાં અન્ય રાજ્યોના લોકોને પણ વતન જવા માટેની સરકારે વ્યવસ્થા કરી છે. જોકે, આ વ્યવસ્થા ટિકિટના ખર્ચ અને અપૂરતી સગવડો તેમજ માહિતીને કારણે વિવાદમાં છે.

રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે "સૌરાષ્ટ્રના લોકોએ પોતાના વતન જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને મુખ્ય મંત્રી સાથે મેં ચર્ચા કરી હતી. ત્યારબાદ રાજ્યકક્ષાના પરિવહનમંત્રી ગણપત વસાવાએ પણ સુરતની મુલાકાત લીધી હતી અને સૌરાષ્ટ્રના તમામ રત્નકલાકારોને સુરતથી પોતાના વતન જવા માટે કલેક્ટર સાથે બેસીને નિર્ણય લેવાયો છે."

'વતન નહીં પણ વેતનની જરૂર'

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રૅસિડન્ટ ભાવેશ ટાંક છેલ્લાં 12 વર્ષથી સુરતમાં એક રત્નકલાકાર તરીકે કામ કરે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે સરકારે હાલ પૂરતી ચાર જિલ્લા (અમરેલી, ભાવનગર, બોટાદ, મહેસાણા)ને પરમિશન આપી છે.

તેઓ વધુમાં જણાવે છે, "કારીગરોને હાલમાં વેતનની જરૂર છે, વતન પછી મોકલશો તો પણ ચાલશે. કારીગરોના માઇન્ડ ડાયવર્ટ કરવામાં આવે છે. કારીગરોને વતન જવાની લાલચ આપીને લૉકડાઉનનો પગાર ભુલાવવાનું એક પ્લાનિંગ હોય એવું લાગે છે."

કારીગરોના હક અને સ્થિતિ અંગે વાત કરતાં ભાવેશ ટાંક કહે છે, "ગુજરાત સરકારે જે પરિપત્ર જાહેર કરેલો છે તે મુજબ કોઈ પણ કંપનીને લૉકડાઉન દરમિયાન કર્મચારીઓને પગાર ચૂકવવાનો આદેશ કરેલો છે. આ પરિપત્રનો ગુજરાત સરકાર અમલ કરાવવામાં હજુ સુધી નિષ્ફળ રહી છે."

"જો આવા પરિપત્રનો અમલ ન કરાવી શકતા હોવ તો આવા પરિપત્રો પાછા ખેંચી લેવા જોઈએ. કારીગરોને તમે ખોટી લાલચ આપીને તેમને ગેરમાર્ગે દોરીને તેમનું શોષણ કરી રહ્યા છો. કારીગરે અત્યાર સુધીમાં કોઈ માગણી કરી નથી. પણ હાલ રત્નકલાકાર ખૂબ પીડા ભોગવી રહ્યો છે."

તેઓ કહે છે કે અમે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 120 કંપનીઓની યાદી સરકારને આપી છે. મુખ્ય મંત્રી સહિત તમામને યાદી મોકલી આપી છે.

"સરકારે 65 કંપનીઓને નોટિસ મોકલી છે, પણ નોટિસથી સમસ્યાનું સમાધાન થવાનું નથી. પણ કંપની સામે કોઈ કાર્યવાહી કરાતી નથી."

'આર્થિક યોગદાનમાં રત્નકલાકારોનો મોટો ફાળો'

ભાવેશ ટાંક સુરતના રત્નકલાકારો માટે કામ કરે છે અને તેમનો અવાજ સતત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

તેઓ કહે છે કે "હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન કરવામાં નથી આવતું. આ માટે ડાયમંડ વર્કર યુનિયને સતત સરકારને રજૂઆત પણ કરેલી છે. રત્નકલાકારોને પીએફ, ગ્રેજ્યુટી, બૉનસ સહિતના લાભ પણ આપવામાં આવતા નથી."

"જે કારીગર-રત્નકલાકારે કંપનીઓના માલિકોને કમાણી કરાવી આપી, જેના લીધે તેઓ આજે મોટા મોટા બંગલા અને ફાર્મહાઉસમાં રહે છે એ આજે કારીગરો સામે જોતાં નથી. સંકટની સ્થિતિ છે તેવામાં મોટીમોટી કંપનીઓ રત્નકલાકારોને સાથ નથી આપતી. દિવાળી વેકેશનમાં ક્યારેય કારીગરોએ પગારની માગણી નથી કરી, પણ આજે સ્થિતિ જરા જુદી છે."

"સુરતમાં સૌરાષ્ટ્રના અંદાજે પાંચ લાખથી વધુ લોકો હીરાના વ્યવસાય કામ કરે છે. સુરતને ડાયમંડ સિટી તરીકે વિશ્વમાં જાણીતું કરવામાં રત્નકલાકારોનો મોટો ફાળો છે. વિદેશથી નાણું લાવવામાં હીરા ઉદ્યોગનો મોટો ફાળો છે. ગુજરાતને આર્થિક રીતે સમૃદ્ધ કરાવવામાં રત્નકલાકારોનું મોટું યોગદાન છે."

જોકે એવું નથી કે બધા ઉદ્યોગકારો કે કંપનીના માલિકોએ હાથ અધ્ધર કરી દીધા છે.

ભાવેશ જણાવે છે કે "કેટલીક કંપનીઓએ કારીગરોને લૉકડાઉનમાં પગાર પણ આપ્યા છે. કિટ પણ આપી છે. હાલમાં પણ કેટલાક માલિકો કહે છે કે તમારે કંઈ પણ જરૂર હોય તો અમને કહેજો. આવા માલિકોનું સરકારે જાહેરમાં સન્માન કરવું જોઈએ."

સુરતમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતાં ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકા નાથણ ગામના ધીરુભાઈ જણાવે છે કે "હું પરિવારમાં એકલો કમાનારો છું. મારે ચાર દીકરી છે. અમારે પણ વતન જવું છે, પણ કંઈ રીતે જવું એ ખબર નથી. હાલમાં તો ઘરમાં જે પૈસા છે તેનાથી ગુજરાન ચલાવીએ છીએ."

સુરતમાં રહેતા ઉનાના પાચાભાઈ કહે છે કે અમે નાના માણસો છીએ. અહીં ચાલીમાં ભાડે રહીએ છીએ. ડાયમંડ ઉદ્યોગ સહિત નાનાંનાનાં કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ.

ભાવેશભાઈ સહિત અન્ય રત્નકલાકારોની પણ વ્યથા છે કે તેમની પાસે હવે પૈસા ખૂટી જવા આવ્યા છે. ઉછીના-પાછીના કરીને ગુજરાન ચલાવે છે.

ભાવેશ કહે છે અમે રોજનું હજાર-પંદરસો લોકોને ભોજન પૂરી પાડી રહ્યા છે. જેને જરૂર હોય તેને કિટની પણ વ્યવસ્થા કરી આપીએ છીએ. અન્ય લોકોની મદદ પણ લઈએ છીએ.

'ઘરેથી પૈસા મંગાવ્યા છે'

મનસુખભાઈ પત્ની અને બે બાળકો સાથે સુરતમાં રહે છે અને હીરા ઉદ્યોગમાં કામ કરે છે.

મનસુખભાઈ કહે છે કે હાલમાં સરકારે બસો તો મૂકી છે, પણ ગીરસોમનાથને મંજૂરી નથી આપી. ઘરે જવા માટે દોડાદોડી કરીએ છીએ. ઘરમાં જે કંઈ અનાજ પડ્યું છે તેનાથી ચલાવીએ છીએ.

તેઓ કહે છે કે ઘરે ફોન કરીને પૈસા મંગાવ્યા છે. તેના થકી ઘરે જવાની વ્યવસ્થા કરીશું. અમને પ્રક્રિયાની પણ ખાસ ખબર નથી.

મૂળે ભાવનગરના મહુવાના અને હાલમાં સુરત રહેતા મહેશભાઈ કહે છે, "મારા પરિવારમાં સાત સભ્યો છે. સરકારે નક્કી કરેલી બસોમાં જો 30 સભ્યો ન થાય અને મારે મહુવા જવાનું છે તો હું કેવી રીતે જઈ શકું. અને જો પ્રાઇવેટ સાધનની વાત કરું તો એ લોકો તો 1000-1500 રૂપિયા માગે છે. તો આટલા પૈસા અમારે લાવવા ક્યાંથી. આમ પણ હાલમાં પગાર ન થયો હોવાથી પૈસાની તાણ છે."

પરપ્રાંતીયોની વ્યથા

તો ગુજરાતમાં કામ કરતાં પરપ્રાંતીયોને પોતાના વતનમાં પણ મોકલવાની ગુજરાત સરકાર દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

સુરતમાં રહેતા મજૂરોને ઝારખંડ મોકલવામાં આવ્યા હતા.

સાહેબ પંડિત નામના ઝારખંડના મજૂરે જણાવ્યું કે લૉકડાઉન થયા પછી માર્ચ મહિનાના પૈસા મેં શેઠ પાસે માગ્યા હતા. પગાર ન આપ્યો, પાંચ હજાર આપીને કહ્યું કે હિસાબ કરીએ ત્યારે આપીશું. અમે ખાધા વિના મરી રહ્યા છીએ. મૅસેજ પણ કર્યો હતો તોય જવાબ આપ્યો નહોતો. ગામડેથી અમે પૈસા મંગાવ્યા છે અને 720 રૂપિયા ભાડાના ચૂકવ્યા છે.

તો ઝારખંડના ગૌતમકુમાર રાયે જણાવ્યું કે જ્યારે લૉકડાઉન થયું ત્યારથી ઘણી મુશ્કેલીઓ વેઠી રહ્યા છીએ. ખાવાપીવાનું વધુ સમસ્યા હતી. પૈસા પણ નહોતા. પણ હવે ઘરે જવાનું હોવાથી થોડી રાહત થઈ છે, સારું લાગે છે.

પોતાના વતન પરત ફરતા મોટા ભાગના લોકોનું કહેવું હતું કે હવે તેઓ સુરત પાછા નહીં આવે.

મુખ્ય મંત્રીના અગ્ર સચિવ અશ્વિની કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુખ્ય મંત્રીએ તમામ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કૉન્ફરન્સથી બેઠક કરી હતી અને પરપ્રાંતીયોને યોગ્ય રીતે તેમના વતન પહોંચાડવાની કામગીરી કરવા જણાવ્યું હતું.

અશ્વિની કુમારે જણાવ્યું હતું કે 39 ટ્રેનમાં કુલ 46 હજાર જેટલા પરપ્રાંતીયો-શ્રમિકોને યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશા જવા માટે રવાના કર્યા છે.

કેવી રીતે વતનમાં જવું?

ગુજરાત સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણે એક બસમાં 30 લોકોને જવાની પરવાનગી આપી છે. ગ્રૂપના એક આગેવાને બધાના ફોર્મ ભરીને મોકલવાના હોય છે.

બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં રાજ્યકક્ષાના પરિવહનમંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે "પહેલાં ખાનગી બસોથી રત્નકલાકારોને મોકલવાનું નક્કી થયું હતું, પરંતુ કલેક્ટર સાથેની મિટિંગ બાદ ગુજરાત સરકારની એસટી બસોમાં રત્નકલાકારોને મોકલવામાં આવશે અને એક બસમાં માત્ર 30 મુસાફરોને બેસી શકશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જળવાય. સાત તારીખથી વતન પરત જવાની વ્યવસ્થા કરવામાં આવશે."

બસમાં જવાની પ્રક્રિયા અંગે તેઓ ભાવેશ ટાંક જણાવે છે કે એસટી બસમાં 30 લોકોનું એક ગ્રૂપ બનાવવાનું હોય છે. ગ્રૂપ લિડરે એસટી ડેપો પરથી ફોર્મ મેળવીને બધા લોકોના દસ્તાવેજ લઈને ફોર્મ વિગત સાથે ભરીને જમા કરાવવાનું હોય છે. કલેક્ટર કચેરીએ પરમિશન મળે પછી એકસાથે બધાએ પૈસા ભરવાના હોય છે. જે બસમાં જવાનું હોય એ બસમાં બધાએ ફરજિયાત માસ્ક પહેરવાના હોય છે અને ગ્રૂપ લિડર પાસે સેનિટાઝર પણ હોવું જોઈએ.

ભાવેશ ટાંકે સરકારે જે ભાડું નક્કી કર્યું છે એનું લિસ્ટ બીબીસીને મોકલ્યું છે.

એ પ્રમાણે સુરતથી અમદાવાદનું સિંગલ ભાડું 185 રૂપિયા અને 30 સીટનું ભાડું 5550 રૂપિયા થાય છે.

એવી જ રીતે સુરતથી અમરેલીના એક વ્યક્તિના 255 રૂપિયા, બોટાદના 220 રૂપિયા, ભાવનગરના 220 રૂપિયા, જૂનાગઢના 285 રૂપિયા નક્કી કર્યા છે.