શું લૉકડાઉનમાં ડાયમંડ સિટી સુરતની ચમક ઘટી રહી છે?

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સુરત ગુજરાતના ડાયમંડ સિટીની સાથે-સાથે ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું હબ પણ છે.

કોરોના વાઇરસના સંક્રમણની ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી ચિંતાજનક પરિસ્થિતિ સુરતમાં છે.

સુરત દેશનાં એ 20 શહેરોમાંથી એક છે, જ્યાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને મૉનિટર કરવા માટે કેન્દ્ર સરકારની ટીમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એક તરફ સુરત કોરોના મહામારીના સંકટ સામે લડી રહ્યું છે ત્યારે શહેરની ઓળખ એવા હીરા અને ટેક્સ્ટાઇલના ઉદ્યોગ બંધ પડ્યા છે અને તેમાં કામ કરતા લાખો મજૂરો બેહાલ છે.

ઉદ્યોગપતિઓ અને તંત્ર દાવો કરે છે કે તેઓ મજૂરોની મદદ કરે છે છતાં 22 માર્ચે જનતા કર્ફ્યૂ અને હવે લૉકડાઉનના ત્રીજા તબક્કા વચ્ચે પ્રવાસી કામદારોના અસંતોષનાં દૃશ્યો અનેક વખત જોવા મળ્યાં છે.

સુરતમાં ઠેર-ઠેર કામદારો રસ્તા પર આવ્યા અને ક્યાંક-ક્યાંક ચકમક ઝરી, પથ્થરમારો થયો તો એકાદ-બે ઘટનામાં પોલીસ સાથે ઘર્ષણ થયું.

ગુજરાત સરકારે હાલમાં મજૂરોને તેમના વતન જવાની પરવાનગી આપી હતી પરંતુ અન્ય રાજ્યો તરફથી પરવાનગી ન મળતાં મજૂરો રાજસ્થાન, મધ્ય પ્રદેશની સરહદ પર ફસાઈ રહ્યા હતા.

હીરાઉદ્યોગ પર અસર

સુરતનો હીરાઉદ્યોગ લાખો મજૂરોને રોજગારી પૂરી પાડે છે, જેમાં રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી આવતા કામદારો સામેલ છે.

ગુજરાતના જેમ ઍન્ડ જ્વેલરી ઍક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચૅરમૅન દિનેશ નાવડિયાનું કહેવું છે કે ઉદ્યોગપતિઓએ માર્ચ મહિનાના પગાર આપ્યા અને ભોજન આદિ વસ્તુઓની સહાય પણ મોટા પ્રમાણમાં કરી છે.

હીરાઉદ્યોગની મુશ્કેલીની વાત કરતા દિનેશ નાવડિયા કહે છે કે ગુજરાતમાં સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સ આવી ત્યારથી એટલે કે 22 માર્ચના જનતા કર્ફ્યૂ પહેલાંથી કેટલાંક યુનિટ્સ બંધ થઈ ગયાં હતાં.

તેમનું કહેવું છે કે ભારતમાંથી હીરાઉદ્યોગમાંથી 95 ટકા પ્રૉડક્ટની નિકાસ થાય છે, જેમાંથી અમેરિકામાં લગભગ 40 ટકા, હૉંગકૉંગમાં 38 ટકા અને ચીનમાં લગભગ ચાર-પાંચ ટકા અને યુરોપના દેશોમાં 15 ટકા જેટલી નિકાસ થાય છે.

તેમણે કહ્યું કે કોરોના સંક્રમણને કારણે વિશ્વનું બજાર જ્યારે બંધ છે ત્યારે ગુજરાતના બજાર પર તેની સીધી અસર થઈ છે.

હીરાઉદ્યોગમાં સુરત પૉલિશિંગની કારીગરીનું હબ ગણાય છે. પાંચ લાખથી વધારે લોકો આ કામ સાથે જોડાયેલા છે.

તેમનું કહેવું છે કે જ્યાર સુધી સુરત રેડ ઝોનમાં છે ત્યાં સુધી કોઈ પણ કામ શરૂ કરી નહીં શકાય.

તેઓ કહે છે કે સુરત અને મુંબઈનાં ડાયમંડ પૉલિશિંગ યુનિટ ચાલુ નહીં થાય ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી અને પાલનપુર જેવા જિલ્લાઓમાં નાનાં-નાનાં યુનિટમાં પણ કામ નહીં થઈ શકે.

જોકે દિનેશ નાવડિયાએ બીબીસીને જણાવ્યું કે સુરતથી હૉંગકૉંગ નિકાસ ચાલુ થઈ છે અને બહુ ઓછાં યુનિટ્સમાં કામ ચાલુ છે.

હીરાઉદ્યોગના વેપારીઓનું કહેવું છે કે હીરા અને જ્વેલરી એક લગ્ઝરી આઇટમ છે અને આવા મુશ્કેલ સમયમાં જ્યારે અનિશ્ચિતતાનો માહોલ છે ત્યારે હીરાની ખરીદી વિશે લોકો નહીં વિચારે એ દેખીતી વાત છે.

આની માઠી અસર વેપારીઓ અને કામદારો પર પડી છે.

'મજૂરો સમજે છે કે આગળ કપરો સમય છે'

દિનેશ નાવડિયા કહે છે કે સુરતના હીરાબજારમાં લગભગ સાત લાખ કામદાર કામ કરતા હતા, જેમાંથી આશરે બે લાખ જેટલા તેમના વતન પાછા ગયા છે.

દિનેશ નાવડિયા કહે છે કે હીરાઉદ્યોગને કેટલું નુકસાન થયું છે તેની કલ્પના નથી કરી શકતો. જો લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવે અને ઉદ્યોગો ચાલુ કરવાનો સમય આવે તો પણ સુરતમાં 30-35 ટકા જેટલા એકમો જ ચાલુ થઈ શકે છે કારણકે બજારમાં કોઈ માગ પણ નથી અને સુરતમાં એટલા મજૂરો પણ નથી.

તેમનું કહેવું છે કે માર્ચ મહિનાનો પગાર મોટાભાગના બધા હીરાવેપારીઓએ મજૂરોને આપ્યો હતો. વેપારીઓએ એપ્રિલ મહિનામાં પણ મજૂરોને પૈસા અને ભોજનની કિટ આપી હતી.

તેઓ કહે છે કે મજૂરોને પણ પરિસ્થિતિ સમજાઈ રહી છે કે હીરાઉદ્યોગને ફરીથી પહેલાંની જેમ ધમધમતો થવામાં સમય લાગશે અને આવનારા દિવસો કપરા રહેવાના છે. તેઓ પોતાના વતન જવા માટે વ્યાકુળ છે.

તેમનું કહેવું છે કે આવનારા દિવસોમાં વેપારીઓ માટે કામદારોને પગાર આપવામાં મુશ્કેલી થશે.

પાંચ હજારથી વધારે કર્મચારીઓ ધરાવતી એક કંપનીના માલિકે નામ ન આપવાની શરતે કહ્યું કે સૌરાષ્ટ્રના જેટલા કામદારો સુરતમાં છે તેમને જો પહેલાંથી ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હોત તો તેઓ પોતાના ગામમાં ખેતી તો કરી શક્યા હોત.

તેઓ કહે છે કે આવનારા દિવસોમાં કામ કરવાની ઢબ પણ બદલવી પડશે. અત્યારે તો સરકાર ક્વોરૅન્ટીન અને સારવાર વગેરેનો ખર્ચ આપે છે પરંતુ આવનારા સમયમાં ઉદ્યોગ ખોલવા પર આ પ્રકારના ખર્ચા અને ખતરાની જવાબદારી વેપારીઓ પર આવશે.

તેઓ એમ પણ કહે છે કે સુરતના હીરા ઉદ્યોગમાં ફેરફારો આવ્યા છે, હવે ઉદ્યોગપતિઓ સામાજિક જવાબદારીને સમજે છે અને જરૂર પડ્યે મદદ માટે આગળ પણ આવે છે.

દિનેશ નાવડિયા કહે છે કે અનેક સ્વયંસેવી સંસ્થાઓ મદદ કરવા આગળ આવી છે, અમારી કાઉન્સિલે પાંચ કરોડ રૂપિયાની સહાય મજૂરો માટે કરી છે.

ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી પર અસર

સુરતમાં ટેક્સ્ટાઇલઉદ્યોગ પણ લાખો કામદારોને રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગમાં 80-90 ટકા કામગાર પ્રવાસી મજૂર છે.

ત્યારે જાણકારોનું કહેવું છે કે માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન લગ્નગાળા અને રમજાનમાં ટેક્સ્ટાઇલઉદ્યોગ 35-40 ટકા ધંધો કરી લેતું હોય છે, પરંતુ આ વર્ષના આ ત્રણ મહિનામાં કામ બંધ હોવાને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ટેક્સ્ટાઇલઉદ્યોગમાં ત્રણ પાંખ હોય છે જેમાં વીવર્સ, પ્રોસેસર્સ અને ટ્રેડર્સ આવે છે, જે કડીઓની જેમ જોડાયેલા છે. હાલ ટેક્સ્ટાઇલઉદ્યોગની આખી પ્રક્રિયા ઠપ થયેલી છે.

સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસર ઍસોસિયેશનના પ્રમુખ જીતુભાઈ વખારિયાનું કહેવું છે કે 325 જેટલા ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ હાઉસ બંધ છે, પાંચથી છ લાખ લૂમ્સ બંધ છે, જેના પર વીવિંગનું કામ થાય છે. કર્ફ્યૂને કારણે સુરતમાં કાપડના માર્કેટની 60થી 65 હજાર દુકાનો બંધ છે.

ટેક્સ્ટાઇલઉદ્યોગો સાથે જોડાયેલા આગેવાનો જણાવે છે કે 80 ટકા જેટલા કામદારો ગુજરાતની બહારના છે. આમાં ઉત્તર પ્રદેશ, બિહાર ઝારખંડ, રાજસ્થાન અને ઓડિશાના કામગારો સામેલ છે.

જીતુભાઈ વખારિયાનું કહેવું છે કે પાંચ-છ લાખ કારીગર વીવિંગમાં કામ કરતા હોય છે ત્યારે આખા ઉદ્યોગમાં દસ લાખ કરતાં વધારે મજૂરો કામ કરે છે.

સુરતના ઉદ્યોગપિતઓનું કહેવું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સ આવ્યા પછી વેપારીઓએ માર્ચની 20 તારીખ આસપાસ જ કામ બંધ કરવું પડ્યું હતું.

વેપારીઓ સામે મુશ્કેલી એ છે કે લૉકડાઉન ખુલ્યા પછી પણ કાપડની માગ પહેલાંના સ્તરે પહોંચવામાં સમય લાગશે.

સૂડી વચ્ચે સોપારી

કેટલાક ઉદ્યોગપતિઓનું કહેવું છે કે હોલસેલ માર્કેટમાં કરેલા વ્યાપારમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના પૅમેન્ટ પણ હજી બાકી છે. વેપારીઓ પાસે કામ કરાવવા માટે પણ નાણાં જ નથી.

જીતુભાઈ વખારિયાનું અનુમાન છે કે અત્યારે સરેરાશ દર મિલને મહિને એક કરોડનું નુકસાન તો થઈ જ રહ્યું છે. 100-125 કરોડ રૂપિયાનું નુકસાન દરરોજ સુરતના ટેક્સ્ટાઇલઉદ્યોગને થઈ રહ્યું છે.

તેઓ ઉમેરે છે કે અમારી પરિસ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. સરકારે કહ્યું કે મજૂરોને પગાર આપો, સગવડ આપો, ભોજન આપો, પરંતુ ઉદ્યોગ બંધ હોય અને કમાણી ઠપ હોય તો પગાર ક્યાંથી આપીએ.

તેમનું કહેવું છે કે સરકારે મજૂરોની સમસ્યાની વાત તો કરી પરંતુ વેપારીઓને વીજળીના બિલ ભરવાની છૂટ આપી તેમાંય વ્યાજ તો લેવાની જ. મધ્યમ વર્ગના ઉદ્યોગપતિઓ માટે શું રાહત આપી છે?

ફૅડરેશન ઑફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશનના પ્રમુખ મનોજ અગ્રવાલનું કહેવું છે કે જીએસટીને કારણે પહેલાંથી ટેક્સ્ટાઇલઉદ્યોગના લોકો પરેશાન હતા અને હવે કોરોના સંક્રમણે તો આખી દુનિયાના બજારોને હચમચાવી દીધા છે.

તેમનું કહેવું છે કે ટેક્સ્ટાઇલઉદ્યોગમાં વીવર્સ, પ્રોસેસર્સ, ટ્રાન્સપૉર્ટ, ટ્રેડર્સની આખી ચેઇનમાં કરોડોનો માલ ફસાયેલો છે.

તેમણે જણાવ્યું કે સુરતમાં ટેક્સ્ટાઇલની જથથાબંધ બજારમાં લગભગ 65 હજાર દુકાન છે. પાંચથી છ લાખ કામદારો ટ્રેડર્સ માર્કેટમાં કામ કરતા હોય છે.

તેમનું કહેવું છે કે અનેક મજૂરો એક ઓરડામાં રહેતા હોય છે. અલગઅલગ શિફ્ટમાં કામ કરતા હોય છે, એટલે નાની જગ્યામાં કામ ચલાવી લેતા હોય છે. પરંતુ કામ બંધ થતા નાના ઓરડામાં તેઓ ભેગા થાય તો રહેવા માટે મુશ્કેલ બની ગયું હતું.

તેમનું કહેવું છે કે પાડોશી રાજ્યોમાં તો મજૂરો પગપાડા અથવા પોતાના પૈસા ખર્ચીને બસ કે અન્ય વાહન ભાડે લઈને ગયા છે, એ જલદી પાછા આવવાનું કેવી રીતે વિચારશે? આવનારા દિવસોમાં જો ઉદ્યોગનો 10-20 ટકા ભાગ જ ખૂલશે.

મનોજ અગ્રવાલના કારખાનામાં કામ કરતા મજૂરો ઝારખંડ સ્થિત પોતાના ગામ જતા રહ્યા છે, એવું તેમણે જણાવ્યું હતું.

તેમનું કહેવું છે કે ટેક્સ્ટાઇલઉદ્યોગમાં કામ કરતા મજૂરોને માર્ચ મહિનાના પગાર તો આપવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં ભોજન અને પૈસાની મદદ કરી હતી.

મનોજ અગ્રવાલનું કહેવું છે કે સુરતમાં હજી પણ મોટી સંખ્યામાં પ્રવાસી કામગાર છે અને તે લોકો પોતાના વતન જવા આતુર છે.

સત્તાધીશોનું શું કહેવું છે?

હાલમાં જ મોટી સંખ્યામાં પ્રવાસી કામદાર પોતાના વતન જવા માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે ભેગા થયા હતા.

લૉકડાઉનના ત્રીજા તબક્કામાં અન્ય રાજ્યોમાં કામ કરવા ગયેલા પ્રવાસી મજૂરોને વતન મોકલવા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતમાં તેને લઈને પણ વિવાદ થયો છે. મજૂરોને પોતાના ખર્ચે બસ અને વાહન ભાડે લઈને જવા ફરજ પડી હતી, તો કેટલાક મજૂરોનું કહેવું છે ઘરેથી પૈસા મગાવીને તેઓ વતન પાછા ગયા છે.

મજૂરોનું કહેવું છે કે તેમને મદદ ક્યાંથી મળશે એ બાબતે પણ તેમને કોઈ સ્પષ્ટતા નથી.

નવસારીના સાંસદ સી આર પાટિલે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે સુરતમાં મોટી સંખ્યામાં કામદારો રહે છે અને તે લોકો લૉકડાઉનમાં શાંતિપૂર્વક રહ્યા છે.

તેમનું કહેવું છે કે મુંબઈ પછી કદાચ સુરત જ એવું શહેર છે, જ્યાં આટલા મોટા પ્રમાણમાં પ્રવાસી મજૂરો રહે છે.

સી આર પાટિલનો દાવો છે કે અમુક લોકોએ મજૂરોને ભડકાવ્યા હતા એટલે છમકલાં થયાં પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જેમના પર તેઓ ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

તેમના પર કોઈ પગલાં લેવામાં આવ્યાં તો તેમનું કહેવું હતું કે અત્યારે કોરોનાની પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે.

ત્યારે સુરતમાં મજૂરાના વિધાયક હર્ષ સંઘવીએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે પ્રવાસી કામગારો સુરતના લોકોના જીવનનો અભિન્ન અંગ છે. તેઓ જે પરિસ્થિતિમાં જીવતા હોય છે તેમાં પણ સુધારો કરવાની જરૂર છે.

મજૂરોની સારસંભાળ લેવાની જવાબદારી તેમણે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પર નાખી હતી.

તેમણે કહ્યું કે જે મજૂરોના પરસેવા અને મહેનતના સહારે ઉદ્યોગપતિઓએ કમાણી કરી છે, તેમાંથી માનવતાના ધોરણે થોડી મદદ કામગારોની કરવી જોઈએ.

સી આર પાટિલ અને હર્ષ સંધવી બંનેએ દાવો કર્યો કે સુરતમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો નહીં રહ્યો હોય કારણકે સંખ્યાબંધ સ્વયંસેવી સંસ્થાઓએ પણ ભોજન અને કિટ પહોંચાડવામાં જબરદસ્ત મદદ કરી છે.

સુરતના વેપાર અને ઉદ્યોગોને ફરી બેઠાં કરવા માટે સરકાર આવનારા દિવસોમાં જાહેરાત કરશે, તેવી બાંયધરી પણ આપી હતી.

તેમનું કહેવું હતું કે આવનારા દિવસોમાં જ્યારે આ ઉદ્યોગોનું કામકાજ ફરી શરૂ થશે ત્યારે મજૂરો વિના કામ નહીં થઈ શકે, એટલે જે લોકોને સાચે જ જરૂરી હોય તે લોકો જ પરત વતન જાય, માત્ર કંટાળો આવે છે એટલે ઘરે જવું છે એ જીદ યોગ્ય નથી.

જોકે હર્ષ સંઘવીએ કહ્યું કે જે મજૂરો વતન ગયા છે તેમને પરત લાવવાની પણ યોજના પર સરકાર કામ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો