ટિકિટના ખર્ચ મુદ્દે કૉંગ્રેસ-ભાજપ સામસામે પરંતુ પરપ્રાંતીય શ્રમિકો ઠેરના ઠેર

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

પરપ્રાંતીય મજૂરોને પાછા પોતાના વતન પહોંચવા માટે ટિકિટનો ખર્ચ ઉપાડવાની કૉંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીની જાહેરાત બાદ કૉંગ્રેસના કાર્યકર્તાઓ સક્રિય થયા છે. જોકે, શ્રમિકો હજી પણ ટિકિટ માટે પૈસા ચૂકવી રહ્યા છે.

શ્રમિકોની ટિકિટના પૈસા બાબતે કૉંગ્રેસ અને ભાજપ સામે આવી ગયા છે પરંતુ તેનાથી શ્રમિકોની સ્થિતિમાં હજી કંઈ ફેર નથી પડી રહ્યો.

સોનિયા ગાંધીની જાહેરાત મુજબ ગુજરાતમાં શ્રમિકોનો સંપર્ક કરવાનો તથા તેમનો ટિકિટ ખર્ચ ચૂકવવાનો પ્રયાસ કૉંગ્રેસ કરી રહી છે.

જોકે, કૉંગ્રેસનો આરોપ છે કે તે માટે રાજ્ય સરકાર અને વિવિધ કલેક્ટર કચેરીઓ તરફથી તેમને સહકાર નથી મળી રહ્યો.

બીજી તરફ ગુજરાત સરકારનો દાવો છે કે તે આ મુદ્દે સંવેદનશીલ રીતે વર્તી રહી છે અને મજૂરોને પરત મોકલવા સમગ્ર દેશમાં સૌથી વધારે ટ્રેનો દોડાવતું રાજ્ય એક માત્ર ગુજરાત છે.

ટિકિટના ખર્ચને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે ત્યારે બીબીસીના સહયોગી કલ્પિત ભચેચે માહિતી આપી છે કે અમદાવાદમાં શ્રમિકો પાસેથી પ્રતિવ્યક્તિ 600 રૂપિયા કલેકટર કચેરીના અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે .

ઉલ્લેખનીય છે કે સરકારનું કહેવું છે કે પ્રવાસનો 85 ટકા ખર્ચ તે ભોગવે છે અને 15 ટકા ખર્ચ શ્રમિક ભોગવે છે.

અમદાવાદમાં બુધવારે શ્રમિકો પાસેથી ટિકિટ ખર્ચ પેટે 600 રૂપિયા લેનાર અધિકારીએ બીબીસીના સહયોગી કલ્પિત ભચેચને કહ્યું કે આ અંગે કોઈપણ સરકારી પરિપત્ર કે જાહેરનામું ન હોવાથી નિયમ મુજબ ચાર્જ લેવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન સુરતમાં બીબીસીના સહયોગી ધર્મેશ અમીન સાથેની વાતચીતમાં કેટલાક પરપ્રાંતીય શ્રમિકોએ એમ પણ કહ્યું કે સરકારે મફત મોકલીશું એમ કહ્યું હતું પરંતુ તેમની પાસેથી ટિકિટ કરતાં પણ વધારે પૈસા વસૂલવામાં આવે છે.

સુરતમાં શ્રમિકોએ શું વાતચીત કરી તે જુઓ આ વીડિયોમાં.

કૉંગ્રેસનો પત્ર અને વિવાદ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ મંગળવારે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને એક પત્ર મારફતે મદદની વિનંતી કરી છે.

તેમણે એ પત્રમાં લખ્યું છે કે, ચીફ સેક્રેટરી તમામ કલેકટરને લખે કે કલેક્ટર કચેરીઓ કૉંગ્રેસ પાર્ટીને રેલવેથી પ્રવાસ કરનારા લોકોની યાદી આપે જેથી તેઓ શ્રમિકોની તમામ ટિકિટોનું ચૂકવણું કરી શકે.

કેવી રીતે મજુરોની ટિકિટ થઇ રહી છે. સામાન્ય પ્રક્રિયા પ્રમાણે જે વ્યક્તિને કોઈ બીજા રાજ્યમાં જવું હોય તો તેમણે ઑનલાઇન ફોર્મ ભરીને પોતાના મોબાઇલ નંબર સાથેની વિગતો આપવાની હોય છે.

આ ફોર્મ જે તે કલેક્ટર ઑફિસમાં પહોંચે છે અને ત્યાંથી મોબાઇલ નંબર ઉપર રેલવે ટિકિટની વિગત એસએમએસ મારફતે ફોર્મ ભરનાર વ્યક્તિ સુધી પહોંચે છે.

આ એસએમએસ જે તે વ્યક્તિએ રેલવે સ્ટેશન ઉપર બતાવીને ટિકિટના પૈસા ભરવાના હોય છે. ત્યારબાદ તેમને ટિકિટ આપવામાં આવે છે. આ રીતે આ શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં પ્રવાસ કરી શકે છે.

શું આરોપો છે કૉંગ્રેસનો?

જે પરપ્રાંતીય શ્રમિકો ઑનલાઇન નોંધણી કરીને વતન જવા માગે છે તેમની ટિકિટનો ખર્ચ કૉગ્રેસ પાર્ટી ઉપાડવા ઇચ્છે છે.

આ માટે કૉંગ્રેસ પાર્ટીની વિવિધ સમિતિઓએ કલેક્ટર ઑફિસમાં જઈને આ શ્રમિકોની યાદીની માગણી કરી પરંતુ કલેક્ટર ઑફિસે યાદી આપવાનો ઇનકાર કરતા કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે.

ખેડા જીલ્લાનાં કૉંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેમણે કલેક્ટર સાથે વાત કરી પરંતુ કલેક્ટરે આ લિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના સભ્યોને આપવા માટેનું કોઈ નોટિફિકેશન તેમની પાસે નથી તેમ જણાવી યાદી આપવા ઇનકાર કર્યો.

જો કે ખેડા કલેક્ટર આઇ.કે. પટેલનો બીબીસીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. ઝાલા કહે છે કે, તેમના જીલ્લામાં લગભગ ૭૦૦૦ જેટલા પરપ્રાંતીય મજુરો કામ કરે છે, પરંતુ તેમને મદદ કરવા માટે ભાજપ સરકાર તેમને રોકી રહી છે.

તો કૉંગ્રેસ પરપ્રાંતીય શ્રમિકોને મદદ કરવા શું કર્યું?આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે જ્યારે અમને યાદી ન મળી શકી તો પણ અમે શક્ય એ દરેક રીતે શ્રમિકોનો ટિકિટ ખર્ચ ચૂકવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.

હાલમાં દરેક જિલ્લામાં કૉંગ્રેસે પોતાના કાર્યકરો મારફતે વિવિધ રાજ્યો માટે એક-એક કાર્યકરની નિમણૂક કરી છે.

જેમ કે ખેડા જિલ્લામાં અટવાયેલા ઉત્તર પ્રદેશનાં શ્રમિકો માટે તોરેખાન પઠાણની નિમણૂક કરવામાં આવી છે.

આવી જ રીતે રાજસ્થાનના શ્રમિકો માટે માટે મહેન્દ્રસિંહ રાણાની નિમણૂક કરવામાં આવી છે.

કૉંગ્રેસે આ કાર્યકર્તાઓનાં નંબરો જિલ્લામાં પ્રસારિત કર્યા છે અને લોકો તેમનો સંપર્ક પણ કરી રહ્યાં છે.

શક્તિસિંહ ગોહિલે બીબીસીને જણાવ્યું કે પ્રવાસ કરનાર વ્યક્તિ જો ટિકિટ બુક થઈ ગયા બાદનો મેસેજ જે તે કાર્યકર્તાને પહોંચાડી દેશે તો તેમના વતી તેમની ટિકિટની રકમની ચૂકવણી તે કાર્યકર્તા રેલવે સ્ટેશન પર જઈને કરી દેશે. હાલ જ્યારે કૉંગ્રેસ પાર્ટી સીધી રીતે આખી ટ્રેનનું પેમેન્ટ કલેક્ટર ઑફિસ મારફતે નથી કરી શકતી ત્યારે આવી રીતે પરપ્રાંતીય શ્રમિકોની ટિકિટની સગવડ કરાઈ રહી છે તેમ ગોહિલ જણાવે છે.

'રાજ્ય સરકાર સહકાર નથી કરી રહી'

કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, કૉંગ્રેસ પાર્ટીએ રેલવેમાં ચૂકવણી કરી આખી ટ્રેનની બુકિંગ કરવાની વાત કરી પરંતુ રેલવે ખાતાએ તે માટે ઇનકાર કરી દીધો છે.

મોઢવાડિયા જણાવે છે કે, શ્રમિક એક્સપ્રેસ ટ્રેન માત્ર રાજ્ય સરકારાના આદેશ પછી ચલાવી શકાશે એવું સરકાર કહે છે અને રાજ્ય સરકારના અધિકારીઓ અમને સહકાર કરી નથી રહ્યાં. શું કહેવું છે સરકારનું?સોમવારે પોતાની ઑનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય મંત્રીના ખાસ સચિવ અશ્વિની કુમારે કહ્યું હતું કે દરેક પરપ્રાંતીય શ્રમિકે પ્રવાસનો ખર્ચ પોતે જ ભરવાનો રહેશે.

જોકે, સમાચાર સંસ્થા પીટીઆઈના મંગળવારના એક સમાચાર પ્રમાણે ગુજરાત સરકારે કહ્યું છે કે તે પોતે ટિકિટના પૈસા ઉઘરાવે છે પરંતુ તે પૈસા સીધા રેલવે ખાતામાં જમા થાય છે.ગુજરાત સરકારનું કહેવું છે કે પોતે ટિકિટ પેટે મળેલી કોઈ રકમ પોતાની પાસે રાખતી નથી અને શ્રમિકો પાસેથી કોઈ ચાર્જ વસૂલતી નથી.

'શ્રમિકો પાસે પૈસા નથી એવી ફરિયાદ આવી'

કૉંગ્રેસના આરોપોની સામે જ્યારે બીબીસી ગુજરાતીએ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો સંપર્ક કર્યો તો તેઓ ઉપલબ્ધ ન હતા.

આ સિવાય શ્રમ અને રોજગારી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ કહ્યું, "શ્રમિકો પાસે ટિકિટ માટે પૈસા નથી એવી કોઈ જ ફરિયાદ હજી સુધી મારી પાસે આવી નથી."

એમણે કહ્યું , "લોકો પોતાના વતન જલદી નથી જઈ શકી રહ્યાં તેનું કારણ સામેવાળા રાજ્યનું પણ આયોજન છે."

તેઓ કહે છે કે જે રાજ્યમાં ટ્રેન જવાની છે તે રાજ્યે પણ આવનાર લોકોનું સ્ક્રીનિંગ સહિત યોગ્ય તૈયારીઓ કરવાની હોય છે.

કેટલા પરપ્રાંતીય શ્રમિકો પરત ફર્યા?

અશ્વિની કુમારે પત્રકારપરિષદમાં કહ્યું હતું , "હજી સુધી રાજ્યમાંથી લગભગ ૩.૨૫ લાખ પરપ્રાંતીય મજુરો રેલ અને રોડ મારફતે પોતાના વતન પાછા પહોંચી શક્યા છે."

તેમણે કહ્યું કે "મંગળવાર સુધી 35 ટ્રેનમાં 45,000 જેટલા પરપ્રાંતીય શ્રમિકોએ વતનનો પ્રવાસ ખેડ્યો છે."

આ ઉપરાંત ગુજરાત સરકારની અખબારી યાદીમાં અશ્વિની કુમારે કહ્યું ," બુધવારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટથી કુલ 30 ટ્રેનો દ્વારા 82,800 મજૂરોને પરત મોકલવામાં આવશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો